શ્રીકૃષ્ણ આટલા પ્રવૃત્તિશીલ શા માટે હતા ? પછીના શ્ર્લોકમાં એ તેનો ખુલાસો આપે છે :

यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रित:।

मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश:॥23॥

‘આરામપ્રિય થયા વિના હું સતત કર્મ પ્રવૃત્ત ન રહું તો, હે પાર્થ, બધાં લોકો મારા દાખલાને અનુસરે.’

‘આળસુ રહીને હું કશું કામ ન કરું, તો મારી સામે જોતાં બીજાં લોકો મનમાં વિચારશે, ‘આ વિચાર ઠીક છે, ચાલો હું પણ કામ છોડી દઉં.’ यदि हि अहं न वर्तेयं એ ભાષા છે, ‘હું કામ ન કરું તો, जातु कर्मणि अतन्द्रित:, ‘સતત અને ખૂબ પરિશ્રમપૂર્વક’; હું આ રીતે કર્મ ન કરું તો, मम वर्त्म अनुवर्तन्ते, ‘લોકો મને અનુસરશે’ मनुष्या: पार्थ सर्वश:, ‘હે અર્જુન, બધા લોકો, બધી રીતે અનુસરશે’, એમાં ખોટું શું છે ? ભોગવવું એમને પડશે. એમણે પ્રવૃત્તિ કરવી જ જોઈએ, એમણે કમાવું જ જોઈએ, એમણે ઘણું કરવું જોઈએ. પરંતુ શ્રીકૃષ્ણનો દાખલો લઈને, એ કશું કરશે નહીં’. એટલે, લોકો સમક્ષ ખોટો દાખલો બેસાડીને અને તેમનાં જીવનનો નાશ કરીને શ્રીકૃષ્ણ લોકોના દુશ્મન બની જશે. ઘરમાં પિતાને રમકડે રમવાની જરૂર નથી, પણ બાળકોને એની જરૂર છે. એટલે પોતાનાં બાળકોને ઉત્તેજન આપવા માટે પિતા બાળકો સાથે રમે છે, બાળકોના વિકાસ માટે એ પ્રકારની આપલે ઘણી આવશ્યક છે. એટલે જેને આની કશાની જરૂર નથી તેવી શ્રીકૃષ્ણ જેવી વ્યક્તિ કહે છે, ‘મારો દાખલો લો. હું ખૂબ પરિશ્રમ કરું છું; હું આળસમાં બેસી રહું તો લોકોને ભોગવવું પડે.’ આ પછીના શ્ર્લોકમાં એ વ્યક્ત થયું છે :

उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम्।

सङ्करस्य च कर्ता स्यामुपहन्यामिमा: प्रजा:॥24॥

‘હું કર્મ ન આચરું તો આ બધા લોક નાશ પામશે, હું સામાજિક ઉચ્છેદનું કારણ બનીશ અને આ પ્રજાઓનો મારાથી નાશ પણ થશે.’

હું મૂગો બેસી રહું, આળસુ બની જાઉં અને કશું કર્મ કરું નહીં તો, ‘આ લોકોનો હું નાશ કરીશ.’ उत्सीदेयु: इमे लोका सङ्करस्य च कर्ता स्यामुपहन्यामिमा: प्रजा: ‘હું ભયંકર સામાજિક અવ્યવસ્થા સર્જીશ અને અનેક લોકોની સિદ્ધિની તકોનો વિનાશ કરીશ.’ આમાં ગહન સત્ય સમાયેલું છે અને આપણો સામાજિક ઇતિહાસ આ સત્યના દૃષ્ટાંતરૂપ છે. ઉચ્ચ ધર્મના અભિગમોને લઈને આપણે ત્યાં નૈષ્કર્મ્યનું તત્ત્વજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું હતું. આપણે એને પચાવી શકત અને એનો આધ્યાત્મિક લાભ ઉઠાવી શકત. કેટલાક સૈકાઓ પછી આપણી આમ જનતાનો મોટો ભાગ પણ એને અનુસરવા લાગ્યો : આળસ, કામમાં રસનો પૂરો અભાવ, ઓછામાં ઓછું કામ, કામ ટાળવું, સંઘમાં કામ કરવાની અશક્તિ આપણા મોટા ભાગના લોકોમાં આજે આપણને આ પ્રકારનાં લક્ષણો જોવા મળે છે, જે આધ્યાત્મિક સાધકોને પ્રવૃત્તિથી કશું પ્રાપ્ત કરવાનું ન હતું અને તેથી એમ ને એમ બેઠા રહ્યા હતા, તેમને અનુસરવાથી થયેલા અપચાનું આ ફળ છે. આપણા લોકો આવા આધ્યાત્મિક ગુરુઓને અનુસર્યા. એ ‘પવિત્ર આળસ’ને ખંખેરી નાખવા આજે આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ, કામ કરવાની લોકોની ઇચ્છાના અભાવને દૂર કરી રહ્યા છીએ. ઉદાહરણ તરીકે આપણી ગ્રામપ્રજા લો. કોઈ સુધારામાં એમને રસ નથી. ગામની આર્થિક સુધારણામાં, ગામના સ્વાસ્થ્ય સંરક્ષણમાં, ગામને સુધારવામાં એમને જરાય રસ જ નથી. ખોટા પ્રકારના સદીઓના અનુભવને આધારે આ અપચો એમને વળગ્યો છે. આ બધું આપણે દૂર કરવાનું છે. શ્રીકૃષ્ણની અને ગીતાની ફિલસૂફીની આપણને આવશ્યકતા છે. એ રીતે આપણા સમાજ સાથે ખૂબ સુસંગત એવું કશુંક શ્રીકૃષ્ણ આપણને અહીં કહે છે ને તેથી આ ત્રણ શ્ર્લોકો ગુરુ તરીકે શ્રીકૃષ્ણનું દૃષ્ટાંત આપે છે. પછી એ કહે છે : વાત આમ છે તો કર્મ – કામ – પ્રત્યેનો આપણો અભિગમ કેવો હોવો ઘટે ? પછીના બે શ્ર્લોકોમાં શ્રીકૃષ્ણ કહે છે કે, લોકો બે પ્રકારના છે, જ્ઞાની અને અજ્ઞાની.

सक्ता: कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत।

कुर्याद्विद्वांस्तथाऽसक्तश्चिकीर्षुर्लोकसंग्रहम्॥25॥

‘હે ભારત! જે રીતે અવિદ્વાન, અજ્ઞાની કે અભણ લોકો કર્મ પ્રત્યે પ્રીતિવાળા હોઈને કર્મ કરે છે, તેમ વિદ્વાનો-જ્ઞાનીઓએ પણ, અનાસક્ત રહીને, જગતના હિતમાં કર્મ કરવું જોઈએ.’

વિદ્વાન – સંસ્કૃત શબ્દ છે ને એનો અર્થ થાય છે, ‘જાણકાર’, ‘જ્ઞાની’. અવિદ્વાન એટલે અજ્ઞાની. જીવનમાં એ બંનેના અભિગમો જુદા જુદા છે. આ શ્ર્લોકમાં શ્રીકૃષ્ણ એ વાત કહે છે. આપણા લોકતાંત્રિક સમાજમાં નાગરિકની જવાબદારીઓની વાત આપણે કરતા હોઈએ ત્યારે આ શ્ર્લોકોની અગત્ય ખૂબ જ છે. આ શ્ર્લોકો આપણે સૌ માટે ગહન સંદેશવાળા છે, હું અવિદ્વાન – અજ્ઞાની – હોઉં તો મારું કર્મ મારે કેવી રીતે કરવું ? હું મહેનત ખૂબ કરું છું, પણ તે જાતે તગડો થવા માટે જ. મને બીજા કોઈની જરાય પડી જ નથી. એ અવિદ્વાન પ્રકાર છે. બીજો વિદ્વાન પ્રકાર છે બધાંના હિત, રાષ્ટ્રના વિકાસ, જગતના વિકાસ માટે પરિશ્રમ કરો. આ અભિગમથી પ્રવૃત્ત રહો. આ શ્ર્લોકમાં એ અર્થગર્ભ શબ્દ વડે એ અભિગમ વ્યક્ત કરવામાં આવ્યો છે. લોકસંગ્રહમ્, આખા જગતના કલ્યાણ માટે સખત પરિશ્રમ ન કરો, તો જગતના કલ્યાણની ખાતરી આપી શકાય નહીં. સખત શ્રમ કરો, ત્યારે ‘મારે લોકોની સેવા કરવી જ જોઈએ, મારી અંગત સિદ્ધિ સાથે બધાં લોકોની સિદ્ધિને હાંસલ કરે, એ માટે મારે તેમને સહાય કરવી જોઈએ’, એ હેતુને સામે રાખો. આમ સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના સાથે મારે કામ કરવું જોઈએ, તો જ સાચી ભાવનાથી હું કર્મ કરું છું.

એટલે આ શ્ર્લોક કહે છે सक्ता: ‘આસક્ત થઈને ! આસક્તિ એટલે મોહ, વળગણ, પોતાની જાત, પોતાના મોજશોખ, આરામ માટે વળગણ. આવા વળગણવાળા લોકો सक्ता: કહેવાય છે. कर्मणि એટલે, ‘કર્મમાં કે કર્મ માટે : કારણ આ કર્મ દ્વારા હું તગડો થઈશ, વધારે પૈસો રળીશ, વધારે સુખ ભોગવીશ. એને सक्ता: कर्मणि કહે છે. કોણ છે એ લોકો? अविद्वांस:,‘અજ્ઞાનીઓ’. જે કંઈ કર્મ એ લોકો કરે છે તે તગડા થવા માટે જ કરે છે. એથી તો એમને અવિદ્વાન, અજ્ઞાની કહેવામાં આવ્યા છે. अविद्वांसो यथा कुर्वन्ति भारत, ‘અજ્ઞાનીઓ કર્મ કરે છે તે રીતે’, એ જ રીતે कुर्यात् विद्वान, ‘જ્ઞાનીપણ કર્મ કરશે.’ એની પાછળનો હેતુ શો છે ? એ જુદો હશે. એ હેતુ હશે, ‘આખા જગતનું સુખ અને કલ્યાણ સાધવું’, चिकीर्षु लोकसंग्रहम् लोक संग्रह, લોક એટલે જગતના લોકોના સંગ્રહ-કલ્યાણ, તેમનાં સ્થિરતા, બળ; આ સંગ્રહ શબ્દમાં એ સર્વનો સમાવેશ થાય છે. ઉચ્ચ, આધ્યાત્મિક પ્રકારના કાર્ય માટે, આ લોકસંગ્રહ અદ્‌ભુત પ્રેરક બળ છે ને એ વડે, આ કર્મના જગતમાં, લોકસંગ્રહનું પ્રેરકબળ હોય તો, આપણે ઊંડી આધ્યાત્મિક વૃત્તિવાળા થઈએ છીએ. (ક્રમશ:)

Total Views: 390

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.