પોતાની ક્ષુદ્ર વાસનાઓથી પર હોય તેવું એક લક્ષ્ય આપણી પ્રવૃત્તિઓનું હોવું જોઈએ અને આ લક્ષ્ય આપણે પ્રાપ્ત કરવું જ જોઈએ. આપણી બધી ક્રિયાઓ કે બધાં કર્મો ક્યારેય લક્ષ્યહીન, ‘કર્મ ખાતર જ કર્મ’ એવું ન હોવું જોઈએ. ‘કર્મઠ’ હોવાનો ગર્વ કરનાર ઘણા લોકો છે, પરંતુ એનો અર્થ એટલો જ થાય છે કે તેઓ ચૂપ બેસી શકતા નથી અને એમને સ્વયંની અને પોતાના વિચારોની સાથે એકલા રહેવાના ભયથી સદૈવ કંઈક ને કંઈક કાર્ય કરતા રહેવું પડે છે. એમની અસંબંધ ગતિવિધિ એક વાનરની ક્રિયાશીલતા જેવી છે, કે જે અત્યંત કાર્યરત રહે છે જ, પરંતુ કોણ જાણે શા માટે! આવા લોકો હંમેશાં ભૌતિક સ્તરે કંઈક ને કંઈક કરતાં, જોતાં કે સાંભળતાં રહે છે અને એમને જો આ બધાંમાંથી રોકવામાં આવે તો તેઓ દુ:ખી થઈ જાય છે. તેઓ બૌદ્ધિક સ્તરે બહેતર જીવન જીવી શકતા નથી. મોટા ભાગના લોકો આસક્તિ અને દેહાત્મ જ્ઞાનથી પ્રેરાઈને શ્રીરામકૃષ્ણની ભાષામાં કહીએ તો ‘કામ-કાંચન’ માટે કર્મ કરે છે. પરંતુ ક્યારેક જો એમનામાં સાચું કર્તવ્યજ્ઞાન જાગ્રત થાય તો તે પણ સારું છે. આમ છતાં પણ તે એક પ્રકારનું બંધન જ બની રહે છે. આનાથી પણ ઉચ્ચતર અને શ્રેષ્ઠતર લક્ષ્ય છે, અને તે છે સંપૂર્ણ શરણાગતિના ભાવ સાથે બધાં પ્રાણીઓમાં રહેલ પરમાત્માની ભક્તિપૂર્ણ સેવા કરવી.

અલબત્ત, ઉચ્ચતર આદર્શની કેટલીક સીમાઓ છે, ઉચ્ચતર આદર્શ પર દૃષ્ટિ બાંધી લેતાં જ હું બધા પ્રકારનાં કહેવાતાં કર્તવ્યો, બધા પ્રકારનાં કર્મોને વગર વિચાર્યે અને સ્વેચ્છાએ કરી શકતો નથી. હું અસત્ય બોલી શકતો નથી, ચોરી કરી શકતો નથી. જે કાર્ય અનૈતિક હોય એવું કોઈ કાર્ય પણ કરી શકતો નથી. હું અપવિત્ર યૌનજીવન જીવી શકતો નથી. હું અસન્માનજનક તથા અશિષ્ટ વ્યવહાર કરી શકતો નથી. ઓછામાં ઓછું સાચો નિષ્ઠાવાન અને સંવેદનશીલ વ્યક્તિ તો આવું કંઈ ન કરી શકે. નિર્લજ્જ વ્યક્તિ આવું બધું તથા એનાથીયે વધારે અધિક કરી શકે છે. એટલે અહીં પણ સંવેદન વ્યક્તિની ગતિવિધિઓ અવિવેકી વ્યક્તિથી વધારે સીમિત છે, પરંતુ આ સીમા ઉચ્ચતર કક્ષાની છે. ઉચ્ચતર આદર્શને ઇમાનદારીથી સ્વીકારી લેવાથી આપણને એ જોવા મળશે કે કેટલાંક કહેવાતાં કર્તવ્ય તેની સાથે મેળ ખાતાં નથી. આ બધાંનો ત્યાગ અનિવાર્ય છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.

અને જો આપણે આમાં કોઈ બાંધછોડ કરીએ તો આપણે એ જાણવું અને સ્વીકારી લેવું જોઈએ કે આપણે દુર્બળ છીએ, પરંતુ તેને પોતાની દુર્બળતા માટે બહાનું ન બનાવવું જોઈએ. તેને કર્તવ્ય એવું નામ પણ ન આપવું જોઈએ. અને જો કોઈ બાંધછોડ કરવી પડે તો ભવિષ્યમાં બધી બાંધછોડથી ઉપર ઊઠવાના એટલે કે ઉન્નત થવાના ઉદ્દેશ્ય સાથે જ કરવી જોઈએ. તેને સાચા સાબિત કરવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. આદર્શને ક્યારેય નીચો ન બનાવવો જોઈએ.

કર્તવ્યનો પ્રશ્ન અત્યંત જટિલ છે. એટલે જ ભગવદ્ ગીતા (4.16)માં કહ્યું છે કે બુદ્ધિમાન વ્યક્તિ પણ કર્મ અને અકર્મ વિશે મોહિત છે. જેમ પહેલાં કહેવામાં આવ્યું છે કે જે આપણી પ્રગતિમાં સહાયક બને તે કર્મ છે; અને જે આપણી પ્રગતિને રોકે કે તેમાં બાધક બને તે અકર્મ છે. પરંતુ આ ઘણી લચીલી અને વ્યાપક પરિભાષા છે. પ્રત્યેક સ્થિતિની ગુણવત્તા પ્રમાણે નિર્ધારણ કરવું જોઈએ અને સદૈવ ન્યૂનતરમાંથી મહત્તર માટે તથા નિમ્નતર આત્મામાંથી ઉચ્ચતર આત્મા – પરમાત્મા માટે ત્યાગ કરવો જોઈએ. આવી રીતે ક્રમશ: આપણે ઉચ્ચમાંથી ઉચ્ચતર કર્તવ્યકર્મોના સ્તરે ઉન્નત થઈને અંતે જ્યાં બધાં કર્મ છૂટી જાય તે લક્ષ્ય સુધી પહોંચીશું અને કેવળ પૂર્ણ શરણાગતિ તેમજ આત્મવિસ્મૃતિના ભાવથી કરેલ સર્વભૂતોમાં વ્યાપેલ પરમાત્માની ભક્તિપૂર્ણ સેવા જ શેષ રહે છે. આ જ આદર્શ છે જેનું બધા મહાપુરુષ પ્રતિનિધિત્વ કરે છે.

બીજાને આધ્યાત્મિક સહાય કરો

આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કર્યા પછી બીજાની આધ્યાત્મિક સહાયતા કરવી જોઈએ. પરંતુ તમારામાં જેટલું સામર્થ્ય હોય એટલી જ મદદ કરો. અને જેમની સહાયતા કરવા ઇચ્છો છો, તેમને માટે પ્રાર્થના કરો. જો નિષ્ઠાપૂર્વક ઉત્કટતાથી પ્રાર્થના કરશો, તો પ્રભુ એમને માટે જે ઉત્તમ હશે એ જ કરશે. જે માત્રામાં પ્રભુ સાથે કે તમારા ઇષ્ટદેવતા સાથે એમનું પોતાનું તાદાત્મ્ય હોય, એ માત્રામાં તમે બીજાને મદદ કરી શકો છો.

પોતાની જાતને મદદ કર્યા વિના તમે બીજાને સહાયતા કરવામાં સફળ ન થઈ શકો. સારા તરવૈયા હોવાથી જ તમે જે નૌકા લઈને જાઓ છો તેના ડૂબવાથી તમે પોતાના કોઈ એક સાથીને બચાવી શકશો; પરંતુ તમે બધાને ન બચાવી શકો અને પ્રયત્ન કરવાથી તમારા પોતાના સહિત બધા ડૂબી જશે. એટલે જ વિચારપૂર્વક નિષ્પક્ષ થઈને પહેલાં પોતાની શક્તિનું માપન કરી લો. ત્યાર પછી અવસર આવતાં બીજાને મદદ કરો.

શિવને સંસારની રક્ષા માટે ભયંકર વિષનું પાન કરવું પડ્યું હતું. એમનામાં ઝેરનો પ્રભાવ ન પડે એ રીતે ઝેરને હજમ કરવાની ક્ષમતા હતી. પહેલાં શિવની જેમ મહાન પવિત્રતા અર્જિત કરો, ત્યારે તમે સંસારનાં વિષ દૂર કરી શકશો. થોડા પ્રમાણમાં જ પ્રારંભ કરવો એ શ્રેયષ્કર છે. આધ્યાત્મિક શક્તિની વૃદ્ધિ અને વધારે પવિત્ર થયા પછી તમે કોઈ પણ હાનિ વિના તેને વધારે માત્રામાં પચાવી શકશો. જેટલા પ્રમાણમાં વધારે તમે બીજાનાં દુ:ખોનો અનુભવ કરશો અને તેમને મદદ કરવા ઇચ્છશો, તેટલા જ પ્રમાણમાં તમારે અનાસક્ત બનવું પડશે અને પોતાના ઇષ્ટદેવતા તરફ આગળ વધવાનું રહેશે. પોતાના અને બીજા લોકો માટે પ્રાર્થના કરો.

ભલે ગમે તે થાય પણ પ્રભુના સાચા સંતાન બનવાનું શીખો અને પ્રભુ પાસે એમનામાં તથા પોતાની જાતમાં અવિચળ શ્રદ્ધા માટે પ્રાર્થના કરો. પરમાત્માને જ પોતાનું સર્વસ્વ બનાવો, ત્યારે તમને કોઈ પણ કે કંઈ પણ પ્રભાવિત નહીં કરી શકે. અંતર્યામી પરમાત્મા સાથે સંપર્ક બનાવી રાખવાથી તમે જ્યાં ક્યાંય રહો ત્યાં સદૈવ સુરક્ષિત રહેશો. પવિત્ર, એકનિષ્ઠ અને દૃઢનિશ્ર્ચયવાન બનો; ત્યારે તમે ચોક્કસપણે લક્ષ્યને પ્રાપ્ત કરશો. (ક્રમશ:)

Total Views: 243

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.