सबिंदुसिंधुसुस्खलतरंगभंगरंजितं

द्विषत्सु पापजातजात कारिवारिसंयुतम् ।

कृतांतदूतकालभूतभीतिहारिवर्मदे

त्वदीयपादपंकजं नमामि देवि नर्मदे ॥

હે દેવી નર્મદે ! આપ કાળના દૂતો, કાળ તથા ભૂતડાંનાં ભયને હરનાર (પોતાના દર્શનરૂપ) બખ્તરને આપો છો; આપનું ચરણકમળ મદના બિંદુઓવાળા હાથીઓથી રોકાતા તરંગોની લહેરોથી રંગાયેલું છે; અને (રાગદ્વેષાદિ) શત્રુઓના નિમિત્ત ઉત્પન્ન થયેલાં પાપોના સમૂહોના શત્રુ સમાન જળથી યુક્ત છે, તેને હું નમન કરું છું.

તા. 11 જાન્યુઆરી, 2015ના રોજ સવારે ગોમુખ ઘાટ – ટોકસરથી હું અને પી સ્વામી રવાના થઈ થોડે દૂર આવેલ પ્રીતનગર પહોંચ્યા. શામળિયાભાઈ (શેઠ!)નું ઘર પરિક્રમાના માર્ગમાં જ હતું. પૂછપરછ કરી એમના ગૃહમંદિરમાં દર્શને ગયા. ખેડૂતનું ઘર, ચારે તરફ અનાજ ભરેલ ગુણીઓ, અને સ્વચ્છતા તથા સુઘડતા પણ ખરી! નાના-મોટા સૌ અમારો વેશ જોવા ભેગા થઈ ગયા. પ્રેમથી ચા પાયો અને સ્નેહભરી વિદાય લઈને આગળ વધ્યા. બીજા 3 કિ.મી. ચાલતાં કાંકરિયા ગામ આવ્યું. ઉદાસીન લોકો ! કોઈ ભાવ નહીં ! પૂછપરછ કરતાં આગળ હનુમાનજીનું મંદિર છે, એમ જાણવા મળ્યું.

સવારે 11 વાગ્યે ગામ બહાર આવેલ હનુમાનજી મંદિરે પહોંચ્યા. ત્યાં તો શિરામણ-ભોજનપ્રસાદ જે કહો તે બધું પતાવીને, ઢાંકો-ઢૂંબો કરીને મહારાજ તો વિશ્રામની તૈયારી કરતા હતા. થેલા નીચે ઉતારી, મંદિરમાં હનુમાનજી મહારાજને પ્રણામ કરીને ઝાડના છાયે ઓટલા પર બેઠા. મંદિર નાનું, વચ્ચે થોડું નાનું ચોગાન, સાઈડમાં છાપરાવાળું ઢાળિયું, એની એક તરફ મહારાજનો રૂમ અને રસોડું. થોડાં ઘણાં ઝાડપાન, ચોગાનમાં વચ્ચે વૃક્ષ અને ઓટલો હતો. શરૂઆતમાં તો કંઈ વાતચીત ન થઈ, પરંતુ પછી મહારાજને લાગ્યું કે આ લોકો તો જમ્યા વગર આવ્યા હશે. અમારી સાથે વાતો કરતાં અભ્યાસ મુજબ વચ્ચે વચ્ચે એક બે અંગ્રેજી શબ્દો પણ આવી જાય. એટલે મહારાજ સમજ્યા કે આ બંને સંન્યાસીઓ સાક્ષર લાગે છે! વાસ્તવમાં ઓછું ભણેલા કે અભણ ગામડાવાસીઓ કે અભણ ચલમ પીતા સાધુઓ અંગ્રેજી ભણેલા-ગણેલા લોકોથી અને વિશેષ કરીને સાધુ વળી અંગ્રેજી ભણેલા હોય તો એનાથી અંજાઈ જતા હોય છે. વાસ્તવમાં અમારે કાં તો સંસ્કૃતના શબ્દોનો ઉપયોગ કરવો જોઈતો હતો અથવા તો શુદ્ધ હિંદીમાં વાતચીત કરવી જોઈતી હતી.

