સ્વાધીનતા સંગ્રામીઓના પ્રેરણાસ્રોત

આપણા દેશના સ્વાધીનતા-સંગ્રામના મોટાભાગના નેતાઓના, ક્રાંતિકારીઓના મૂળ પ્રેરણાસ્રોત હતા સ્વામી વિવેકાનંદ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી શ્રી રાજગોપાલાચાર્યે તો ત્યાં સુધી કહ્યું કે સ્વામી વિવેકાનંદજી વિના આપણને સ્વાધીનતા પ્રાપ્ત ન થાત. કાકાસાહેબ કાલેલકરે પણ સ્વીકાર્યું છે કે સ્વામી વિવેકાનંદજી વિદેશથી ભારત પાછા ફર્યા ત્યારે ચેતનાની એક નવી લહેર સમસ્ત દેશમાં ફેલાઈ ગઈ, સેંકડો વર્ષોથી ગુલામીમાં સબડતું રાષ્ટ્ર અચાનક પુનર્જીવિત થયું, અમારા જેવા કેટલાય યુવકોમાં દેશ પ્રત્યે ગૌરવની ભાવના જન્મી.

આપણા દેશના સ્વાતંત્ર્યસેનાનીઓની અદ્‌ભુત દેશભક્તિથી ખેલાયેલ ઐતિહાસિક અને વિરલ સંગ્રામથી બ્રિટિશ રાજ્યના પાયા હચમચી ગયા અને યુદ્ધ વગર જ આપણને સ્વાધીનતા સાંપડી. પણ સ્વાધીનતા પછી આપણે સ્વામીજીના સંદેશને ભૂલી ગયા. દેશસેવાના રથચક્રમાં સાર્વજનિક વિશ્વસનીયતા અને નૈતિકતાના અભાવની, ભ્રષ્ટાચારની, લોકશાહીમૂલ્યોના ધોવાણની, મતના બદ-ઇરાદાવાળા રાજકારણની, જ્ઞાતિજાતિના ભેદભાવના વિષની, ધનલોલુપતાની, પદલોલુપતાની, સ્વાર્થવૃત્તિની, સગાંવાદની ખીલી લાગી અને દેશભક્તિની બધી હવા નીકળી ગઈ. પરિણામે સ્વાધીનતાનાં 71 વર્ષો પછી પણ આપણે સ્વામીજીએ સેવેલ સ્વપ્ન ‘ભારત દ્વારા સમસ્ત વિશ્વ પર વિજય’ થી ઘણા દૂર છીએ.

સ્વાધીન ભારતની પરાધીનતા

આજે સ્વાધીનતાનાં 71 વર્ષો પછી દેશના 22% લોકો ગરીબીરેખાની નીચે જીવે છે. ચાર વર્ષની નીચેનાં 53% બાળકો (લગભગ છ કરોડ) પૂરતું પોષણ પામતાં નથી. 36% બાળકો પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પહેલાં જ નિશાળ છોડી દે છે. 30 % લોકો નિરક્ષર છે. વિશ્વનાં સૌથી વધુ નિરક્ષર બાળકો અને પુખ્તવયના લોકો ભારતમાં છે. ગામડાંમાં વસતા 5 % લોકોને જ ગંદવાડથી રક્ષણ આપતી સ્વાસ્થ્ય વ્યવસ્થા ઉપલબ્ધ છે. સૌથી મોટા દુ:ખની વાત તો એ છે કે વિશ્વના દસ ટોચના ભ્રષ્ટાચારી દેશમાં ભારતનું સ્થાન આઠમું છે ! સામાજિક દૃષ્ટિએ જોતાં આમજનતા પરના અને નારી જાતિ પરના જુલમો ચાલુ છે. સૌથી મોટી પરતંત્રતા આવી છે – સાંસ્કૃતિક ક્ષેત્રે. વિદેશી ચેનલો, વિદેશી સંગીત, વિદેશી વસ્ત્રો, વિદેશી ભાષા, વિદેશી સભ્યતા જનમાનસ પર હાવી થઈ ગઈ છે. કોને ખબર આજે લોર્ડ મેકોલે ક્યાં હશે – સ્વર્ગ કે નરકમાં. પણ જ્યાં પણ હશે ત્યાં અત્યંત ગૌરવ અનુભવતો હશે કે ભારતીયોને સદાય ગુલામ બનાવી રાખવાવાળી, ભારતીય સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે ઘૃણાની ભાવનાનું પોષણ કરનારી શિક્ષણપદ્ધતિ 1836માં તેણે ચાલુ કરી હતી તે આજે ભારતમાં સ્વાધીનતાનાં 71 વર્ષો પછી પણ ચાલુ છે! જો કે હવે નવા યુગ પ્રમાણે શિક્ષણમાં ઘણાં પરિવર્તનો થઈ રહ્યાં છે. પણ આ પરિવર્તનો માત્ર પ્રયોગ ન બની રહે, એ જોવાની જરૂર છે. આપણને, આપણા દેશને જચે-પચે અને અર્વાચીન યુગનાં બધાં ટેકનોલોજીકલ પરિમાણોથી સુપરિચિત થઈ શકે, પોતપોતાનાં આગવાં કૌશલ્યો અને કોઠાસૂઝ કેળવીને પોતાને, સમાજને અને રાષ્ટ્રને આગળ ધપાવે અને વિશ્વને આંગળી ચીંધે એવા યુવાનોને કેળવવા જરૂરી છે.

