સહુ આનંદ કરી રહ્યા છે. ઠાકુર કેશવને કહે છે, ‘તમે સ્વભાવ જોઈને શિષ્ય કરો નહિ, એટલે આમ તમારો સમાજ ભાંગી જાય.

માણસો દેખાય બધા એકસરખા, પણ સૌના સ્વભાવ જુદા. કોઈની અંદર સત્ત્વગુણ વધુ, કોઈમાં રજોગુણ વધુ તો કોઈમાં તમોગુણ વધુ. ખાવાના ઘૂઘરા દેખાવમાં બધા એકસરખા લાગે, પણ કોઈની અંદર માવાનું પૂરણ, તો કોઈની અંદર નાળિયેરનું ખમણ, તો કોઈની અંદર અડદની દાળનું પૂરણ ! (સૌનું હાસ્ય). મારો અંતરનો ભાવ શો તે જાણો છો ? હું તો ખાઉંપીઉં ને મજા કરું, બીજું બધું મા જાણે. મને ત્રણ વાતમાં કાંટો વીંધાયા જેવું થાય : કોઈ મને ગુરુ, માલિક કે બાબા કહે ત્યારે.’

‘ગુરુ એક સચ્ચિદાનંદ. ઉપદેશ એ જ આપે. મારો સંતાનભાવ. માણસ-ગુરુ મળે લાખ લાખ. સૌ કોઈ ગુરુ જ થવા માગે, શિષ્ય થવા કોણ ઇચ્છે ?’

‘લોકોને ઉપદેશ આપવો બહુ કઠણ બાબત. જો તેનો (ઈશ્વરનો) સાક્ષાત્કાર થાય અને તે આદેશ આપે તો થઈ શકે. નારદ, શુકદેવ વગેરેને આદેશ મળ્યો હતો, શંકરને (શંકરાચાર્યને) આદેશ મળ્યો હતો. આદેશ ન હોય તો તમારી વાત કોણ સાંભળે? કોલકાતાના લોકોનો ઊભરો તો તમે જાણો છો. જ્યાં સુધી નીચે લાકડું બળતું હોય ત્યાં સુધી દૂધમાં ઊભરો હોય, લાકડું તાણી લો એટલે કાંઈ નહિ. કોલકાતાના માણસો એવા ઊર્મિલ. પાણી માટે કૂવો ખોદવા માંડ્યો; એક જગાએ પથ્થર નીકળ્યો, એટલે તે જગા છોડી દીધી ને બીજી જગાએ ખોદવા માંડ્યું. ત્યાં રેતી નીકળી એટલે એ પણ છોડી દીધી અને ત્રીજી જગ્યાએ ખોદવાનો આરંભ કર્યો; એના જેવું.’

‘તેમ વળી મનમાં ને મનમાં આદેશ મળે એ ન ચાલે. ઈશ્વર ખરેખર દર્શન દે અને વાત કરે ત્યારે જ આદેશ મળ્યો કહેવાય. એ ઉપદેશનું જોર કેટલું હોય ? પર્વત હલી જાય ! અમસ્તાં લેકચરથી શું વળે ! લોકો થોડાક દિવસ સાંભળે, પછી ભૂલી જાય, એ ઉપદેશ પ્રમાણે વર્તે નહિ.’

‘લોકોને ઉપદેશ આપવા માટે પરવાનો જોઈએ, નહિતર હસવા જેવી વાત થાય. પોતાનું જ ઠેકાણું નહિ, ત્યાં વળી બીજાનો ઉદ્ધાર કરવા દોડે, જાણે કે આંધળો આંધળાને દોરી જાય છે ! (હાસ્ય).

સારું કરવા જતાં અવળું થાય. પણ ભગવત્-પ્રાપ્તિ થાય ત્યારે અંતર્દૃષ્ટિ આવે, કોને શી મુશ્કેલી છે તે સમજી શકાય, ત્યારે ઉપદેશ આપી શકાય.’

‘આદેશ મળ્યા વિના, હું લોકોને ઉપદેશ દઉં છું એવો અહંકાર આવે. અહંકાર થાય અજ્ઞાનથી. અજ્ઞાનથી એમ થાય કે હું કર્તા. જો એવી ભાવના આવી જાય કે ઈશ્વર કર્તા, ઈશ્વર જ બધું કરી રહ્યા છે, હું કાંઈ કરતો નથી, તો તો એ જીવનમુક્ત! ‘હું કર્તા’ ‘હું કર્તા’ એ ખ્યાલમાંથી જ બધું દુ:ખ અને અશાંતિ !’(શ્રીરામકૃષ્ણ કથામૃત પૃ.107 – 109)

Total Views: 226
By Published On: July 1, 2018Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram