બીદડા (કચ્છ-માંડવી)માં શ્રીરામકૃષ્ણ મંદિરનું મંગલ ઉદ્‌ઘાટન

પર્યાવરણની બરાબર જાળવણી થાય તેવા શ્રીરામકૃષ્ણ મંદિરનું મંગલ ઉદ્‌ઘાટન જગન્નાથ સ્નાનયાત્રાના પાવનકારી દિવસે ૨૮ જૂન, ૨૦૧૮ના રોજ માંડવી-કચ્છની નજીક આવેલા બીદડા ગામે અદ્વૈત આશ્રમ, વારાણસીના સ્વામી વિશ્વાત્માનંદજીના હસ્તે થયું હતું. આ મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવની નાની મૂર્તિ અને શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની છબીઓ રાખવામાં આવી છે. મંદિરનું સમગ્ર બાંધકામ પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને થયું છે. તે દિવસે વિશેષ પૂજા, મૂર્તિ સ્થાપના, હવન, પુષ્પાંજલિ, ભોગનિવેદન, ભજન, કીર્તનનું આયોજન થયું હતું. ઉદ્‌ઘાટન પ્રસંગે ૧૨ જેટલા સંન્યાસી અને બ્રહ્મચારીઓ ઉપસ્થિત હતા. તે દિવસે યોજાયેલી જાહેર સભામાં ઘણા ભક્તજનો પણ ઉપસ્થિત હતા. યોજાયેલી જાહેર સભાને રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ, વારાણસીના અધ્યક્ષ સ્વામી વિશ્વાત્માનંદજી; રામકૃષ્ણ મઠ, મુંબઈના અધ્યક્ષ સ્વામી સત્યદેવાનંદજી; રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી આદિભવાનંદજી; શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી; પોરબંદર રામકૃષ્ણ મિશનના સ્વામી આત્મદિપાનંદજી; વડોદરાના સ્વામી ઇષ્ટમયાનંદજી વગેરેએ સભાને સંબોધી હતી. સભાના અંતે ભક્તજનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ શારદા સેવાશ્રમ – અંજારના વિવિધ કાર્યક્રમો

તારીખ ૨૯ જૂન, ૨૦૧૮ને શુક્રવારે સવારે ૯ :૩૦ કલાકે ભાટીયા મહાજનવાડી, અંજારમાં રામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ સંન્યાસીઓના સાંનિધ્યમાં અંજાર શહેરમાં આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને  આધ્યાત્મિક શિબિરસત્સંગનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમનો મંગલ પ્રારંભ દીપપ્રાકટ્ય અને પ્રાર્થનાગીતથી થયો હતો. ત્યાર પછી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની એક ઝલક રજૂ થઈ હતી. જાહેરસભાને સ્વામી વિશ્વાત્માનંદજી, સ્વામી સત્યદેવાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી અને સ્વામી આત્મદિપાનંદજીએ સંબોધી હતી. આ પ્રસંગે ‘મા શારદા મહિલા પ્રશિક્ષણ કેન્દ્ર’નાં પ્રશિક્ષિત બહેનોને પ્રમાણપત્ર અને સીવણમશીન વિનામૂલ્યે અપાયાં હતાં. આ ઉપરાંત શહેરના ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનું સન્માન વરિષ્ઠ સંન્યાસીઓના હસ્તે થયું હતું. દાતાઓના સહયોગથી દરિદ્રનારાયણ સેવારૂપે રેશનકીટનું વિતરણ થયું હતું. જરૂરતવાળા વિદ્યાર્થીઓને અભ્યાસકીટ આપવામાં આવી હતી. વિવિધ યોજનમાં સહાય કરનાર દાતાઓનું પણ સન્માન થયું હતું. બહોળી સંખ્યામાં ભક્તજનોએ આ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમના અંતે બધા માટે ભોજનપ્રસાદનું આયોજન થયું હતું.

શ્રીરામકૃષ્ણ સેવાસમિતિ, ધાણેટીમાં

શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સ્મૃતિભવનનું મંગલ ઉદ્‌ઘાટન

તારીખ ૩૦ જૂન, ૨૦૧૮ને શનિવારે સવારે ૯ :૦૦ કલાકે ધાણેટી (કચ્છ)ના સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના પ્રાંગણમાં નવનિર્મિત ‘શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સ્મૃતિભવન’નું મંગલ ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ – મિશનના ટ્રસ્ટીશ્રી અને કાંકુડગાછીના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી વિમલાત્માનંદજી મહારાજના હસ્તે થયું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના સન્માનનીય મંત્રી શ્રીવાસણભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા. તે જ દિવસે સવારે ૯ :૩૦ કલાકે આહિર સમાજવાડી, ધાણેટીમાં વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરીટેબલ ટ્રસ્ટ, ધાણેટીના ઉપક્રમે પાંચમો તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ પણ યોજાયો હતો. આ સભાને સ્વામી આદિભવાનંદજી, સ્વામી વિમલાત્માનંજી, સ્વામી વિશ્વાત્માનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજી તેમજ શ્રી વાસણભાઈ આહિરે સંબોધી હતી. વિશાળ જાહેરસભાના પ્રારંભમાં અહીંના બાળકોએ મનોરમ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને શ્રોતાઓના મન હરી લીધાં હતાં.  જાહેરસભામાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ ભોજનપ્રસાદનો લાભ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ યુવક મંડળ, ભૂજ

૩૦જૂન, ૨૦૧૮ના રોજ સાંજે ૬ :૩૦ વાગ્યે સહયોગ હોલ, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલ પાસે એક જાહેરસભાનું આયોજન થયું હતું. ‘શ્રીરામકૃષ્ણ યુવક મંડળ, ભૂજ’, સુવર્ણ જયંતી વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. જાહેરસભાને સ્વામી વિમલાત્માનંદજી, સ્વામી વિશ્વાત્માનંદજી, સ્વામી સત્યદેવાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી આત્મદિપાનંદજી અને સ્વામી ઇષ્ટમયાનંદજી, સ્વામી મંત્રેશાનંદજીએ સંબોધી હતી. ભૂજ કેન્દ્ર દ્વારા સંચાલિત ‘મા શારદા પ્રશિક્ષણ કેન્દ્ર’ની ૫૦ તાલીમાર્થી બહેનોને સીવણયંત્ર અને પ્રમાણપત્રો અપાયાં હતાં.

રામકૃષ્ણ મઠ, અમદાવાદની પ્રવૃત્તિઓ

રામકૃષ્ણ મઠ, અમદાવાદનો પ્રારંભ આધિકારિક રૂપે ૩૦મી મે, ૨૦૧૮ના રોજ થયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર, અમદાવાદના ટ્રસ્ટીશ્રીઓએ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સુવીરાનંદજીને બધા દસ્તાવેજો સુપ્રત કર્યા હતા. આ કેન્દ્ર હાલ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પેટા કેન્દ્ર રૂપે કાર્યરત છે.

જૂન માસમાં આ નવા કેન્દ્ર દ્વારા અહીં વર્ણવેલી પ્રવૃત્તિઓ કરી હતી :

૧. દરરોજ સાંજે ૭ વાગ્યે આરતી અને પ્રાર્થના. ૨. એકાદશીના દિવસે શ્રીરામનામ સંકીર્તન. ૩. શનિવારે અને રવિવારે આધ્યાત્મિક પ્રવચન. ૪. રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ, વારાણસીના અધ્યક્ષ સ્વામી વિશ્વાત્માનંદજીએ વિશ્વયોગ દિવસના ઉપલક્ષ્યમાં પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ૫. ‘વિવેક વિહાર’ના નેજા હેઠળ સમાજના નિમ્નવર્ગના ગરીબ બાળકો માટે મૂલ્યલક્ષી કેળવણીની પ્રવૃત્તિ દર શનિવારે યોજાય છે. ૬. દર રવિવારે ‘સ્વામી વિવેકાનંદ યુથસ્ટડી સર્કલ’ દ્વારા યુવાનોને પ્રેરણાદાયી વક્તવ્યો અપાય છે.

રામકૃષ્ણ મિશન, લીંબડીની પ્રવૃત્તિઓ

શ્રી કિરીટસિંહજી રાણા અને શ્રી નરેન્દ્રસિંહજી જાડેજા ઉપસ્થિતિમાં રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૧૪ સરકારી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાનાં ૨૧૦ ગરીબ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ગણવેશ આપવામાં આવ્યા.

બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ : સ્મૃતિ વ્યાખ્યાન માળા

૨જી જુલાઈ, સાંજે ૭ :૪૫ કલાકે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિર નીચેના હોલમાં આ વ્યાખ્યાનમાળાનું આયોજન થયું હતું. આ સભામાં સ્વામી વિમલાત્માનંદજી, સ્વામી વિશ્વાત્માનંદજી અને સ્વામી સત્યદેવાનંદજીએ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનાં સંસ્મરણો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનો સમક્ષ રજૂ કર્યાં હતાં.

રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, જૂનાગઢમાં ફિઝિયોથેરાપી વિભાગનો પ્રારંભ

૮ જુલાઈ, ૨૦૧૮, રવિવારે જૂનાગઢના તળાવ દરવાજા સામે આવેલ રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રમાં ફિઝિયોથેરાપી વિભાગનો મંગલ પ્રારંભ સ્વામી વિશ્વાત્માનંદજી અને સ્વામી આત્મદિપાનંદજીના વરદ હસ્તે થયો હતો. રોગી નારાયણને આ વિભાગની સેવાનો લાભ સવારે ૯ થી ૧૨ અને સાંજના ૪ થી ૬ દરમિયાન મળશે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીઓ દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણનાં વ્યાખ્યાનો

તારીખ શાળા વિદ્યાર્થીની સંખ્યા ધોરણ વ્યાખ્યાતા
૪-૭-૧૮ કડવીબાઈ કન્યા વિદ્યાલય ૫૫ વિદ્યાર્થિની ૧૧ સ્વામી જ્ઞાનેશાનંદ મહારાજ
૯-૭-૧૮ રમેશભાઈ છાયા ગર્લ્સ હાઈસ્કૂલ ૪૫ વિદ્યાર્થિની ૧૧ સ્વામી પ્રભુસેવાનંદ મહારાજ
૧૦-૭-૧૮ રમેશભાઈ છાયા ગર્લ્સ હાઈસ્કૂલ ૬૦ વિદ્યાર્થિની ૧૧ / ૧૨ સ્વામી પ્રભુસેવાનંદ મહારાજ
૧૧-૭-૧૮ રમેશભાઈ છાયા ગર્લ્સ હાઈસ્કૂલ ૫૭ વિદ્યાર્થિની ૧૧ સ્વામી પ્રભુસેવાનંદ મહારાજ
૧૭-૭-૧૮ રમેશભાઈ છાયા ગર્લ્સ હાઈસ્કૂલ ૫૧ વિદ્યાર્થિની સ્વામી આદિભવાનંદ મહારાજ
૧૮-૭-૧૮ મા આનંદમયી સ્કૂલ ૫૦ વિદ્યાર્થિની ૧૧ સ્વામી આદિભવાનંદ મહારાજ
૨૩-૭-૧૮ મા આનંદમયી સ્કૂલ ૬૨ વિદ્યાર્થિની ૧૧ સ્વામી આદિભવાનંદ મહારાજ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણ- વિવેકાનંદસાહિત્યનું વેચાણ

ક્રમ તારીખ વાર શાળા સમય
૫-૭-૧૮ ગુરુવાર જી. ટી. શેઠ હાઇસ્કૂલ ૭ : ૩૦ થી ૧૨ : ૩૦
૫-૭-૧૮ ગુરુવાર જી. ટી. શેઠ પ્રાઈમરી સ્કૂલ ૭ : ૩૦ થી ૧૨ : ૩૦
૧૩-૭-૧૮ શુક્રવાર રમેશભાઈ છાયા ગર્લ્સ સ્કૂલ ૭ : ૩૦ થી ૧૨ : ૩૦
૧૪-૭-૧૮ શનિવાર કરણસિંહજી હાઇસ્કૂલ ૭ : ૩૦ થી ૧૨ : ૩૦
૨૦-૭-૧૮ શુક્રવાર રમેશભાઈ છાયા બોયઝ સ્કૂલ ૭ : ૩૦ થી ૧૨ : ૩૦
૨૧-૭-૧૮ શનિવાર જી. ટી. શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ૭ : ૩૦ થી ૧૨ : ૩૦
૨૮-૭-૧૮ શનિવાર મા આનંદમયી સ્કૂલ ૭ : ૩૦ થી ૧૨ : ૩૦

 

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ગુરુપૂર્ણિમાપર્વનો મહોત્સવ

૨૭ જુલાઈ, ૨૦૧૮ના રોજ સવારના ૫ :૦૦ વાગ્યાથી બપોરના ૧૨ :૩૦ સુધી મંગલા આરતી, વૈદિક મંત્રોચ્ચાર, ગુરુમહિમાના ભજન, ગુરુસ્તોત્ર પઠન, વિશેષ પૂજા, હવનનું આયોજન શ્રીરામકૃષ્ણ મંદિરમાં થયું હતું. આ મહોત્સવમાં સવારથી ભાવિક ભક્તજનો અને કેટલીક શાળાનાં વિદ્યાર્થી ભાઈબહેનો દર્શનાર્થે આવ્યાં હતાં. બપોરે ભોગ આરતી પછી આશરે ૨૦૦૦ થી વધુ ભાવિકજનોએ ગુરુપૂર્ણિમાના ભોજન-પ્રસાદનો લાભ લીધો હતો. સાંજે નગુરુ મહિમાથ વિશે રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓનાં વ્યાખ્યાનોનું આયોજન થયું હતું. આખો દિવસ આ પાવનકારી પર્વના દિવસે ભક્તજનોએ શ્રીરામકૃષ્ણ મંદિરનાં દર્શનનો લાભ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યુવા સંમેલન

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આશ્રમના વિવેક હોલમાં સિસ્ટર નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીના ઉપક્રમે શુક્રવાર ૧૦મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ સવારના ૯ :૦૦ થી સાંજના ૫ :૦૦ સુધી ૭૫૦થી વધુ યુવાનો માટેની એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં રામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ, વડોદરાના નિવૃત્ત મેજર મહેતા, સુવિખ્યાત લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી, આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત વક્તા શ્રી શરદ સાગર, શ્રી મિત્સુ ચાવડાએ પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં.

સુવિખ્યાત લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ કહ્યું હતું કે આજે સ્માર્ટ ફોન સર્વસ્વ થઈ ગયો છે પણ યુવાનોએ એટલું યાદ રાખવું જરૂરી છે કે સ્માર્ટ ફોન બંધ થાય ત્યારે જ સ્માર્ટ મગજ ચાલુ થાય છે. સ્વામી વિવેકાનંદે યુવાનોને બહાદુર વીર બનીને મહાન કાર્યો કરવાની હાકલ કરી છે. આપણે આજે જ્ઞાનના એટમબોમ્બ જેવા સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચવા જોઈએ. ભાવનગરના નિવૃત્ત મેજર મહેતાએ પોતાના યુદ્ધના અનુભવોની વાત કરીને યુવાનોને માતૃભૂમિ માટે કંઈક કરી છૂટવાની હાકલ કરી હતી.

આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત વક્તા શ્રી શરદ સાગરે કહ્યું હતું કે મેં ૧૨ વર્ષની ઉંમરે શાળામાં જવાની શરૂઆત કરી અને અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં આગળ અભ્યાસ કરવાની તક મળી પણ તે અભ્યાસ અધૂરો મૂકીને હું ભારત આવ્યો. ભારતના દરેક વિદ્યાર્થીને નેતૃત્વની તાલીમ આપવાનું મારું મિશન છે. યુવાનોની સામે એક આઈકોન હોવો જોઈએ કે જે હંમેશાં તેમને પ્રેરણા આપતો રહે. તમે જીવનમાં ભલે મોટું કામ ન કરો પણ નાનું કામ પણ શ્રદ્ધાથી પૂર્ણ કરો એ અગત્યનું છે.

બાઈક રાઈડર, ભરતનાટ્યમ્ના જાણકાર કુમારી મિત્સુ ચાવડા સિયાચિન ગ્લેસિયર પર જઈને પ્રથમ ગુજરાતી યુવતી બન્યા છે. તેઓ લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે. આ શિબિરમાં સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ, સફળતાનાં સોપાનો, યુવા વર્ગને મૂંઝવતા પ્રશ્નો વિશે પ્રવચનો અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રહ્યો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શિક્ષકો માટે શિક્ષણ શિબિર

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આશ્રમના વિવેક હોલમાં સિસ્ટર નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીના ઉપક્રમે શનિવાર ૧૧મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ સવારના ૯ :૦૦ થી સાંજના ૫ :૦૦ સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ૨૫૦ જેટલા શિક્ષકો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં સૌરાષ્ટ્ર યુનિ.નાં કુલપતિ શ્રી ડૉ. નીલાંબરીબેન દવેએ સંશોધનાત્મક અને મનનીય પ્રવચન આપ્યું હતું. શ્રી શરદભાઈ સાગરે શિક્ષકોને અદ્યતન જ્ઞાનનું પોતે ઉપાર્જન કરીને શિક્ષકોના મનહૃદયમાં રેડવું જોઈએ. વિદ્યાર્થીઓને સમાજમાં એક આદર્શ આઈકોન બને તેવું પ્રશિક્ષણ આપવું જોઈએ. ચિલ્ડ્રન યુનિવર્સિટીના ૫ૂર્વ સલાહકાર શ્રી જ્યોતિબહેન થાનકીએ શિક્ષકના મુખ્ય કર્તવ્યની વિગતે વાત કરી હતી. ઉત્તમ શિક્ષકની પ્રેરણા અમોઘ હોય છે તથા નભગિની નિવેદિતા એક ઉત્તમ શિક્ષકથ વિશે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું. આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ શિક્ષક એક મહાન જ્યોતિર્ધર છે. શિક્ષક વિદ્યાર્થીઓનાં જીવન ઘડતરમાં ઘણું અમૂલ્ય પ્રદાન કરીને તેને નવપલ્લવિત બનાવીને સૌને શીતળ છાંયડી આપનાર બનાવી શકે. સ્વામીજીના કેળવણી વિશેના વિચારો અને આદર્શાેને ધ્યાનમાં રાખીને શિક્ષકોએ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને જીવન ઘડતરનાં કાર્યો કરવાં જોઈએ એમ કહ્યું હતું.કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી અને શિક્ષકોના પ્રતિભાવો રસપ્રદ રહ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ધ્યાન શિબિર ૧૨ ઓગસ્ટ, રવિવાર

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં વિવેક હોલમાં ૧૨ ઓગસ્ટ, ૨૦૧૮ને રવિવારના રોજ સવારે ૮ :૩૦ થી બપોરના ૧૨ :૩૦ સુધી એક ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ધ્યાન વિશે સ્વામી નિખિલેશ્વરાનંદ, અન્ય સંન્યાસીઓ તેમજ જ્યોતિબહેન થાનકીનાં પ્રવચન, ધ્યાન વિશે વ્યવહારિક માર્ગદર્શન, ભજન, વૈદિક મંત્રોચ્ચાર,પ્રશ્નોત્તરી અને પ્રતિભાવનો રસપ્રદ કાર્યક્રમ રહ્યો હતો. કાર્યક્રમના અંતે ૪૫૦ થી વધુ શિબિરાર્થીઓએ ભોજનપ્રસાદનો લાભ લીધો હતો.

Total Views: 209

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.