બાલમિત્રો,

આપણા ઘરે પોતપોતાના ઇષ્ટદેવનું પૂજાઘર હશે. દાદા કે દાદીમા સાથે બેસીને પ્રસાદીની લાલચે આપણે પૂજામાં ભાગીદાર પણ થતા હોઈશું. ઠાકોરની પૂજા પતે, પ્રસાદી ધરાઈ જાય, પછી દાદા કે દાદીમા હાથમાં ટોકરી અને તાંબાના લોટામાં પાણી ભરીને તુલસીક્યારે જાય. આપણેય એમની સાથે જઈએ. તુલસીક્યારે તુલસીના છોડને ચાંદલો થાય, ચોખા ચડાવાય, આરતી થાય, અગરબત્તી કરાય અને તુલસીપૂજા પૂરી થાય. આપણે તો ભાઈ પરસાદિયા ભગત. ધ્યાન તો પરસાદીની સાકર કે કેળામાં જ હોય. પણ નિત્ય પ્રાત:કર્મ પતાવીને ઠાકોરની પૂજા કરીને તુલસીની પૂજા થતી આપણે સૌએ જોઈ છે. ક્યારેય તુલસીનાં એકાદ-બે પાન મોંમાં મૂકીને ચાવીને ખાધાં હોય તો મોઢું કેવું ચોખ્ખું થઈ જાય! ભારતમાં કોઈ ઘર એવું નહીં હોય કે જેને આંગણે તુલસીક્યારો નહીં હોય. આ આપણી ધાર્મિક પરંપરા છે અને આપણે કેટલાંય વર્ષોથી જાળવી રાખી છે. એ આપણને એમ શીખવે છે કે છોડમાંય રણછોડ છે. પણ છોડમાંય પ્રાણ છે એનું પ્રમાણ લોકો માગે છે.

મિત્રો, ભારતના માટે એ ગૌરવની વાત છે કે ભારતના મહાન વૈજ્ઞાનિક અને નોબલ પારિતોષિક વિજેતા સર જગદીશચંદ્ર બોઝે પ્રયોગો દ્વારા સિદ્ધ કરીને સમગ્ર જગતને બતાવી દીધું કે છોડ અને વૃક્ષ એટલે કે વનસ્પતિમાં પણ પ્રાણ છે.

આપણા આ મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝનો જન્મ 30 નવેમ્બર, 1858ના રોજ થયો હતો. એમના પિતાનું નામ ભગવાનચંદ્ર બોઝ હતું. તેઓ ડેપ્યુટી મેજિસ્ટ્રેટ હતા. એ વખતે ભારતને સ્વતંત્રતા મળી ન હતી. આઝાદી મેળવવાનું આંદોલન ચાલતું હતું. જગદીશચંદ્રના પિતા પણ દેશભક્ત હતા. એમણે પોતાના મહોલ્લાનાં ગરીબ બાળકો માટે ભારતીય શિક્ષણપ્રણાલી પ્રમાણે એક શાળા સ્થાપી હતી.

જગદીશચંદ્રનાં માતા પણ ધાર્મિક ભાવનાવાળાં હતાં. સ્વામી વિવેકાનંદનાં માતા ભુવનેશ્ર્વરીદેવીની જેમ તેઓ પણ બાળક જગદીશને ધર્મકથાઓ કે ધર્મવાર્તાઓ કહેતાં અને એની સાથે એનામાં સંસ્કારનાં બીજ રોપતાં. માતાની આ કેળવણીની લીધે અને પિતાની દેશદાઝની ભાવનાને લીધે બાળક જગદીશમાં પણ દેશભક્તિ અને ધર્મ પરનો અટલ વિશ્વાસ જેવા કેટલાક ગુણો બાળપણથી જ વિકસ્યા હતા. જગદીશનું ઘર તો ગામડામાં હતું. એ જમાનામાં ગામડામાં સુંદરમજાનું પ્રાકૃતિક વાતાવરણ, શુદ્ધ હવા, પશુપક્ષીઓના મીઠા કલરવો જોવા મળતાં. એમાંય ક્યારેક કોઈ ધાર્મિક ઉત્સવ આવે ત્યારે લોકોનાં હૃદયમાં એના આનંદ-ઉલ્લાસ છલકાતા રહેતા. ગામડામાં કાર્યક્રમો યોજાતા જ હોય છે. એને લીધે રામાયણ, મહાભારતની કથાવાર્તાઓ સાંભળવાનો સારો અવસર પણ એને મળી રહેતો.

મિત્રો, અત્યારે તમે ટી.વી.ના ગુલામ બની ગયાં છો, એમાંય જો ઇન્ટરનેટની સુવિધા હોય તો પછી તમે એમાં જ ખોવાઈ જાઓ છો. ખાસ કરીને તો પેલા હાથિયા ફોને (મોબાઈલે) તો દાળોવાટો કરી નાખ્યો છે. છાનામાના-ગુપચુપ એકલા અંધારામાં બેઠાં બેઠાં તમે બધાં એમાં જ મસ્ત રહો છો. પછી તહેવારનો ભાવ કોણ પૂછે! અને તહેવારનો આનંદેય ક્યાંથી મળે ! મિત્રો, બજારમાં આનંદનાં પડીકાં વેચાતાં મળતાં નથી. આનંદ તો આવા તહેવારોની ઉજવણીમાં અઢળક છલકતો હોય છે અને વેરાતો હોય છે. પણ તમે તો આ હાથિયા ફોનની લાયમાં લાગીને આ આનંદથી વંચિત રહો છો. તો પછી તમને રામાયણ, મહાભારત, પુરાણોની વાર્તા ક્યાંથી સાંભળવા મળે! ગામની સ્વચ્છ હવામાં ફરવાનો આનંદ જગદીશચંદ્ર માણતા. એમાંય પદ્માનદી (ગંગાની એક શાખા)માં હોડી ચલાવવાની મજાય માણી લેતા. ખેતીકામ શીખવા જેવી પ્રવૃત્તિઓમાં પણ એમને રસરુચિ હતાં. આપણે તો ઘરમાં બેઠાં બેઠાં ખાઈ બગાડીએ છીએ. કોઈ દિવસ માને એઠાં વાસણ ઉપાડવામાં, ઉટકેલાં વાસણ ગોઠવવામાં મદદ કરી છે ખરી? બીચારી માતા ઢસરડો કર્યે રાખે અને આપણે બેઠા બેઠા નિરાંતે માણીએ છીએ પેલા હાથિયા ફોનને! આવાં સાધનોનો મર્યાદિત અને વધુ શીખવામાં સારી મદદ મળે એ માટે ઉપયોગ કરીએ તો કોઈને નડીએ પણ નહીં અને જરૂર પડે ત્યારે મદદ કરી શકીએ. એ માટે વિવેક રાખવો જરૂરી છે.

બાળપણથી જ છોડમાં, વૃક્ષોમાં રસ ધરાવનાર બાળ જગદીશનો સ્વભાવ શોધપરક હતો અને પોતાના પિતાને એ જાતજાતના પ્રશ્નો પૂછ્યે રાખતો. પણ એ પ્રશ્નો શોધમૂલક હતા. આપણી જેમ ક્યારે સિનેમા જોવા જઈશું, ક્યાં બર્ગર ખાવા જઈશું, ક્યાંના પીત્ઝા સારા આવે છે, એવા પ્રશ્નો એ પૂછતો ન હતો.

11 વર્ષની ઉંમરે એમના પિતા કોલકાતામાં આવ્યા અને સ્વાભાવિક રીતે બાળક જગદીશ પણ કોલકાતા જેવા મોટા શહેરમાં આવ્યો. અહીં આગળ ભણવા માટે તેને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં દાખલ કર્યો. આ શાળામાં મોટે ભાગે યુરોપના કે એંગ્લો ઇન્ડિયન વિદ્યાર્થીઓ હતા. આવા વિદ્યાર્થીઓ ભારતીય વિદ્યાર્થીઓને હેરાન પણ કરતા રહેતા. એ શાળામાં એક મુક્કાબાજ હતો અને જગદીશને તે દરરોજ ધમકાવતો. આ દૃશ્ય જોઈને બીજા બધા વિદ્યાર્થીઓ જગદીશ પર હસતા. એક વખત મશ્કરી કરનારાઓને એમણે એવો બોધપાઠ શીખવ્યો કે એ ખો ભૂલી ગયા અને ત્યારથી બાકીના વિદ્યાર્થીઓ જગદીશ સાથે સારો વ્યવહાર કરવા લાગ્યા.

છાત્રાલયમાં રહેતા ત્યારે જગદીશચંદ્ર જાત જાતના વૈજ્ઞાનિક પ્રયોગ કરવામાં રત રહેતા. 16 વર્ષની ઉંમરે તેને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ પણ મળ્યો અને શિષ્યવૃત્તિ પણ મળી. જગદીશચંદ્ર અભ્યાસમાં ઘણા તેજસ્વી હતા. વિજ્ઞાન અને ગણિતમાં તો એમને રસરુચિ હતાં જ. સાથે ને સાથે તેઓ સંસ્કૃત અને લેટિન જેવા વિષયોમાં પણ કુશળ બન્યા.

19 વર્ષની ઉંમરે એમણે સ્નાતકની ડીગ્રી મેળવી. હવે એમની સામે બે વિકલ્પ હતા. એક તો અંગ્રેજોને અધીન રહીને સિવિલ નોકરી પસંદ કરવી. અને બીજો ચિકિત્સાશાસ્ત્રનો અભ્યાસ કરવો. એમણે બીજો વિકલ્પ પસંદ કર્યો, એના માટે તેઓ ઇંગ્લેન્ડ જવા ઇચ્છતા હતા. તેમનાં માતાપિતા પાસે એમને વિદેશ મોકલવા માટેનું પર્યાપ્ત ધન ન હતું. મહામુસીબતે એમના પિતાએ પૈસાની વ્યવસ્થા કરી અને પોતાના પુત્ર જગદીશચંદ્રને ઇંગ્લેન્ડ મોકલ્યા. 22 વર્ષની ઉંમરે તેઓ ઇંગ્લેન્ડ ગયા.

એમણે અહીં પ્રાકૃતિક વિજ્ઞાનનો વિષય પસંદ કર્યો. વિશ્વના મોટા મોટા વિદ્વાનોના સંપર્કમાં તેઓ આવ્યા અને એમની પાસેથી શિક્ષણ મેળવ્યું. 1884માં 26 વર્ષની ઉંમરે એમણે ઇંગ્લેન્ડમાં સ્નાતકની ડીગ્રી મેળવી. તેઓ પોતાના દેશ ભારત પાછા ફર્યા અને કોલકાતા વિશ્વવિદ્યાલયમાં અધ્યાપકરૂપે નિયુક્ત થયા.

એમણે ભૌતિક ક્ષેત્રમાં અનેક પ્રયોગો કર્યા. આ બધા પ્રયોગો સમગ્ર વિશ્વમાં નવા જ હતા. એને માટે એમને સન્માન પણ મળ્યું. પરંતુ જે શોધ માટે જગદીશચંદ્ર બોઝ જગવિખ્યાત બન્યા છે, તે શોધ છે ‘વનસ્પતિમાં પણ જીવ છે’, એટલે કે વનસ્પતિ સજીવ છે. એમણે એ પણ સિદ્ધ કરી બતાવ્યું કે છોડ પણ બીજાં પ્રાણીઓની જેમ જીવનયાપન કરે છે અને સંવેદનશીલ પણ હોય છે. આ માટે એમણે ભિન્ન ભિન્ન પ્રયોગો કર્યા અને તેને સિદ્ધ કરવા અનેક ઉપયોગી યંત્રોની પણ શોધ કરી.

Total Views: 323
By Published On: July 1, 2018Categories: Mansukhbhai Maheta0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram