કશ્યપને દિતિ અને અદિતિ બે સ્ત્રીઓ. દિતિના પુત્રો દૈત્યો અને અદિતિના પુત્રો દેવો. દૈત્યો ઉંમરે દેવોથી મોટા. દૈત્યોનું શરીરબળ જુએ તો દેવો ત્રાહિ-ત્રાહિ કરીને નાસી જાય. વિદ્યામાં આ દૈત્યો દેવોથી તસુમાત્ર ઊતરે તેવા નહીં. આ દૈત્ય અને દેવોને સનાતન વેર. સૂર્ય ઊગ્યા વિના રહે તો દેવદાનવો લડ્યા વિના રહે.

દેવોને મારવા, પીટવા, કનડવા; દુનિયામાં ખાવું, પીવું ને મહાલવું; પોતા સિવાય દુનિયામાં બીજું કોઈ છે જ નહીં એમ વર્તવું : આમાં જ દૈત્યોને ઔર આનંદ આવતો એમની સામે દેવો બિચારા બાપડા. અધર્મ કરતાં તેમનું હૈયું થડકે; ઇન્દ્રિયોના સંયમ ઉપર તેમની શ્રદ્ધા; આખા વિશ્વની નિયામક સત્તામાં તેમની આસ્થા; બિચારા કપટયુદ્ધમાં હારે ત્યારે ભગવાન વિષ્ણુ પાસે પહોંચે અને દુ:ખ રડે.

એક વાર યુદ્ધમાં દેવો હાર્યા તો હાર્યા, પણ પાયમાલ થવા બેઠા. દેવોના કેટલાયે યોદ્ધાઓ ધરણી પર ઢળ્યા તે ઊઠ્યા જ નહીં, અને એ રીતે તેમની સેના ક્ષીણ થવા લાગી. ઇન્દ્ર, અગ્નિ ને વરુણ જેવા ધૂરંધરોને વિચાર થઈ પડ્યો. ત્રાસના માર્યા બધા ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને હાથ જોડીને બોલ્યા : ‘પ્રભો ! હવે તો અમે મરી ગયા. આ દાનવો અમને જંપવા દેશે નહિ. એ તો સંગ્રામમાં પડે છે તોયે જાણે કેમ, તેમની સંખ્યા તો એટલી ને એટલી! પણ અમે તો ક્ષીણ થતા જઈએ છીએ. પ્રભો ! આપ હવે અમને રસ્તો બતાવો.’

ભગવાને કહ્યું : ‘દેવો ! હું આ સઘળું જાણું છું અને ઉપાય પણ તૈયાર છે. તમે અમૃત પીઓ નહીં ત્યાં સુધી તમારો આરો નથી; માટે તમે બધા અમૃત પીઓ એ જ શ્રેષ્ઠ ઉપાય છે.’

એક દેવ બોલ્યો : ‘ પ્રભો ! લાવોને હમણાં જ પી લઈએ અમારી ક્યાં ના છે ?

વિષ્ણુ બોલ્યા, ‘અમૃત કોઈ બીજાએ તમારે માટે તૈયાર કરીને નથી રાખ્યું; એ તો તમારે જાતે જ મેળવવું રહ્યું.’

ઇન્દ્રે નમ્રતાપૂર્વક પૂછ્યું : ‘પ્રભો ! અમે એ અમૃત શી રીતે મેળવીએ તે જણાવવા કૃપા કરો.’

‘એ અમૃત મેળવવા માટે તો તમારે સાગરનું મંથન કરવું પડશે.’ વિષ્ણુ બોલ્યા.

‘સાગરનું મંથન ?’ અગ્નિએ પૂછ્યું.

‘સાગરનું પાણી વલોવવું ?’ વાયુ બોલ્યા.

ભગવાને જવાબ આપ્યો : ‘હા. સાગરનું મંથન કરવું. પણ આવા મોટા ક્ષીરસાગરને વલોવવો એ કેવળ તમારા એકલાનું ગજું નથી.’

