જીવલેણ ઇજામાંથી હોકીના મેદાનમાં પાછા ફરવાની સંકલ્પ યાત્રા

શ્રી સંદીપસિંઘ ભારતીય હોકીટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ધરખમ ખેલાડી. ટીમના નિષ્ણાત ડ્રેગફ્લીકર, ફૂલબેકમાં રમનાર ખેલાડી અને પેનલ્ટી કોર્નરના નિપુણ. સંદીપસિંઘ જેવા પેનલ્ટી કોર્નર માટે ઊભા રહે કે સામેની ટીમનો પરસેવો છૂટી જાય. 145 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આવતી એમની ફ્લીક ભલભલા ગોલકીપર માટે પણ અત્યંત કપરી બની જાય. ફેબ્રુઆરી 1986માં એમનો જન્મ થયો અને 18 વર્ષની ઉંમરે ભારતીય હોકીટીમમાં એમનો સમાવેશ થયો. તેમનાં કૌશલ્ય, જુસ્સો અને પ્રતિબદ્ધતાએ એમને આટલી નાની યુવાન વયે ભારતની હોકીટીમમાં સ્થાન અપાવ્યું હતું.

પરંતુ ભારતીય ટીમ માટે પદાર્પણ કર્યાના બે જ વર્ષમાં એમના જીવનમાં કંઈક એવું બન્યું કે જે એમના માટે કેરિયર થ્રેટનીંગ- કારકિર્દીને પૂરી કરી નાખે તેવું હતું. સાથે ને સાથે એના જીવનને પણ જોખમમાં મૂકી દે તેવું હતું. આવી ગોઝારી ઘટના સંદીપસિંઘ જર્મનીમાં રમાનાર વિશ્વકપમાં ભાગ લેવા અને પોતાની ટીમ સાથે જોડાવા શતાબ્દિ એક્સપ્રેસમાં દિલ્હી જતા હતા ત્યારે બની હતી. આ યુવાન ખેલાડીના ઉમંગ અને ઉત્સાહનો કોઈ પાર ન હતો, કારણ કે તે વિશ્વકપની સ્પર્ધામાં રમવા જતા હતા. એકાએક ટ્રેઈનમાં એક બંદૂકની ગોળીનો અવાજ આવ્યો. લોકોને કંઈ સમજાય તે પહેલા જ બંદૂકની એ ગોળી આ ખેલાડીના શરીરના ત્રણ અંગોને વીંધીને બહાર નીકળી ગઈ. આવા આકસ્મિક ગોળીબારને કારણે સંદીપસિંઘ પર તરત જ પેરેલિસિસનો હુમલો થયો. તેમનું શરીર લકવો મારી ગયું અને શરીર ઉપર કોઈ કાબૂ જ ન રહ્યો. યુવાન હોનહાર ખેલાડી સંદીપસિંઘની આંખ સામે પોતાના જન્મની વિશ્વકપમાં અને પ્રિય રમત હોકીના ઉત્તમ ખેલાડીરૂપે સેવેલાં બધાં સપનાં કડડભૂસ થઈ ગયાં.

સંદીપસિંઘને સારામાં સારી તબીબી સારવાર આપવામાં આવી. ડોક્ટરોની અને પોતાની આકરી મહેનત અને કસરતથી કસાયેલું શરીર ઢીલું પડવા લાગ્યું. તેમનું વજન મસલ્સનું માંસ 40% જેટલું ઘટી ગયું. ટીવી પર હોકીનો મેચ જોતા જોતા તેઓ રડી પડતા. રાતોની રાત ઊંઘ્યા વગર એમ ને એમ પસાર થઈ જતી. બે વર્ષ સુધી એમને હરવા ફરવા વ્હીલચેરમાં લઈ જવાતા હતા. મુશ્કેલ પરિસ્થિતિમાં અને અસહ્ય કપરા સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ સામે બે વિકલ્પ હોય છે : એક – પરિસ્થિતિનો સ્વીકાર કરીને જેમ ચાલે છે, તેમ ચાલવા દેવું અને બીજો – પડકારને પડકારવો અને કપરા કઠિન સંજોગોને સાનુકૂળ સંજોગોમાં બદલવા અસીમ પુરુષાર્થ કરવો.

સંદીપસિંઘે પણ પોતાની પ્રિય રમત હોકી માટે સંઘર્ષ કરવાનો નિર્ણય કર્યો. આકરી મહેનત, ફિઝિયોથેરપી, અડગ નિર્ધાર અને ગમે તે ભોગે પણ ક્યારેય એ પથ પરથી પારોઠનાં પગલાં ન ભરવાની ઉત્કટ ઇચ્છા – આ બધાં પરિબળોએ એમને પોતાના પગ પર પાછા ઊભા કરતા પણ કર્યા અને હોકી રમતા પણ કર્યા ! બધી જ વિપરીત પરિસ્થિતિઓનો અડગ મનથી સામનો કરીને સંદીપસિંઘ પહેલાં કરતાં વધુ પ્રબળ, વધુ કૃતનિશ્ર્ચયી બન્યા અને ભારતની હોકીટીમના એક ખેલાડીરૂપે પાછું પોતાનું પદાર્પણ કર્યું ! શું આ વાત કોઈ ચમત્કારથી ઓછી છે ખરી ! પણ એ ચમત્કાર હતો આત્મશ્રદ્ધાનો, હૃદયના ખરા રણકારનો, ઉત્કટ ઇચ્છાનો.

પરંતુ ચમત્કાર તો હવે સર્જાવાના હતા. ગુમાવેલાં બે વર્ષનું એકી સાથે જાણે કે સાટું ન વાળવું હોય, તેમ તેઓ ખૂબ જ ઝડપથી રમતમાં એક અનોખો નિખાર લાવતા ગયા. 2009માં તેઓ ફરીથી ભારતની હોકીટીમના કેપ્ટન બન્યા. 2012ના લંડન ઓલિમ્પિકમાં ભારત ક્વોલીફાઈડ થયું. આ એમનું સ્વપ્ન હતું. આ સ્વપ્ન એમણે પોતાના ઇજાગ્રસ્તકાળમાં વ્હીલચેરમાં બેસીને જોયું હતું. ક્વોલીફાઇંગ ટુર્નામેન્ટમાં સંદીપસિંઘ વંટોળની જેમ ઉમટી પડ્યા. ફાઈનલમાં ભારતે ફ્રાંસને 8 વિરુદ્ધ 1 ગોલથી હરાવ્યું. આ 8 ગોલમાંથી 5 ગોલ તો તેમણે જ ફટકાર્યા હતા. આખી ટુર્નામેન્ટમાં 16 ગોલ ફટકારીને સંદીપસિંઘે આખા વિશ્વને અચંબામાં નાખી દીધું. તેમના આ વિશ્વવિક્રમી પ્રયાસે ભારતને 2012ના લંડન ઓલિમ્પિક્સમાં સ્થાન અપાવ્યું. ‘Never Give up’ ના દૃઢ સંકલ્પ સાથે સંદીપસિંઘે એ સાબિત કરી દીધું કે માણસમાં આત્મશ્રદ્ધા હોય તો તે શું શું ન કરી શકે! સ્વામી વિવેકાનંદે આપેલા વિચાર સૂત્ર- ‘Arise, Awake and Stop not till the Goal is reached’ – ને જાણે કે સંદીપસિંઘે પોતાના જીવનમાં જીવી બતાવ્યું.

 

 

Total Views: 99
By Published On: September 1, 2018Categories: Prakashbhai Bhatt0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram