અનિદ્રાની સમસ્યા હોય તો રાત્રે સૂતાં પહેલાં ઇષ્ટદેવની પ્રાર્થના કરવી. બને ત્યાં સુધી થોડીવાર નિરાંતે બેસીને જપ કરવા. અને ઊંઘ ન આવે તો આડા-અવળા વિચારો કર્યા વિના અગાશી કે ખુલ્લી જગ્યામાં, ખુલ્લી હવામાં જઈને ચાલવું, પછી થાકી જઈએ એટલે ઊંઘી જવું. પલંગમાં આળોટવાથી ક્યારેય ઊંઘ નહીં આવે. ઊંઘ ન આવે તો વાંચવાનો કે ટીવી જોવાનો પ્રયત્ન ન કરો. આ પ્રવૃત્તિ ઊંઘને વધારે બગાડે છે. ઘણા લોકોને ઊંઘ ન આવે તો ઘડિયાલ સામે જોયે રાખે છે : 1 વાગ્યો… 2.30 વાગ્યા… 4 વાગ્યા.. અનિદ્રાની સમસ્યા ધરાવનારે આ રીતે ઘડિયાલ સામે જોવાની ચેષ્ટા જ ન કરવી જોઈએ. ડોક્ટરે ઊંઘની દવા આપી હોય તો ઘણા લોકો સૂતી વખતે રાત્રે 11-12 વાગ્યે એ દવા લે છે. સામાન્ય રીતે આવી દવા લીધા પછી એક કલાકે ઊંઘ આવે છે. ખરેખર તો નવેક વાગ્યે દવા લઈ લે તો સમયસર દસેક વાગ્યે ઊંઘ આવી જાય.

ચા-કોફી, કોક જેવાં પીણાં અને વ્યસનોની વિપરીત અસર ઊંઘ પર થાય છે. ઘણા લોકો પાનમસાલા મોમાં રાખીને સૂએ છે. ઘણા રાત્રે ઊઠીને બીડી-સિગારેટ ફૂંકે છે. આવી ટેવોને કારણે ગાઢ ઊંઘ આવી શકતી નથી. વ્યસનોથી મગજના તરંગો ઉત્તેજિત થાય છે, જે ઊંઘ આવવા દેતા નથી. બપોર બાદ અન્ય વ્યસનો તો ઠીક ચા પણ ન લેવી જોઈએ. દારૂની કંપનીઓ આવી જાહેરાત આપતી હોય છે કે થોડા પ્રમાણમાં આલ્કોહોલ લેવાથી હૃદય મજબૂત બને છે અને સરસ ઊંઘ આવે છે. પણ દારૂ પીતા હોય એમને પૂછજો, ‘તમે શરૂઆત કેટલાથી કરેલી?’ તેમનો જવાબ આવો હશે, ‘એક પેગથી.’ દારૂથી તંદુરસ્તી સારી રહેશે, એવું માની લેવાની જરૂર નથી. દારૂથી તમારી જ નહીં પણ સ્વજનોની ઊંઘ હરામ થશે અને માત્ર ઊંઘ જ નહીં જિંદગી બગડવાની પણ સંભાવના રહેશે. વ્યસનોથી બને એટલાં દૂર રહો.

ઘણા લોકો ચિંતા ને માનસિક તણાવ દૂર કરવા વ્યસનોનો આશરો લે છે, પરંતુ લાંબા ગાળે દારૂ જેવું વ્યસન જ ચિંતા અને માનસિક તણાવ તેમજ ગંભીર બીમારીઓનું કારણ બને છે. ચિંતા-તણાવ દૂર કરવા માટે દારૂ કે દવાઓ કરતાં ધ્યાન-યોગની વિવિધ પદ્ધતિઓ વધારે ઉપયોગી બને છે. ઘણીવાર એવી ફરિયાદ પણ સાંભળવા મળે છે કે રાત્રે સૂતી વખતે પગ દુખે છે, શરીરમાં તૂટ-કળતર થાય છે. આવા લોકોને વાસ્તવમાં દિવસે પણ આવી તકલીફ હોય છે, પણ અન્યત્ર વ્યસ્ત હોવાને કારણે આ તકલીફ તરફ ધ્યાન જતું નથી. રાત્રે શારીરિક-માનસિક સક્રિયતા ઓછી થવાને કારણે દુ:ખાવા તરફ આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. આવા દુ:ખાવા માટે પેનકિલર કે ઊંઘની ગોળીઓ લેવાં હિતાવહ ન ગણાય. જે સમસ્યાઓ છે તેનું નિદાન કરાવીને તેને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સ્ત્રીઓમાં પગના દુ:ખાવાની ફરિયાદ વધારે જોવા મળે છે. આ દુ:ખાવા માટે આ પ્રયોગ કરવા જેવો છે. માથા હેઠળ પાતળું ઓશીકું અને પગની પિંડી નીચે બે ઓશીકાં રાખીને સૂવામાં આવે, તો પગના દુ:ખાવામાં મોટે ભાગે રાહત થાય છે. આ પ્રયોગ કરવાથી લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત બને છે.

રાત્રે ઊંઘમાં કોઈ વિક્ષેપ પડે તો તેને ગંભીરતાથી લો. વિક્ષેપનાં કારણો દૂર કરવાનો પ્રયત્ન કરો. ડિસ્કોથેક, દારૂના બાર વગેરે રાત્રે ચાલુ રહે છે. ત્યાં લોકો રીલેક્સ થવા જાય છે. પરંતુ રીલેક્સ થવા માટેનો આ ઉકેલ દરેકને અનુકૂળ નથી હોતો. ઊંઘ ન આવતી હોય તો દિવસના ભાગે થોડો શારીરિક શ્રમ વધારો અને રાત્રીનું ભોજન ઘટાડૉ. છતાં ઊંઘ ન આવે તો દવા સિવાયના વિકલ્પો વિચારો. ઘણા લોકોને ઊંઘમાં દાંત કચકચાવવાની ટેવ હોય છે. ઘણા તીવ્ર અવાજથી નસકોરાં બોલાવતાં હોય છે, જેનાથી બીજા લોકોની ઊંઘમાં વિક્ષેપ સર્જાય છે. એક રમૂજી પ્રસંગ આપણે મમળાવીએ : પ્રસિદ્ધ સંગીતકાર આર.ડી.બર્મનને કોઈકે પૂછ્યું, ‘તમને નવી નવી ધૂનની પ્રેરણા ક્યાંથી મળે છે ?’ બર્મનજીએ જવાબ આપ્યો, ‘એક વખત કોલકાતાના ગેસ્ટહાઉસમાં હું સૂતો હતો, પણ મારા સહકલાકારે એટલાં નસકોરાં બોલાવ્યાં કે મને એવું લાગ્યું કે નસકોરાનું મ્યુઝિક સેટ થાય એવું છે!’

નસકોરાં બોલાવવાની અને દાંત કચકચાવવાની વાત કરતાં વધુ ગંભીર બાબત છે ઊંઘમાં ચાલવાની. આ સમસ્યા પણ ઘણીવાર જોવા મળે છે. રાત્રે ભરઊંઘમાં, અભાન અવસ્થામાં માણસ ચાલવા લાગે… ખરેખર આ જટિલ સમસ્યા કહેવાય. રાત્રીના ઊંઘમાં ઘરમાં ચાલવું, દરવાજા ખુલ્લા હોય તો બહાર નીકળીને ચાલવા માંડવું, આવી સમસ્યાથી પીડાતા લોકોનું સંપૂર્ણ નિદાન થવું જોઈએ. ઊંઘમાં ચાલનાર લોકોને તેઓ શું કરે છે તેનો કંઈ ખ્યાલ ખુદને પણ હોતો નથી. ઊંઘમાં ચાલવાની સમસ્યા અન્ય ગંભીર સમસ્યા સર્જી શકે છે.

જેની ઊંઘ બગડે છે તેનો દિવસ બગડે છે. પૂરતી રીતે સક્રિય રહેવા પૂરતી ઊંઘ અનિવાર્ય છે. જમશેદજી તાતા કહેતા, ‘જે શહેર રાત્રે વહેલું સૂએ છે, એ શહેરની પ્રગતિ ઝડપી થાય છે.’ ‘ઈન્ફોસિસ’વાળા શ્રીનારાયણ મૂર્તિએ પણ એક ઇન્ટર્વ્યૂમાં આમ કહ્યું હતું, ‘હું દરરોજ રાત્રે 10 વાગ્યે સૂઈ જાઉં છું, એના પરિણામે બીજા દિવસે મને સ્ફૂર્તિ અને પ્રસન્નતા રહે છે.’ આપણે વિપરીત દિશામાં દોડી રહ્યાં છીએ. શહેરોમાં મોડા સૂવાની મોડા ઊઠવાની પરંપરા થઈ ગઈ છે. કેટલાંક શહેરોમાં તો લોકો રાત્રે 1-2 વાગ્યે આઈસ્ક્રીમ ખાતા જોવા મળે છે. રાત્રે અકારણ જાગવાનો આનંદ કદાચ હશે, પણ એ પ્રકૃતિના નિયમની વિરુદ્ધની સક્રિયતા છે, જે લાંબા ગાળે ગંભીર અસર સર્જી શકે છે.

રાત્રે સરસ ઊંઘ આવી જાય એ માટે શું કરવું ? પહેલી વાત રાત્રે 10 વાગ્યે સૂવાનો પ્રયત્ન કરવો. આમ કરવાથી મોટા ભાગે 10:30 વાગ્યાની આસપાસ ઊંઘ આવી જશે. સવારે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી જવું. અને બપોરની ઊંઘ ત્યાગવી. શરૂઆતમાં આવું સમયપત્રક અનુકૂળ નહીં લાગે, પરંતુ દશ-પંદર દિવસો સુધી આ મુજબ સૂવાનો અને જાગવાનો પ્રયત્ન કરશો, તો મોટા ભાગે અનુકૂળ આવી જશે. આરોગ્ય માટે આ સમયપત્રક ઉત્તમ છે. બપોર પછી ચા-કોફી, અન્ય ઉત્તેજક પીણાં અને બીજું વ્યસન થયું હોય, તેવી વસ્તુઓ ન લેવી. સાંજે મહેમાનો માટે ઘર બહાર આવું બોર્ડ લગાવી દો : ‘આપનું સ્વાગત છે, પણ ચા-કોફી વગેરે પીણાં નહીં પિવડાવીએ.’ રાત્રે ઘરમાં વિવાદાસ્પદ પ્રશ્નોની ચર્ચાનો ત્યાગ કરો. પરિવારનાં બધાં સભ્યો પ્રસન્ન થાય તેવું વાતાવરણ સર્જો. વહેલી ઊંઘ ન આવે તો રાત્રે સ્નાન કરીને હળવા થઈ જાઓ. સાત્ત્વિક હળવું સાહિત્ય વાંચો. ચિંતા છોડો, ચિંતન કરો.

મગજમાં ‘મિડ બ્રેઈન’નામનો એક ભાગ છે. આ ભાગ દ્વારા એવા તરંગો છૂટે છે કે શરીરનાં વિવિધ તંત્રો ધીમે ધીમે સ્થગિત થવા લાગે છે. ધ્યાન-પ્રયોગથી ઊંઘની ક્રિયાને વ્યવસ્થિત કરી શકાય છે. ઊંઘને મહત્ત્વ આપો. મીઠી-ગાઢ ઊંઘ માણો, પણ પરોઢિયે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠવાનું ચૂકતાં નહીં. સવારે ઊઠવા માટે એલાર્મ મૂકો છો, તેમ સૂવા માટે રાત્રીના 10 વાગ્યાનું એલાર્મ મૂકી દેજો.

આટલું યાદ રાખો

* જીવનનું સૌથી મહત્ત્વનું પાસું ઊંઘ છે. જે માણસ સારી રીતે ઊંઘી શકે છે, તે સારી રીતે જાગી શકે છે. શરીરતંત્રને રીચાર્જ કરવા ઊંઘ અનિવાર્ય છે. વધારે પડતી ઊંઘ પાચનતંત્રને બગાડે છે.

* તાજાં જન્મેલાં બાળકોને ખૂબ ઊંઘ જરૂરી છે. પુખ્તવયના માણસોને 6-7 કલાકની એકધારી ઊંઘ જરૂરી છે.

* બપોરે દશેક મિનિટ વામકુક્ષી કરો. તણાવ, ચિંતા, શ્રમનો અભાવ અને શારીરિક માંદગીઓથી ઊંઘ બગડે છે.

* ઊંઘના અભાવથી બેચેની વધે, યાદશક્તિ ઘટે, સક્રિયતા ઘટે અને સ્ફૂર્તિ, પ્રસન્નતા અને શક્તિ હણાઈ જાય છે.

Total Views: 319

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.