ઓગણીસમી સદીના આરંભમાં, શ્રીરામકૃષ્ણના પિતા ક્ષુદિરામ ચેટરજીના ગામના જમીનદારે એમને પોતાની તરફેણમાં કોર્ટમાં ખોટી જુબાની આપવા કહ્યું. એમણે જવાબ આપ્યો, ‘માફ કરજો, મારાથી એમ નહીં થાય. એ સત્ય નથી તે હું જાણું છું. હું ખોટી જુબાની આપી શકીશ નહીં.’ એ જમીનદાર દુષ્ટ માણસ હતો. એણે કહ્યું, ‘તો તારે ભોગવવું પડશે.’ ‘મને એનો વાંધો નથી. હું તો માત્ર સાચી વાત જ કરીશ. હું જૂઠી સાક્ષી નહીં આપી શકું.’ એ કારણે જમીનદારે શ્રીરામકૃષ્ણના પિતાને ગામમાંથી હાંકી કાઢયા. પોતાના થોડા સામાનની ગાંઠડી અને, પોતાની પત્ની તથા પોતાનાં બે બાળકો સાથે એ ત્યાંથી ચાલવા મંડયા. થોડે અંતરે, બીજા ગામનો જમીનદાર સારો માણસ હતો તેણે એમને જોયા. એણે ક્ષુદિરામને કહ્યું, ‘તમે મારે ગામ કામારપુકુરમાં આવીને રહો. તમને હું જમીનનો ટુકડો પણ આપીશ.’ એ ગામડામાં શ્રીરામકૃષ્ણનો જન્મ થયો હતો. જીવનનો એ ઉત્તમ ગુણ, નૈતિક વર્તનનું ઉચ્ચ ધોરણ જુઓ; પૈસો જ સર્વસ્વ નથી; સ્વમાન છે, સત્ય છે. રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય પછી વર્ષોવર્ષ આપણે એ શક્તિ ગુમાવી રહ્યાં છીએ. ઉદાહરણ તરીકે, આપણને રાજકીય આઝાદી જોઈતી હતી. એ માટે આપણે સહન કરવું પડયું હતું, પોલીસના દંડા ખાવા પડયા હતા. ને તે છતાંય, અનેક લોકો આગળ આવ્યાં અને, પીડા ભોગવીને સ્વાતંત્ર્યની કિંમત ચૂકવી. ત્યારે આપણામાં એ શક્તિ હતી. પણ આજે, એ લગભગ અદૃશ્ય થઈ ગઈ છે. આપણું એ મોટું દુર્ભાગ્ય છે.
यद्यद् आचरति श्रेष्ठ: तत्तदेवेतरोजन:, ‘જે માર્ગ શ્રેષ્ઠ લે છે તે માર્ગે બીજાઓ ચાલે છે’ स यत् प्रमाणं कुरुते लोकस्तत् अनुवर्तते, ‘જે પ્રમાણ કે ધોરણ એ જાળવે છે તેને બીજાં લોકો અનુસરે છે.’
ઘરમાં પિતા વર્તનનું ઊંચું ધોરણ જાળવે છે; માતા પણ તેવું જ ઊંચું ધોરણ જાળવે છે. તો, બાળકો માતાપિતાની રીતને અનુસરશે. લોકો વારંવાર ભૂલી જાય છે કે, માતાપિતા પોતે જે કંઈ કરે છે તેનું બારીક અવલોકન અને ટિપ્પણ, ઘરમાંનાં બાળકો કરે છે. ને એ લોકો કંઈ ખરાબ કામ કરશે તો, બાળકો કહેશે કે, ‘સારું, આપણે એનાથી બેવડાં ખરાબ થશું.’ એ સ્વાભાવિક છે. એટલે શ્રીકૃષ્ણ અહીં કહે છે કે, સમાજની ટોચે બેસવું સરળ નથી. તમારે ઉચ્ચ ધોરણ દેખાડવું પડશે. એમ બનતું નથી. વાસ્તવમાં વધારે ને વધારે દુષ્ટ લોકો માનવ સમાજમાં આદર પામી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં, અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં, કોઈ બેંકમાં ધાડ પડે કે કોઈ ટ્રેનનાં પ્રવાસીઓ લૂંટાય તો, સમાચાર માધ્યમો એ અનિષ્ટ આચરનારાઓને ખૂબ પ્રસિદ્ધિ આપે છે અને, લૂંટારાને વીર નાયક બનાવી દે છે, એને વિશે પુસ્તકો લખાય છે અને, નહીં જેવા સમયમાં લેખક લાખોપતિ બની જાય છે. પ્રામાણિક જનને કયાંય સ્થાન જ નથી! સામાજિક વેલ્યુતંત્રનું આ શીર્ષાસન છે. શ્રીકૃષ્ણ અહીં સમાજના હિતને અનુલક્ષીને બોધ આપે છે. ચેતતા રહો! તમે નેતા હો તો, બાકીના સમાજ માટે સુંદર ઉદાહરણ પૂરું પાડૉ. નેતા થવું આસાન નથી. તમારી જાત પૂરતા તમારે ઘણા સખત થવું પડે. સરદારે સરદાર જ બનવું પડે, સરદાર એટલે કોઈ હેતુ માટે પોતાનું માથું દેનાર. કર્મયોગને નામે, ત્રીજા અઘ્યાયમાં શ્રીકૃષ્ણ આપણને આ બોધ આપે છે. સમાજમાં રહેતાં અને કામ કરતાં, સમાજમાં શુભ વધે અને અશુભ નહીં, તે બાબતે આપણે કેટલા સજાગ રહેવું પડે છે! એના સાચા અર્થમાં એ નેતૃત્વ છે. એટલે આટલું કહ્યા પછી શ્રીકૃષ્ણ આપણને પોતાની જાતનું દૃષ્ટાંત આપવાના છે. આ વાત એમણે સુંદર રીતે મૂકી છે. ‘મારે આખા જગત પાસેથી કશો લાભ મેળવવાનો નથી તે છતાં, હું કેવો કર્મરત છું !’ પછીના ત્રણ શ્ર્લોકમાં એ વાત આવી છે.
વડા થવામાં કેવી જવાબદારી છે ! નાનેરાઓ એની તરફ જ મોં ફાડીને બેઠા હોય છે. આપણી શાળાઓમાં ઉપલાં ધોરણોના મોટા અને નીચલાંના નાના વિદ્યાર્થીઓ હોય છે. નાના વિદ્યાર્થીઓ મોટેરા વિદ્યાર્થીઓ શું કરે છે તે જુએ છે. મોટેરા વિદ્યાર્થીઓ જેમ વર્તે તેમ નાનેરાઓ વર્તવાના. આ ખ્યાલને શ્રીકૃષ્ણે સમાજશાસ્ત્રીય સત્ય તરીકે ઉચ્ચાર્યું; એ અનુસાર નેતા કહેવાતા લોકો પર સામાજિક જવાબદારીની ભાવનાનો ખ્યાલ આવે છે. આની પછીના, 22મા શ્ર્લોકમાં, શ્રીકૃષ્ણ પોતાનો જ દાખલો આપે છે. ‘મારી સામે જો, અર્જુન,’ એમ એ પછીના બે સુંદર શ્ર્લોકોમાં કહે છે :
न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन ।
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ॥22॥
‘હે પાર્થ, મારે કશું કર્તવ્ય કર્મ નથી, પ્રાપ્ત ન કર્યું હોય એવું પણ કશું મારે માટે નથી તેમ, હવે પ્રાપ્ત કરવાનું પણ કશું ત્રણે લોકમાં નથી; છતાં, હું કર્મ કર્યે જ જાઉં છું !
ઈશ્વરના અવતાર તરીકે શ્રીકૃષ્ણ વાત કરી રહ્યા છે; ‘મારી સામે જો, અર્જુન, ત્રિલોકમાં મારે કશું પ્રાપ્ત કરવાનું બાકી નથી છતાંય, હું સતત કર્મરત છું.’ તમને સમાજ પાસેથી કશુંક સાંપડે છે અને, ફરજના ભાનથી તમે સમાજને એ પાછું વાળો છો તેમાંથી કર્તવ્ય ભાન જાગ્રત થાય છે. આ અગત્યની ઉક્તિ છે. ઈશ્વરના અવતાર હોવા છતાં, મહાભારતમાં જણાવ્યા પ્રમાણે, રાજકીય નેતા તરીકે, આઘ્યાત્મિક ગુરુ તરીકે, તત્ત્વજ્ઞાની તરીકે, શ્રીકૃષ્ણે વિવિધ ભાગ ભજવ્યા છે. દરેક વ્યક્તિ એમની તરફ જોતી. એ નિરાંતથી એદીની જેમ જીવી શકયા હોત. એમણે કશું કરવાની આવશ્યકતા જ ન હતી. એમને બધું જ સાંપડયું હોત. પણ એ કહે છે. ‘ના, હું સદા કર્મરત છું, ભલે મારી જાત માટે મારે કશું જ મેળવવાનું ન હોય.’ એ સદા ખૂબ વ્યસ્ત રહેતા. ગુજરાતને દરિયાકાંઠે આવેલી દ્વારિકાથી એ સતત, ભારતની વર્તમાન પાટનગરી દિલ્હી પાસે જતા. રાજસ્થાનના રણમાંથી એ કેટલી વાર પસાર થયા છે અને ઠેઠ બિહારમાં મગધ સુધી પણ ગયા છે ! અને ‘ઉદ્યોગપર્વ’માં સુંદર રીતે વર્ણવ્યા પ્રમાણે, એ પાંડવોના રાજદૂત તરીકે ગયા છે અને બે પક્ષો વચ્ચે શાંતિ સ્થપાય એ માટે વકીલાત કરી છે તેમ જ પાંડવોને અર્ધું રાજ મળે અને એટલું નહીં તો છેવટે પાંચ ગામ તો મળે એ માટે વિષ્ટિ-વાટાઘાટ ચલાવી છે. મહાભારતમાંની રાજનીતિ સંબંધી અને મુત્સદૃીગીરી સંબંધી પ્રવચનો પર કોઈ વિદ્વાન પુસ્તક લખે એમ હું ઇચ્છું છું. આપણી સમકાલીન યુનોમાં એ પ્રવચનોના પડઘા સાંભળવા મળશે ? (ક્રમશ:)
Your Content Goes Here