ઝેર હવે શોધવા જવું પડે તેમ નથી. અનેક સ્વરૂપે તે આપણી આસપાસ ઘૂમી રહ્યું છે અને આપણા શરીરમાં ઘૂસી રહ્યું છે. મનગમતી સ્થિતિ, ગમતી વસ્તુ, ભાવતાં ભોજન દ્વારા જાણતાં કે અજાણતાં આપણાથી ઝેરનાં પારખાં થઈ જાય છે. ઘણા પદાર્થો, ઘણી સ્થિતિઓ આપણને ભયાનક ઝેરી અસર કરી શકે છે. આ સામે જાગ્રત રહેવું જરૂરી જ નહીં પણ અનિવાર્ય બન્યું છે.

સવારથી રાત્રી સુધીમાં આપણે અનેક વ્યક્તિના સંપર્કમાં આવીએ છીએ, વિવિધ વાતાવરણમાંથી પસાર થઈએ છીએ, ઘણા જ પ્રકારના પદાર્થો ખાઈએ છીએ, ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. આ બધામાંથી ગમે ત્યાંથી ઝેરી તત્ત્વ આપણા શરીરના સંપર્કમાં આવી શકે છે, અને તે લાંબે ગાળે ગંભીર અસર સર્જી શકે છે. ઘણાંને બારેમાસ શરદી રહેતી હોય છે. ઘણાંને સતત છીંક આવતી હોય છે. ઘણાંને દરરોજ સાંજે ઝીણો તાવ આવી જાય, કળતર રહે, માથું દુ:ખે. ઘણાંને ખંજવાળની સમસ્યા રહેતી હોય છે. આવા પ્રશ્નોને મોટાભાગના લોકો ગંભીરતાથી લેતા નથી. વાસ્તવમાં આપણી જીવનશૈલીમાં કંઈક ભૂલ હોવાથી આવી સમસ્યાઓ સર્જાતી હોય છે. દરરોજ લેવાતા ખોરાકમાં પણ કંઈક એવું હોઈ શકે છે કે જે શરીરમાં ઝેર ઉત્પન કરી શકે. અમુક વસ્તુ કે સ્થિતિ એલર્જિક બની હોય છે. એનો ખ્યાલ આપણને લાંબા ગાળે આવે છે. સાતઆઠ કલાક એ.સી.માં રહ્યા પછી કુદરતી વાતાવરણમાં આવો ત્યારે શરીર સહન કરી શકતું નથી. આ વિપરીત સ્થિતિની આડઅસર અનેક સ્વરૂપે શરીરમાં દેખાઈ શકે છે. આડ અસરથી શરીર બગડે ત્યારે દવા લેવાને બદલે કારણ જાણીને તેનું નિવારણ કરવું વધારે યોગ્ય ગણાય.

આપણાં દાદાદાદીનાં જીવનધોરણનો અભ્યાસ કરો. એ લોકો બીમાર ઓછાં પડતાં. હજુ ઘણાં ગામડાંમાં, કસબામાં કુદરતી વાતાવરણ અને સહજ જીવનશૈલી જોવા મળે છે. ગામડાંમાં ફ્રિજ, ટીવી હમણાં હમણાં આવ્યા છે. ત્યાં પીવાના પાણી માટે પાણિયારે માટલું હોય છે. પાણી ઠંડુ કરવા માટલા પર ભીનું કપડું વીંટાળ્યું હોય છે. ખોરાકમાં ચારપાંચ વસ્તુથી વધારે જોવા મળતી નથી. ઋતુ મુજબ ખોરાક બદલતો રહે છે.

ગ્રામીણજીવન મોટા ભાગે નિયમિત ચાલતું હોય છે. એની સામે શહેરના જીવન તરફ દૃષ્ટિ કરીએ તો પીવાના પાણી માટે ફ્રિજ હોય છે. ઓફિસ અને ઘરમાં એ.સી.ની સુવિધા હોય છે. ભોજનમાં ઘણી વાનગીઓ હોય છે. અનિયમિતતા અને ભાગદોડ સતત રહે છે. ગામડું કુદરતથી નજીક છે અને શહેર કુદરતથી ઘણું દૂર છે. શહેરી જીવનમાં વિષજન્ય પદાર્થો પારાવાર જોવા મળે છે. જો કે આજનાં ગામડાંમાં પણ આવા પદાર્થોની અસર થોડી થોડી જોવા મળે છે.

શ્ર્વાસ એ જીવનનો ધબકાર છે. શ્વાસ લીધા વગર એક મિનિટ પણ જીવી ન શકાય. આપણે સતત શ્ર્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ. પણ આપણે ક્યારેય એ વિચાર્યું છે કે શ્વાસ સાથે આપણાં શરીરમાં કેટલું ઝેર પ્રવેશે છે ? રોજબરોજ વાયુપ્રદૂષણ વધતું જાય છે. ઘણી ટીવી ન્યૂઝ ચેનલોમાં શહેરોના રોજબરોજના પ્રદૂષણનો આંક આવે છે. શ્વાસ સાથે શરીરમાં જતાં ઝેરી તત્ત્વોની અસર દેખાવા લાગી છે. ત્રીસ વર્ષના ગાળામાં ફેફસાંના રોગોનું પ્રમાણ બમણું થઈ ગયું છે. પ્રદૂષણ માણસને જીવવા દેતું નથી. પેટના રોગોમાં પણ કલ્પનાતીત વધારો થઈ રહ્યો છે. હજુ પણ ભારતમાં વાહનોના પ્રમાણમાં દરરોજ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. એને પરિણામે પ્રદૂષણની માત્રામાં દરરોજ વધારો થતો જાય છે. આ સ્થિતિની ગંભીરતા પારખીને સુપ્રીમ કોર્ટે બસ-રીક્ષા જેવાં વાહનો સીએનજી દ્વારા ચલાવવાનો ચુકાદો આપ્યો છે.

માત્ર વાહનો દ્વારા જ હવા પ્રદૂષિત થતી નથી, તમારી આસપાસના માણસો બીડી-સીગારેટ પીએ અને તેનો ધૂમાડો તમારા શરીરમાં પ્રવેશે તો પણ તમને ઝેરી અસર થઈ શકે છે. તમે જે લોકોના સંપર્કમાં રહો છો, તેમનાં મોંમાંથી વિષાણુઓ બહાર નીકળે તોપણ તે તમારા શરીરમાં ઝેર પેદા કરી શકે. તમે જે ખોરાક લો છો તે અશુદ્ધ હોય તો તે તમારા શરીરમાં ઝેરી અસર કરી શકે. વિરુદ્ધ આહારથી પણ વિષ પેદા થઈ શકે. આસપાસ ઘૂમતા ઝેરી પદાર્થોથી બચવું અશક્ય નથી, મુશ્કેલ જરૂર છે. અમે હોસ્પિટલમાં એક સર્વે કરતા હતા. જે કોઈ દર્દી આવે તે દર્દીને તેમના પરિવારનાં બાળકો વિશે પ્રશ્ન પૂછતા. સર્વેનું તારણ એવું નીકળ્યું કે 70% બાળકો ઘરના ભોજનને બદલે બજારમાં મળતા ખોરાક પર આધારિત હતાં. બજારુ ખોરાક સ્વાદિષ્ટ જરૂર હોય છે, પણ તેમાં સ્વાદ સાથે ઝેર પણ હોય છે. આવો ખોરાક બાળકોના જ નહીં પણ મોટાઓના સ્વાસ્થ્ય પર ખતરનાક અસર કરે છે. તે એસિડિટી, ઝાડા, પેટનો દુખાવો, અપચા જેવી અનેક સમસ્યાઓ પેદા કરે છે. બજારુ વાનગીનું વધારે પડતું સેવન કરવાથી બી.પી. વધી શકે છે, ડાયાબિટીસ પણ વધી શકે છે અને કોલેસ્ટરોલ પણ આવે છે. ખતરનાક આડઅસરો છતાં જંકફૂડની પરંપરા વિકસી રહી છે.

થોડાં વર્ષો પહેલાં ભૂખમરાની સમસ્યા હતી, હવે અતિભોજનની સમસ્યા આકાર લેવા માંડી છે. ઘણાં

દર્દીઓ ફરિયાદ કરે છે, ‘સાહેબ, હું બે રોટલી અને થોડું શાક ખાઉં છું, છતાં મારુ વજન વધતું જાય છે !’ આવાં દર્દીઓને અમે કોરો કાગળ આપીને કહીએ છીએ, ‘તમે જે કંઈ ખાઓપીઓ છો તેની નોંધ આ કાગળમાં કરજો.’ આવા કોરા કાગળમાં 80% લોકોએ લખ્યું કે ‘અમે ઘેર જઈએ અને રસોઈ તૈયાર ન હોય તો ફ્રિજ ખોલીને થોડી મીઠાઈ ખાઈ લઈએ, એકાદ ચોકલેટ ચાખી લઈએ,

શીંગ કે ચણાના આઠદસ દાણા લઈએ. રસોઈમાં થોડી વધારે વાર લાગે તો રસોડામાં જઈને ડબ્બો ખોલીને થોડો નાસ્તો પણ કરી લઈએ અને પછી જમવા બેસીએ !’ આવા લોકો વસ્તુ થોડી થોડી લે છે પણ થોડી થોડી વસ્તુ ઘણીબધી લે છે !

અમુક લોકોએ આવું લખ્યું, અમે આખો દિવસ ખા ખા કરીએ તો પત્ની અને બાળકો ના પાડે છે એટલે રાત્રે બધાં સૂઈ જાય પછી ખાઈએ છીએ. ફ્રિજમાંથી કોલ્ડડ્રિંક કાઢીને પીઈ લઈએ છીએ !’ નવાઈની વાત તો એ છે કે આવા જ લોકો ડોક્ટર પાસે આવીને આવું કહેતા હોય છે, ‘અમે માત્ર બે રોટલી અને થોડું શાક જ ખાઈએ છીએ!’ વાસ્તવમાં આવા લોકો જમવા સિવાય પોતાને જરૂરત હોય તેના કરતાં વધારે કેલરી શરીરમાં ઠાલવતા હોય છે. મૂળ ખોરાક ઓછો હોય છે, પણ કટકબટક વધી જતું હોય છે. વધારાની કેલરી શરીરમાં ઝેર તરીકે વર્તે છે, એ નિર્વિવાદ બાબત છે.

શરીરમાં ઝેરી તત્ત્વો હોય ત્યારે જ આરોગ્યની સમસ્યા સર્જાય છે. આ બાબત સર્વસ્વીકાર્ય છે. શરીરમાં ઘૂસેલાં કે શરીરમાં પેદા થયેલાં ઝેરી તત્ત્વો કુદરતી રીતે જ બહાર નીકળે તેવી વ્યવસ્થા ગોઠવાયેલી છે. મળમૂત્ર,પરસેવો, છીંક, શ્ર્વાસોચ્છ્વાસ જેવી પ્રક્રિયાઓ ઝેરી તત્ત્વોને શરીરમાંથી બહાર કાઢવા માટે છે. શરીરમાંથી ઝેર બહાર નીકળવાનું પ્રમાણ હોય તેના કરતાં શરીરમાં ઝેર આવવાનું પ્રમાણ વધી જાય, ત્યારે શરીરમાં ઝેર સંગ્રહાવા લાગે છે, એને કારણે ગંભીર બીમારી આવી શકે છે..

Total Views: 232
By Published On: September 1, 2018Categories: Kamal Parikh, Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram