નોંધ : લખનૌનાં દિવ્યાંગ મહિલા અરુણિમા સિંહાએ 21મી મે, 2013ના દિવસે બપોરના પ વાગ્યે એવરેસ્ટ પર આરોહણ શરૂ કર્યું અને બીજે દિવસે સવારે 10:55 મિનિટે એવરેસ્ટ શિખર સર કર્યું હતું. શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને વરેલાં કુ. અરુણિમાની સ્વામી નિખિલેશ્વરાનંદ સાથેની રૂબરૂ મુલાકાત અહીં પ્રસ્તુત છે.
સ્વામીજી : તું જ્યારે એવરેસ્ટ શિખરે પહોંચી તે ક્ષણે તારી પ્રતિક્રિયા શી હતી ?
અરુણિમા : મહારાજ, મારા જીવનની એ એક અસાધારણ ક્ષણ હતી. ભગવાનની કૃપાથી મારું સ્વપ્ન પૂર્ણ થઈ શક્યું.
સ્વામીજી : એવરેસ્ટ શિખરે તું કેટલો સમય રહી ?
અરુણિમા : હું ત્યાં આઠથી દસ મિનિટ હતી. એ સમયે એક જ વાત મારા મનમાં ચાલતી હતી કે આ 8,10 મિનિટ માટે કેટલો પરિશ્રમ કરવો પડ્યો ! (એવરેસ્ટ શિખરે પહોંચીને અરુણિમાએ ત્યાં ભારતના ધ્વજનું સ્થાપન કર્યું અને મહારાજે અરુણિમાને ઠાકુર, મા અને સ્વામીજીની જે છબીઓ આપી હતી તેમને ત્યાં મૂકીને પૂજા કરી. મહારાજે કહ્યું કે તે સમયે અરુણિમાએ મનને સ્થિર રાખીને ઠાકુરની પૂજા અને પ્રાર્થના કરી તે તો એક અસાધારણ કૃત્ય કહેવાય.)
અરુણિમા : તે સમયે મારું ઓક્સિજન સિલિંડર પૂરું થવામાં હતું. બેઈઝ કેમ્પથી ખબર મળ્યા કે અમારે જેમ બને તેમ જલદી નીચે ઊતરી જવું જોઈએ.
સ્વામીજી : તારો ઓક્સિજન ખલાસ થતો હતો એટલે તારા માટે જીવનું જોખમ છે તેની તે ક્ષણે તને ખબર હતી. તું જાણતી હતી કે હવે આટલો જ ઓક્સિજન બાકી છે છતાં તે રાષ્ટ્રધ્વજનું આરોપણ કર્યું પછી તેં બે મિનિટની એક ફિલ્મ ઉતારી ! તેં કહ્યું- મને આટલી વાતથી અત્યંત આનંદ થયો છે. હું યુવા સમાજને એક સંદેશ આપવા માગું છું – તમે પોતાનું એક લક્ષ્ય નિર્ધારિત કરો અને એ લક્ષ્ય સુધી પહોંચો. ઠાકુર, મા અને સ્વામીજીની પૂજા કરવી પડશે, એ વાત તારા મનમાં યાદ કેવી રીતે રહી ગઈ ?
અરુણિમા : હું તો એક ક્ષણ માટે પણ શ્રીઠાકુર, મા અને સ્વામીજીને ક્યાં ભૂલી હતી કે મારે એ યાદ કરવાની જરૂર પડે….
સ્વામીજી : કયો જાપ કરતાં કરતાં તેં એવરેસ્ટનું આરોહણ કર્યું ?
અરુણિમા : જય સ્વામીજી ! જય સ્વામીજી ! બોલતાં બોલતાં હું આગળ વધતી હતી. એવરેસ્ટ પર પહોંચીને ઠાકુર, મા, સ્વામીજીની છબી બહાર કાઢીને, તેની સાથે ‘શંકર ચાલીસા’ બહાર કાઢીને પૂજા કરી. ભગવાનની કૃપાથી આજે મારા માટે એ સ્થળે પહોંચવાનું શક્ય બન્યું. એ સમયે એક શેરપાએ કહ્યું, ‘અહીંથી તો હવે જવું પડશે, નહીંતર જીવતા કઈ રીતે રહીશું ?’ ચડતી વખતે હું વારંવાર ઠાકુરની છબી જોતી હતી. શેરપાએ મને પૂછ્યું, ‘તું વારંવાર આ શું જુએ છે?’ મેં જવાબ આપ્યો, ‘એ તમને નહીં સમજાય, એ મારી ‘શક્તિની કેપસ્યુલ’ છે.’
સ્વામીજી : તેં ત્યાં ઠાકુરની છબી સ્થાપીને તેની પૂજા કરી ત્યારે શ્રીઠાકુરને શી પ્રાર્થના કરી ?
અરુણિમા : ‘હે ભગવાન, આપની કૃપાથી હું અહીં પહોંચી શકી છું, કારણ કે આપે જ મારા મનને શક્તિ અને સાહસ આપ્યાં હતાં.’ જ્યારે ટ્રેન દુર્ઘટનામાં મેં મારો પગ ગુમાવ્યો, ત્યારે હું સાવ ભાંગી પડી હતી. હું જ્યારે ચાર મહિના હોસ્પિટલમાં હતી, ત્યારે કેટલાય લોકો મારી ખબર કાઢવા આવ્યા હતા. તેમને જોઈને મને મનમાં થતું કે મને મારાં આ દુ:ખકષ્ટમાંથી મુક્તિ મળે. કૃત્રિમ પગ સાથે જ્યારે હું એવરેસ્ટ પર પહોંચી ત્યારે મેં શ્રીઠાકુરને પ્રાર્થના કરી, ‘હે પ્રભુ ! મારા જેવા હોય તેમને તું સાહસ આપજે.’ હું જ્યારે પહાડ પર ચડી ત્યારે ચારે બાજુએ પડેલા મૃતદેહ મેં જોયા. એ ભયાનક દૃશ્ય હતું ! એક અદ્ભુત અનુભૂતિ! મેં મૃતદેહોને પ્રાર્થના કરી હતી. હું જાણે કે એમના વતી એવરેસ્ટની યાત્રા પૂર્ણ કરી શકી.
સ્વામીજી : તેં બીજા માટે પ્રાર્થના કરી હતી. એને લીધે જ તું આજે અહીં છો. તેં જે મૃતદેહોને પ્રાર્થના કરી હતી તેમના આશીર્વાદથી જ તું એવરેસ્ટ પહોંચી શકી હતી. ત્યાં જઈને ભગવાનની પૂજા કરીને તારાં જેવાં અન્ય બીજા લોકોનાં દુ:ખ અને કષ્ટ દૂર થાય તેવી તેં પ્રાર્થના કરી હતી. તે પ્રાર્થનાને લીધે જ તું આજે બચી ગઈ છો. તારી પ્રાર્થના આવી હતી – તું બીજા લોકોની સેવા કરવા માગે છે. એટલે તું કોઈ દિવસ એ વાત ભૂલતી નહીં કે ભગવાને તને તારા પોતાના માટે જીવતી રાખી નથી પણ બીજા લોકોની સેવા કરવા માટે તને જીવતી રાખી છે.
અરુણિમા : હા મહારાજ, મને એ વાત બરાબર સમજાય છે કે હું મારા માટે બચી નથી. હું મૃતદેહો વિશે વિચારતી હતી, ‘આપ સૌ એવરેસ્ટ શિખરે પહોંચી શક્યા નથી, પરંતુ હું આપના વતી આ કાર્ય કરવા ઇચ્છું છું. આપ સૌ મને શક્તિ પ્રદાન કરો.’
સ્વામીજી : તેં જે મૃતદેહોને પ્રાર્થના કરી તેઓ તો નિષ્પ્રાણ હતા, તેમનો આત્મા જીવિત છે. એ લોકોએ તને આશીર્વાદ આપ્યા. તેં અંતરના ઊંડાણથી બધા માટે પ્રાર્થના કરી હતી. તેં તારા માટે પ્રાર્થના નહોતી કરી… તું જીવતી પાછી ફરીશ કે નહીં એ કંઈ નક્કી ન હતું.
અરુણિમા : મહારાજ, મારા મનમાં એવું ન હતું.
તે ક્ષણે એકવાર કુટુંબની ચિંતા થઈ.
સ્વામીજી : તે ક્ષણે ભય લાગતો ન હતો ? એ સમયે તારું ચિત્ત આટલું ‘સ્ટેડી-સ્થિરધીર’ કેવી રીતે હતું?
અરુણિમા : તે સમયે શારીરિક રીતે સ્વસ્થ હતી. ટ્રેનનો અકસ્માત થયો ત્યારે મારી સાથે કોઈ હતું નહીં. હું રેલવે લાઈન પર રાત્રિના 1 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી પડી રહી. એ સમયે મને કંઈ ન થયું, તો હવે શું થવાનું હતું ? એવરેસ્ટ ગઈ ત્યારે ભગવાનનો ફોટો અને શેરપા મારી સાથે હતા. મારા ગંતવ્ય સ્થાને પહોંચીને મેં જ્યારે સ્વામીજીની પૂજા કરી, ત્યારે સૌથી વધારે આનંદ અનુભવ્યો. એવરેસ્ટથી હું પથ્થર લાવીશ એવી મારી ઇચ્છા હતી, પણ એ ફળી નહીં. એવરેસ્ટની કોઈ સ્મૃતિ મારી પાસે રહે, મનમાં એવી એક જ વાત હતી.
સ્વામીજી : તને મૃત્યુનો ભય ન લાગ્યો ?….
અરુણિમા : રેલવેના પાટા પર તો મૃત્યુ ન આવ્યું, એટલે અહીં પણ નહીં આવે. એક વાત સ્પષ્ટ હતી કે યમરાજના ખાતામાં મારું નામ ન હતું એટલે તેઓ મને કેમ લઈ જઈ શકે ?
સ્વામીજી : તેં ઠાકુર, મા અને સ્વામીજીની પ્રાર્થના કરીને પછી શું કર્યું ?
અરુણિમા : થોડો સમય ફોટા પાડ્યા. પછી નીચે ઊતરવાનું શરૂ કર્યું. શેરપાને એક ઓક્સિજનનું સિલિંડર મળ્યું. મને ઓક્સિજન મળ્યો. ત્યાં 250 કિ.મિ.ની ઝડપે પવન ફૂંકાયો. શક્ય તેટલી ઝડપે નીચે ઊતરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ઊતરતી વખતે પહાડની પેલી બાજુ કંઈક બેઠું હોય એવું મનમાં થયું. મેં શેરપાને પૂછ્યું કે પેલી બાજુ કોણ બેઠું છે ? તેણે જવાબ આપ્યો કે કંઈ દેખાતું નથી, એ ભ્રમ છે. નીચે ઊતરવા માંડૉ.
સ્વામીજી : એ ભ્રમ ન હતો. વાસ્તવિક રીતે સ્વામી વિવેકાનંદ જોતા હતા. તેઓ તારું ધ્યાન રાખીને કહેતા હતા, ‘હું મૃત્યુ પામીશ, શરીર છોડી દઈશ, પણ આત્મા કાયમ રહેશે.’ તેં સ્વામીજી પાસે જે પ્રાર્થના કરી તે બધાંના કલ્યાણ માટે હતી. એટલે સ્વામી વિવેકાનંદ તું જ્યારે ચડતી હતી અને એવરેસ્ટ પરથી નીચે ઊતરતી, ત્યારે અંત સુધી તારી સાથે હતા. જ્યાં સુધી તારામાં નિસ્વાર્થ ભાવના, શુદ્ધ વિચાર રહેશે, ત્યાં સુધી સ્વામી વિવેકાનંદ તારી સાથે રહેશે.
અરુણિમા : રોજ હું સવારે ભગવાનને પ્રાર્થના કરું છું કે મને ક્યારેય અહંકાર ન આપો… બધા લોકો પ્રત્યે શ્રદ્ધા રાખું. મારી મા કહેતી, ‘બેટા, તું આકાશ સુધી પહોંચ, પણ તારા પગ ધરતી સાથે જોડાયેલા રહે. જ્યારે ધરતીની માટી પરથી પગ લઈ લઈશ કે તરત ઊંધે મોંએ પડીશ.’ માની આ વાત સતત મારા મનમાં રહે છે. મહારાજ, આપની સલાહ પ્રમાણે હું હંમેશાં ચાલતી રહું એવો પ્રયત્ન કરીશ.
(બંગાળી પત્રિકા ‘ઉદ્બોધન’માંથી)
Your Content Goes Here