આજની સૌથી વધુ મહત્ત્વપૂર્ણ અને તાતી આવશ્યકતા છે – ભારતીય સંસ્કૃતિ અને ધર્મને ઉચ્ચતમ પ્રાધાન્ય આપવાની. ભારતના શિક્ષણનું ભારતીયકરણ કરવું પડશે, મેનેજમેન્ટના ક્ષેત્રે ભારતીય અભિગમ અપનાવવો પડશે, પ્રચાર-પ્રસારનાં સાધનોમાં – ટી.વી., સમાચારપત્રોમાં ભારતીય મૂલ્યોને, ભારતીય સંસ્કૃતિને ઉચ્ચતમ સ્થાન આપવું પડશે. ભારતવાસીઓ જ્યાં સુધી ભારતને પ્રેમ કરતા નહિ થાય, ત્યાં સુધી સ્વામી વિવેકાનંદજીએ ભારત વિશે સેવેલ ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ દ્વારા સંપૂર્ણ વિશ્વ પર વિજયનું સ્વપ્ન સિદ્ધ નહિ થાય.

ભારતનો ગૌરવપૂર્ણ ભૂતકાળ

જે લોકો ભૂતકાળને હંમેશાં વાગોળ્યા કરે છે તેમને આજકાલ સૌ વખોડે છે. એમ કહેવાય છે કે ભારતનાં બધાં દુ:ખનું મૂળ કારણ ભૂતકાળનાં ગુણગાન કરવાં તે છે. સ્વામી વિવેકાનંદજી આ કથન સાથે સહમત થતા નથી. તેમણે કહ્યું હતું, ‘ભૂતકાળ ભવિષ્યનું નિર્માણ કરે છે. એટલે બની શકે ત્યાં સુધી ભૂતકાળમાં નજર દોડાવો. ત્યાં જે ચિરંતન ઝરણું વહી રહ્યું છે, તેનું ધરાઈને આકંઠ પાન કરો અને ત્યાર પછી જ સામે દૃષ્ટિ કરીને આગળ વધો અને પ્રાચીનકાળમાં ભારતે જે ઊંચાં ગૌરવ-શિખરો સર કર્યાં હતાં તેનાથી પણ વધારે ઊંચાં, ઉજ્જવળ, મહાન અને મહિમામય બનાવવાના પ્રયત્નો કરો.’

સ્વામીજીના ગ્રંથોનું અધ્યયન કરવાથી આપણને જાણવા મળશે કે આપણી માતૃભૂમિ પ્રત્યે વિશ્વનું ઋણ અપરિમિત છે. જ્યારે ખ્રિસ્તી ધર્મની કલ્પનાનો જન્મ પણ નહોતો થયો, તેનાં હજારો વર્ષ પહેલાંથી આપણો ધર્મ પ્રસ્થાપિત થઈ ચૂક્યો હતો. વિજ્ઞાનને ક્ષેત્રે પણ આપણે મહાન સિદ્ધિઓ  હાંસલ કરી હતી. પ્રાચીન ભારતે વૈજ્ઞાનિક દૃષ્ટિથી સંપન્ન ચિકિત્સકોની ભેટ આપી છે. સર વિલિયમ હન્ટરના મતાનુસાર જુદા જુદા રાસાયણિક પદાર્થોની શોધ અને વિરૂપ કાન તથા નાકને પુનર્ગઠિત કરવાના ઉપાયો બતાવીને ભારતે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનને સમૃદ્ધ કર્યું છે. ગણિત ક્ષેત્રે તો તેનું યોગદાન ઉલ્લેખનીય છે. બીજગણિત, ભૂમિતિ, ખગોળ વિદ્યા, જ્યોતિષ વિદ્યા અને આધુનિક વિજ્ઞાનના વિજય સ્વરૂપ મિશ્ર ગણિત આ બધાનું જન્મસ્થાન ભારત જ છે, ત્યાં સુધી કે વર્તમાન સભ્યતાનો પાયો, સંખ્યા દશક ભારતના મનીષીઓની જ સૃષ્ટિ છે. દશ સંખ્યાવાચક દશાંક શબ્દ વાસ્તવમાં સંસ્કૃત શબ્દ છે. ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની શોધ ન્યૂટને કરી તેનાં સેંકડો વર્ષો પૂર્વ ભાસ્કરાચાર્યે કરી હતી.

તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં તો ભારત અન્ય દેશો કરતાં ક્યાંય આગળ રહ્યો છે. પ્રસિદ્ધ જર્મન તત્ત્વજ્ઞાની શોપનહોર વગેરે અનેક વિદ્વાનોએ આ વાતનો સ્વીકાર કર્યો છે. આ જગતને સંગીતની ભેટ આપનાર ભારત છે. ભારતે જ સાત મુખ્ય સ્વર – સૂરના ત્રણ તાલની સાથે સાથે સ્વરલિપિની પ્રણાલી આપી. ભાષાવિજ્ઞાનના ક્ષેત્રે હવે આ સર્વસ્વીકૃત બન્યું છે કે બધી યુરોપીય ભાષાઓનો આધાર આપણી સંસ્કૃત ભાષા છે. સાહિત્યના ક્ષેત્રે આપણાં કાવ્યો, મહાકાવ્યો અને નાટકો કોઈ પણ ભાષાની રચનાઓ કરતાં ચડિયાતાં છે. જર્મનીના શ્રેષ્ઠ કવિએ આપણા શાકુંતલ નાટક માટે સંક્ષેપમાં કહ્યું હતું કે આ નાટકમાં સ્વર્ગ અને પૃથ્વી એકરૂપ બની ગયાં છે. ‘ઈસપની નીતિકથાઓ’ ભારતના એક જૂના સંસ્કૃત પુસ્તકમાંથી લીધેલ છે. ‘અરેબિયન નાઈટ્સ’ અને ‘સિન્ડ્રેલા’ તથા ‘જેક એન્ડ ધ બીન સ્ટોક્સ’ નામક પ્રખ્યાત કથા – સાહિત્યનો જન્મ પણ ભારતમાં થયો હતો. શિલ્પકલા, ચિત્રકલા, સ્થાપત્ય વગેરે ક્ષેત્રોમાં ભારત કેટલું આગળ હતું, તેનો આછો ખ્યાલ અજંતા – ઈલોરાની ગુફાઓ જોવાથી અને એક જ ખડકમાંથી કોતરાયેલ અજંતાના કૈલાસ મંદિરને જોવાથી મળે છે.

શતરંજ, ગંજીપો અને પાસા ફેંકવા જેવી રમતનો જન્મ ભારતમાં થયો હતો. આર્થિક ક્ષેત્રે તો ભારતની ઉન્નતિ એટલી બધી હતી કે ‘સોને કી ચિડિયા’ કહેવાતા આ દેશમાં ભૂખ્યા યુરોપના નિવાસી ઠીક ઠીક સંખ્યામાં ધન પ્રાપ્ત કરવાની ઇચ્છાથી આવવા લાગ્યા અને આ જ બાબત પરોક્ષ રીતે અમેરિકાની શોધનું કારણ બની.

સ્વામીજી કહે છે, ‘જ્યારે હું દેશના પ્રાચીન ઇતિહાસની પર્યાલોચના કરું છું ત્યારે સમગ્ર વિશ્વમાં મને એવો કોઈ દેશ નથી દેખાતો કે જેણે ભારતની જેમ માનવહૃદયને ઉન્નત કરવા માટે આટલું કાર્ય કર્યું હોય.’

ભારતનું સોનેરી ભવિષ્ય

બેલુર મઠમાં બેસીને એક વખત સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘મેં બધું જોઈ લીધું છે, ભારતવર્ષમાં આગામી પાંચસો – છસો વર્ષના ઇતિહાસનું પાનું ફરી ગયું છે.’ સ્વામીજીએ કહ્યું હતું કે ભારતમાં ભૌતિક સમૃદ્ધિ એટલી વધશે કે તેનો પ્રાચીન વૈભવ ઝાંખો પડી જશે. તેમને વિશ્વાસ હતો કે ભારતનું ભવિષ્ય તેના ભૂતકાળ કરતાં વધુ ગૌરવમય અને મહાન થશે. તેમનું સ્વપ્ન હતું – ભારત દ્વારા સમસ્ત વિશ્વ પર વિજય. સ્વામીજીના આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે આપણે બધાંએ સજ્જ થવું પડશે. આપણી માતૃભૂમિ પાસે વિશ્વવિજયી બનવાની બધી સામગ્રી છે, આપણી મહાન સંસ્કૃતિ અને વેદાંતના અમૃતને પામવા માટે આજે વિદેશના લોકો આતુર થઈ ગયા છે. આપણા વૈજ્ઞાનિકો અણુવિજ્ઞાનના ક્ષેત્રે, અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રે, સોફટવેર ટેકનોલોજીના ક્ષેત્રે અદ્‌ભુત સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. આપણી પાસે આર્થિક વિકાસ માટે આવશ્યક ખનિજ પદાર્થો, તેલ વગેરે સાધનો પણ ઉપલબ્ધ છે, પણ આ માટે સ્વામીજીએ આપેલ મંત્ર આપણે સૌએ યાદ રાખવો પડશે : ‘ભારત વર્ષને પ્રેમ કરો –

Total Views: 183

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.