1. રાધાકૃષ્ણ સ્ત્રીપુરુષ નથી, સામાન્ય માનવીઓની જેમ કર્મોના પરિણામ રૂપે જન્મનાર પંચમહાભૂતવાળાં દેહધારી જીવ નથી. તેઓ સાક્ષાત્ સચ્ચિદાનંદઘનસ્વરૂપ છે અને લીલાની સિદ્ધિ માટે બે રૂપોમાં પ્રગટ થયાં છે. શ્રીરાધાજી શ્રીકૃષ્ણનાં સ્વરૂપભૂતા શક્તિ છે, અભિન્ન શક્તિ છે. શ્રીરાધાજી કૃષ્ણ છે ને શ્રીકૃષ્ણ રાધાજી છે. રાધાજી ભગવાન શ્રીકૃષ્ણનાં પત્ની કે પ્રિયતમા નથી, રાધા ભગવાન છે. ભગવાન શ્રીકૃષ્ણ રાધાજીના પતિ કે પ્રિયતમ નથી. ભગવાન શ્રીરાધા છે. શ્રીરાધાકૃષ્ણ અભિન્ન છે. શ્રીકૃષ્ણ પરમેશ્ર્વર છે, શ્રીરાધાજી પરમેશ્ર્વરી છે. શ્રીકૃષ્ણ સચ્ચિદાનંદ છે, શ્રીરાધાજી સચ્ચિદાનંદમયી છે. આમ છતાં રાધાકૃષ્ણ સ્ત્રીપુરુષ પણ છે અને પતિપત્ની પણ છે; પ્રિયતમ પ્રિયતમા પણ છે, પ્રકૃતિપુરુષ પણ છે. બન્ને એક છે, બન્ને પુરુષોત્તમ ચેતના છે.ભગવાન શ્રીકૃષ્ણ પીતાંબર ધારણ કરે છે, તે શ્રીરાધાજીનો વર્ણ છે. શ્રીરાધાજી નીલાંબર ધારણ કરે છે, તે શ્રીકૃષ્ણનો વર્ણ છે. શ્રીરાધાજીની નાસિકામાં નીલરંગી મોતી છે, તે શ્રીકૃષ્ણનો વર્ણ છે. આ રીતે સાંકેતિક પદ્ધતિથી બન્નેની એકતા સૂચિત થાય છે. શ્રીમદ્ ભાગવતમાં રાધાકૃષ્ણનાં લગ્નનો ઉલ્લેખ નથી. લગ્ન તો જેઓ ભિન્ન હોય તેમનાં હોય. જેઓ બે છતાં સ્વરૂપત: એક જ છે, તેમનાં લગ્ન શું હોય ?સમસ્ત દિવ્યધામોમાં પ્રમુખ સચ્ચિત્ પરમાનંદમય ગોલોકધામ છે. તે જ સમગ્ર બ્રહ્માંડનો આત્મા છે. તેમના દ્વારા અનંત બ્રહ્માંડ નિત્ય અનુપ્રાણિત થઈ રહ્યાં છે. આ નિત્ય સચ્ચિદાનંદમય પરમધામ સર્વથી વિલક્ષણ અને સર્વોપરી હોવા છતાં સર્વત્ર વ્યાપ્ત અને સર્વમાં અવસ્થિત છે; એટલું જ નહીં પણ તેના અંશ ભાગમાં સમસ્ત પ્રાકૃતિક લોકોની પરિસમાપ્તિ થઈ જાય છે. તે દિવ્યલોક જ વૈકુંઠ, સાકેત, કૈલાસ આદિ પરમધામોનાં રૂપો ભક્તોના અનુભવમાં આવે છે.

      આપણો આ પાર્થિવ લોક સ્થૂળ છે, નક્કર છે, જડ છે. અહીં એક વસ્તુમાં બીજી વસ્તુ હોઈ ન શકે. જે સ્થાને કાશી છે, તે જ સ્થાને પ્રયાગ ન હોઈ શકે. બન્ને પૃથક્ પૃથક્ છે. પરંતુ દિવ્ય સચ્ચિત્ પરમાનંદમય ધામ આ પ્રકારનું જડ, પાર્થિવ કે સ્થૂળ નથી. તે ધામ તો પરમાત્માની જેમ સર્વશક્તિસંપન્ન, સર્વાધાર, દિવ્ય, પ્રકાશમય, તેજોમય, નિત્ય, સત્ય અને ભાવમય છે. સાકેત, વૈકુંઠ, કૈલાસ વગેરે ધામ સત્ય, સત્ય અનેક હોવા છતાં સત્ય, સત્ય એક જ છે. આ પરમતમ ગોલોકધામનાં અધીશ્ર્વર-અધીશ્ર્વરી શ્રીકૃષ્ણ-રાધા છે. શ્રીરાધાજી શ્રીકૃષ્ણથી નિત્ય અભિન્ન હોવા છતાં, શ્રીકૃષ્ણને નિત્ય પરમાનંદ પ્રદાન કરનારી તેમની આહ્લાદિની શક્તિ છે. શ્રીકૃષ્ણ રાધાજીના સ્વરૂપના આધાર છે. શ્રીરાધાજી શ્રીકૃષ્ણના સ્વરૂપનાં આધાર છે. અન્યોન્ય આધાર-આધેય સંબંધ છે.

      શ્રીરાધા અને શ્રીકૃષ્ણ નિત્ય પ્રિયાપ્રિયતમ છે. તેમના સંબંધને સમજવા માટે કોઈ પણ લૌકિક ઉદાહરણ કે ઉપમા ઉપયુક્ત બની શકે તેમ નથી. જેમ ભગવાન સર્વ વિલક્ષણ, નિરુપાધિ, અતુલનીય અને અચિંત્ય છે, તેમ પ્રિયાપ્રિયતમભાવ પણ અતુલનીય છે.

      આ પ્રાકૃત જગતમાં શ્રીરાધાકૃષ્ણનું અવતરણ, તેમના દિવ્ય રાજ્યમાં, તેમની એક સ્વપ્નલીલા હતી. પ્રિયાપ્રિયતમ તો દિવ્યધામની નિકુંજમાં શયન કરી રહ્યાં છે. વિચિત્ર લીલાસંપાદિની ભગવાનની યોગમાયા સદા લીલાવૈચિત્ર્યના આયોજનમાં લાગેલી રહે છે. તે સમયે યોગમાયા શ્રીરાધાજી સમક્ષ એક દૃશ્ય ઉપસ્થિત કરે છે. શ્રીજીને સ્વપ્ન થાય છે- હું ભારતમાં વ્રજમંડળમાં શ્રીવૃષભભાનુપુરીમાં કીર્તિદામાતાના અંકમાં બાલિકારૂપે પ્રગટ થઈ છું, વગેરે. સ્વપ્ન મનનો સંકલ્પ છે. શ્રીરાધાજી તો સત્યસંકલ્પ છે; તેથી તેમના તે સંકલ્પ પ્રમાણે ભારતવર્ષના વ્રજમંડલાંતર્ગત વૃષભાનુપુરીમાં તેમના પ્રાદુર્ભાવની અને તદનંતર અન્ય લીલાઓ પણ સંપન્ન થવા માંડી. તે જ પ્રમાણે યોગમાયાના સંકેતથી શ્રીકૃષ્ણનું પણ સંકલ્પથી અવતરણ થયું.

      શ્રીકૃષ્ણ 11 વર્ષની આયુ સુધી વ્રજમાં રહ્યા છે. શ્રીરાધાજીની ઉંમર પણ લગભગ તેટલી જ હતી. આ બાલ્યકાળમાં બન્નેનાં પ્રથમદર્શન, પૂર્વરાગ, સંયોગ, વિયોગ આદિ રાસલીલાઓ સંપન્ન થઈ છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં બ્રહ્માજીએ સખીઓ સમક્ષ તેમનાં લગ્ન કરાવ્યાં છે, તેવી કથા પણ છે. ત્યાર પછી શ્રીકૃષ્ણ મથુરા ગયા અને પછી દ્વારિકા. ત્યાર પછી તત્ત્વત: શ્રીકૃષ્ણસ્વરૂપિણી નિત્યસંગિની શ્રીકૃષ્ણપ્રિયા શ્રીરાધારાણી પ્રેમયોગિની વિરહિણીનું પ્રેમાનુરાગમય જીવન વિતાવવાં લાગ્યાં.

      અવતારલીલા સંપન્ન થવામાં આપણા આ પાર્થિવ લોકના પરિમાણ પ્રમાણે લગભગ 125 વર્ષ લાગ્યાં. આ બધું જોઈ લીધા પછી શ્રીરાધારાણીના સ્વપ્નનો ભંગ થયો. શ્રીરાધારાણીએ જોયું, ‘મને ક્ષણવાર નિદ્રા આવી ગઈ. તેટલામાં મેં એક સ્વપ્ન જોયું. વસ્તુત: તો પ્રિયતમ શ્રીકૃષ્ણની પાસે જ છું. નથી ક્યાંય આવી કે નથી ક્યાંય ગઈ.’ ભગવાન શ્રીકૃષ્ણ અને અન્ય બધાં લીલાપાત્રોએ પણ આવો જ અનુભવ કર્યો.

      શક્તિ અને શક્તિમાન વચ્ચે કોઈ ભેદ નથી. જેમ અગ્નિ અને અગ્નિની દાહકશક્તિ, સૂર્ય અને સૂર્યનાં કિરણો, ચંદ્રમા અને ચંદ્રમાની ચાંદની, જળ અને જળની શીતલતા-દ્રવતા હંમેશાં એકરૂપ છે. તેમનામાં કોઈ ભેદ નથી. અગ્નિશક્તિ અગ્નિ સ્વરૂપના આશ્રય વિના રહેતી નથી અને અગ્નિ સ્વરૂપ અગ્નિશક્તિ વિના સિદ્ધ થઈ શકે તેમ નથી. તેવી જ રીતે શક્તિ અને શક્તિમાનની વચ્ચે એકત્વનો સંબંધ છે, તે જ નિત્ય પુરુષરૂપ અને નિત્ય નારીરૂપ છે. અર્ધનારીનટેશ્ર્વરનો આ જ અર્થ છે. એક જ પરમ તત્ત્વ લીલાની સિદ્ધિ માટે બે સ્વરૂપ ધારણ કરે છે. કારણ કે એકમાં – અદ્વૈતમાં લીલા શક્ય નથી. બે હોવા છતાં તેઓ નિત્ય એક જ છે.

      આ એક અને અદ્વિતીય પરમ તત્ત્વ બેની જેમ પ્રતીત થાય છે તેને જ શ્રીરાધાકૃષ્ણ, શ્રીસીતારામ, શ્રીઉમામહેશ્ર્વર, શ્રીલક્ષ્મીનારાયણ કહે છે.

      ‘સચ્ચિદાનંદઘન’ સર્વાતીત તત્ત્વ પણ ‘સચ્ચિદાનંદ-શક્તિ’નો અભાવ હોય તો ‘શૂન્ય’ રહી જાય છે. તેથી જ તેમનું સત્-તત્ત્વ સત્-શક્તિથી, ચિત્તત્ત્વ ચિત્શક્તિથી અને આનંદતત્ત્વ આનંદશક્તિથી જ સ્વરૂપત: સિદ્ધ થાય છે. પરમાત્માની ત્રણ પ્રધાન શક્તિઓને સંધિની શક્તિ, સંવિત્ શક્તિ અને આહ્લાદિની શક્તિ પણ કહેવામાં આવે છે. પોતાની સ્વરૂપભૂતાશક્તિ દ્વારા ભગવાન સર્વને સત્તા આપે છે, તે શક્તિને ‘સંધિની’ શક્તિ કહે છે. પરમાત્મા પોતાની જે શક્તિ દ્વારા જ્ઞાન કે પ્રકાશ બધાને આપે છે, તેને ‘સંવિત્’ શક્તિ કહે છે. પરમાત્મા સ્વયં નિત્ય અનાદિ, અનંત, પરમાનંદ સ્વરૂપ હોવા છતાં જે શક્તિ દ્વારા પોતાના આનંદ સ્વરૂપની જીવોને અનુભૂતિ કરાવે છે તથા સ્વયં પણ આત્મસ્વરૂપ વિલક્ષણ પરમાનંદનો સાક્ષાત્કાર કરે છે તે આનંદમયી સ્વરૂપભૂતા શક્તિને ‘આહ્લાદિની’ શક્તિ કહે છે.

      આ પરમ આશ્ચર્યમયી નિત્ય પરમાનંદરૂપા આહ્લાદિનીશક્તિ જ સ્નેહ, પ્રણય, માન, રાગ, અનુરાગ, ભાવ અને મહાભાવના રૂપમાં ભક્તિ કે પ્રેમ શબ્દ વાચ્ય બનીને પરમ પ્રેમસુધાનો પ્રવાહ વહાવે છે. તેમાં અવગાહન કરીને ભક્ત તથા ભગવાન બન્ને પરમાનંદનું અતૃપ્તપાન કરે છે. આ સર્વ આહ્લાદિની શક્તિનો જ ચમત્કાર છે. આહ્લાદિનીશક્તિ તે જ રાધાજી અને શક્તિમાન તે જ કૃષ્ણ છે.

      શક્તિ અને શક્તિમાનમાં અભેદ માનીને કરેલી ઉપાસના બળવત્તર બને છે. શ્રીરાધાજીની ઉપાસના દ્વારા શ્રીકૃષ્ણપ્રીતિની પ્રાપ્તિ થાય છે. શ્રીકૃષ્ણની ઉપાસના દ્વારા શ્રીરાધાજીની કૃપાની પ્રાપ્તિ થાય છે. શ્રીરાધાકૃષ્ણમાં અભેદ માનીને થતી ઉપાસનાથી બન્નેની કૃપા અને પ્રીતિના ભાજન બની શકાય છે. સનાતન ધર્મની પરંપરામાં વિભિન્ન નામરૂપો અને વિભિન્ન ઉપાસનાપદ્ધતિઓ દ્વારા વસ્તુત: એક જ શક્તિસમન્વિત ભગવાનની ઉપાસના કરવામાં આવે છે.

      ભગવાન શ્રીકૃષ્ણ સ્વમુખે દેવાધિદેવ મહાદેવ શંકરજીને કહે છે :

      तस्मात्सर्वं प्रयत्नेन मत्प्रियां शरणं व्रजेत् ।

      आश्रित्य मत्प्रियां रुद्र मां वशीकर्तुमर्हसि ॥

      ‘હે શિવજી ! તેથી સર્વ પ્રયત્નોથી શ્રીરાધાજીનું શરણ ગ્રહણ કરો, મારી પ્રિયાનો આશ્રય ગ્રહણ કરનાર મને પોતાના વશમાં કરી લે છે.’

Total Views: 345

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.