त्वदंबुलीनदीनमीनदिव्यसंप्रदायकम्

कलौमलोघभारहारि सर्वतीर्थनायकम्

सुमत्स्यकच्छनक्रचक्रचक्रवाक् शर्मदे

त्वदीयपादपंकजं नमामि देवि नर्मदे ॥

હે દેવી નર્મદે ! સુંદર માછલાં, કાચબા, મગરમચ્છો અને ચક્રવાકોને પણ સુખ આપનારાં હે દેવિ નર્મદે! આપનું જળ પોતાની અંદર રહેલાં દીન માછલાંને પણ દિવ્ય સુખ આપનાર; કલિયુગના લીધે લાગેલા પાપરૂપ મેલનો મોટો ભાર હરનાર અને સર્વ તીર્થોમાં નાયક છે. આપનાં ચરણકમળને હું વંદુ છું.

રાવેરમાં બપોરે વિશ્રામ કરીને ત્રણ કિ.મી. દૂર બકાવા ગામ માટે રવાના થયા. ગામને પાદરેથી નાની નદી પસાર થતી હતી. સુંદર ઘાટ અને વૃક્ષો. વળી આ બાજુ નાનકડું બજાર, જેમાં હા, હોકારા અને દુનિયાભરની ધમાલ. જાણે પ્રાચીન અને અર્વાચીનનાં એક સાથે દર્શન! રસ્તામાં થાકોડો ખાતી વખતે સવારે ધોયેલાં કપડાંને સૂકવી પણ નાખ્યાં. (બપોરે વિશ્રામ વખતે સુકવવાના ભુલાઈ ગયાં હતાં.) બકાવામાં નર્મદાને તટે આવેલ રામજી મંદિરમાં સાંજે પાંચેક વાગ્યે પહોંચ્યા. સફેદ વસ્ત્રમાં સફેદ જટાધારી મહંત મહારાજ અને ગામના ચાર-પાંચ લોકો બેઠેલા હતા. અમે ‘નર્મદે હર’ કરીને એક સાદડી પર જગ્યા લીધી. આજે બકાવામાં પણ સરપંચની ચૂંટણી માટે મતદાન થયું હતું, એનો જ માહોલ ગરમ હતો, એની જ ચર્ચાઓ ચાલતી હતી. મહારાજનો એટલો દબદબો કે સવારના સાત વાગ્યે એમના મત પછી જ મતદાન શરૂ થાય, એવી પરંપરા! વાત-વાતમાં ખબર પડી કે બંને પક્ષોએ સરપંચની આ સામાન્ય ચૂંટણીમાં 11-11 લાખ રૂપિયા ખર્ચ્યા હતા! છેલ્લા કેટલાક દિવસોથી આખા ગામને છૂટે હાથે સુરાપાન કરાવતા હતા! સમાજની કેવી વિષદ-કરુણ અવસ્થા! એક બાજુથી આપણે વ્યસનમુક્તિના ભોંપૂડા વગાડીએ છીએ અને બીજી બાજુ સમાજની આ વરવી દશા!

મહંત મહારાજ અડધી કલાક સુધી અમારા બંનેનું અવલોકન જ કરતા રહ્યા. પાછળથી એનું કારણ જણાયું કે આશ્રમમાં 80 વર્ષનો એક ભાભો માંડ માંડ કરીને પૂજા કરે, રસોઈ કરે, આશ્રમની સફાઈ કરે. આમાં આ બે સંન્યાસીઓ આશ્રમના કાર્યમાં મદદરૂપ થશે કે નહીં, કદાચ એનો તાગ લેવામાં જ એમણે એ સમય ગાળ્યો હશે! અડધી કલાક પછી ચા મળી. અમે લોકો તો દૂધમાં સાકર ભળી જાય તેમ આશ્રમમાં ભળી ગયા. વૃદ્ધ ભાભાજી અમારાથી ખૂબ ખુશ થઈ ગયા. અમે નર્મદા સ્નાન, પૂજાપાઠ કરીને આશ્રમની સંધ્યા આરતીમાં ભાગ લેવા પહોંચ્યા. વૃદ્ધ ભાભાજીએ ધૂપદીપથી આરતી કરી અને આરતીને અંતે ગર્ભમંદિરની બાજુમાં જ રાખેલ વિશેષ આસન પર મહંત મહારાજ ઊભા રહ્યા અને તેની પણ આરતી થઈ. અમને તો આશ્ર્ચર્ય થયું! ગામડાંમાં અને વિશેષ કરીને નર્મદાખંડમાં અમે જોયું કે વ્યક્તિપૂજાનું ખૂબ મહત્ત્વ છે. આ માનવમનની સ્વાભાવિક નબળાઈ કહેવાય. અહીં સ્વામી વિવેકાનંદના જીવનની એક ઘટના યાદ આવે છે.

સ્વામીજી વિદેશમાં એક પ્રવચન આપતા હતા. વિશાળ હોલના બધા જ માનવો સ્થળ-કાળ ભૂલી એક અતીન્દ્રિય, અનિર્વચનીય આનંદમાં તરબોળ થઈ ગયા હતા. અચાનક સ્વામીજી પ્રવચન અટકાવીને બીજા ખંડમાં ચાલ્યા ગયા. ધીરે ધીરે લોકોનાં મન સામાન્ય ભૂમિ પર આવ્યાં અને લોકો જોવા લાગ્યા કે પોતે ક્યાં છે. કેટલાક વિશેષ અનુરાગીઓએ સ્વામીજીની મુલાકાત લઈને પૂછ્યું, ‘સ્વામીજી, તમારા પ્રવચનથી અમને દુર્લભ આનંદની અનુભૂતિ થતી હતી. તમે શા માટે પ્રવચન બંધ કરી દીધું?’ ત્યારે સ્વામીજીએ કહ્યું, ‘જો આજે મેં આ પ્રવચન પૂરું કર્યું હોત તો હોલમાં રહેલ દરેક માનવ જીવનભરના મારા ગુલામ બની જાત! પરંતુ હું તો કોઈને ગુલામ બનાવવા માટે આવ્યો નથી! દરેક માનવ પોતે સંઘર્ષ કરે અને પોતાનો માલિક બને.’ આવા હતા, યુગનાયક યતિરાજ સ્વામી વિવેકાનંદ.

એટલે જ સ્વામી વિવેકાનંદ ભાવધારામાં આસ્થા રાખતા લોકો વ્યક્તિ-પૂજા કરતાં ઉદાત્ત સનાતન દિવ્ય સિદ્ધાંતોને વિશેષ મહત્ત્વ આપે છે.

બીજે દિવસે 14 જાન્યુઆરી, મકરસંક્રાંતિ હતી. તથા આશ્રમમાં ગરમ પાણીની વ્યવસ્થા હતી. અને સૌથી અગત્યનું એ હતું કે કાલે સરપંચની ચૂંટણીમાં જે જીતે તે નર્મદા માને ચૂંદડી ઓઢાડવાનો કાર્યક્રમ કરવાના છે, એ અમારા માટે વિશેષ દર્શનીય અને આહ્લાદક હતું. એટલે અમે આવતીકાલ બપોર સુધી આશ્રમમાં રોકાઈ જવા નિર્ણય કર્યો. 14 દિવસનાં મેલાં-ઘેલાં કપડાં અને શરીર ગરમ પાણીથી સાફ થતાં હળવા-ફૂલ જેવા થઈ ગયા. સવારના મકરસંક્રાંતિના અદ્ભુત સુંદર વાતાવરણ વચ્ચે નર્મદામાં સ્નાન કર્યું. બપોર સુધીમાં ચૂંટણીના સમાચાર આવી ગયા અને બપોરે 2.00 વાગ્યે ધામધૂમથી નર્મદા મૈયાને ચૂંદડી ઓઢાડવાનો કાર્યક્રમ થવાનો છે. અમે તો બપોરનો પ્રસાદ લઈને તરત નર્મદાતીરે એક સુંદર ઊંચી જગ્યામાં ગોઠવાઈ ગયા. આ કાંઠેથી સામે કાંઠે સુધીની નર્મદા મૈયાની પહોળાઈ અંદાજ 400 મીટર હશે. દોઢેક મીટરના પનાવાળું સુંદર કાપડ આ તટેથી હોડીમાં ત્રણ-ચાર જણા પકડી રાખે અને ધીરે ધીરે હોડી સામે કાંઠા તરફ આગળ વધે. 30-40 મીટર પછી ફરી બીજી નૌકાવાળા વચ્ચેના ઝૂલી ગયેલા કાપડને પકડી રાખે અને સામા કાંઠા તરફ આગળ વધે. આવી રીતે વચ્ચે વચ્ચે છ-સાત હોડીઓની મદદથી સુંદર કાપડને આ તટેથી બીજા તટ સુધી મા નર્મદાને ઓઢાડવામાં આવે. આને કહેવાય નર્મદાને ચૂંદડી ઓઢાડવાનો ઉત્સવ. અમે તો આતુરતાપૂર્વક આ પૂજાવિધિની રાહ જોવા લાગ્યા.

મહંત સ્વામી અને ગામના સરપંચ, આગેવાનો બધા ધામધૂમથી નર્મદા તટે આવ્યા અને પંડિતો દ્વારા મા નર્મદાની પૂજા અર્ચના કરીને ચૂંદડી ઓઢાડવાના સુંદર કાર્યક્રમને જીવનમાં પહેલીવાર અમારા સ્વચક્ષુથી નિહાળી ધન્ય બન્યા. લોકોમાં રહેલ નર્મદા મૈયા પ્રત્યેના અનન્ય ભક્તિભાવ જોઈને અમે આશ્ર્ચર્યચકિત બન્યા.

આ બકાવા ગામ નર્મદેશ્ર્વર શિવલિંગ માટે સુવિખ્યાત છે. ભારતના વિવિધ મોટા શહેરોમાં તથા દેશવિદેશમાં 10 રૂપિયાથી માંડીને 5 લાખ રૂપિયા સુધીના નર્મદેશ્ર્વર શિવલિંગ અહીંથી જ જાય છે. (વધુ માહિતી માટે જુઓ વિિંાં://ુજ્ઞીિીં.બય/રલઅતરઙબગઝ70)

બકાવામાં આ માટેના ત્રણ-ચાર કારખાનાઓ પણ છે. એમાંના એક કારખાનેદાર એ રામજી મંદિર આશ્રમના ભક્ત હતા. તેમની સાથે અમારી મુલાકાત થઈ હતી. તેમણે રસ્તામાં આવતા પોતાના ઘરે અવશ્ય આવવાનું આમંત્રણ આપ્યું હતું.

બપોરે અમે ત્રણ કિ.મી. દૂર આવેલ મર્દાના ગામ તરફ રવાના થયા ત્યારે રસ્તામાં તે કારખાનેદારના ઘરની મુલાકાત લીધી. ઘર એટલે જાણે નાના મોટા વિવિધ પ્રકારનાં શિવલિંગોનું તીર્થ. અમે તો એક જોઈએ અને એક મૂકીએ! અમને મજાની ચા પાઈ તથા અમને બંને સ્વામીજીને નાના અને સુંદર શિવલિંગ ભેટમાં આપ્યા. ત્યાંથી રવાના થઈ સાંજે 4.30 – 5.00 વાગ્યે મર્દાના ગામે પહોંચ્યા.  (ક્રમશ:)

Total Views: 77

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram