સૌરાષ્ટ્રના સંતસાહિત્યમાં કેટલાક રાજકુટુંબોએ પણ ભક્તિ-જ્ઞાનની સરવાણીઓ વહાવી છે. જેમાં ધ્રાંગધ્રાના ઝાલા રાજવી અમરસિંહજીનું નામ મોખરાનું છે. જીવને અને જગતને વૈરાગ્યનો ઉપદેશ આપનારા રાજા અમરસિંહજી ઈ.સ. 1804 થી 1843 સુધી ધ્રાંગધ્રાની ગાદીએ રાજ્ય કરતા હતા. ધ્રાંગધ્રામાં રાજમહેલ નામે ઓળખાતું મંદિર તેમણે બંધાવેલું.

જાવુુંં છે નીરવાણી, આત્માની કરી લે ઓળખાણી,

રામ ચેતનહારા; ચેતીને ચાલો જીવ, જાવુુંં છે નીરવાણી રે…

માટી ભેળી માટી થાશે

પાણી ભેળું પાણી રે,

કાચી કાયા તારી કામ નૈ આવે

થાશે ધૂળ ને ધાણી… રામ ચેતનહારા…

રાજા જાશે, પ્રજા જાશે

જાશે રૂપાળી રાણી રે,

ઇન્દ્રના ઇન્દ્રાસન જાશે

બ્રહ્મા ને બ્રહ્માણી… રામ ચેતનહારા…

ચૌદ ચોકડીનુું રાજ જેને

ઘીરે મંદોદરી રાણી રે,

કનક કોેટ ને સમદર ખાઈ

એની ભોમકા ભેળાણી… રામ ચેતનહારા…

ધ્રુ્રવને અવિચળ પદવી દીધી

દાસ પોતાનો જાણી રે,

રાજ અમરસંગ બોલીયા

ઈ અમ્મર રે જો વાણી… રામ ચેતનહારા…

જેનો જન્મ થયો એનું મરણ તો નિશ્ર્ચે છે જ, પણ ‘જાશે જગત, હરિની ભગતિ રેશે’ એમ કહીને પ્રભુસ્મરણનો ઉપદેશ આપનારા આપણા લોક્સંતોએ જગતના નાશવંત ક્ષણિક સુખને શાશ્ર્વત સુખમાં પલટાવી નાખનાર હરિભક્તિનો ખૂબ મહિમા ગાયો છે. માનવજન્મનું મૂલ્ય પારખીને સત્કાર્યો કરીને પોતાનું આયખું સુધારી લેવાની ચેતવણી આપતાં અમરસંગ આત્મતત્ત્વની ઓળખાણ કરી લેવાનું સૂચન કરે છે.

આ કાયા અંતે પાણીના પરપોટાની જેમ ફૂટી જશે. કશું જ સાથે નથી આવવાનું. પાંચે તત્ત્વો છૂટાં પડી જશે. માટી ભેળી માટી થશે અને પાણી ભેળું પાણી વહ્યું જશે. મૂળ વિનાનું આ ઝાડ ક્યારે ઉખડીને ફેંકાઈ જાય એનું ભાન અભિમાની મનુષ્યને હોતું નથી. પરંતુ આ જગતમાં કોઈ શાશ્ર્વત નથી. રાજા, પ્રજા કે રાણી હોય, ઇન્દ્ર હોય કે બ્રહ્મા, રાવણ હોય કે એની સુવર્ણની લંકા. એ સર્વે બાબતો નાશવંત છે. અવિચળ તો છે માત્ર ધ્રુવજીની ભક્તિ… ધર્મ, સંપત્તિ, સત્તા કે યુવાનીનો મદ કાંઈ કાયમ ટકતોે નથી માટે, હરિનું ભજન કરીને ચોરાશીના ફેરામાંથી બચી જવાનો ઉપદેશ અહીં અપાયો છે. મનુષ્ય જીવતરમાં સત્યનું પાલન અને જીવમાત્ર પ્રત્યે દયા એ બે તત્ત્વો હોય તો ધર્મનું સ્થાપન થઈ જાય.

દયા વિના બીજો કોઈ ધર્મ નથી.

દયા દિલમાં ધાર, તારી બેડલી ઉતરે પાર

એ મન દયા દિલમાં ધાર જી…

દયા સમોવડ નથી બીજો ધરમ અવનિ મોજાર જી

દયા દીનતા અંગ જેને એનો સફળ છે અવતાર…

એ મન દયા…

જપ તપ સાધન કોટિ કરે જન દર્શન કરે કેદાર જી,

પ્રતિ દિન વાણી વ્યાસની શુું  વાંચ્યેથી વળનારા…

એ મન દયા…

શાણો થઈને શાસ્ત્ર શીખ્યો, શીખ્યો વિવિધ વેવાર જી,

અંતે એ નથી કામના તારી દયા કરશે કામ…

એ મન દયા…

સંંત રૂડા જગતમાં કોઈ સમજે તેનો સાર જી

રાજ અમર કે એવા સંતો મારા પ્રાણના આધાર…

એ મન દયા…

લોક્સમુદાયમાં ‘ભક્તરાજ’ તરીકે ઓળખાતા આ સંતકવિએ રચેલાં ઘણાં ભજનો આજે પણ ભજનમંડળીઓમાં ગવાય છે. એમના જીવનમાં અનેક ચમત્કારમય ઘટનાઓ બનેલી તેની દંતકથાઓ પણ લોકકંઠે સચવાયેલી સાંભળવા મળે છે.

‘અલખના ગુણ ગાય એની ઉજ્જવળ કીરતી થાય જે કોઈ અલખના ગુણ ગાય જી…’ માં મીરાં, નરસિંહ, હરિશ્ર્ચંદ્ર, વિપ્ર સુદામા વગેરે સંત-ભક્તોનાં ઉદાહરણો આપીને મન, કર્મ, વચને પરમાત્માના ગુણ ગાવાની શીખામણ આપવામાં આવી છે.

એ જ રીતે ‘ભક્તિના પ્રતાપથી ટળે ત્રિવિધના તાપ, એવો ભક્તિનો પ્રતાપ જી…’ ભજનમાં ભક્તિમહિમા ગવાયો છે. પરંપરિત ભજનવાણીની શબ્દાવલી સાથે તળપદા ભક્તિસંસ્કારો અને વૈરાગ્યનો ઉપદેશ એમની ભજનરચનાઓને સહજ સરળ ભાવાભિવ્યક્તિ અર્પે છે. ખાસ કરી ચેતવણી પ્રકારનાં ભજનોમાં તેમની ભજનિક તરીકેની હથોટી સિદ્ધ થાય છે.

‘આ કળજુગ માંહી રે પાપી જન ઘણા થાશે રે હાંં…’ આગમ, ગુરુમહિમા અને નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના જેવા વિષયો એમની વાણીમાં જોવા મળે છે.

‘અરજણ  ધરમ કરો તો ધણીને ઓળખો હો જી…’

‘સતગુરુ શબદ પૂરા રે મળિયા…’,

‘ભક્તિના વેપારથી તરી જાશો સંસારજી…’,

‘ભક્તિ છે ખાંડાની ધાર’,

‘ધરજો ધણીનું નિત ધ્યાન જી…’

વગેરે ભજનો ભજનમંડળીઓમાં ખૂબ ગવાય છે. શ્રી જયમલ્લભાઈ પરમાર અને રાજુલ દવે લિખિત ‘સેવા ધરમનાં અમરધામ’ ગ્રંથમાં અમરસિંહજીનાં કેટલાંક ભજનો સંપાદિત થયાં છે, એ સિવાય ‘સોરઠી સંતવાણી’, ‘છેલ્લું પ્રયાણ’, ‘દુર્લભ ભજન સંગ્રહ’, ‘ભજન ચિંતામણી’ વગેરે પુસ્તકોમાંથી પણ અમરસિંહજીની રચનાઓ પ્રાપ્ત થાય છે.

Total Views: 372

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.