શ્રીરામકૃષ્ણ આશ્રમ-વિદ્યાર્થીમંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન

29 જુલાઈ, 2018ના રોજ સવારના 8:00 થી સાંજના 5:35 સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિદ્યાર્થીમંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન યોજાયું હતું. આશ્રમના વિવેકહોલમાં યોજાયેલ આ સંમેલનનો મંગલ પ્રારંભ ભજન અને હોસ્ટેલના વિદ્યાર્થીઓના મંત્રોચ્ચાર સાથે થયો હતો. આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે રામકૃષ્ણ મિશનની કેટલીએ શાળા મહાશાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સબળ સંગઠન છે. આ સંગઠનો રામકૃષ્ણ મઠ – મિશનની જેમ પ્રજાસેવાનાં ઘણાં કાર્યો કરે છે અને એ રીતે પોતાની રીતે રામકૃષ્ણ મઠ – મિશનની પ્રવૃત્તિઓના સંચાલનમાં અપ્રત્યક્ષ પ્રદાન કરે છે અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રચારપ્રસાર કરે છે. આપ સૌ આવું સંગઠન ઊભું કરીને અનેકવિધ માનવસેવાની પ્રવૃત્તિઓ કરી શકો છો. ત્યાર પછી શ્રીરામકૃષ્ણ આશ્રમ, વિદ્યાર્થી મંદિરના ભૂતપૂર્વ ગૃહપતિઓ અને વિદ્યાર્થી મંદિર સાથે સંલગ્ન શિક્ષકો તેમજ તત્કાલીન વિરાણી હાઈસ્કૂલના આચાર્યોનું  વિદ્યાર્થીઓએ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ચંદ્રકાંત મહારાજે હોસ્ટેલના કાર્યને ઘણું દુષ્કર કાર્ય ગણાવીને વિદ્યાર્થીઓનાં તોફાન, મસ્તી, ટીખળ, વ્યંગભર્યાં નામો પાડવાં જેવાં ઉદાહરણો આપીને સૌને હસાવ્યા હતા. પણ વિદ્યાર્થીઓ હોસ્ટેલના જીવનને એટલી સાહજિક રીતે નિભાવી લેતા કે એ છોડતી વખતે અમે એમની આંખોમાં આંસુ જોયાં છે. રાજેન્દ્ર મહારાજે વિદ્યાર્થીઓની આશ્રમ પ્રત્યેનાં શ્રદ્ધા અને વિશ્વાસની વાત કરી હતી. કિશોર મહારાજે કોઈ તોફાની ટાબરીયો શાળાએ જતાં કે વળતાં કેવી રીતે ઘેર નાસી જાય અને જ્યાં સુધી એના શુભ સમાચાર ન આવે ત્યાં સુધી કેટલી બેચેની રહે છે એની દૃષ્ટાંત સાથે વાત કરી હતી. વિવેક મહારાજે પણ વિદ્યાર્થીઓના હોસ્ટેલ પ્રત્યેના ભાવ-અભાવની વાત કરીને કહ્યું હતું કે અંતે તો તમે અમારા રહ્યા અને અમે તમારા રહ્યા. મિલન મહારાજે પણ હોસ્ટેલના કડવામીઠા અનુભવની વાત કરી. બકુલ મહારાજે હોસ્ટેલ ચલાવવી અને 80-85 વિદ્યાર્થી પર જાત દેખરેખ રાખવી ઘણી મુશ્કેલ છે. એમાંય તોફાની ટાબરિયાંનું દરેક રીતે ધ્યાન રાખવું પડે, કેટલાક કડક શિસ્તને લીધે ભાગી જાય, વંડી ઠેકવાનો પુરુષાર્થ કરે, ટોળી રચીને છાનામાના ગૃહપતિને હેરાન કરવાના ખેલ ખેલ્યા કરે, આ બધું ઘણું દુષ્કર છે. છતાંયે સારા, ગુણવત્તાવાળા વિદ્યાર્થીઓના સાથસહકારથી, એમના દ્વારા બીજાને શિસ્તપાલનની પ્રેરણા આપીને કાર્ય નિભાવવું પડતું. એમાં મજા પણ છે અને મુશ્કેલી પણ છે. છતાંયે અમારો આ વિદ્યાર્થીઓને ઉત્તમ સંસ્કારનું ભાથું આપવાનો વિનમ્રભાવનો પ્રયાસ રહ્યો છે. સદ્નશીબ એ છે કે 2-5%ને છોડતાં બાકીના વિદ્યાર્થીઓનાં વર્તન વ્યવહાર સંસ્થાને અનુરૂપ રહેતાં. ક્યારેક નછૂટકે ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમ’નો આશરો લેવો પડતો. ત્યારબાદ મનસુખભાઈ મહેતાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓની અભ્યાસ તેમજ અન્ય સમસ્યાઓ પ્રત્યે તત્કાલીન અધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, સ્વામી સત્પ્રભાનંદજી મહારાજ, સ્વામી દીવાકરાનંદજી અને સ્વામી તારાનંદનજી કેટલા ચિંતિત હતા, તેની વાત  પ્રસંગો ટાંકીને કરી હતી. આ બધા સંન્યાસીઓના વત્સલભાવને લીધે વિદ્યાર્થીઓ પછી ભલે એ નાના હોય કે મોટા પણ પોતાનાં મૂળ વતન, ઘર અને માતપિતાને ભૂલીને આશ્રમના સંસ્કાર પ્રવાહમાં ભળી જતા એની વાત પણ કરી હતી.

ચા વિરામ પછી ભજનગાન રજૂ થયું. ત્યાર બાદ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી આદિભવાનંદજીએ (પ્રાગજી મહારાજ) પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે તમે સૌ અહીં કુટુંબ સહિત આવ્યા અને આ આશ્રમને ફરીથી તમે સૌએ જોયો એ જાણીને ઘણો આનંદ અનુભવું છું. વિદ્યાર્થીજીવન એ જીવનનો એક મજબૂત પાયો છે. એમાંય તમને આ આશ્રમમાં વિદ્યાર્થીજીવન જીવવાનો અવસર મળ્યો એ તમારું પરમ સદ્ભાગ્ય હતું. સ્વામી વિવેકાનંદના વિચારો અને આદર્શોને તમારા જીવનમાં ઉતારવા તમે થોડાં સારાં પુસ્તકો ખરીદો; તમે વાંચો અને તમારાં બાળકોને પણ એ પુસ્તકો વંચાવો. એમને આ પુસ્તકો પોતાના ભાવિ જીવનઘડતર માટે ઘણું મોટું જીવનપાથેય આપશે.

બપોરના ભોજન પ્રસાદ પહેલાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, વિદ્યાર્થી મંદિરના જૂના વિદ્યાર્થીઓ – શ્રી જગદીશ કોટડિયાએ આશ્રમજીવનમાંથી મળેલાં બોધપાઠ અને જીવનશિક્ષણ અમને અત્યારે પણ અમારા વ્યાવસાયિક જીવનમાં ખૂબ ઉપયોગમાં આવે છે. ડૉ. હિંમત જાવિયા અને અમેરિકાસ્થિત ડૉ. બુદ્ધદેવ મણવરે પોતાના આશ્રમજીવનનાં સંસ્મરણોને વાગોળતાં કહ્યું હતું કે અમને જ્યારે એક વર્ષના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો એવોર્ડ મળ્યો હતો એ અમારા જીવનનું અનોખું સંભારણું બની ગયું છે. એ વિદ્યાર્થીજીવનને અમે ક્યારેય ભૂલી ન શકીએ. ડૉ. ઉમેદ કાલરિયાએ પોતાનાં સંસ્મરણોની સાથે આજની આશ્રમની પ્રવૃત્તિઓ સાથે વિશેષ કરીને સેરેબ્રલપાલ્સી વિભાગને નિહાળવાનો સૌને અનુરોધ કર્યો હતો. ડૉ. રાજાભાઈ બારડે પૂજ્ય સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં પ્રેમ અને સ્નેહના સંસ્મરણો અને એમણે આપેલા સંસ્કારોની વાત કરી હતી. ડૉ. ઉપેન્દ્ર મણવરે સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પોતાના વિદ્યાર્થીઓની કેવી અને કેટલી કાળજી સંભાળ રાખતા હતા અને એમને મળીને, યાદ કરીને કેવો આનંદ અનુભવતા હતા, એની વાત કરી હતી.

ડૉ. વેણીભાઈ જોષી અને ભૂતપૂર્વ પોલીસ અધિકારી

શ્રી જાડેજા સાહેબ, શ્રી બાલુભાઈ નગડિયા અને શ્રી ગોવિંદભાઈ વાધેલાએ પોતાનાં આશ્રમજીવન દરમિયાન મળેલ સંસ્કારે અમને કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ઉદિપ્ત કર્યા અને અમારા જીવનને કેવું સાર્થક બનાવ્યું તેની વાત કરી.

એક કલાક સમૂહભોજનનો આનંદ માણીને બપોરના 1 થી 2 વચ્ચે આશ્રમ પરિસરની વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. તેમાં વિવેકાનંદ બૂક વર્લ્ડ, મંદિર પરિસર અને દરરોજ અનેક દર્દીઓને પોતાની સેવા આપતું ‘વિવેકાનંદ આઈ સેન્ટર’; ‘ફિજિયોથેરપી’ વિભાગની પ્રવૃત્તિઓ અને ગુજરાતભરમાં એક માત્ર કહી શકાય તેવા ‘મા શારદા સેરેબ્રલ પાલ્સી’ વિભાગની વિવિધ પ્રવૃત્તિઓનો પ્રત્યક્ષ ખ્યાલ મેળવ્યો હતો. ઘણા જૂના વિદ્યાર્થીઓ માટે આ બધી પ્રવૃત્તિઓ નવી હતી.

ચા ના વિરામ પછી કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીમંદિર-જીવનનાં કેટલાંક મધુર સંસ્મરણો રજૂ કર્યાં હતાં. બપોર પછી 4 થી 5:20 દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના વ્યવસ્થિત સંગઠન તેમજ ઓછામાં ઓછું વર્ષમાં આવું એક યાદગાર મિલન યોજવા વિશે ઘણા વિદ્યાર્થીઓ પોતપોતાનાં સૂચનો, માર્ગદર્શન આપ્યાં હતાં. સમારંભના સમાપનમાં સ્વામી આદિભવાનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાનાં મંતવ્યો આપતાં કહ્યું હતું કે વિદ્યાર્થીના જીવન ઘડતરમાં પોતાનું મહત્ત્વનું પ્રદાન આપનાર માતૃસંસ્થાના જૂના વિદ્યાર્થીઓનું એક સંગઠન રચાવું જોઈએ અને વર્ષમાં બે વાર એ સભ્યોનું મિલન યોજાવું જોઈએ. એ મિલનમાં ભાવિ સર્વસેવા કાર્યોની રૂપરેખા રજૂ કરીને એને કાર્યાન્વિત કરવાનું કાર્ય ઉપાડી લેવું જોઈએ. આવું થશે તો રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રચાર પ્રસાર એની મેળે વધતો રહેશે. અંતે જૂના વિદ્યાર્થીઓમાંથી નવ વિદ્યાર્થીઓની એક સમિતિની રચના કરીને આગામી 20 જાન્યુઆરી, 2019ના રોજ યોજાનારા મહાસંમેલનની  પૂર્વ તૈયારી કરવાની યોજનાનો અમલ કરવાનું જણાવ્યું હતું.

ચાલો આપણે 20 જાન્યુ.19ના રોજ મળીએ….

Total Views: 223

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.