નર્મદાતટે રામ-જાનકી અને નર્મદાના મંદિર સાથેનો લક્ષ્મણદાસજી મહારાજનો સુંદર, શાંત, સુરમ્ય આશ્રમ. અહીં નર્મદા થોડો વળાંક લે છે અને એ વળાંક ઉપર જ આશ્રમ આવેલ છે. આશ્રમના નર્મદા તરફના ઊંચા સ્થાનેથી મા ભગવતી નર્મદાના દૂર-દૂર સુધી સુંદર દર્શન શાંત વાતાવરણ, પવિત્ર અને સૌમ્ય મૂર્તિ લક્ષ્મણદાસજી મહારાજને કારણે અહીં આશ્રમમાં જ એક બે દિવસ રોકાઈ જવાનો નિર્ણય કર્યો.

લક્ષ્મણદાસજી મહારાજના ઉદાર અને પવિત્ર ભાવને કારણે ગામવાસીઓ તેમને માન-આદર આપતા. રિદ્ધિસિદ્ધિઓ પણ તપોપૂત લક્ષ્મણદાસજી મહારાજની ઇચ્છા મુજબ સંયમમાં રહી કૃપા વરસાવતી. આશ્રમમાં જતા વેંત પરિક્રમાવાસીઓને ખૂબ જ પ્રેમ-આદરથી ચા-રૂપી અમૃત પ્રાપ્ત થયું. ઝાળુ શોધી નાનકડા અંધારિયા જેવા હૉલને સાફ કરીને આસન લગાવી મા-ઠાકુર-સ્વામીજી અને નર્મદા માના ફોટાને સુંદર રીતે સજાવી દીધા; પછી સંધ્યાની તૈયારી માટે નર્મદાસ્નાન કરવા ગયા. આશ્રમમાં એક તરવરાટવાળો ઉત્સાહી યુવાન હતો. એ જ રસોઈયો, પૂજારી તેમજ આશ્રમની નિષ્ઠાપૂર્વક સારસંભાળ રાખતો.

અમે સાંજના જપધ્યાન કરી આશ્રમની સંધ્યા આરતીમાં સામેલ થયા. એ યુવાને ખૂબ જ પ્રેમભાવપૂર્વક પરંતુ ત્વરાથી આરતી અને ભજન કર્યાં. પવિત્ર ભાવપૂર્વકના દ્રૂત ગતિના ભજનની સાથે સાથે તેઓએ એ જ ગતિએ મંદિરની પરિક્રમા પણ શરૂ કરી. આ અપૂર્વભાવપૂર્વકની મંદિરની પરિક્રમા કરતા ભક્તોની સાથે અમે પણ જોડાઈ ગયા. ખૂબ જ આનંદ! આનંદ! બીજા પીઢ અને ગુંદરિયા પરિક્રમાવાસીઓ અમારી આ મંદિર-પરિક્રમા જોઈને ગર્જવા લાગ્યા, ‘તમે તો પરિક્રમાવાસીઓ છો, તમે શા માટે મંદિરની પરિક્રમા કરો છો? હવે તમારી તો પરિક્રમા ખંડિત થઈ ગઈ!!’ એવું તો કેટકેટલુંય બોલ્યા. અમે તો હસીને એ બધાના કોરા ભાષણને અવગણીને એટલો જ જવાબ આપ્યો, ‘ભગવાનની પરિક્રમા કરવામાં કોઈ દોષ નથી. મા તો ભાવના જુએ છે. આવા નિરર્થક નિયમોનું કશું મૂલ્ય નથી.’

રાત્રે પ્રસાદનો સમય થયો. એ પૂજારી જ હવે રસોઈયો બન્યો. અતિ પ્રેમપૂર્વક બધા પરિક્રમાવાસીઓને બેસાડી પ્રસાદ પીરસ્યો. સાવ ઓછું સંભાષણ કરતાં સૌમ્ય મૂર્તિ મહંત લક્ષ્મણદાસજી મહારાજ પણ નિત્યક્રમ મુજબ પરિક્રમાવાસીઓ સાથે પ્રસાદ લેવા બેઠા. પવિત્ર આશ્રમનો પ્રસાદ પણ પરમ તૃપ્તિકર! આમ અહીં આશ્રમમાં બે અજબ વ્યક્તિત્વનાં દર્શન થયાં. આપણે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ સંસ્થા, આશ્રમ, વેપાર વગેરે સારી રીતે ચાલતા હોય તો તેની પાછળ આવા નિષ્ઠાવાન, સમર્પિત, ઉમદા કાર્યકરો જ પાયામાં હોય છે – તેવો જ આ યુવાન હતો. બીજી તરફ નિરહંકારી શાંત, પવિત્ર, ધીર, નિર્વૃત્તિમય લક્ષ્મણદાસજી મહારાજનાં દર્શન પણ અમને સદ્ભાગ્યે પ્રાપ્ત થયાં.

આશ્રમમાં એક જ અભાવ હતો. ડોલડાલ (જંગલ જવા) માટે આશ્રમની બહાર જવું પડતું. આશ્રમના દરવાજાની બહાર થોડે અંતરે નાનાં નાનાં ઝાડી-ઝાંખરાં. સવારના અંધારામાં દંડ, કમંડલ અને બેટરી લઈને નિત્યક્રમ માટે ઝાડી-ઝાખરાંમાં પ્રવેશ્યા. માનું નામ લઈને બેટરીના પ્રકાશથી ઝાડીમાં એક જગ્યા પસંદ કરીને ડોલડાલ કરવા બેઠા. થોડીવારમાં પાછળના ભાગથી કંઈક અવાજ આવ્યો. બેટરી લગાવીને જોયું, વરાહ ભગવાન ફટાફટ સાફ-સફાઈ કરવામાં લાગી ગયા હતા. પછી દંડ-ભગવાનથી એમને ડારો આપી દૂર ખસેડ્યા. વરાહ ભગવાન પણ ત્યાં ઘણી સંખ્યામાં હતા. એટલે વારે વારે દિશા બદલી અને જાણે કસરત કરતાં કરતાં હોશિયાર વરાહ ભગવાનથી બચી બચીને ડોલડાલનો કાર્યક્રમ પૂરો થયો. પરિક્રમામાં આ પણ અમારો એક અનોખો અનુભવ હતો.

આશ્રમના શાંત વાતાવરણમાં સાધન-ભજનમાં અમારો દિવસ પૂર્ણ થયો. બીજે દિવસે સવારે નિત્યક્રમ પ્રમાણે નર્મદાસ્નાન વગેરે પૂર્ણ કરીને ચા પીઈને આશ્રમથી વિદાય લીધી. ‘નર્મદે હર’ના સાદ સાથે ગામડાના ધૂળિયા રસ્તે નીકળી પડ્યા. ત્રણ કિ.મી. પછી રસ્તામાં ચાલતાં ચાલતાં અમારા ઘ્રાણમાં વિશિષ્ટ પ્રકારની ગંધ આવવા લાગી. એટલે અમે સમજી ગયા હવે અડધા કિ.મી.માં નગાવા ગામ આવવાનું છે. અમે અહીં ન રોકાતાં, ગ્રામજનોના નિર્દેશ મુજબ એના પછીના પ કિ.મિ. દૂર તૈલી-ભટિયાણ ગામ તરફ રવાના થયા. લગભગ 10.30 વાગ્યે નર્મદાતટે આવેલ સીતારામ આશ્રમમાં પહોંચ્યા. નર્મદાના વિશાળ ઘાટ પર બે મજલાનું ભવન. માત્ર કૌપીનધારી આશરે 90 વર્ષના સીતારામ બાબા. બારે માસ માત્ર કૌપીન જ ધારણ કરે! બધા જ પરિક્રમાવાસીઓ માટે પોતે જાતે ઊભા રહી પ્રાઈમસ પર કાળી ચા બનાવી પીરસતા. સાથે સાથે પરિક્રમાવાસીઓને બાબા પાસેથી નાનકડી કીટ ભેટ મળતી. એમાં ચોખા, દાળ, મસાલા, શુદ્ધ ઘી, ચા-પત્તી, ખાંડ, અગરબત્તી, મીણબત્તી, માચિસ વગેરે રહેતું. ચા પીઈને અમે સીતારામ બાબાનો દરબાર નિહાળવા લાગ્યા. ગામના ત્રણ-ચાર લોકો સેવામાં હાજર હોય. દર્શનાર્થીઓનાં કેટલાંય નાનાં નાનાં ટાબરિયાં પણ તેમાં સામેલ. કેટલાંય ગલુડિયાં અને કૂતરાં પણ અબાધપણે આવરોજાવરો ચાલુ જ રહેતો અને ઊંચે ખૂણામાં ટીવી પણ ચાલુ. પણ બાબા અંતર્મુખી પોતાના સ્થિતપ્રજ્ઞની ધૂનમાં મસ્ત !

સીતારામ બાબા આસપાસના ચાલીસ જેટલા ગામડાના લોકો દ્વારા જીવિત હોવા છતાં પીરની જેમ પૂજાય છે. લોકો એમની કેટકેટલી માનતાઓ રાખે છે અને એ પૂર્ણ પણ થાય છે. મહારાજના

દર્શનાર્થીઓની પણ ભીડ એટલી જ ! કલાકમાં તો શ્રીફળોનો ઢગલો થઈ ગયો હોય. મહારાજનું કામ એટલું કે આ બધા જ શ્રીફળોને લઈ નર્મદાતટે આવેલ નાનકડી દેરી પાસે બધા શ્રીફળને વધેરવાનું. તેમના કેટલાક સેવકો આ બધા શ્રીફળોને લઈને મહારાજ સાથે દરબારી દીવાનખંડમાં આવીને શ્રીફળને સુધારીને બધાને પ્રસાદ વિતરણ કરવાનું. કેટલાક સેવકો મહારાજની પાસે બેસી દસ રૂપિયા પ્રણામી આપેલ દર્શનાર્થીઓનું નામ નોંધી રાખે, એ પણ બિસ્ટ્રોલના ખોખા પર! ગમે તેવડો મોટો દર્શનાર્થી હોય દસ રૂપિયાથી વધુ કોઈની પાસેથી નહીં લેવાના. બાબાની નર્મદામૈયા પ્રત્યેની ભક્તિની મહિમા પણ ઘણી અપૂર્વ.

એકવાર આશ્રમે વિશાળ ઉત્સવ ચાલી રહ્યો હતો. આસપાસના બધા ગામના લોકો માટેનો ભંડારો ચાલી રહ્યો હતો. આ બાજુ પુરી તળવા માટે તેલ ખૂટી ગયું. પુરી બંધ થઈ જાય તો ભંડારાની વિશાળ ભીડમાં મુશ્કેલી સર્જાય. બાબાને કાને વાત ગઈ અને તેઓ રસોઈઘર પાસે પહોંચ્યા. કોઈએ બાબાને કહ્યું કે તેલ પૂરું થઈ ગયું છે, પુરી કેમ તળવી? માણસોને તેલ લેવા માટે દોડાવ્યા છે, પણ આવતા ઘણો સમય લાગશે. સીતારામ બાબા નિશ્ર્ચિંત હતા. તેમણે કહ્યું, ‘કોઈ ચિંતા કરો નહીં. જાઓ મા પાસે અને તેલ લઈ આવો.’ કોઈ સમજ્યું નહીં. ‘મા પાસે’ એટલે ક્યાં જવું? સીતારામ બાબાએ દૃઢતાપૂર્વક કહ્યું, ‘મા નર્મદામૈયાનું જળ લાવો.’ બધા તો આશ્ચર્યચકિત! શ્રીશ્રી નર્મદામૈયાનું જળ આવી ગયું. સીતારામ બાબાએ જાતે કડાઈમાં નર્મદાજળ નાખ્યું અને પુરી તળવાનો આદેશ કર્યો. બધાના આશ્ચર્ય વચ્ચે પુરી તળાવા લાગી. થોડીવાર પછી તેલ પણ આવી ગયું. બાબાએ કહ્યું, ‘જાઓ, માને આપી આવો.’ બધું તેલ નર્મદા નદીમાં સમર્પિત કરી દીધું. સીતારામ બાબાની અને તેમની નર્મદામૈયા પ્રત્યેની ભક્તિની અપૂર્વ કહાનીઓની વાતો હજુ પણ લોકોના મુખેથી સંભળાય છે.

Total Views: 296

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.