અહીં એક ઘટના યાદ આવે છે. એક સાધુ ખુલ્લા પગે પરિક્રમા કરતા હતા. પગમાં ખૂબ જ છાલાં પડી ગયાં હતાં અને આગળ ચાલવું ખૂબ મુશ્કેલીભર્યું હતું. તેઓ તિલકવાડાના નર્મદેહર અન્નક્ષેત્ર આશ્રમે પહોંચ્યા. ત્યાંના સંતે આવેલ પરિક્રમાવાસી સંન્યાસી સાથે પરિચય કર્યો. આગંતુક સંન્યાસીની સરળતા, સૌજન્યપૂર્ણ વ્યવહાર અને ધીરગંભીર ભાવથી ત્યાંના સંત પ્રભાવિત થયા. તેમને ત્યાં જ રોકાઈ જવા અને તિલકવાડા હોસ્પિટલમાં સારવાર લેવા માટે ભારપૂર્વક આગ્રહ કર્યો. સંન્યાસી પણ ન છૂટકે રોકાઈ ગયા અને સારવાર શરૂ થઈ. વચ્ચે વચ્ચે અન્નક્ષેત્રના સંત સાથે છૂટપૂટ હિંદીમાં વાતો થતી. લગભગ આઠ-દસ દિવસ પછી તિલકવાડાના સંતને જાણ થઈ કે આ સંન્યાસી તો જ્ઞાની છે, અંગ્રેજી અને સંસ્કૃત ભાષા પણ જાણે છે. વળી પાછા એ સંન્યાસી બાળરોગના નિષ્ણાત ડોક્ટર છે! આટલા બધા ગુણો હોય તો સાધારણ રીતે લોકો બીજાને આંજી દેવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ સંન્યાસીના દુર્લભ ગુણો હોવા છતાં, અતિ સાધારણ ભાવે અને સાદાઈથી આશ્રમમાં રહેતા હતા. નર્મદેહર અન્નક્ષેત્રના સંત તો આવા સંન્યાસીનાં દર્શનથી ગદ્ગદ થઈ ગયા. હરિદ્વારમાં આવેલ આશ્રમની મોટી હોસ્પિટલના પ્રબંધક હતા.

એ જે હોય તે અમે જાણી જાઈને અંગ્રેજી શબ્દોનો ઉપયોગ નહોતા કરતા. હનુમાન મંદિરના વયોવૃદ્ધ કૃષ્ણાનંદ બ્રહ્મચારી મહારાજે અમારા માટે રસોઈ બનાવવાની શરૂઆત કરી. અમે પણ એમને સાથ-સહકાર આપ્યો. મહારાજ સાથે થોડો ગાઢ પરિચય થતાં જણાવ્યું કે આવતી કાલે 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મતિથિ છે. જો તેઓ વિશેષ ભોગપ્રસાદ બનાવવા તૈયાર હોય તો અમે આજે અહીં રોકાઈ જઈએ. એ માટે અમારી પાસે રહેલ થોડા પૈસા પણ તેમને મળશે, એવું જણાવ્યું. તેઓ રાજી થઈ ગયા એટલે અહીં જ રોકાઈ જવાનો નિર્ણય લીધો. સાંજે નર્મદાસ્નાન માટે ગયા. આ સ્થાન અતિ વિશિષ્ટ પ્રકારનું હતું. અહીં નર્મદાજીની વચ્ચે એક ચોતરા પર ગંગેશ્ર્વર મહાદેવ વિરાજમાન હતા. અહીં નર્મદાજીની ધારા પશ્ચિમમાં વહેતી હોવા છતાં ચોતરા આસપાસ ધારા પૂર્વમાં ચકરાવો લઈ પછી આગળ વધે છે. એ વિશે એક કથા છે. કહેવાય છે કે માતંગ ઋષિનો કિનારા પર નિવાસ હતો. એમને ત્યાં અતિથિરૂપે પધારેલા અન્ય ઋષિઓની ગંગાસ્નાન કરવાની ઇચ્છા જાણી માતંગ ઋષિએ તપોબળથી નર્મદાની ધારા ગંગેશ્ર્વરના સ્થળે પૂર્વવાહિની કરી દીધી. આથી આ ધારા ગંગાજી સ્વરૂપ થઈ ગઈ. પછીથી સમય જતાં એ સ્થળે ચોતરા પર ગંગેશ્ર્વર શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

આજે 12 જાન્યુઆરી, 2015, પરમપ્રિય એવા યુગનાયક સ્વામી વિવેકાનંદનો તિથિ પ્રમાણે પણ જન્મદિવસ! અમે તો પરિક્રમાવાસી! છતાં કૃષ્ણાનંદ મહારાજે પ્રેમથી ખીર બનાવી. શ્રી પ્રભુને ભોગ લગાવી સ્વામીજીના પુસ્તકમાં તથા મોબાઈલમાં થોડાં પાનાંનું વાચન કરી, સ્વામીજીનાં થોડાં ભજનો સાંભળી ઉત્સવ પૂર્ણ કર્યો. 13 જાન્યુઆરીના રોજ સવારે કાંકરિયાથી વિદાય લઈને ચાર કિ.મી. દૂર રાવેર ગામે પહોંચ્યા. કોઈ સમયે આ મોટું ગામ હશે, એવું અહીં પડેલા પ્રાચીન અવશેષો પરથી જણાય છે. કોઈ સમયે અહીં યુદ્ધ મથક પણ હશે એવું ઘણા સમયના ખંડિયેર પથ્થરો અને દરવાજા પરથી લાગે છે. માળવા વિજય કર્યા પછી પાછા ફરતા ઇતિહાસ પ્રસિદ્ધ બાજીરાવનું અહીં અવસાન થયું હતું. નર્મદાજીની અહીં બે ધારા જોવા મળે છે, જેને ગંગા-જમુના પણ કહેવાય છે. અહીં બાજીરાવનો અગ્નિસંસ્કાર થયો હતો. ત્યાં આજે સ્મારક રૂપે ઊંચો જૂનો ચોતરો જોવા મળે છે. આવો જ બીજો ચોતરો રાવેર પહોંચતા પહેલાં જોવા મળે છે. બાજીરાવ પેશવાના વફાદાર હાથીનો એ સમાધિચોતરો હોવાનું જાણવા મળે છે.

અમે રાવેર ગામે પહોંચ્યા. ચારે તરફ લોકાવરણ. આજે સરપંચની ચૂંટણી છે. અમે નવા બંધાતા નર્મદા મંદિરમાં પહોંચ્યા. પટેલ બંધુ દ્વારા આ મંદિરનું બાંધકામ ચાલુ હતું. હજુ ઘણું કામ બાકી હતું પણ નર્મદા માની અને વિશ્વકર્માજીની છબિ હવન પૂજન દ્વારા પધરાવી હતી. આજે તો બધા વ્યસ્ત હતા, એટલે તૈયાર ભોજનની સંભાવના ઓછી હતી. ત્યાં સદાવ્રતની વ્યવસ્થા હતી. ચોખા, દાળ, મસાલા, તેલ, બટાટા વગેરે ત્યાં પતરાની પેટીમાં હતા. મંદિરની પાછળ ઈંટો ગોઠવીને ચૂલો તૈયાર કર્યો. અત્યાર સુધી પરિક્રમામાં તૈયાર અન્નપ્રસાદ અને ભીક્ષાનો અનુભવ થયો હતો. આજે સ્વયંપાકી ભોજનપ્રસાદ તૈયાર કરવાનો અનુભવ લેવાનો નિર્ણય લીધો. ચૂલામાં પાસે પડેલ લાકડાઓને ગોઠવીને અન્નદેવતાનું આવાહન કર્યું. અમારા બે માંથી કોઈને રસોઈ બનાવવાનો વિશેષ અનુભવ નહીં. દાળ, ચોખા, બટેટા ધોઈ કારવીને, તેલ, હળદર, મરચું-મીઠું એક સાથે ભેળવીને ખીચડી પકવવા માટે તપેલી ચૂલે ચડાવી. જાણે કે અમારા માટે બિરબલની ખીચડી! એ દરમિયાન અમે અમારી પાસે રહેલ ભગવદ્ગીતા અને સ્તોત્રોનો પાઠ કરતા રહ્યા. ખીચડીરૂપી અમૃતપ્રસાદ તૈયાર! શ્રીશ્રીમાની સામે ભોગ લગાવ્યો અને ભોજનપ્રસાદ આરોગવા બેઠા. જો કે ખીચડી બેની જગ્યાએ પાંચ જણાની બની ગઈ હતી. ચૂલાની બનેલ ખીચડી, વળી પાછો ભગવાનને લગાવેલો ભોગ અને સાથે સાથે પેટની ક્ષુધા! ખીચડીપ્રસાદનો સ્વાદ હજુ પણ દાઢે વળગેલો છે.                                                  (ક્રમશ:)

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram