માનવસંસારની ફરતો ક્ષીરસાગર નામનો મોટો મહાસાગર પડ્યો છે. ક્ષીરસાગરનાં મોજાં કયે કિનારે અથડાય છે તે હજી સુધી કોઈએ જાણ્યું નથી.

આ સાગરમાં ત્રિકૂટ નામનો એક મોટો પર્વત હતો. આ પર્વતને ચિત્તાકર્ષક રૂપેરી, સોનેરી અને મણિમય ત્રણ મોટાં શિખરો હતાં. ચકોર અને મોર, ચકલી અને પોપટ, કાબર અને મેના આ રૂપેરી શિખર પર કલ્લોલ કરતાં. રાત્રે ચંદ્રનાં શીતળ કિરણો શિખર પર પથરાતાં. ત્રિકૂટના સોનેરી શિખર પર સૂર્યનારાયણનાં કિરણોથી આખોયે પર્વત ઝળહળી ઊઠતો. પર્વતના મણિમય શિખર પર રંગબેરંગી વસ્ત્રો પહેરેલી અપ્સરાઓના નૃત્યથી પર્વત ઉપર રૂપ અને રંગની છોળો ઊડતી. ત્રિકૂટ પર્વત પર અપ્સરાઓ મહાલતી, કિન્નરો મધુરગાન કરતા, સિદ્ધોમુનિઓ તપ-ધ્યાન કરતા, દેવદેવીઓ સ્વર્ગસુખ માણતાં; આખાયે પર્વત પર સાગ,દેવદાર, આંબા,જાંબુડા, વડલા,પીપળ, લીમડા,આસોપાલવ એવાં કેટલાંયે વૃક્ષોની હાર ઉપર હાર ગોઠવાઈ હતી. સિંહ અને વાઘ પર્વતમાં ત્રાડ મારતા, ત્યારે કેમ જાણે દૂધનાં મોજાં પર ચીરા પડતા. બાકી તો ક્ષીરસાગરનાં સફેદ મોજાં અને તેથીયે વધારે સફેદ મોજાંનાં ફીણ આખાયે પર્વતના પાદને ધોતાં ત્યારે ઘડીભર તો આખાયે પર્વત પર એક પ્રકારની સફેદ છાયા પથરાઈ જતી. પર્વતનાં શિખરો પરથી કોઈ ઝરણું નાચતુંગાતું નીચે ગુફામાં અદૃશ્ય થઈ જતું; તો વળી બીજું કોઈ ધીમે ધીમે ઊતરતું પર્વતની ઝાડીમાં ઘૂમતું ઘૂમતું બહાર નીકળતું; એકાદું વૃક્ષોનાં મૂળને પાણી પાતું પાતું ધીમેથી વહેતું, તો બીજું ખૂબ જ ઊંચેથી પડીને પોતાના શબ્દથી જ પર્વત આખાને ચીરતું અને આવાં નાનાં મોટાં ઝરણાંથી ધોવાતી રંગબેરંગી માટીવાળો પર્વત જાણે કે જુદા જુદા રંગોથી શણગારેલ કોઈ મદોન્મત્ત હાથી જેવો શોભતો હતો.

આ પર્વત ઉપર એક મોટું સરોવર હતું. એ દશ યોજન લાંબું, દશ યોજન પહોળું અને ત્રણ યોજન ઊંડું હતું. સરોવરનું પાણી અત્યંત નિર્મળ હતું. છતાં બહુ ઊંડું હોવાથી કોઈ કોઈ સ્થળે તેનો રંગ ભૂરો અને કોઈ કોઈ જગ્યાએ લીલો દેખાતો હતો. પર્વત પરના સિદ્ધો અને ચારણો, મુનિઓ અને તપસ્વીઓ આ સરોવરની રત્નશિલા ઉપર બેસીને સ્નાન-ધ્યાન કરતા. પર્વત પરનાં દેવદેવીઓ તથા યક્ષગંધર્વો આ સરોવરના જળમાં જ જળક્રીડાઓ કરતાં. આ સરોવરનાં હજાર પાંખડીવાળાં કમળો ભગવાન વિષ્ણુને ચડતાં. પર્વત પરનાં નાનાંમોટાં પશુપક્ષીઓની તરસ આ સરોવરમાં છીપતી.

આવા સમૃદ્ધિવાળા પર્વત ઉપર એક હાથી રહેતો હતો. વિશાળ કુંભસ્થળ, સુંદર લાંબી સૂંઢ, પહોળા સુશોભિત કાન, ધોળા મોટા દંતશૂળ, મનોહર ચાલથી શોભતો, મદઝરતો હાથી. હાથી દરરોજ પોતાની હાથણીઓ સાથે સરોવરમાં જળક્રીડા માટે પ્રવેશે, ત્યારે નાનાં પ્રાણીઓ બિચારાં બીતાં બીતાં પાણી પીએ અને કેટલાંક તો તરસ્યાં જ નાશી જાય. હાથી મસ્તીમાં આવીને નાનાંમોટાં ઝાડને મૂળમાંથી ઉખેડી નાખે, અનેક પશુપંખીના માળા ચૂંથાઈ જાય અને પંખીમાતાઓના આક્રંદથી પર્વત ગાજી ઊઠતો.હાથી હજાર હાથીણીઓ સાથે ગૌરવથી ચાલે, ત્યારે આખો પર્વત ધણધણી ઊઠે. સૂંઢો સાથે પોતાની સૂંઢ મેળવીને ખેલે, ત્યારે દેવદેવીઓ પણ જોઈ રહે. હાથી સૂંઢમાં પાણી ભરીને હાથણીઓને ઘૂંટડે ઘૂંટડે પાય ત્યારે રસિકોને પણ શરમાવું પડે. હાથી સૂંઢથી કમળને ઉપાડીને પોતાની વહાલી હાથણીના માથે ધરે, ત્યારે સ્નેહની અવધિ આવે. આવું ભોગવિલાસનું જીવન માણનારો આ હાથી જાણે કે આખાયે પર્વતના ધણીની જેમ વર્તતો. પોતાની સૂંઢથી પકડીને હાથી જ્યારે ઝાડોને મૂળમાંથી ઉખેડતો, ત્યારે કેટલાંયે નાનાંમોટાં પંખીઓ મૃત્યુ પામતાં. મદોન્મત્ત હાથી જ્યારે સરોવરમાં પેસતો, ત્યારે કેટલાંયે નાનાંમોટાં માછલાં બીકથી જ મરી જતાં અને છતાંય હાથી તો પોતે અને પોતાની હાથીણીઓ એ બેનો જ વિચાર કરતો બેપરવાઈથી મહાલતો.

જેનો અંત આંખથી જોઈ શકતો નથી એવો વિશાળ ક્ષીરસાગર; સફેદ મોજાંની વચ્ચે અડગ ઊભેલો ત્રિકૂટ પર્વત; ત્રિકૂટ પર્વત પર લાંબું સૂતેલું સરોવર અને આ સરોવરમાં નિત્યયૌવનને માણતો ગજરાજ ! ગજરાજની આસપાસ હાથણીઓ, કમળો, સરોવર, વૃક્ષો, ભ્રમરો, શોભા, સુખ, મસ્તી, વિલાસ એ બધાં ઉછાળા મારી રહ્યાં હતાં.

હાથી એક વાર હાથણીઓને લઈને સરોવરમાં પાણી પીવા આવ્યો. તેના ગંડસ્થળમાંથી મદ ઝરતો હતો. પોતાની લાંબી સૂંઢને અવારનવાર તે હાથણીઓની ઉપર ફેરવતો. તેની વજનદાર ચાલથી આખો ડુંગર ડોલતો; તેની મદમસ્ત અને અધમીંચી આંખમાં સુખનો કેફ હતો. આજે તરસથી એનું ગળું એટલું બધું સુકાતું હતું કે તે સરોવર પાસે આવ્યો કે તરત જ જળમાં પેઠો અને એક જ ક્ષણમાં ઘણે દૂર સુધી નીકળી ગયો.

આ સરોવરમાં એક મગર રહેતો હતો. પર્વતના ખોળામાં સરોવર ઉત્પન્ન થયું ત્યારથી જ આ મગર પણ ઉત્પન્ન થયો હતો. કમળનું વન એ મગરને રહેવાની જગ્યા હતી. આ જગ્યા અતિશય લપસણી હતી. એક બાજુ સુંદર એવો ઢાળ અને ઢાળ પૂરો થાય કે તરત જ મોટું એવું ઊંડાણ – એ રીતે આ જગ્યા જોખમવાળી હતી. હાથી દરરોજ કમળવનને ખૂંદતો આવે, ત્યારે આ જગ્યાને છોડીને ચાલતો, પણ આજે તરસના જોશમાં ને જોશમાં તે આવ્યો અને આવ્યા ભેગો જ પગ લપસ્યો. મગર તો હાથીની રાહ જોઈને લપાઈ ગયો હતો. તે એકદમ પાણીની ઉપર આવ્યો ને પૂંછડાની એક ઝાપટ મારીને હાથીને જરા ઢીલો કર્યો અને તેનો પગ પકડયો. પહેલાં તો હાથી જરા નમી ગયો, પણ તરત જ તેણે પોતાનો પગ ઉપાડ્યો અને મગરને ખંખેરી નાખવાનો પ્રયત્ન કર્યો. પણ મગરની ચોટ અને તેની પકકડ જબ્બર હતી; મગરે પોતાનાં જડબાં હાથીના પગમાં જોરથી ભરાવ્યાં અને હજાર હાથણીઓના નાથને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો.

હાથીએ દર્દથી ચીસો પાડી, હાથણીઓની સૂંઢો સાથે સૂંઢો ભરાવવા લાગ્યો, પગને ખેંચવાનું બળ કર્યું, ક્રોધથી તેમજ વેદનાથી પાણી ઉડાડ્યું, પણ બધુંય ફોગટ! હાથણીઓ બિચારી શરૂઆતમાં તો બેબાકળી થઈને સરોવરને કાંઠે નાસી ગઈ. ત્યાં ઊભી ઊભી રુદન કરવા લાગી અને વળી પાછી જળમાં હાથીની પાસે આવીને તેને કાંઠા તરફ ખેંચવા લાગી. પણ કોનું જોર કે મગરની પક્ડમાંથી પગ છોડાવે ?

હાથી અને મગરની આ ખેંચાખેંચી એક હજાર વર્ષ સુધી ચાલી. હાથી પોતાની જાતને અને સાથે મગરને સરોવરની પાળ તરફ ખેંચે અને મગર હાથીના પગને અને એના આખા શરીરને ઊંડા પાણીમાં ખેંચે. હાથીએ પોતાનું બળ અજમાવવામાં જરાયે મણા ન રાખી, પણ મોતની દાઢમાંથી છૂટવું અને મગરની મજબૂત દાઢની પકડમાંથી છૂટવું એ બન્ને સરખું હતું. પૂરાં એક હજાર વર્ષ સુધી એ બન્નેની ખેંચતાણ ચાલી, પણ આખરે હાથી થાક્યો. તેનાં ગાત્રો શિથિલ થયાં, તેનો અવાજ ઘોઘરો થયો, તેનું બળ ક્ષીણ થયું, તેની સૂંઢ લથડવા લાગી. આખાયે પર્વતને ધણધણાવવાવાળો ગજરાજ ઢીલો બની ગયો.

પોતાના પ્રિયતમની આવી દશા જોઈને હાથણીઓ બિચારી રુદન કરવા લાગી. જે સરોવરમાં આજ સુધી હાથીની સાથે ગેલથી જલક્રીડાઓ કરેલી તે જ સરોવરમાં આજે હાથીને છોડીને જવું પડશે, એવા વિચારથી બાપડી ગભરાઈ ગઈ.

અને હાથી ? એનો એ જ પર્વત, એ જ વૃક્ષો, એ જ સરોવર, એ જ સ્વચ્છ પાણી, એનાં એ જ સોનેરી કમળો; આ બધુંયે એનું એ જ હોવા છતાં આજે હાથીને જુદે જુદે સ્વરૂપે દેખાવા લાગ્યું. ત્રણ લોકને તણખલા સમાન ગણતો ગજરાજ આજે દીન બની ગયો. જે માછલાં હાથીના ત્રાસથી તેનો પાણીમાં પ્રવેશ થાય કે તરત જ પલાયન થઈ જતાં, તે આજે વર્ષો પછી હાથીના પગની ફરતે રમવા લાગ્યાં અને તેને ચીડવવા લાગ્યાં, જે માદાઓએ હાથીની રમતગમતમાં પોતાનાં વહાલાં બચ્ચાં ગુમાવ્યાં હતાં, જે માદાઓનાં પ્રાણથી પણ વહાલાં એવાં ઈંડાંને હાથીએ પોતાના પગ તળે ચગદી માર્યાં હતાં અને જે માદાઓના નાના શા વિલાસોને હાથી આજ સુધી હસતો, તે માદાઓ કાંઠા પરનાં વૃક્ષોમાં આજે કલ્લોલ કરતી હતી. હાથીએ પગની પીડાને અળગી રાખીને સરોવરની આસપાસ નજર ફેરવી. પર્વતોનાં પશુપંખીઓ, સરોવરનાં વૃક્ષો, પર્વતનાં દેવદેવીઓ; નાનાંમોટાં ઝરણાં, પર્વતનાં તેજસ્વી શિખરો, પર્વતના પાદ પખાળતાં ક્ષીરસાગરનાં મોજાં, પોતાની યુવાની, જુવાનીનું તોફાન, હાથણીઓ સાથેની જળક્રીડા; આ બધાં ઘડીભર તેની આંખ આગળ ખડાં થયાં. અને કેમ જાણે જીવનનો હિસાબ પૂછવા લાગ્યાં. હાથીને આખે શરીરે પરસેવો છૂટ્યો અને કંપવા લાગ્યો.

ક્ષીરસાગરના એક દૂરના ભાગમાં ભગવાન વિષ્ણુ શેષનાગ પર શય્યા કરીને રહેતા હતા. આ સ્થાન ત્રિકૂટ પર્વતથી ઘણું દૂર હતું, છતાં ક્ષીરસાગરની રચના જ એવી હતી કે તે સ્થાનથી નાનો એવો એક પ્રવાહ કોઈ ન દેખે એવી રીતે ત્રિકૂટ તરફ નિરંતર વહ્યા જ કરે અને આ ગુપ્ત પ્રવાહના પ્રતાપે જ આખોયે ત્રિકૂટ પર્વત ઓજસ્વી રહ્યા કરતો. ત્રિકૂટ પર્વત પરનાં પ્રાણીઓ જાણે કે ન જાણે, ઇચ્છે કે ન ઇચ્છે, તો પણ આ પ્રવાહના બળથી જ જીવે; હાથીએ આ પ્રવાહના ઓજસ્ને માણ્યું હતું, પણ એ આજે માણ્યું ન માણ્યું થઈ ગયું !

આજે પોતાની દીન અવસ્થામાં હાથીને આ પ્રવાહ યાદ આવ્યો; એ પ્રવાહનું સ્થાન યાદ આવ્યું અને પ્રવાહના મૂળરૂપ શેષશાયી ભગવાન વિષ્ણુ યાદ આવ્યા. એ પ્રવાહની લિજ્જત તેના મનમાં સ્ફુરી ઊઠી અને કમજોર શરીરમાં ઘડીભર તો વીજળીનો સંચાર થયો.

શેષનાગ પર પોઢેલા ભગવાન વિષ્ણુનું સ્મરણ થતાં જ હાથીથી બોલાઈ જવાયું, ‘હે પ્રભુ ! જે ક્ષીરસાગરમાં મારો પર્વત છે, તે જ સાગરમાં આપનો વાસ છે. આપના કૃપાપ્રવાહથી જ આખોયે પર્વત જીવતો જાગતો છે, ફૂલ્યોફાલ્યો છે, છતાં અમે આપને ઓળખતાં નથી ! આવા મનોહર સરોવરમાં અને આવાં સોનેરી કમળોની વચ્ચે પણ મગર રહેતો હશે, એની મને ખબર નહીં- અમને ક્યાંથી ખબર હોય ? આ મગર મને પકડશે અને મારી સૂંઢ હાથણીઓનો સ્પર્શ નહીં કરી શકે, એમ તો માનેલું જ નહીં. મારી આ પ્રચંડ કાયા એક દિવસ કોથળા જેવી થઈ જશે એમ મેં કલ્પ્યું જ નહીં; મારું બળ આ રીતે નકામું થઈ પડશે, એનો તો મને ખ્યાલ જ નહીં. હે પ્રભુ ! આજે સમજાય છે. સરોવરને કાંઠે કલ્લોલ કરતી પંખિણીઓ ! તમારાં બચ્ચાંને મેં માળાઓમાંથી પાડીને મારી નાખ્યાં છે; આજે હું પણ એ જ દિશાએ જાઉં છું. તમે બધાં મને માફી આપો. હું જુવાન, હું મદમસ્ત, હું હજાર હાથણીઓનો ધણી; મને એ ભાન ક્યાં હતું કે આ બધુંય મને એક દિવસ છોડી જશે ? પ્રભો ! મારું તો શું પણ આખાયે પર્વતનું બળ આપને અધીન છે. મેં કેવળ અભિમાનથી જ જે મારું ન હતું, તેને મારું માન્યું, તે માટે મને ક્ષમા કરો. હે પ્રભો! હું પામર આપને શરણે આવું છું, હું નિર્બળ આપને શરણે આવું છું, હું નિર્ધન આપને શરણે આવું છું, હું દીન આપને શરણે આવું છું. આ સૂંઢ, આ દાંત, આ પગ, આ આખોય દેહ આપને ચરણે ધરું છું. હે નાથ ! મને બચાવો. આપ અનાથના નાથ છો, આપ અશરણના શરણ છો, આ નિર્બળના બળ છો !

ગજરાજનાં આવાં વચનો સાંભળીને ભગવાન વિષ્ણુ તરત જ ત્યાં પધાર્યા. ભગવાનને જોઈને હાથીના પગમાં જોર આવ્યું, તેણે પોતાની સૂંઢ વડે પાણીની નાનીશી અંજલિ લઈને ભગવાનને સમર્પી, નાનુંશું એક કમળ પ્રભુનાં ચરણમાં ધર્યું અને મસ્તક નમાવીને પોતાનો સમગ્ર આત્મા પ્રભુને ધરતો હોય એમ તે ઊભો રહ્યો.

હાથીના સમર્પણથી ભગવાન પ્રસન્ન થયા. વિષ્ણુના સુદર્શન ચક્રે સનાતન નિયમ પ્રમાણે મગરને કાપી નાખ્યો અને હાથીનો પગ છૂટો થયો.

આ હાથીને તમે ઓળખ્યો ?

Total Views: 299

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.