તીર્થમાં ઈશ્વરીય ભાવનું ઉદ્દીપન થાય ખરું. મથુરબાબુની સાથે વૃંદાવન ગયો…. કાલીયદમન ઘાટ જોતાંવેંત ઉદ્દીપન થતું, હું વિહ્વળ થઈ જતો. હૃદય મને યમુનાને ઘાટે નાના બાળકની જેમ નવડાવતો.
‘સંધ્યા સમયે યમુનાને તીરે ફરવા જતો. એ વખતે સીમમાં ચરીને ગાયો યમુનાના પટ પર થઈને પાછી આવતી. તેમને જોતાંવેંત જ મને કૃષ્ણનું ઉદ્દીપન થઈ જતું. ‘કૃષ્ણ ક્યાં? કૃષ્ણ ક્યાં ?’ એમ બોલતો બોલતો ઉન્મત્તની પેઠે હું દોડવા લાગતો.
પાલખીમાં બેસીને શ્યામકુંડ – રાધાકુંડને રસ્તે જાઉં છું. ગોવર્ધન (પર્વત) જોવા ઊતર્યો. ત્યાં ગોવર્ધનને જોતાં જ એકદમ વિહ્વળ. દોડતો દોડતો જઈને ગોવર્ધન પર્વત પર ચડી ગયો, અને બાહ્યભાન રહિત થઈ ગયો. ત્યારે વ્રજવાસીઓ જઈને મને ઉતારી લાવ્યા. શ્યામકુંડ-રાધાકુંડને રસ્તે એવાં જ મેદાન, અને ઝાડપાન, પંખી, હરણ એ બધાં જોઈને વિહ્વળ થઈ ગયો, આંસુથી ધોતિયું ભીંજાઈ જવા લાગ્યું. મનમાં થવા લાગ્યું કે અરે કૃષ્ણ, બધુંય છે, માત્ર તું જ દેખાતો નથી ! પાલખીની અંદર બેઠો, પરંતુ એક શબ્દ સરખોય બોલવાની શક્તિ નહિ, ચૂપચાપ બેઠો છું. હૃદય પાલખીની પાછળ પાછળ આવતો હતો. તેણે પાલખીવાળાઓને કહી દીધું હતું, ‘ખૂબ સાવધાન!’
ત્યાં ગંગામાઈ મારી બહુ જ સંભાળ રાખતાં. પોતે ખૂબ વૃદ્ધ, નિધુવનની પાસે એક કુટિમાં એકલાં રહેતાં. મારી અવસ્થા અને ભાવ જોઈને કહેતાં કે ‘આ તો સાક્ષાત્ શ્રીરાધાજી દેહ ધારણ કરીને આવ્યાં છે.’ મને ‘દુલાલી’ કહીને બોલાવતાં. એમને મળતો એટલે હું ખાવું, પીવું, ઘેર પાછા જવાનું બધું ભૂલી જતો. હૃદય કોઈ કોઈ દિવસે ઉતારેથી ખાવાનું લાવીને ખવડાવી જતો. ગંગામાઈ પણ ખાવાની ચીજો રાંધીને ખવડાવતાં. ગંગામાઈને ભાવાવેશ આવતો. તેનો ભાવ જોવા માટે લોકોનું ટોળું એકઠું થતું. ભાવ-અવસ્થામાં એક દિવસ તે હૃદયની ખાંધે બેસી ગયાં હતાં.
ગંગામાઈની પાસેથી પાછા કોલકાતા આવવાની મારી ઇચ્છા ન હતી. ત્યાં રહેવાનું બધું નક્કી થઈ ગયેલું. મારે ઉકાળેલ કમોદમાંથી કાઢેલા ચોખાનો ભાત ખાવાનો. ગંગામાઈની પથારી ઓરડીની આ બાજુએ રાખવાની અને મારી પથારી પેલી બાજુએ કરવાની, બધું નક્કી. ત્યારે હૃદય કહેવા લાગ્યો કે ‘તમારી હોજરી નબળી છે, તે કોણ સંભાળ રાખશે ?’ ગંગામાઈ કહે, ‘કેમ ?
હું સંભાળીશ, હું સેવા કરીશ.’
એટલામાં મને મારી બા યાદ આવ્યાં. વિચાર આવ્યો કે અરે મારાં વૃદ્ધ માતા એકલાં દક્ષિણેશ્ર્વરના કાલીમંદિરના નોબતખાના પરની ઓરડીમાં રહ્યાં છે ! પછી ત્યાં રહેવાયું નહિ. એટલે પછી કહ્યું કે ‘ના, મારે જવું પડશે !’
‘વૃંદાવનનો ભાવ બહુ મજાનો. નવીન યાત્રાળુ આવે એટલે વ્રજ-બાળકો બોલે ‘હરિ બોલો, ગાંઠડી ખોલો !’(શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ – 1 પૃ. 89-92)
Your Content Goes Here