ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે,

મિત્તી મે સવ્વભૂએસુ વેરં મજ્ઝ ન કેણઈ.

(હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું. એ તમામ જીવો મને તેમના તરફના મારા અપરાધોની ક્ષમા આપો. તમામ જીવો પ્રત્યે મારો મૈત્રીભાવ છે. મારે કોઈ પણ જીવ સાથે વેરભાવ નથી.)

ક્ષમાવાણી ને પ્રેમચક્ષુથી સંસારને સંબોધવા, જોવાની શીખ આપતું પર્વાધિરાજ પર્યુષણ. સાધનાના સાત દિનના અંતે ઊગે છે સિદ્ધિનો સંવત્સરી દિન.

આત્મશુદ્ધિ અને આરાધનાના સાત દિવસનો સરવાળો ક્ષમાયાચનામાં છે. આકાશમાં મેઘાચ્છાદિત હૈયું જલ વરસાવી સ્વચ્છ બને, રંગરાગનાં ઇન્દ્રધનુ  શેષ ન રહે એવી રીતે સાત-સાત દિવસ તપ, દાન, સ્વાધ્યાય અને પ્રતિક્રમણની પવિત્ર ધારામાં આકંઠ સ્નાન – પાન કરનારા ઉપાસકોનાં હૃદય નિરભ્ર આકાશ જેવાં સ્વચ્છ બન્યાં છે. કામ, ક્રોધ, મદ, માનનાં ઇન્દ્રધનુ હવે એમની રંગલીલા પ્રસારી આડાં પડ્યાં નથી. નદીઓમાં નવજળ આવે અને કાદવ-કીચડ જાય, તેમ સંવત્સરીના પ્રતિક્રમણથી જીવનમાં અહિંસા, અનેકાન્ત, અપરિગ્રહની ભાવનાનાં પૂર વધશે તેમ જ ક્ષમાપનાનાં જળ હિલોળે ચડશે.

ક્ષમા જીવનનો આનંદ અને તપની વસંત છે. વસંતના આગમને પ્રકૃતિ સોળે કળાએ ખીલે, તેમ પોતાના જીવનમાં ક્ષમાને સ્થાન આપનારના જીવનમાં આત્માના ગુણોની વસંત ખીલી ઊઠે છે. આજે ક્ષમા એ ક્યાંક ફોર્માલિટી બની ગઈ છે. હાલતાં ને ચાલતાં માણસ આદતને જોરે ‘એક્સક્યુઝ મી’ કહેતો હોય છે, પણ આ તો કેવળ શિષ્ટાચાર છે, માત્ર આદત છે. જેમ કેટલાકને વારેઘડીએ ‘થેન્ક યુ’ કહેવાની ટેવ પડી હોય છે. પાણીનો નળ ચાલુ કરે અને પાણી આવે એટલે તરત ‘થેન્ક યુ’ બોલે. પણ આ તો ક્ષમાનું એક સામાન્ય સ્વરૂપ છે.

પર્યુષણમાં અપાતી ક્ષમા હૃદયની વ્યાપકતા, ગુણસમૃદ્ધિ અને ચિત્તની ઉપશાંતતામાંથી પ્રગટેલી હોય છે. સંસ્કૃતમાં ‘ક્ષમા’નો એક અર્થ ‘પૃથ્વી’ છે. આ પૃથ્વી પર રહેનાર પૃથ્વીને ખોદે છે, ખૂબ ઊંડે ખાણ રચે છે. આ બધું હોવા છતાં પૃથ્વી સહન કરે છે. સહનશીલતાનું પ્રતીક પૃથ્વી ગણાય છે. સાચો ક્ષમાવીર પૃથ્વી જેવો સહનશીલ હોય. આથી જ મહાભારતમાં કહ્યું છે કે દુુષ્ટ પુરુષોનું બળ છે હિંસા, રાજાઓનું બળ છે દંડ, સ્ત્રીઓનું બળ છે સેવા અને ગુણવાનોનું બળ છે ક્ષમા.

મહાભારતમાં આપણે જોઈએ છીએ કે પાંડવોના વિજય પછીની મધરાતે અશ્ર્વત્થામાએ છાનામાના આવીને દ્રૌપદીના પાંચ પુત્રોની ક્રૂર હત્યા કરી. વિજયનો મહાસાગર વિષાદના ઉલ્કાપાતમાં ફેરવાઈ ગયો. આનંદને બદલે ચોમેર આક્રંદ સંભળાવા લાગ્યો. માતા દ્રૌપદી તો પોતાનાં સંતાનોની આવી ક્રૂર હત્યા જોઈને વારંવાર બેશુદ્ધ બની ધરતી પર ઢળી પડી હતી. નાસી છૂટેલા હત્યારા અશ્ર્વત્થામાને પકડવા માટે ભીમ અને અર્જુને દોટ મૂકી. વેરાન જંગલમાંથી એને પકડી લાવીને દ્રૌપદી પાસે હાજર કર્યો.

શ્રીકૃષ્ણે દ્રૌપદીને કહ્યું, ‘આ છે તારાં સંતાનોનો હત્યારો. એને કેવી સજા મળવી જોઈએ ? ભીમની ગદાના પ્રહાર કે અર્જુનના શસ્ત્રના વારથી એનું માથું ઉતારી શકાય. કહે, શી સજા કરીએ ?’ દ્રૌપદીની આંખોમાંથી ચોધાર આંસુ વહેતાં હતાં. પાંચ પાંચ પુત્રોની હત્યાની વેદનાના બોજથી એનું હૃદય દબાઈ ગયું હતું. એણે હીબકાં ભરતાં કહ્યું, ‘અરેરે ! પુત્ર વિયોગની પીડા કેટલી દારુણ હોય છે! મેં એ અનુભવ્યું છે, પણ હું એની વૃદ્ધ માતાને આવો અનુભવ કરાવવા માગતી નથી. એને મારશો નહીં. માતૃ હૃદયની વેદના કેટલી પીડાદાયક હોય છે ! મારે એ વેદના અશ્ર્વત્થામાની માતા અનુભવે એવું કંઈ કરવું નથી. એને છોડી દો.’ હત્યારા અશ્ર્વત્થામાને છોડી દેવામાં આવ્યો. ક્ષમાની આ મહત્તા છે. ક્ષમા માગતાં પહેલાં આપણા હૃદયમાં રહેલાં વેર અને ક્રોધ શમવાં જોઈએ.

જે ઉપશાંત થાય છે તે આરાધનાને પાત્ર, એટલે કે ક્ષમા માગ્યા વિના આધ્યાત્મિક આરાધના ન થાય. જીવનમાં વારંવાર ભૂલ થાય છે અને વેરભાવ બંધાય છે. કોઈનો હાથ અડે અને ‘સોરી’ કહી દઈએ, ક્ષમાપનાનું કાર્ડ લખીએ એ તો દ્રવ્યક્ષમા થઈ. આ યંત્રવત્ દ્રવ્યક્ષમા જીવનમાં ચાલે છે, પણ તેનું કશું પરિણામ આવતું નથી. દેખાવની ક્ષમા વ્યર્થ છે. કેટલાક તો ક્રોધના અભાવને ક્ષમા કહે છે. પહેલાં ક્રોધ કરીને પછી ક્ષમા માગવી તે ક્ષમા નથી. આ ક્રોધને ભગવાન મહાવીરે ભભૂકતી આગ, પુરાણોમાં નરકનું દ્વાર, ‘કુરાન’માં ક્રોધને શેતાનનું સંતાન, ‘બાઇબલ’માં માણસ માત્રને ખાક કરનાર જ્વાળામુખી, કહ્યાં છે. મનનો ક્રોધ જુદી જુદી ચાર પ્રક્રિયાઓ દ્વારા પ્રગટ થાય છે.

પહેલી પ્રતિક્રિયા આવેશની છે, એમાં ઉંમર, સ્થિતિ કે ધનથી મોટી વ્યક્તિ નાની વ્યક્તિ પર ગુસ્સો કરતી હોય છે. સાસુ વહુ પર, ગુરુ શિષ્ય પર, પિતા પુત્ર પર. થોડી પ્રતિકૂળ બાબત થતાં આવેશમાં આવીને ગુસ્સો કરતા હોય છે. ક્રોધની બીજી પ્રતિક્રિયા છે ગૂંગળામણ. જ્યારે વ્યક્તિ પ્રગટપણે ક્રોધ કરવા સમર્થ ન હોય ત્યારે મનમાં ને મનમાં અકળાય છે અને વેરનો ડંખ રાખીને બદલો લેવાની તક શોધે છે. ત્રીજી પ્રતિક્રિયા રુદન છે. ક્રોધની આ અસહાય અવસ્થા છે. રોષ આવેશથી વ્યક્ત ન થાય મનની અંદર ગૂંગળાઈ ન રહે, ત્યારે વ્યક્તિ રુદન કરતી હોય છે. અને ક્રોધની ચોથી અવસ્થા છે શાંત્યાતિરેક – શાંત ભાવનાનો અતિરેક. આ ચોથી અવસ્થા સંતો અને મહાપુરુષોમાં નજરે પડે છે. તેઓ ક્રોધને શાંતિમાં બદલી નાખે છે. તેમના હૈયે બદલો લેવાની ભાવના કે વૃત્તિ હોતી નથી. ઝેર ગટગટાવીને તે અમૃત આપતા હોય છે.

ક્રોધને અંધ કહેવામાં આવ્યો છે. એનો અર્થ એ છે કે ક્રોધ પોતે જ પોતાની જાતને હણતો હોય છે. ચંડકૌશિક સર્પ એના પૂર્વભવમાં કૌશિક નામે તાપસ હતો. એની વાડીનો કચ્ચરઘાણ કરી નાખનાર બાળકો પર એ ગુસ્સે થયો અને હાથમાં કુહાડો લઈને બાળકોને મારવા દોડ્યો. પણ વચ્ચે ખાડો આવ્યો. તાપસ કૌશિકે એ ખાડો જોયો નહીં અને પોતાનો કુહાડો પોતાના જ માથામાં વાગ્યો. ભગવાન મહાવીરના સાધનાકાળમાં આવી જ એક ઘટના બની હતી. તેઓ સમૃદ્ધ વૈશાલી નગરમાં આવ્યા. ધ્યાનને માટે એમણે એક લુહારના નિર્જન ડહેલા પર પસંદગી ઉતારી. બીમાર લુહાર હવાફેર માટે બીજે રહેવા ગયો હતો. પરંતુ સંજોગવશાત્ બહારગામ ગયેલો લુહાર સાજો થઈને પાછો આવ્યો. એણે જોયું તો પોતાના મકાનમાં એક સાધુ જગ્યા જમાવીને બેઠો હતો. એણે મનમાં માન્યું કે નક્કી પોતાની ગેરહાજરીમાં કોઈએ જગ્યા પચાવી પાડી ! ‘સબ ભૂમિ ગોપાલકી’ માનનારે આ ભૂમિ પણ પોતાની કરી લીધી.

એક તો લુહાર લાંબી બીમારીમાંથી ઊઠીને આવ્યો હતો, એનો સ્વભાવ થોડો ચીડિયો બની ગયો હતો. એમાં વળી ઘરમાં પગ મૂકતાં જ આવું બન્યું ! આથી ક્રોધથી ધૂંવાપૂંવા થયેલા લુહારે વજનદાર ઘણ ઉપાડ્યો. મનમાં થયું કે એવા જોરથી માથા પર લગાવું કે પળવારમાં સોએ સો વર્ષ પૂરાં થઈ જાય ! કોઈએ લુહારને સમજાવવા તો કોઈએ અટકાવવા કોશિશ કરી, સાધુની હત્યાના મહાપાતકની યાદ આપી. પણ જેમ લુહારને શાંત કરવા પ્રયત્ન કરે, તેમ કમજોર લુહારનો ક્રોધ વધતો જાય. આખેર જીવસટોસટનો મામલો રચાઈ ગયો ! લુહાર વજનદાર ઘણ ઉપાડીને વીંઝવા તૈયાર થયો. મહાવીર તો એમ ને એમ અડગ ઊભા હતા. ન ક્યાંય ભય, ન સહેજે કંપ. સમભાવપૂર્વક અચળ મેરુની જેમ ધ્યાનમાં મગ્ન હતા. યોગીની શાંતિએ લુહારને વધુ ઉશ્કેર્યો. એણે જોરથી ઘણ વીંઝ્યો, હમણાં ઘણ વાગશે, યોગીની કાયા ઢળી પડશે !

પણ આ શું ?

ક્રોધથી ધૂંધવાતા અને ધ્રુજતા હાથે લુહાર ઘણ વીંઝવા ગયો. દાઝ એટલી હતી કે અહીં અને અબઘડી જ આને ખતમ કરી નાખું. ઘણ ઊંચકીને વીંઝવા ગયો ત્યાં જ લુહારનો હાથ છટક્યો. ઘણ સામે વીંઝાવાને બદલે પાછો પડ્યો. યોગીના મસ્તકને બદલે લુહારના મસ્તક પણ ઝીંકાયો. બીમારીમાંથી માંડ બચેલો લુહાર તત્કાળ ક્રોધનો કોળિયો બની ગયો. બીજાનો નાશ કરવા જનાર ક્રોધી પોતાનો વિનાશ કરી બેઠો ! ધ્યાનસ્થ મહાવીર તો એમ ને એમ અડગ ઊભા હતા !

ક્રોધ વ્યક્તિને પોતાને હાનિ કરે છે. માનવી ક્રોધ કરે ત્યારે કેવો વિકૃત થઈ જાય છે ! આંખો પહોળી થઈને અંગારા વરસાવવા લાગે છે. કોઈ થપ્પડ લગાવી દે છે તો કોઈ અપશબ્દો બોલવા માંડે છે. આમ, ક્રોધ કરનાર સામી વ્યક્તિને જ નહીં પરંતુ સમગ્ર વાતાવરણને કલુષિત કરી નાખે છે, આથી જ શેક્સપિયરે ક્રોધને સમુદ્ર જેવો બહેરો અને આગ જેવો ઉતાવળો કહ્યો છે. પરંતુ સંત તિરુવલ્લુવર કહે છે કે આગની પાસે જે જાય તેને આગ બાળે છે. પણ ક્રોધાગ્નિ તો આખા કુટુંબને બાળી મૂકે છે. આમ ક્રોધમાં માણસની આંખ બંધ થઈ જાય છે અને એનું મોઢું ઉઘાડું રહી જાય છે. એ વિવેકને ચિત્તમાંથી હાંકી કાઢે છે અને દરવાજે એવો આગળો મારે છે કે વિવેક ફરી પાછો દાખલ શકે નહીં. આવો ક્રોધ એ મધપૂડામાં પથ્થર મારવા જેવો છે અને એ તરત વેરમાં પલટાઈ જાય છે.

ક્રોધ ત્યારે જ ઓછો થાય કે જ્યારે વ્યક્તિ આત્મદર્શી બને. આનું કારણ એ છે કે ક્રોધનું શસ્ત્ર પહેલાં તો ક્રોધને જ ઘાયલ કરે છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે જેમ ઉકળતા પાણીમાં પ્રતિબિંબ ન દેખાય તેમ ક્રોધી માણસ એ જોઈ શકતો નથી કે તેનું હિત શેમાં છે.

એક મહાત્મા નદીકિનારેથી સ્નાનશુદ્ધ થઈને પાછા ફરતા હતા ત્યારે એક ચાંડાલના છાંટા ઊડ્યા. મહાત્માનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો અને તે ચાંડાલને અપશબ્દો કહેવા માંડ્યા. એમણે ફરી સ્નાન કર્યું. મહાત્મા સ્નાન કરીને નદીમાંથી નીકળ્યા એટલે ચાંડાલ સ્નાન કરવા ગયો. આ જોઈને મહાત્મા વધુ ગુસ્સે થયા. એમણે કહ્યું, ‘તારે વળી સ્નાન કરવાની શી જરૂર હતી ?’ ત્યારે ચાંડાલે કહ્યું કે જો ચાંડાલના સ્પર્શથી સ્નાન કરવાની જરૂર પડે તો જ્યારે આપ મને અપશબ્દો કહેતા હતા ત્યારે આપના મનમાં ક્રોધરૂપી મહાચાંડાલ હતો. એના દૂષિત સ્પર્શને હટાવવા માટે હું સ્નાન કરું છું.

આ રીતે ક્રોધ માનવીને મહાચાંડાલ બનાવી દે છે. એ હિંસાનો અપરાધી છે તો આનંદનો નાશક છે. ક્રોધ આવે છે એક તરંગરૂપે અને એમાંથી માનવીના મનને ઘેરી લેતો મહાસાગર બની જાય છે. ગુસ્સાના નાનકડા બીજમાંથી વેરનું વટવૃક્ષ ઊભું થઈ જશે. ચિત્તના એક નાનકડા છિદ્રમાંથી એ પ્રવેશે છે અને સર્વત્ર વ્યાપી જાય છે. આવો ક્રોધ માનવને દાનવ બનાવી દે છે. આથી એને ઓળખવા માટે ગુસ્સાનું બીજ શોધવું જોઈએ. બીજ મળ્યા પછી એનાં ખાતર-પાણી બંધ કરવા જોઈએ. સંતોએ આ જ કર્યું. સંત તુકારામ ક્યારેય ગુસ્સે થતા નહીં. કોઈએ તો એમને ગુસ્સે કરનારને ઇનામ આપવાની વાત કરી. એક માણસે બીડું ઝડપ્યું, અને એ સંત તુકારામ ભજન ગાતા હતા ત્યાં એમના ખોળામાં આવીને બેસી ગયો. તુકારામ તો નાના બાળકને પંપાળતા હોય એટલા વહાલથી એને પંપાળવા લાગ્યા. પેલાએ બીજી તરકીબ અજમાવી. તુકારામને ગુસ્સે કરવા એમની પત્નીની પીઠ પર ચડી બેઠો, ત્યારે તુકારામે એમની પત્નીને કહ્યું કે આ પડી ન જાય તેની તું સંભાળ રાખજે. પેલાની આખીય તરકીબ નકામી ગઈ. આમ એ માનવી ક્ષમા આપી શકે છે જે ક્રોધના મૂળને જાણી શકે છે.

ક્રોધ વિભાવ છે, ક્ષમા સ્વભાવ છે. ક્રોધ દ્વેષ છે, ક્ષમા મૈત્રી છે. ક્રોધ મારક છે, ક્ષમા તારક છે. આ ક્ષમાના અમૃતથી આત્માનો અભિષેક કરવાથી દુરાગ્રહ, વિગ્રહ, વિદ્વેષ, દ્રોહ આદિ આઘાત ઓગળી જાય છે. તો ક્રોધને વધુ જમાવી રાખવામાં આવે તો તે વેરનું રૂપ લે છે, અને વેર એ તો ભવોભવ સુધી માનવીને ક્રોધમાં રાખે છે, આમ વેરમાં વિગ્રહ છે, અવેરમાં નિગ્રહ છે. વેરમાં વિનાશ છે, જ્યારે અવેરમાં વિકાસ છે. વેરમાં વાંધો છે તો અવેરમાં સાંધો છે. વેરમાં વિષમતા છે તો અવેરમાં સમતા છે. વેરમાં વકીલાત છે, જ્યારે અવેરમાં કબૂલાત છે. વેર વિકૃતિ છે તો અવેર સંસ્કૃતિ છે. વેર વમળ છે, જ્યારે અવેર કમળ છે અને આ વેરના વિષ ઉતારવાનો અમર મંત્ર તે ક્ષમાપના છે.

Total Views: 288

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.