રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ ૧૮ મે, શુક્રવારથી ૨૨ મે, મંગળવાર ૨૦૧૮ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધાર્યા હતા.

શનિવાર ૧૯ મે, ૨૦૧૮ના રોજ સવારે ૧૦ :૩૦ કલાકે શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજના વરદ હસ્તે હોસ્પિટલમાં નવા શરૂ થયેલા દંતચિકિત્સાલયનું મંગળ ઉદ્‌ઘાટન થયું હતું.

રવિવાર ૨૦ મે, અને સોમવાર ૨૧ મે, ૨૦૧૮ના રોજ અગાઉથી નોંધાયેલા ૧૬૭ જિજ્ઞાસુ ભક્તજનોને પૂજ્ય મહારાજશ્રીએ મંંત્રદીક્ષા આપી હતી. રવિવાર, ૨૦ મેના રોજ સાંજના ૭ :૪૫ થી ૮ :૪૫ સુધી મંત્રદીક્ષિતો અને ભક્તજનોને મહારાજશ્રીએ પોતાના આશીર્વચન સાથે સંબોધ્યા હતા. મહારાજશ્રી ૨૨ મે, મંગળવારે સવારે અહીંથી વડોદરા જવા રવાના થયા હતા.

શ્રીરામકૃષ્ણ મિશન આશ્રમ, પટણાના સચિવ શ્રીમત્ સ્વામી સુખાનંદજી મહારાજે રામાયણમાં નહનુમાન ચરિત્રથ વિશે મંદિર નીચેના હોલમાં તા. ૨૯ થી ૩૧ મે, ૨૦૧૮ એમ ત્રણ દિવસ સુધી દરરોજ સાંજે ૭ :૪૫ થી ૯ વાગ્યા સુધી રામચરિત માનસ કથાનું રસપાન ભાવિકજનોએ માણ્યું હતું.

રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાની મુલાકાતે

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ ૨૨ મે, મંગળવારથી ૨૫ મે, શુક્રવાર ૨૦૧૮ સુધી રામકૃષ્ણ મિશન, વડોદરાની મુલાકાતે પધાર્યા હતા. બુધવાર ૨૩ મે, ૨૦૧૮ના રોજ સાંજે મહારાજશ્રીના પ્રણામનો કાર્યક્રમ યોજાયો હતો. ગુરુવાર ૨૪ મે, ૨૦૧૮ના રોજ અગાઉથી નોંધાયેલા જિજ્ઞાસુ ભક્તજનોને પૂજ્ય મહારાજશ્રીએ મંંત્રદીક્ષા આપી હતી. તે જ દિવસે સાંજે ૭ :૩૦ કલાકે મંત્રદીક્ષિતો અને ભક્તજનોને મહારાજશ્રીએ પોતાના આશીર્વચન સાથે સંબોધ્યા હતા. મહારાજશ્રી ૨૫ મે, શુક્રવારે સવારે અહીંથી જવા રવાના થયા હતા.

રામકૃષ્ણ મિશન, લીંબડીમાં શ્રીરામચરિત માનસ કથા

શ્રીરામકૃષ્ણ મિશન આશ્રમ, પટણાના સચિવ સ્વામી સુખાનંદજી મહારાજે તા. ૨૩ અને ૨૪ મે, ૨૦૧૮ એમ બે દિવસ રામચરિત માનસ કથાનું રસપાન ભાવિકજનોને રસપાન કરાવ્યું હતું.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરનો વાર્ષિક મહોત્સવ

રામકૃષ્ણ મિશન, પોરબંદરનો વાર્ષિક મહોત્સવ ના ઉપલક્ષ્યમાં ૨૬,૨૭,૨૮ મે ત્રણ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. દરરોજ સાંજે ૬.૧૫ થી ૮.૦૦ દરમિયાન જાહેરસભામાં સંઘના વરિષ્ઠ સંન્યાસી આદિભવાનંદજી, પટણાના સ્વામી સુખાનંદજી, રાજકોટના સ્વામી મંત્રેશાનંદજી, લીંબડીના સ્વામી ગુણાશ્રયાનંદજી મહારાજે ઉપસ્થિત ભાવિકજનો સમક્ષ શ્રીઠાકુર, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદનાં જીવન અને કવનનો ગુણાનુવાદ રજૂ કર્યો હતો. ૨૮, મેના રોજ સ્વામી સુખાનંદજીનું રામચરિત માનસ વિશેનું પ્રવચન ભાવિકજનોએ માણ્યું હતું.

રામકૃષ્ણ મઠ, અમદાવાદ કેન્દ્રનો મંગલ પ્રારંભ

તા.૩૦મી મે, ૨૦૧૮ને બુધવારના રોજ સાંજે ૭ :૦૦ કલાકે અમદાવાદમાં સિંધુ હોલમાં યોજાયેલ એક જાહેર કાર્યક્રમમાં રામકૃષ્ણ મઠ, અમદાવાદ કેન્દ્રનો ભવ્ય પ્રારંભ થયો હતો. રામકૃષ્ણ સંઘનાં દેશવિદેશનાં ૨૨૫ કેન્દ્રોમાંથી ગુજરાત રાજ્યમાં રાજકોટ, લીંબડી, પોરબંદર અને વડોદરા એમ ચાર કેન્દ્રો છે આજના મંગલદિને પાંચમાં કેન્દ્રરૂપે નરામકૃષ્ણ મઠ, અમદાવાદથ અસ્તિત્વમાં આવ્યો છે. જો કે અત્યારે તે કેન્દ્ર શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પેટા કેન્દ્ર રૂપે કાર્ય કરશે.

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના મહાસચિવ શ્રીમત્ સ્વામી સુવીરાનંદજી મહારાજ, સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી આદિભવાનંદજી, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદજી, રામકૃષ્ણ મિશન, લીંબડી; પોરબંદર; વડોદરાના સચિવ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિભાઈ પટેલ અને શ્રીરામકૃષ્ણ કેન્દ્રના રામભાઈ તડવી અને રણજિત નાણાવટી સહિતના ટ્રસ્ટીશ્રીઓ, તેમજ અમદાવાદના પ્રબુદ્ધ નગરજનોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ ભવ્ય ગૌરવ ગરિમાપૂર્ણ મંગલ કાર્યક્રમમાં બેલુર મઠના મહાસચિવ શ્રીમત્ સ્વામી સુવીરાનંદજી મહારાજને રામકૃષ્ણ કેન્દ્રના ટ્રસ્ટીશ્રીઓએ હાલમાં કાર્યાન્વિત થયેલ કેન્દ્રના દસ્તાવેજો સોંપ્યા હતા. સ્વામી સુવીરાનંદજી મહારાજે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે શિક્ષણ અને સંસ્કૃતિ માનવને સજ્જન બનાવે છે. સ્વામી વિવેકાનંદ કોઈ પણ કાર્ય કરી બતાવવામાં માનતા હતા. તેઓ કહેતા કે ભારતનો ઉદય અવશ્ય થશે જ. આપણા સન્માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૩માં બેલુર મઠની મુલાકાત લીધી ત્યારે તેમણે અમદાવાદમાં જનસેવાની મહેક ફેલાવતા કેન્દ્રરૂપે રામકૃષ્ણ મઠની સ્થાપના થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. એને લીધે જ અમદાવાદના મઠનાં બીજ રોપાયાં. અમદાવાદ કેન્દ્રના આ નાના શિશુને અમે શ્રીરામકૃષ્ણ આશ્રમને સોંપીએ છીએ. તેની સારસંભાળ લેવા ગુજરાત સરકાર અમને સહાયરૂપ બનશે અને અમદાવાદના ૧૦ કિ.મી.ના વિસ્તારમાં આ સંસ્થા માટે યોગ્ય જમીન ફાળવે તેવી અમારી આશા અપેક્ષા અસ્થાને નથી.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે દરેક સત્ કર્મ ઈશ્વરનું કાર્ય હોય છે. દરિદ્રનારાયણની સેવા એ જ સાચો માનવધર્મ છે. આત્મકલ્યાણ સાથે સમાજના કલ્યાણ અને સમગ્ર રાષ્ટ્રના કલ્યાણ વિશે આપણે સૌ વિચારતાં થઈશું તો ગુજરાત એક અહિંસક શાંતિપ્રિય, વિકાસશિલ, રાજ્ય બનશે. બીજાં રાજ્યો કરતાં એક અનોખું આધ્યાત્મિક અને ભાવાત્મક આંદોલન ફેલાવીને આપણે આપણા રાજ્યને આધ્યાત્મિક સંસ્કૃતિના રાજ્ય તરીકે ટકાવી શકીશું. યુવાનોના ઘડતર માટે સ્વામી વિવેકાનંદના આદર્શાે આજે પણ પ્રાસંગિક અને ઉપયોગી છે. હું નાનપણથી જ રામકૃષ્ણ આશ્રમની નજીક રહેતો હોવાથી આર.એસ.એસની પ્રવૃત્તિ પછી હું આશ્રમની પ્રવૃત્તિમાં ભાગ લેતો અને ત્યાંના પ્રસાદ અને વાતાવરણનો લાભ પણ મેળવતો ત્યાર પછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં કામ કરતી વખતે જ્ઞાન, વ્યક્તિત્વ  ઘડતર અને ચારિત્ર્ય ઘડતર તેમજ સર્વધર્મ સમન્વયનાં સૂત્રોને સાકાર કરવા હું સ્વામી વિવેકાનંદને પ્રેરણામૂર્તિ ગણતો રામકૃષ્ણે સર્વધર્મ સમભાવનો આદર્શ રજૂ કરીને વિવિધતામાં એકતા લાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે.

આ પ્રસંગે પોતાના સ્વાગત અને પ્રાસંગિક પ્રવચનમાં સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કહ્યું હતું કે અહીં અમદાવાદ કેન્દ્રમાં, વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષકો અને વાલીઓ માટે નૈતિક મૂલ્યોની તાલીમ આપવા નવર્લ્ડ ક્લાસ શિક્ષણ સંકુલથની સ્થાપના થશે. આ કેન્દ્રમાં રામકૃષ્ણ મઠ દ્વારા કોર્પાેરેટ હાઉસિસ તથા શૈક્ષણિક સંસ્થાનોમાં નસ્ટ્રેસ મેનેજમેન્ટથને દૂર કરવાના વિશેષ કાર્યક્રમો યોજાતા રહેશે. એમણે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીવિજયભાઈ રૂપાણીએ આવાં સમગ્ર માનવહિતનાં કાર્યો કરવા આવશ્યક જમીન સરકાર તરફથી પૂરી પાડવા બાહેંધરી આપી હતી.  વર્તમાન વિષમ સંજોગોમાં સમાજ, દેશ અને દેશની આધ્યાત્મિક સંસ્કૃતિના અમર વારસાને ટકાવી રાખવા આવાં સંકુલોની તાતી જરૂર છે એમ જણાવ્યું હતું. પોતાના વક્તવ્યમાં તેમણે કહ્યું હતું કે ગુજરાત અને અમદાવાદ માટે આજનો આ દિવસ અનન્ય ઐતિહાસિક અવસર છે, આજની ઘડી રળિયામણી જેવો આ શુભ પ્રસંગ છે. અમદાવાદ મઠ નઆત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચથ એટલે કે આત્મ કલ્યાણની સાથે સર્વનાં શુભ મંગલ કલ્યાણની શ્રીરામકૃષ્ણ દેવે ચીંધેલી ભાવધારાને ઝીલતું એક મહાન કેન્દ્ર બનશે. અત્યારે તો આ કેન્દ્ર વસ્ત્રાપુર વિસ્તારના કલ્યાણ ટાવરથી પોતાની પ્રવૃત્તિઓ હાથ ધરશે. ભવિષ્યમાં જ્યારે વિશાળ સંકુલ ઊભું થશે ત્યારે રામકૃષ્ણ મઠના વિકસિત કેન્દ્રરૂપે આધ્યાત્મિક, સાંસ્કૃતિક, આરોગ્ય ચિકિત્સા અને શિક્ષણ, માનસિકતાણ નિવારણના, તેમજ સામાન્ય માનવીના સાર્વત્રિક વિકાસના અનેક કાર્યક્રમો થતા રહેશે. આ ઉપરાંત દરિદ્રદેવોભવ, ઋગ્ણદેવોભવના કાર્યક્રમો સાથે ગુજરાતમાં આવતી પ્રાકૃતિક આપદાઓ સામે લડવા અનેક સેવાકાર્યો પણ નિયમિતરૂપે થતા રહેશે. મનની એકાગ્રતા, પ્રાર્થના અને ધ્યાનના કાર્યક્રમો પણ થતા રહેશે.

સ્વામી વિવેકાનંદે ૧૮૯૭માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. ૧૯૨૭માં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સ્થાપના થઈ હતી. ત્યારથી માંડીને આજ સુધી માનવ કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ કરતી આ સંસ્થા ગુજરાતમાં મોખરાના સ્થાને રહી છે. અમદાવાદ કેન્દ્ર પણ આવું જ સમૃદ્ધ કેન્દ્ર બનશે. સ્વામી વિવેકાનંદ ૧૮૯૧માં અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ તત્કાલીન પેટા ન્યાયમૂર્તિ શ્રીલાલશંકર ઉમિયાશંકર તરવાડીના નિવાસ સ્થાને રહ્યા હતા. એ બન્ને નિવાસ સ્થાન અમદાવાદના અમૃતપોળ અને ટાઉન હોલની પાછળ એલિસબ્રિજ ખાતે આજે પણ અસ્તિત્વમાં છે. આ બન્ને ઇમારતોને નસ્વામી વિવેકાનંદ સ્મારક રૂપેથ રૂપાંતરિત કરવાની વિચારણા હાથ ધરાઈ છે. ત્યાં આંતરરાષ્ટ્રિય કક્ષાનું મ્યુઝીયમ રચાશે.

ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે રાજધર્મ અને ધર્મ જુદા નથી. સરકાર ધર્મ અને આધ્યાત્મિકતા સંગઠિત થઈને દેશને તેજસ્વી બનાવવા પ્રયત્નશીલ છે, ત્યારે અમદાવાદમાં રામકૃષ્ણ મઠનું કેન્દ્ર અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરીને મહત્ત્વપૂર્ણ પ્રદાન કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વરિષ્ઠ સંન્યાસી સ્વામી આદિભવાનંદજીએ જણાવ્યું હતું કે પોતાના જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય તો સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનું વાંચન કરો. આ પ્રસંગે અમદાવાદના મેયર ગૌતમભાઈ શાહ ઉપરાંત વિધાન સભ્યો ભૂપેન્દ્રભાઈ પટેલ અને નિર્મલાબેન વાધવાણી તેમજ સ્વામી આત્મદિપાનંદ (પોરબંદર), સ્વામી ગુણાશ્રયાનંદ (લીંબડી), સ્વામી ઇષ્ટમયાનંદ (વડોદરા) તેમજ ગુજરાતનાં અન્ય કેન્દ્રોના પ્રતિનિધિઓ અને નગરના પ્રાજ્ઞ જનો ૭૦૦ની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો પ્રારંભ રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. કાર્યક્રમના અંતે શ્રીનાણાવટી ભાઈએ આભારદર્શન કર્યું હતું. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત-ગાન સાથે થયું હતું.

શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનું વાર્ષિક સંમેલન

તા. ૨ અને ૩ જૂનના રોજ આદિપુર-ગાંધીધામમાં સમગ્ર ગુજરાતનાં શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ કેન્દ્રોનું વાર્ષિક સંમેલન યોજાયું હતું. આદિપુર કેન્દ્રના અગ્રણી અંજનાબહેન હઝારીના નેતૃત્વ હેઠળ બધાં કેન્દ્રો વતી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓના મંત્રોચ્ચારથી થયો હતો. રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી ઇષ્ટમયાનંદજીએ જીવનના ત્રણ પડાવની વાત કરતાં આપણા જીવનઘડતરમાં સ્વપરિશ્રમ, સમાજ – માતપિતા, ગુરુ, મિત્રો અને ઈશ્વરના મહાન પ્રદાન વિશે વિગતવાર વાત કરી હતી. રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી ગુણાશ્રયાનંદજીએ જણાવ્યું હતું કે ઈશ્વરને ન જાણવો એ અજ્ઞાન છે. એટલે આપણા ગુરુ પાસેથી ઉપનિષદો દ્વારા એ જ્ઞાન મેળવવું જોઈએ. રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજીએ કહ્યું હતું કે આધ્યાત્મિકતાનાં ફળ વૃક્ષ પર પાકે તે પહેલાં આપણે ઝાડને હચમચાવવું પડે. પ્રભુને પામવા ઉત્કટ પુરુષાર્થ કરવો પડે. આજે આબાલવૃદ્ધ સૌ કોઈ કલાકો સુધી ટીવીમાં આંખો માંડીને બેઠા રહે છે. પણ કોઈ ઈશ્વરનું ચિંતન-મનન કરતાં નથી. આ એકનું જ ચિંતન-મનન જીવનને સાર્થક કરી દે છે. રામકૃષ્ણ મિશન, પટણાના સચિવ સ્વામી સુખાનંદજીએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદ જાણે કે શ્રીરામકૃષ્ણદેવના હનુમાનજી હતા. હનુમાને કામ-ક્રોધ-મદ-લોભ-મોહ-મત્સરને જીતીને શ્રીરામની અટલ ભક્તિ કેળવી હતી. એટલે જ તેઓ રામદૂત હનુમાન બની ગયા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ શ્રીઠાકુર, શ્રીમા શારદાદેવી અને સ્વામીજીનાં જીવનસંદેશની વાત કરીને એમની દિવ્યવાણીનો પ્રચાર-પ્રસાર કરવા દરેક કેન્દ્રને વિનંતી કરી હતી.

શ્રીરામકૃષ્ણ યુવક મંડળ, ભૂજ દ્વારા વિશેષ શોભાયાત્રા

સમગ્ર ભારત દેશમાં પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદે ગુજરાત-સૌરાષ્ટ્ર પ્રદેશમાં ઘણો સમય વીતાવ્યો હતો. તેની સ્મૃતિરૂપે તા. ૩ જૂન, ૨૦૧૮ને રવિવારે સાંજે ૫.૩૦ થી ૬.૩૦ વાગ્યા સુધી ભૂજ શહેરમાં હમીર તળાવ પાસે આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસેથી શોભાયાત્રાનું આયોજન થયું હતું. એને ભૂજ નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ હાથીએ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ શોભાયાત્રા સંસ્કારનગર, પ્રસાદી પ્લોટ ખાતે આવેલ શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રાંગણમાં જાહેર સભામાં ફેરવાઈ હતી.

આ જાહેર સભામાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ, પટણા (બિહાર) આશ્રમના અધ્યક્ષ સ્વામી સુખાનંદજી મહારાજ, રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદિપાનંદજી મહારાજ અને રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજ તથા ભૂજના સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા અને ભૂજના ધારાસભ્ય નિમાબહેન આચાર્ય ઉપસ્થિત રહીને શ્રોતાજનોને સ્વામી વિવેકાનંદના જીવનસંદેશની પ્રસંગિકતાની વાત કરી હતી.

યુવક મંડળના શ્રી ગોર, શ્રી શાંતિભાઈ ઠાકર અને હિતેન્દ્રભાઈ ધોળકિયા તથા તેમના સહકાર્યકરોએ આ કાર્યક્રમમાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું.

શ્રીરામકૃષ્ણ યુવક મંડળ, ભૂજ દ્વારા વિશેષ શોભાયાત્રા

સમગ્ર ભારત દેશમાં પરિભ્રમણ દરમિયાન સ્વામીજીએ ભૂજ, માંડવી, આશાપુરા મંદિર વગેરે અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. તેની સ્મૃતિરૂપે તા. ૪ જૂન, ૨૦૧૮ને સોમવારે સાંજે ૫.૦૦ થી ૬.૩૦ વાગ્યા સુધી માંડવી શહેરમાં આઝાદ ચોક, ભીડબજાર, કે.ટી.શાહ રોડ, સોનાચાંદી બજાર, કંસારા અને સંઘેડા બજાર, સાંજીપડી અને તળાવાળા નાકાની બહાર થઈને સત્સંગ આશ્રમ સુધી શોભાયાત્રા પહોંચી હતી.

ત્યાર પછી રામકૃષ્ણ સેવા મંડળના સભ્યો, શહેરના પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં યોજાયેલ જાહેરસભાને રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદિપાનંદજી, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી પ્રભુસેવાનંદજી અને સ્વામી મંત્રેશાનંદજીએ સ્વામી વિવેકાનંદના વિચારો વાંચીને યુવાનો પોતાના જીવનનું કેવી રીતે નવ પરિવર્તન લાવી શકે અને પોતાના જીવનઘડતર દ્વારા રાષ્ટ્રઘડતરના કાર્યો કરવાની શક્તિ અર્જીત કરી શકે તેની ઉદાહરણો સાથે વાત કરી. આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીઅનિરુદ્ધભાઈ દવે, નગરપાલિકાના પ્રમુખ સુશ્રી સુજાતાબહેન ભાયાણી, ખોડાયપુલના સ્વામી નારાયણ ગુરુકુળના કેમ્પસ ડાયરેક્ટર શ્રીનંદન મુખર્જી ઉપસ્થિત હતાં.

Total Views: 268

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.