‘તો પછી અમારે શું કરવું ?’ ઇન્દ્ર બોલ્યા.

‘આ મંથનમાં તમારે દૈત્યોને સાથે રાખવા.’

‘પ્રભો, તો – તો અમે મૂઆ પડ્યા છીએ. દૈત્યો જો મંથનમાં સાથે હશે તો-તો અમૃત જ એમ ને એમ તેઓ ઉપાડી જવાના; અમે તો મંથનમાં માત્ર પરસેવો ઉતારીએ એટલું જ !’ ઇન્દ્રે જણાવ્યું.

ભગવાને કહ્યું : ‘એમ નથી, ભાઈઓ ! એમ નથી. જરા ધીરજ રાખો. સાગર આખાને વલોવવો એ તમારા એકલાનું ગજું નથી. તમે અને દૈત્યો સાથે મળીને જ આ મંથન કરો. હું પણ મંથનમાં તમારી સાથે છું ને? અને મંથનનું અમૃત તમને મળે અને દૈત્યોને ન મળે એની ગોઠવણ થઈ રહેશે; તમે તેની ચિંતા ન કરો.’

પછી તો દેવોએ દૈત્યોને સમજાવ્યા અને મંથનના અમૃતની લાલસાથી દૈત્યો ખૂબ ઉત્સાહથી તેમની સાથે ભળ્યા. આવા જબરા મંથન માટે મંદાર પર્વતનો રવૈયો કર્યો અને વાસુકિનું નેતરું કર્યું.

ભગવાન વિષ્ણુ, દેવો અને દૈત્યો સાગરનું મંથન કરવા લાગ્યા. વાસુકિને મંદારની ફરતા વીંટાળીને તેના મોઢાનો ભાગ વિષ્ણુએ તથા દેવોએ પકડ્યો અને પૂંછડાનો ભાગ દૈત્યો માટે રાખ્યો. એટલે તો દૈત્યો છંછેડાયા ‘તમે મોઢા પાસેનો ઉત્તમ ભાગ પકડો અને અમે પૂંછડાનો ભાગ શા માટે પકડીએ ?  અમને મોઢાનો ભાગ પકડવા દ્યો.’

ઇન્દ્ર, અગ્નિ વગેરે મૂંઝાયા : ‘આ તો પ્રથમ ગ્રાસે જ મક્ષિકાપાત! હજી અમૃત તો નીકળ્યું નથી ત્યાં જ તકરાર?’

પણ વિષ્ણુએ દેવોને કાનમાં કહ્યું : ‘આ સ્થાન એ અવળચંડાઓ માટે જ છે. અહીં મોઢા પાસે વાસુકિનાં ઝેરની જાળ લાગે છે ત્યાં એમને રહેવા દ્યો અને આપણે પૂંછડા પાસે ચાલો.’

છેવટે દેવોએ પૂંછડાનો ભાગ ઝાલ્યો અને દૈત્યોએ મોઢાનો ભાગ લીધો. અને આ…ને ઘમમમ, ઘમમમ, ઘમમમ ચાલ્યું.

મંદાર એક આંટો ફરે ત્યાં તો સાગરનાં હૈયાં વલોવાઈ જાય અને સાગર આખો ફીણ ફીણ થઈ જાય !

થોડી જ વારમાં મંદાર પર્વત સાગરમાં ઊતરવા લાગ્યો. મંદાર પર્વતને નીચે ઊભા રહેવાનો આધાર ન હતો એટલે તે સરવા લાગ્યો અને દેવોના હાથમાંથી નેતરું ખેંચાવા લાગ્યું. દેવો મૂંઝાયા. રવૈયાને ટેકો શાનો આપવો? મંદાર પર્વત જેવા રવૈયાને ટેકો પણ જેવો-તેવો ચાલે ? દેવોને તો થયું બાજી બગડી ! એવામાં ભગવાન બોલ્યા : ‘બીજો કશો ઉપાય ન હોય તો હું પોતે કાચબાનું રૂપ ધારણ કરીને મંદારને મારી પીઠ પર આધાર આપીશ, પણ તમે સૌ નાહિંમત ન થાઓ. મંદારને બરોબર ટેકવી સાગરને વલોવજો.’ દેવોના હર્ષનો પાર ન રહ્યો.

ભગવાન વિષ્ણુ કાચબો બન્યા. કાચબાની પીઠ પર મંદાર પર્વતને ટેકવીને દેવદાનવોએ મંથન શરૂ કર્યું. મંદારના ઘુમડાટથી સાગરનાં નીર વલોવાવાં લાગ્યાં. જળચરો માત્ર કચડાવાં લાગ્યાં અને થોડી વારે અંદરથી સુરભિ નામની ગાય બહાર નીકળી. સુરભિ ગાય ઉપર આવી એટલે તો કોઈ કોઈ દેવોએ અને દાનવોએ નેતરું છોડી દીધું અને ગાય માટે આતુર થઈ ગયા.

‘આ ગાય મારી છે !’; ‘સુરભિ તો મારી છે!’

ક્ષણભર નાનો એવો કોલાહલ મચી રહ્યો અને મંથન ઢીલું પડવા લાગ્યું. ત્યાં વળી સાગરમાંથી ગંભીર અવાજ આવ્યો : ‘મંથન ચાલુ રાખો; મંથનને શિથિલ ન કરો. આ સુરભિ જેવા તો કંઈક પદાર્થો મંથનમાંથી નીકળશે, પણ આપણે તેમનું કંઈ કામ નથી. આપણે તો અમૃતનું કામ છે અને એ અમૃત નીકળે ત્યાં સુધી જંપવું નથી. આ સુરભિ વગેરે નીકળે તો તેનું શું કરવું તે પાછળથી જોઈશું.’

દેવદાનવોએ જાણ્યું કે આ ખુદ ભગવાનનો જ અવાજ છે. એટલે નેતરું ફરી મજબૂત કર્યું અને મંથન પૂરજોશમાં ચાલુ થયું. પછી તો મંથનમાંથી વારુણી નીકળી, પારિજાતક બહાર આવ્યું, અપ્સરાઓ ઉત્પન્ન થઈ, કૌસ્તુભમણિ બહાર આવ્યો, ટાઢો શીતળ ચંદ્રમા ઉપર આવ્યો અને ઉચ્ચૈ:શ્રવા ઘોડો તરી આવ્યો. આ બધાં નીકળ્યાં ત્યાં સુધી તો દેવદાનવો દૃઢ રહ્યા અને મંથનમાં શિથિલતા ન આવી. પણ મંથન કરતાં કરતાં હળાહળ વિષ માખણની જેમ ઉપર તરી આવ્યું અને એ વિષની જ્વાળાઓ નીકળવા લાગી. એ વખતે સૌ ગભરાયા સૌને થયું કે હવે તો ઘડીકમાં પ્રાણી માત્રનો સંહાર થઈ જશે. દેવો અને દૈત્યો રવૈયો અને નેતરું પડતાં મૂકીને નાસવા લાગ્યા અને હળાહળ ઝેર તેમની પૂંઠે પડ્યું ! દેવોએ બૂમ પાડી, ‘હે પ્રભો ! બચાવો !’

ફરી એકવાર સાગરમાંથી ધીરગંભીર અવાજ આવ્યો : ‘ગભરાઓ નહીં. આવા સાગરમંથનમાંથી તો ઝેર પણ નીકળે અને અમૃત પણ નીકળે. આપણે અમૃત લેવું હોય તો ઝેરને પચાવી લેવાની તાકાત હોવી જોઈએ. આ ઝેરને ઝીલવાની તાકાત એક મહેશ્ર્વર(શિવ)માં છે. પ્રાણીમાત્રના હિત ખાતર મહેશ્ર્વર એ ઝેર ઝીલશે. આવું પ્રાણઘાતક ઝેર ઝીલવાનો અધિકાર મહેશ્ર્વર જેવાનો જ છે.’

સૌએ થરથરતે હૈયે આ બધું સાંભળ્યું અને પછી શંકરે જ્યારે એ ઝેરને પોતાના ગળામાં સ્થાન આપ્યું ત્યારે સૌ પાછા મંથનના કામમાં લાગ્યા. હવે તો રવૈયો બમણા જોરથી ફરવા લાગ્યો. દાનવોએ આંખો મીંચીને નેતરું ખેંચ્યે જ રાખ્યું, ને થોડી વારમાં જ અમૃતનો કુંભ હાથમાં ધારણ કરીને ધન્વતરિ ફીણ ઉપર દેખાયા.

‘આવ્યું, આવ્યું ! અમૃત આવ્યું !’ સૌએ રવૈયો અને નેતરું છોડી દીધા દાનવોએ તો સીધો ધન્વતરિના હાથમાં રહેલા અમૃતના કુંભ પર જ હલ્લો કર્યો.

હવે શું થાય ? દેવો પણ અમૃત લેવા દોડ્યા, પરંતુ એ તો ક્યારનુંયે દૈત્યોના હાથમાં જઈ પડ્યું હતું ! દેવો ખૂબજ ગભરાયા : આપણે નો’તા કહેતા કે દૈત્યોને સાથે રાખશું તો અમૃતનો એક છાંટો ય હાથ નહીં આવે ?’

વિશ્વનાં સત્ત્વશીલો પણ ગભરાટમાં પડ્યા : ‘જે દૈત્યો વગર અમૃતે પ્રાણીમાત્રને તોબા પોકરાવે છે, તે બધા અમૃત પીશે તો બ્રહ્માની સૃષ્ટિ ચાલશે શી રીતે ?’

દરમિયાન મંથન પૂરું થયું એટલે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને સાગરને કાંઠે આવ્યા. સુંદર શરીર, કોમળ હાથ, નાજુક કમર, મનોહર ચાલ અને સૌથી મીઠું તેનું હાસ્ય !

મોહિની જોઈને જ દૈત્યો તો ગાંડા થઈ ગયા, પોતાનું ભાન ભૂલી ગયા અને ન દેખાય એવા પાશથી બંધાઈ ગયા અને કોણ જાણે કેમ તેના તરફ ખેંચાવા લાગ્યા. દૈત્યો માત્રની ઇન્દ્રિયોમાં ભારે ક્ષોભ થયો; તેમની આંખો સ્થિર થઈ ગઈ; તેમની વાચામાં ઠેકાણું ન રહ્યું અને મદોન્મત્ત બનીને બધા નાચવા, કૂદવા અને ગેલ કરવા લાગ્યા. દૈત્યોના આ મોહમાં ને મોહમાં પેલો અમૃત કુંભ જ મોહિનીના હાથમાં આવી પડ્યો! મોહિનીએ દૈત્યોને હસાવ્યા, પટાવ્યા, નચાવ્યા, કુદાવ્યા, રમાડ્યા, આઘાપાછા કર્યા અને જેમ તેમ કરીને બધું અમૃત દેવોને પાઈ દીધું. પોતાનું કામ પતાવીને મોહિની તો અદૃશ્ય થઈ ગઈ.

માત્ર એકલો રાહુ છાનોમાનો અમૃત પીઈ ગયો ખરો, પરંતુ હજુ અમૃત ગળાથી હેઠે ઊતર્યું ત્યાં તો તેનું માથું ઘડથી જુદુ થઈ ગયું.

દેવો બધા અમૃત પીઈને અમર થઈ ગયા. મંથન પૂરું થયું એટલે મંદાર પર્વત અને વાસુકિ પોત પોતાના સ્થાને ગયા. દૈત્યો અંદરો અંદર લડતા, ચિડાતા, દેવોને પીડવાની નવી યોજના વિચારવા લાગ્યા.

Total Views: 308

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.