આચાર્ય દ્રોણ, પિતામહ, વિદુર એ બધા મારી એક વાત કેમ નથી સમજી શકતા કે મારી સાથે, મારા પિતા સાથે જે અન્યાય થયો છે એ સત્ય જ છે ને.. મારા પિતાનું આંધળું હોવું એ શું એમનો વાંક હતો? એ મોટા હોવા છતાં એમને રાજગાદી ન મળી અને હું પણ ન મેળવી શક્યો.. ધર્મનાં પાઠો હું પણ જાણું જ છું. પણ મારી સાથે થયેલ અન્યાયોનું શું? બાપ આંધળો, માએ આંખે પટ્ટી બાંધી લીધી. એમ છતાં મને કે મારા બંધુઓને સહાનુભૂતિ કે પ્રેમનાં નામે કશું નથી મળ્યું.. જે મળ્યું એ પેલા કુંતીના પુત્રોને.. મારા પિતાને અન્યાય થયો એ પછી પણ વિદુર એની નીતિશાસ્ત્રના મોટા થોથાઓ ભણાવ્યા કરે છે. અરે.. જ્યેષ્ઠ ભ્રાતાનો જ્યેષ્ઠ પુત્ર હોવાના નાતે પાંડુપુત્રોએ જ સામે ચાલીને મને રાજગાદી આપવી જોઈએ…. અને મને રાજગાદી ન મળી તો એ મેળવવા મેં પ્રયત્નો કર્યા તો એમાં ખોટું શું છે? મારો હક મેળવવા મેં રાજનીતિ રમી અને હવે જ્યારે આખા રાજ્ય પર મારું વર્ચસ્વ છે ત્યારે હવે હું પેલા પાંડુપુત્રો સાથે સમાધાન નહીં જ કરું. યુદ્ધ તો ક્ષત્રિય ધર્મ જ છે ને ! હું ક્ષત્રિય ધર્મથી ચલિત થયા વિના યુદ્ધ જીતીને જ રાજગાદી જીતવાની વાત કરું છું, તો એમાં ખોટું શું છે ? મારી વાત કોઈ સમજી કેમ નથી શકતું..! એક મામા જ મને સમજે છે.. પિતાશ્રી સમજવા છતાં પેલા વિદુરની વાતમાં આવી જાય છે.
ને આ કેશવ! શું કહેવાનો હશે કાલે! પોતે તો ગોવાળિયો..! પોતે તો રણ છોડીને ભાગી ગયો હતો.. હું યુદ્ધની વાત કરું છું તો એ શાંતિદૂત બનીને આવ્યો છે! ગોવાળિયો પ્રેમની જ ભાષા સમજે ને.. એ શું જાણે ક્ષત્રિય ધર્મ… એટલે જ તો મારા છત્રીસ જાતના પકવાન જમાડવાના આમંત્રણને ઠુકરાવીને એ પેલી દાસીના ઘરે ગયો છે.. ! પણ એક વાત છે.. બીજા બધાનો હું વિરોધ કરી શકું છું પણ ખબર નહીં કેમ.. આ કેશવમાં એવી તે શી મોહિની છે.. નક્કી કોઈ વશીકરણની વિદ્યા જાણતો હોવો જોઈએ એ ગોવાળિયો.. એ બોલે છે ત્યારે એમ થાય છે જાણે સાંભળ્યા જ કરીએ… ગમે એટલી કોશિશ કરવા છતાં એનો વિરોધ કરવાનું મન જ નથી થતું.. જિહ્વા જાણે સાથ આપવાનું જ બંધ કરી દે છે.. એને જોયા જ કરીએ અને જાણે….
ઓહ.. આ શું થઈ રહ્યું છે તને દુર્યોધન! નહીં.. નહીં.. હું આ વખતે એ ગોવાળીયાની વાતોમાં આવવાનો જ નથી.. એ ગમે એટલી વશીકરણની વિદ્યામાં માહિર હશે.. પણ હું એક રાજા છું. ગાયો ચારનાર ગોવાળિયો અચાનક રાજા થઇ ગયો.. પણ હું એને એની કક્ષા યાદ અપાવીશ જ.. એ ગોવાળિયો છે તો એની કક્ષામાં જ વાત કરે…
દુર્યોધન રાતભર ના સુઈ શક્યો.. કાલે કેશવ શું કહેશે.. અને એ જે કહે ત્યારે પોતે એને શું જવાબ આપશે.. આખી રાત દુર્યોધને પોતાની જાતને તૈયાર કરવી પડી કે કેશવની વશીકરણ વિદ્યામાં પોતે વશ થઈને ક્યાંક યુદ્ધના પાઠ ન ભૂલી જાય…! આજે આ રાજશય્યા પણ કંટકોની શય્યા સમાન લાગતી હતી…
હજારો કોશિશ છતાં કેશવની મોહિનીમાંથી દુર્યોધન છૂટી નહોતો શકતો.. એનું એ શ્યામ મનોહર આકર્ષક રૂપ રહી રહીને આંખો સામે આવ્યા કરતું હતું.. ગોકુળની પેલી ગોપીઓ જેને જોઈને શાન ભાન ભૂલી જતી હતી એ કેશવથી પીછો છોડાવવો એટલો સહેલો પણ ન હતો.. કેશવે દુર્યોધનના મન પર પૂરેપૂરો કબ્જો જમાવી લીધો હતો.. અને એક રીતે જોઈએ તો એ પોતે શું ધર્મ જાણતો ન હતો? દુર્યોધન એનાં મનને વારંવાર આ જ સવાલ કરતો રહ્યો કે સાચો ધર્મ શું છે.. શું ભણ્યો છું ગુરુકુળમાં! મારી સાથે અન્યાય થયો છે એ સાચું.. પણ પાંડુપુત્રો સાથે મેં કેટલા કપટો કર્યા છે.. ને એ લોકો પણ કેટલા મૂરખ કે ધર્મના પાલન માટે થઈને પોતાની પત્નીની લાજ ન બચાવી શક્યા! અને મેં કપટથી એમને શતરંજમાં હરાવ્યા છતાં એમનાં કહેવાતાં ધર્મ માટે 12 વર્ષ સુધી વનમાં ભટક્યા.. ને આમ જોઈએ તો હવે એ લોકોએ એમનો વનવાસ સફળતાપૂર્વક પૂરો કર્યો છે, ત્યારે મારે એમને રાજ્યનો હિસ્સો આપવો જ જોઈએ.. ને યુદ્ધ થશે તો શું થશે એ શું હું નથી જાણતો? મારી પાસે સૈન્ય બળ વધુ હશે પણ એમની સાથે ધર્મ છે.. હજારો મુસીબતો છતાં ચલિત થયા વિના એ લોકો ધર્મના રસ્તે ચાલ્યા છે.. કર્ણ કદાચ અર્જુન કરતાં વધુ કુશળ હશે ને હું કદાચ ભીમ કરતાં વધુ બળવાન.. અરે..! ભીષ્મ પિતામહ ને આચાર્ય દ્રોણે પણ મારો જ સાથ આપવો પડશે.. એ રીતે જોતાં જીતવાની સંભાવના મારી જ વધી જાય છે..એમ છતાં ધર્મ એ લોકોના પક્ષે છે.. અને ઉપનિષદો પણ પોકારી પોકારીને કહે છે કે સત્યમેવ જયતે… હવે યુદ્ધ થશે તો હું બરાબર સારી રીતે જાણું છું કે કુરુવંશનો પાયો સુદ્ધા નહીં બચે.. અને સર્વનાશ થઈ જશે.. પણ એમ છતાં હું શું કરું.. હું ધર્મ પણ જાણું છું અને યુદ્ધનું પરિણામ પણ.. એમ છતાં.. હું શું કરું.. મારી વૃત્તિ જ એ નથી થઈ શકતી કે હું મારા હકનું એ પાંડુપુત્રોને આપી દઉં.. ના.. કદાપિ નહીં.. ક્ષત્રિયોને રાજગાદી શોભે અથવા તો શહીદી.. હાર તો કદાપિ નહીં… હું યુદ્ધ કરીશ અને જીતીશ પણ… હસ્તિનાપુર મારું જ છે ને એમાંથી સોયની અણી જેટલી પણ જમીન હું પેલા પાંડુપુત્રો ને નહીં જ આપું.
દુર્યોધને મનને મનાવીને સુવાની કોશિશ કરી.. પણ આજની રાત એને સુવા દે એમ ક્યાં હતી… આજની નહીં કદાચ આજ પછીની એક પણ રાત એ શાંતિથી હવે સુઈ શકવાનો ન હતો. આ વાત એ પણ સારી રીતે જાણતો જ હતો ને! થોડી અધકચરી ઉંઘ આવી ત્યાં તો ચક્ષુ સમક્ષ બે દુર્યોધન હાજર હતા.. એક એને વારંવાર કહી રહ્યો હતો કે પાંડુપુત્રોને એક તસુભાર પણ જમીન આપતો નહીં. પણ બીજો થોડો દોઢ ડાહ્યો હતો… વારંવાર એને ધર્મના પાઠ ભણાવી રહ્યો હતો ને કહી રહ્યો હતો કે શરત મુજબનો વનવાસ અને અજ્ઞાતવાસ પણ પાંડવો પૂરો કરી ચૂક્યા છે. બસ કર દુર્યોધન… બહુ અધર્મ આચરી લીધો.. આ અધર્મ તને ક્યારેય સુખ નહીં આપી શકે.. કપટો ને દુરાચારોની બધી જ હદ તેં વટાવી દીધી છે. મા સમાન ભાભી કે જે રાજરાણીને આર્યાવર્તની આબરૂ છે એને પણ તેં નથી છોડી. શું ખરેખર તું નથી જાણતો કે ધર્મ શું છે? હજી સમય છે. કેશવ સામેથી શાંતિના દૂત બનીને આવ્યા છે તો એના પગે પડી જા.. માફી માગી લે આજ સુધી કરેલા બધા દુરાચારોની.. પાંડવો તો ખૂબ ક્ષમાવાન છે.. એક ક્ષણમાં બધું ભુલાવીને માફ કરી દેશે… આ છેલ્લી તક છે તારા હાથમાં.. બધા જ પાપો ની માફી માગી લે..
તેલ લેવા ગયો એ ધર્મ કે જે મને સુખ ના આપી શકે.. પાંડવોએ આખી જિંદગી ધર્મનું પાલન કર્યું. શું મળ્યું એમને? વનવાસ… અરે.. પોતાની પત્નીની આબરૂ પણ ના બચાવી શક્યા! એ ધર્મ શું કામ નો!
ચૂપ કર દુર્યોધન.. ક્યાં સુધી તારા કાળા કામોથી ભાગતો રહીશ! ધર્મનું પરિણામ સુખ નથી.. શાંતિ છે. આનંદ છે. જે પાંડવો પાસે છે.. તું તો હંમેશાં વધુ અને વધુ મેળવવાની જ ધૂનમાં છે.. સાચું સુખ મેળવવામાં નહીં પણ ત્યાગમાં છે.. આપણા શાસ્ત્રો પણ કહે જ છે ને तेन त्यक्तेन भुञ्जित ત્યાગીને ભોગ કર… તારી પાસે ભોગ સુખનાં બધાં સાધનો હોવા છતાં તને એ આદર મળ્યો છે કે જે પાંડવોને મળે છે…? બધા ઘૃણાની દ્રષ્ટિએ તારા તરફ જુએ છે. એ લોકોએ બધા જ ભોગસુખનો ત્યાગ કર્યો છતાં ધર્મને નથી છોડ્યો.. અને એટલે જ આજ એ લોકો પાસે કશું જ ન હોવા છતાં એ લોકો તારા કરતાં વધુ સંપત્તિવાન છે ને તું રાજા હોવા છતાં ફકીર….
‘હા… હા… હું સ્વીકારું છું…’ દુર્યોધન લગભગ રડી પડ્યો. ‘હું સ્વીકારું છું કે ધર્મ મારા પક્ષે નથી. હું જાણું છું ધર્મ શું છે… પણ હું શું કરું… હું ત્યાગ અને ધર્મના રસ્તે નથી ચાલી શકતો.. મને મળતાં આ બધાં ભોગસુખો હું નથી ત્યજી શકતો… સંભવિત શાંતિ ને આનંદયુક્ત ધર્મ મને અત્યારે સુખ નથી આપી શકતો. મારી એ વૃત્તિ જ નથી બનતી કે હું ધર્મના રસ્તે ચાલુ. અધર્મ નો રસ્તો મને માફક આવી ગયો છે…એ મારી વૃત્તિ બની ગઈ છે.. અધર્મમાંથી હું નિવૃત્ત નથી થઈ શકતો કે ના તો મારી ધર્મમાં પ્રવૃત્તિ થઈ શકે છે… હું શું કરું.. હે ઈશ્વર! હું શું કરું… આ કેશવને બધા ભગવાન કહે છે ને.. હે કેશવ! તું ભગવાન હોય તો તું જ મારાં હૃદયની અંદર બિરાજમાન છે… તું સારી રીતે મને જાણે છે ને મને ઓળખે છે. તેં જ સમગ્ર માનવોને બનાવ્યા છે તો દરેકની વૃત્તિ પણ તો તેં જ બનાવી છે…. મારાં હૃદયમાં બિરાજમાન થઈને તું જ મારી પાસે જે કરાવે છે એ જ તો હું કરું છું.. હું પાપી નથી. કારણકે મારી અંદર તું બિરાજમાન છે ને તું જે કરાવે છે એ જ બધા કરે છે. તારી ઇચ્છા વિના વૃક્ષનું પાંદડું પણ નથી ચાલતું.. તો તું જ મને અધર્મની પ્રેરણા આપે તો હું શું કરું…?
હે કેશવ… હે હૃષીકેશ..! તું જ કે.. હું શું કરું….?
जानामि धर्मं न च मे प्रवृत्ति: जानामि अधर्मं न च मे निवृत्ति:।
त्वया हृषिकेश हृदि स्थितेन यथा नियुक्त: अस्मि तथा करोमि॥
મહાભારતનાં દુર્યોધનની મનોવ્યથા અહીં પૂરી થાય છે.. અને આપણી બધાની અંદર રહેલા દુર્યોધનની વ્યથા શરૂ થાય છે. આપણા બધાના જીવનના કોઈ ને કોઈ પડાવ પર, વધુ ઓછા પ્રમાણમાં આ દુર્યોધન વૃત્તિનો આશરો લઈએ જ છીએ. કયારેક કળિયુગના નામે, ક્યારેક કુટુંબ માટે, જીવન નિર્વાહ માટે, એમ અનેક વાર અધર્મનું આચરણ કરીએ જ છીએ અને જેમ દુર્યોધને એની મનોવ્યથાનું સમાધાન શોધી લીધું એમ આપણે પણ શરણાગતિના ઓળા હેઠળ આપણી ધર્મ પાલન ન કરી શકવાની દુર્બળતાઓનો ઢાંક પિછોડો કરવાની કોશિશ કરીએ જ છીએ.
શ્રીરામકૃષ્ણ પરમહંસને પણ કોઈ જયારે કહેતું કે ‘બાબા! ધર્મ-અધર્મ અમે શું જાણીએ? અંતે તો ઈશ્વરની ઇચ્છા વિના પાંદડું પણ હલતું નથી. તો પુણ્ય કરાવનાર જેમ ઈશ્વર છે એમ પાપ કરાવનાર પણ ઈશ્વર જ તો છે.’ આ બાબતમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ હંમેશાં કહેતાં કે શું ખરેખર જ તમને શ્રદ્ધા છે કે જે કંઈ થઈ રહ્યું છે એ બધું જ ઈશ્વરની ઇચ્છાથી થઈ રહ્યું છે! આ વાતને તમે ખરા હૃદયથી દરેક વાતમાં સ્વીકારી શકો છો ખરા? જો ખરેખર જ એવું હોય તો તમારે કોઈ જ ભય નથી પણ આપણું કેવું છે ખબર છે? શ્રીરામકૃષ્ણ પરમહંસ ગાયનું ઉદાહરણ આપીને સમજાવતા એમ જ્યારે કોઈ સારું કામ આપણે કરીએ છીએ ત્યારે તો એ મેં કર્યું હોય છે. પરંતુ કોઈ ખરાબ કામ કરીએ છીએ ત્યારે આ મેં નથી કર્યું પણ એ તો મારી અંદર રહેલ ઈશ્વર જ જે પ્રેરણા આપે છે એ પ્રમાણે હું કરું છું. બસ આ જ દુર્યોધનવૃત્તિ છે એને છોડવાની જરૂર નથી પણ મારા મત મુજબ આને જ વિસ્તૃત બનાવીએ અને ખરેખર દરેક કામને ઈશ્વરની ઇચ્છા મુજબ જ કરીએ. આપણે પણ બધા એ જ કેશવને શરણે જઈએ કે હે કેશવ! અમે પણ દુર્યોધન જેવા છીએ અમે પણ જાણીએ છીએ કે ધર્મ શું છે છતાં એમાં પ્રવૃત્ત થઈ શકતા નથી કે અધર્મમાંથી નિવૃત્ત થઈ શકતા નથી. તો અમે તારે શરણે આવ્યા છીએ. તું જ અમને અમારી આ દુર્યોધન વૃત્તિમાંથી મુક્તિ આપ. કારણ કે અંતે તો તું જ બધું કરાવે છે. તો અમને પણ ધર્મના રસ્તા પર ચાલવાની વૃત્તિ આપ. અમે અમારા દોષો સ્વીકારીએ છીએ. અમારી ઊણપ સ્વીકારીએ છીએ. અને અમારાં દોષો સહિત તારા શરણે આવ્યા છીએ. તું જ અમને અમારા હૃદયની અંદર રહીને અમારી દુર્બળતાઓનો નાશ કર. જે અમારા માટે અને સૌના માટે યોગ્ય હોય એ જ પ્રેરણા આપ. ધર્મના રસ્તે ચાલી શકીએ તેવી હિંમત આપ.
Your Content Goes Here