સ્વામી વિવેકાનંદ કહે છે, ‘અહીં તહીં મોં નાખવાની ટેવ હંમેશને માટે છોડી દેવી. એક જ વિચારને પકડૉ. એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો… તેના સ્વપ્ન સેવો, એ વિચાર પર જીવો… સફળ થવાનો આ જ માર્ગ છે.’

આપણી આસપાસ વસતા અને આપણા સંપર્કમાં આવતા લોકોની સ્થિતિનું અવલોકન કરીએ, તો આપણને ખ્યાલ આવશે કે કેટલાક સ્થિર ધીર હોય છે, વળી કેટલાક અર્ધદગ્ધ અવસ્થામાં જીવતા હોય છે, કેટલાક તો મરવાને વાંકે માયકાંગલા બનીને જીવન જીવતા હોય છે.

સ્થિર ધીર માણસો પાસે પોતાના જીવનનો કોઈ ને કોઈ આદર્શ હોય છે. એ માર્ગે તેઓ આગળ ધપે છે અને સફળતાને વરે છે. પોતાના જીવનમાં આદર્શ સેવનાર વ્યક્તિ તેને આંબવા માટે સતત જાગ્રત રહે છે, એને સાકાર કરવા મથે છે અને એને મેળવીને જીવનનો પરમ આનંદ પ્રાપ્ત કરે છે. બાકીના બીજા બધા તો આદર્શ વિહોણા બનીને આમતેમ આથડે છે અને જીવનને વ્યર્થ બનાવી દે છે.

કોઈ પણ માનવી પોતાના જીવનમાં કોઈ ઉમદા આદર્શ કે વિચારને વળગી રહીને પોતાની જીવનશૈલીને એ પ્રમાણે ઢાળે છે. મહાત્મા ગાંધીજી મહાત્મા બન્યા તે પહેલાં એક સામાન્ય માનવી જ હતા. શરીરે નિર્બળ, સ્વભાવે શરમાળ અને સંકોચશીલ હતા. પરંતુ એમને સત્યાગ્રહ અને અહિંસાનો પથ સૂઝી ગયો અને દક્ષિણ આફ્રિકાના ભારતવાસીઓને આત્મગૌરવ અપાવવા માટે એમણે અહિંસક સત્યાગ્રહ આદર્યો. અને આપણે જોયું કે તેમણે પોતાની ધારણા પ્રમાણે ત્યાંના ગોરા શાસકોનાં મન જીતી લઈને ભારતીયોને ગૌરવભેર જીવવાનું શિખવાડ્યું. તેઓ સૌના રાહબર બની ગયા.ભારતમાં આવીને તેમણે આ જ આદર્શ સાથે અહિંસક સત્યાગ્રહનાં મંડાણ કર્યાં, ભારતીયોને જગાડ્યા, સ્વાતંત્ર્ય માટે પોતાનું આત્મબલિદાન કરવું પડે તો તેમ કરવા માટે પ્રેર્યા અને અંતે આપણને આઝાદી અપાવી.

19મી સદીના મહાન આશ્ચર્યરૂપ હેલનકેલરને નાનપણમાં તાવ આવ્યો અને એણે આંખ, કાન અને જીભની શક્તિ ગુમાવી. કાળજું થંભાવી દે તેવી ભયંકર અને દયાજનક પરિસ્થિતિમાં હેલનકેલર જીવનભર ઝઝૂમ્યાં અને મહાન વિકાસના યાત્રી બન્યાં. અંધજનો માટે તેઓ આશીર્વાદ રૂપ બન્યાં.

કલ્પના કે સ્વપ્નને સાકાર કરવા કે એને વાસ્તવિક રૂપ આપવા અથાક શક્તિની જરૂર છે, દૃઢ મનોબળની જરૂર છે. એમાં તો નરસિંહ કે સિંહનારી બનવું પડે. તેમાં શાહમૃગી વૃત્તિ કામે ન લાગે. ‘રણ તો ધીરાનું, નહીં કાયરનું,’ પછી એ રણ ભલે વ્યાવહારિક જીવનનું હોય, વ્યાપાર કે ઉદ્યોગ ક્ષેત્રનું હોય, વિદ્યાર્થી જીવનનું હોય કે અધ્યાત્મની સીડીઓ ચડતા સાધકનું હોય. ‘પ્રેમ પંથ છે પાવક જ્વાળા’ આદર્શ પ્રત્યેના પ્રેમ માટે આ પાવક જ્વાળામાં ખાબકવાની અજબની હામ હૈયે હોવી જરૂરી છે. જો એ ન હોય તો ‘દેખણહારા દાજે જો ને’ જેવું જીવન ફારસ રૂપ બની જાય.

મહારાજા ભર્તૃહરિએ કહ્યું છે, ‘વ્યવહાર કુશળ માણસો તમારી નિંદા કરે કે પ્રશંસા, લક્ષ્મી તમારી પાસે આવે કે મરજી પડે ત્યાં જાય, મૃત્યુ આજે આવે કે સો વર્ષ પછી આવે, પણ ધૈર્યવાન પુરુષ સત્યના, ન્યાયના માર્ગેથી એક ડગલું પણ ચસકતો નથી.’ આદર્શને વરીને ચાલનાર માણસમાં આ શક્તિ હોવી જરૂરી છે.

Total Views: 188
By Published On: August 1, 2018Categories: Bhaktiben Parmar0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram