જે ભારતીયો વિદેશમાં જઈ પાછા આવે છે અને દેશની વ્યવસ્થા, વહીવટ કે પ્રજા વિશે ટીકા કરે છે. આ લોકોમાં દેશપ્રેમ નથી એમ કહીને તેમને ઉતારી પાડવામાં આવે છે. તેમને માત્ર વિદેશમાં જ સારું દેખાય છે. દેશમાં પણ ઘણી સારી બાબતો છે કે જેને તેઓ જોતા નથી કે જોવા માગતા નથી. આવા લોકોનો બહિષ્કાર કરવો જોઈએ !
આ ટીકા કદાચે સાચી હશે તો પણ અર્ધ સાચી છે. વિદેશમાં જઈ પાછા આવનાર લોકો જે ટીકા કરે છે, તે હંમેશ દેશ વિરુદ્ધ હોય છે એમ માનવું ભૂલભરેલું છે. થોડા ઘણા આવા હશે, પણ મોટા ભાગના એવા નથી હોતા. ઊલટાનું જે લોકો ટીકા કરે છે, તેઓ દેશપ્રેમથી પ્રેરાઈને જ ટીકા કરે છે. તેમને પણ દેશમાં ઘણી બાબતો સારી દેખાય છે. પણ તેઓ જે ટીકા કરે છે, તે કંઈ દેશની સંસ્કૃતિ વિશે ટીકા નથી કરતા. તેઓ તો વ્યવસ્થા કે વહીવટની ટીકા કરે છે. લોકોના વલણની ટીકા કરે છે. વિદેશમાં સ્વચ્છતા છે અને આપણે ત્યાં અપાર ગંદકી છે, તો તે ટીકા વ્યાજબી છે. એક વાર સ્વચ્છતાની મજા માણવામાં આવે પછી ગંદકી ગમે ? એક વખત વાહનવ્યવહારની નિયમિતતા જોવાય પછી સતત અનિયમિતતાની પ્રશંસા થોડી કરાય ? જો કોઈ પણ લાંચ વગર કામ થઈ જતું હોય, અને પાછું ઝડપથી થઈ જતું હોય, તો લાંચ લેવાય તે ગમે? જે સત્ય છે, તે તો સત્ય જ છે. આપણા દેશનાં મૂલ્યો ભલે ખૂબ ઊંચાં હશે, પણ વ્યવહારમાં જે અવ્યવસ્થા જોવા મળે છે, તેને કેમ નકારી શકાય ?
પણ આવું બને છે કેમ ? લોકો કેમ વ્યવસ્થિત નથી થતા ? સામુહિક રીતે આપણે કેમ વિચારી કે કામ કરી શકતા નથી ? નિષ્પક્ષ-નિ:સ્વાર્થભાવે કેમ કામ નથી કરી શકતા? એ લોકોની ટીકાની નિંદા કરવા બદલે આવા વિચારો કરવાની જરૂર છે. અને એમ ન માનવું કે વિદેશમાં જઈ આવેલ સામાન્ય લોકો જ ટીકા કરે છે, આપણા મહાન લોકોએ પણ આ તરફ ધ્યાન દોર્યું જ હોય છે.
સ્વામી વિવેકાનંદ પણ અમેરિકા અને યુરોપ ગયા હતા. થોડાં વર્ષો ત્યાં રહ્યા હતા. પાછા આવીને પૂરા ભારતીય થઈ રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિનાં મહત્તમ વખાણ તેમણે કર્યાં હતાં, અહીં અને ત્યાં. છતાં જ્યારે વ્યવસ્થાનો સવાલ ઊભો થયો અને તે વિશે વાત કરવાની થઈ તો તેમણે પણ ધ્યાન દોર્યું જ હતું. પણ તેમની વિશિષ્ટતા એ હતી કે તેમણે વિદેશની પ્રશંસા કરવા સાથે આપણે તેવા કેમ નથી, તેનું પણ વિશ્ર્લેષણ કર્યું હતું. આ વિશેના તેમના વિચારો પણ ધ્યાન ખેંચે એવા છે અને તેનો અમલ પણ તેઓ ઇચ્છે છે.
તેમણે ભારતીય સ્વભાવની મર્યાદા તરફ આંગળી ચીંધી છે. તેમણે કહ્યું કે ‘આપણા સ્વભાવમાં સંગઠનશક્તિની મોટી ખોટ છે. પણ એ કેળવ્યા વિના છૂટકો જ નથી.’ વિવેકાનંદે બરાબર નબળી નસ પકડી છે. આપણો સમગ્ર ઇતિહાસ તપાસીએ તો આપણે જ્યારે જ્યારે પણ વિદેશીઓના ગુલામ થયા છીએ, તેનું એક માત્ર કારણ આ સંગઠનશક્તિનો અભાવ રહ્યો છે. પ્રાચીન ઇતિહાસ તપાસો. મધ્યયુગનો રાજપૂત સમય તપાસો. મોગલ સમય તપાસો. જ્યારે પણ કોઈ સામે યુદ્ધ કરવાનો સવાલ ઊભો થયો છે, ત્યારે રાજાઓ પરસ્પર એક થઈ લડવાને બદલે કાં તો અલગ રહ્યા છે અથવા તો વિદેશીઓને મદદ કરી છે. ઇબ્રાહિમ લોદી સામે લડવા બધા રાજાઓ એક થવાને બદલે બાબરને તેડી આવ્યા. અને તે તો લડીને પાછો જતો હતો તો તેને રહી જવા કહેવામાં આવ્યું. કારણ ? આંતરિક સંગઠનનો અભાવ. આવા તો અનેક બનાવો બન્યા છે. અંગ્રેજો પણ આપણા આંતરિક વિખવાદને કારણે પ્રવેશી અને પ્રસરી શક્યા. પાયામાં સંગઠનશક્તિનો અભાવ. આજે પણ આપણે ત્યાં ભાગ્યે જ રાષ્ટ્રીય સંદર્ભમાં ચિંતન થાય છે. જ્ઞાતિ, જાતિ, ધર્મ કેપક્ષના આધારે જ નિર્ણયો લેવાય છે. રાષ્ટ્રીયચિંતન એટલે શું તેની ખબર નથી ! આનું પણ શું કારણ ? વિવેકાનંદ આગળ કહે છે, ‘ઇર્ષ્યાનો ત્યાગ જરૂરી છે.’
સ્વામીજી સીધી રીતે નથી કહેતા કે આપણે ઇર્ષ્યાળુ છીએ. એટલે આમ કહે છે. પણ હકીકત એ છે કે આપણે ઇર્ષ્યાળુ છીએ. ઇર્ષ્યાળુ કોણ હોય ? જેનામાં લઘુતાગ્રંથિ હોય તે ઇર્ષ્યાળુ હોય. આત્મસન્માનહીન વ્યક્તિ જ બીજાની ચડતી કે સફળતા ન જોઈ શકે. આપણી પ્રજાનો અભ્યાસ કરીએ તો આ લઘુતાગ્રંથિ સતત જોવા મળે છે. તેનું કારણ આપણી કહેવાતી જ્ઞાતિજાતિ-વ્યવસ્થા છે. પોતે ઊંચી જ્ઞાતિના છે અને બીજા હલકી જ્ઞાતિના છે – આ ભાવ સતત આપણે ત્યાં રહ્યો છે. આજે પણ છે. એટલે મોટા ભાગે થોડા ઘણા ઉદાર મતવાદી અને ઉદ્દાત લોકોને બાદ કરતાં બધા જ વર્ણો આ ગ્રંથિનો ભોગ બન્યા છે. આ વર્ણોને સતત કચડવામાં આવ્યા છે. બ્રાહ્મણો, રાજાઓ, અધિકારીઓ અને જમીનદારો – આ બધાએ સામાન્ય પ્રજાને એટલી તો કચડી છે કે તેણે જાણે કે પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું. પરિણામે તે ઇર્ષ્યાનો ભોગ બની ગઈ. આજે જે વર્ગદ્વેષ જોવામાં આવે છે તે આ પ્રત્યાઘાતનું જ પરિણામ છે. ઇર્ષ્યા કરનાર અને જેની ઇર્ષ્યા થાય છે – બન્નેને તે નુકશાન કરે છે. વિકાસ કહે છે કે બધાએ સમાનભાવે કામ કરવાનું છે. જે બુદ્ધિશાળી લોકો સારું કામ કરી શકે, તો તેને માન મળે. કોઈની ઇર્ષ્યા ન થાય તો જ સંગઠન રાખી શકાય.
ઇર્ષ્યાથી કઈ નબળાઈ જન્મે છે ? ઇર્ષ્યા હંમેશાં બીજાના દોષ જોવાનો પ્રયાસ કરે છે. તે ક્યારેય પોતાનો દોષ નહીં જુએ. દોષ તો બીજાના જ જોશે અને જોશે જ! અને જે સતત બીજાના દોષ જોયા કરે, તે પોતે તો કામ નહીં જ કરે, પણ જે કરતા હશે તેને કરવા પણ નહીં દે. તે બીજાના ટાંટિયા ખેંચશે. એટલે સ્વામીજી હળવેથી બે સૂચના આપે છે. એ કહે છે, ‘કોઈ પણ બહારની વાત પર આળ ન ચડાવવાનો કે કોઈપણ બહારની વ્યક્તિ પર દોષારોપણ ન કરવાનો દૃઢ નિશ્ર્ચય કરો.’
પણ આ તો નકારાત્મક સૂચન છે-હકારાત્મક દેખાતું હોવા છતાં. એટલે તરત બીજું સૂચન કરે છે, ‘તમારા ભાઈઓનો હાથ પકડી ઘસડવાનો પ્રયત્ન ન કરો, પણ તેમની સેવા કરો.’ શા માટે ? તેના જવાબમાં કહે છે, ‘આ રીતે ઘસડવાના જંગલી ગાંડપણથી મોટાં વહાણો જીવનના દરિયામાં ડૂબી ગયાં છે.’ અને છેલ્લે કહે છે, ‘તમારા જાતભાઈઓનાં મન જીતી લેવા સદા તત્પર રહો.’ માત્ર હાથ ન ખેંચીને બેસી રહેવાનું નથી. પણ સાથે ને સાથે કદાચ જે વિરોધી દેખાતું હોય, તેનું મન જીતવાનું છે. જ્યારે એ મન જિતાશે, ત્યારે જ સંગઠન શક્ય બનશે. પરસ્પર આદર હશે તો જ ટીમવર્ક કરી શકાશે.
પછી સ્વામી વિવેકાનંદ એક સામાન્ય કહી શકાય તેવું પણ શાશ્ર્વત સત્ય બતાવતું વિધાન કરે છે. વ્યક્તિ કે રાષ્ટ્રના વિકાસનું રહસ્ય તે કહે છે : ‘દરેક વ્યક્તિને, દરેક પ્રજાને મહાન બનાવવા માટે ત્રણ બાબતો આવશ્યક છે: (1) શુભની શક્તિ વિશે સંપૂર્ણ ખાતરી. (2) ઇર્ષ્યા કે આશંકાનો અભાવ. અને (3) જે લોકો સારા થવા કે સારું કરવા પ્રયત્ન કરતા હોય તેમને મદદ કરવી.’
સ્વામીજીનું આ વાક્ય દરેક ઘરમાં કે દરેક સંસ્થામાં લટકાવી રાખવા જેવું છે. આપણા દેશમાં સ્વતંત્રતા આવી ગઈ છે. હવે તો લોકોનું માનસ કે વલણ પણ બદલાવા લાગ્યું છે. એનો પ્રભાવ વિકાસ પર જોવા મળે છે. છતાં હજી પણ સૂક્ષ્મ રીતે જ્ઞાતિવાદ, જાતિવાદ, અસમાનતા વગેરે સમાજમાં વધી રહ્યાં છે. તેથી હજી પણ જે ગતિથી વિકાસ થવો જોઈએ તે ગતિએ નથી થતો. તેનું કારણ આ ત્રણ બાબતોનો અભાવ છે. પરિસ્થિતિ બદલતી હોવા છતાં હજી આ ઝેર સમાજમાંથી નાબૂદ નથી થતું. તેથી પૂરા પ્રયાસો છતાં વિકાસની ગતિ ધીમી રહે છે.
પણ આ ત્રણમાં પણ મહત્ત્વનું અને પાયાનું સત્ય છે, ‘જે લોકો સારા થવા કે સારું કરવા પ્રયત્ન કરતા હોય તેમને મદદ કરવી.’ આ માટે પાયામાં જરૂરી છે ‘ઇર્ષ્યાનો અભાવ.’ માત્ર તો ને તો જ આ શક્ય છે. પણ તે માટે જરૂરી છે લઘુતાગ્રંથિનો અભાવ. એ ક્યારે બને ? સ્વામીજી તેનો પણ ઉપાય બતાવતાં કહે છે :
‘મર્દ બનો. ઊભા થાઓ. અને તમારી જાતને જ દોષિત માનો. તમારી જાતને જ બરાબર પકડૉ.’
એટલે કે જાતે જ સમર્થ બનવું. એક વાર વ્યક્તિ સમર્થ બનશે કે તરત તે જવાબદાર વ્યક્તિ બનશે. ‘મર્દ’ એટલે જવાબદાર. મર્દ હંમેશ હિંમતવાન હોય છે અને દરેક બાબતની જવાબદારી પોતાના પર લેવા સક્ષમ હોય છે. અને જે જવાબદાર છે, તે માત્ર શુભ જ જોશે. બીજાને મદદ કરશે જ. એક પળ પણ ઇર્ષ્યાને વશ નહીં થાય.
સ્વામીજી કહે છે તેમ, એકવાર વ્યક્તિ કે સંગઠન આ રીતે એક થઈ કામ કરશે. એ વિશે સ્વામીજીએ કહ્યું છે કે જેઓ કાર્યક્ષેત્રમાં પ્રવેશ કરે અને માને કે મદદ ચોક્કસ મળશે, એવા માણસો જ ખરેખર કાર્ય કરે છે.
આવા સ્વસ્થ, ઇર્ષ્યારહિત, મર્દ, સંગઠિત વ્યક્તિ તથા સમાજને સ્વામીજી પડકાર ફેંકતાં કહે છે, ‘તમારા એકના ઉપર જ આખા કામનો આધાર હોય તે રીતે કાર્ય કરો. પચાસ પચાસ સૈકાઓ તમારા તરફ મીટ માંડી રહ્યા છે. ભારતના ભવિષ્યનો આધાર તમારા પર છે.’
સ્વામીજીએ સમગ્ર ભારતની પદયાત્રા કરીને લોકોની નાડને બરાબર પારખી લીધી હતી. તેમની નબળાઈ, તેમનું સામર્થ્ય બન્ને જોયાં હતાં. પછી વિદેશની વ્યવસ્થા જોઈ. ત્યાર બાદ સમગ્રતયા વિચાર કરીને ભારતના લોકોએ કેવી રીતે કામ કરવું જોઈએ, તેની પુખ્ત વિચારણા કરી હતી. તેના આધારે તેમણે લોકો સાથે વાતો કરી હતી અને તેમને માર્ગદર્શન આપ્યું હતું. સ્વામીજી પાસે અખિલાઈનું ચિંતન હોવાથી આજે દોઢસો વર્ષ પછી પણ તે એટલું જ પ્રાસંગિક, ઉપયોગી અને વ્યવહારુ દેખાય છે. પરિણામે આજના નેતાઓને કે અગ્રણીઓને તેમના વિચારોનો આશ્રય લઈને લોકોને સમજાવવા પડે છે. પણ એના પાયામાં છે સંગઠનશક્તિ, શુભની ખાતરી અને શુભની મદદ.
Your Content Goes Here