5મી સપ્ટેમ્બરે ડૉ. શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને સમગ્ર રાષ્ટ્ર ‘શિક્ષક દિન’ રૂપે ઉજવે છે. તેમનો જન્મ 1888માં સર્વપલ્લીમાં થયો હતો. 1962માં તેમણે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પાસેથી રાષ્ટ્રપતિપદ ગ્રહણ કર્યું અને ગ્રીકના મહાન તત્ત્વવેત્તા પ્લેટોની વાણી સાકાર થઈ. વિશ્વવિખ્યાત ફિલસૂફ રાષ્ટ્રપતિ બન્યા. તેઓ એક ઉત્તમ શિક્ષક હતા. એમનાં વ્યાખ્યાનોમાં ઋષિ વાણી સંભળાતી. એમની વાણી શુદ્ધ, સંસ્કૃત અને અસ્ખલિત રહેતી. તેમનું અંગ્રેજી વક્તવ્ય સાંભળીને અંગ્રેજો પોતે પણ મુગ્ધ થઈ જતા. એમનાં વ્યાખ્યાન તર્ક શુદ્ધ અને વ્યવસ્થિત રહેતાં. એમની વાણીમાં વિશ્વની ફિલસૂફીના રણકાર સાંભળવા મળતા. ‘સમગ્ર વિશ્વ એક માનવ મેળો છે’ની ફિલસૂફીને વરેલા આ માનવીએ સમગ્ર જગત પર જબરો પ્રભાવ પાડ્યો હતો.

એમની આ ભાવનાએ લોખંડી હૃદય ધરાવતા રશિયાના માર્શલ સ્ટાલીનના હૃદયને પણ હચમચાવી મૂક્યું હતું. તેઓ રશિયામાં ભારતના એલચી હતા ત્યારે સ્ટાલીને એમને પોતાની મેળે મળવાનું ગોઠવ્યું. 14મી જાન્યુઆરી, 1950ના દિવસે ટેલીફોનની ઘંટડી બોલી ‘માર્શલ સ્ટાલીન ડૉ. રાધાકૃષ્ણનને મળવા ચાહે છે.’

9 વાગ્યે મુલાકાત શરૂ થઈ.ે

ડૉ. રાધાકૃષ્ણને માર્શલ સ્ટાલીનને સમ્રાટ અશોકની વાત કહી : અમારે ત્યાં ભારતમાં એક સમ્રાટ હતા. એમણે ભયંકર યુદ્ધો ખેલ્યાં. એમાં લાખો માનવી મરાયાં અને લોહીની નદીઓ વહી. આ યુદ્ધોની આવી ભીષણ ભયાનકતા જોઈને એમનું હૃદયપરિવર્તન થયું. એમણે અહિંસા અપનાવી અને બુદ્ધના ભિક્ષુ બની ગયા.

વાત થયા પછી ડૉ. રાધાકૃષ્ણને કહ્યું, ‘આપ પણ લોહી રેડીને સિંહાસન પર બેઠા છો. પ્રભુ જાણે, આપ પણ એ રસ્તો અનુસરો તો ?’ સ્ટાલીને કહ્યું, ‘હા, ક્યારેક ક્યારેક આવા ચમત્કાર થાય છે ખરા. હું પાંચ સાલ ધર્મશાસ્ત્રની શાળામાં ભણ્યો છું.’ ડૉ. રાધાકૃષ્ણને માર્શલ સ્ટાલીન પર એક માનવતાવાદી પુરુષની પ્રખર છાપ પાડી.

1952ના એપ્રિલની પાંચમી તારીખ. તે દિવસે રશિયાના વિદેશમંત્રીએ ડૉ. રાધાકૃષ્ણનના માનમાં એક વિદાય સમારંભ યોજ્યો. રશિયામાં આવું ક્યારેય ન બનતું. સમારંભ પૂર્ણ થયા પછી વિદેશમંત્રીએ કહ્યું, ‘માર્શલ સ્ટાલીન આપને મળવા ચાહે છે.’

માર્શલ સ્ટાલીનનો ચહેરો તે દિવસે સૂઝેલો હતો. ડૉ. રાધાકૃષ્ણને અત્યંત સહાનુભૂતિ અને ભાવપૂર્વક એમના ચહેરા પર હાથ ફેરવ્યો. એમની પીઠ થાબડી અને પોતાનો હાથ એમના ખભે મૂક્યો. માર્શલ સ્ટાલીન આવા માનવતાભર્યા વર્તનથી ગળગળા થઈ ગયા. એમણે ટકોર કરતાં કહ્યું, ‘આપ જ સર્વપ્રથમ એવી વ્યક્તિ છો, જેણે મને દાનવ નહીં પણ માનવ સમજીને વર્તન કર્યું છે. આપ વિદાય લો છો તેનું મને દુ:ખ છે. આપ દીર્ધજીવન જીવો તેવી મારી પ્રાર્થના છે. હું હવે લાંબુ જીવવાનો નથી.’ અને નવાઈની વાત તો એ છે કે ત્યાર બાદ છ માસે માર્શલ સ્ટાલીનનું મૃત્યુ થયું.

20 વર્ષની ઉંમરે ‘ધ એથિક્સ ઓફ વેદાન્ત’ પર ડૉ. રાધાકૃષ્ણને મહાનિબંધ લખ્યો અને એમ.એ. (દર્શનશાસ્ત્ર)ની ડિગ્રી મેળવી. એમના પરિક્ષક એ. જી. હાગે લખ્યું છે, ‘દર્શનશાસ્ત્રની સમસ્યાઓને એ સરસ રીતે સમજે છે. સમસ્યાઓ એમણે હૃદયંગમ કરી છે. અઘરા તર્કને એ સારી રીતે રજૂ કરી શકે છે. અંગ્રેજી  ભાષા પરનું એમનું પ્રભુત્વ વિલક્ષણ છે.

1908માં પ્રેસિડન્સિ કોલેજના અધ્યાપક બન્યા. 1918માં 30 વર્ષની ઉંમરે તેઓ મૈસુરમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસર બન્યા. કલકતા યુનિવર્સિટીમાં ‘કિંગ જ્યોર્જ ધ ફિફ્થ ચેર’ પર એમની નિમણુક દર્શનશાસ્ત્રના પ્રોફેસર રૂપે થઈ. ત્યાર પછી મૈસુર યુનિવર્સિટીના કુલપતિ બન્યા. 1921માં મૈસુર છોડીને કોલકાતા આવ્યા. કલકતામાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે તેમણે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવી. ત્યાર પછી ઇંગ્લેડની વિશ્વવિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એમને પ્રોફેસરપદનું આમંત્રણ પાઠવ્યું. જાન્યુઆરીથી જૂન તેઓ ઓક્સફર્ડમાં શિખવતા અને જૂન થી ડિસેમ્બર કોલકાતામાં શિખવતા. 1931માં તેઓ આંધ્ર યુનિવર્સિટીના કુલપતિ બન્યા. એમણે અહીં સર જહાંગીર કોયાજી, પ્રો. હીરેન મુર્ખજી, ડૉ. હુમાયુન કબીર, ડૉ. સમ સુન્દરમ, ડૉ. નીય, ડૉ. શેષાદ્રી, ડૉ. વી. કે. આર. વી. રાવ જેવા પ્રથમકક્ષાના વિનયન અને વિજ્ઞાન વિભાગના અધ્યાપકોને એ યુનિવર્સિટીમાં ભેગા કર્યા. સાથે એમનું કોલકાતા અને ઓક્સફર્ડનું કાર્ય તો ચાલુ જ હતું. રાષ્ટ્રસંઘની બૌદ્ધિક સહકાર સમિતિમાં પણ કામ કર્યું છે. 1939માં તેઓ બનારસ યુનિ.ના કુલપતિ બન્યા. એમનું કોલકાતા, બનારસ અને ઓક્સફર્ડ ત્રણેય સ્થળનું કાર્ય ચાલુ રહ્યું. ત્યાર પછી વડોદરાના મહારાજાએ તુલનાત્મક ધર્મની એક ચેર ઊભી કરી અને એમના આમંત્રણથી તેનું પ્રોફેસરપદ તેમણે સ્વીકાર્યું. પછી કોલકતા યુનિ.ના પ્રાધ્યાપકપદેથી રાજીનામું આપ્યું. 20માર્ચ, 1941ના દિવસે એમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી ભારે હૃદયે વિદાય લીધી. એમની સેવાઓની કદર કરીને એમને એલ. એસ. ડી.ની માનદ ઉપાધિ આપી અને તેઓ પ્રો. રાધાકૃષ્ણનમાંથી ડૉ.રાધાકૃષ્ણન બન્યા.

1926માં ઓક્સફર્ડ યુનિ.ની માન્ચેસ્ટર કોલેજમાં ‘ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ’ વિશે વ્યાખ્યાનો આપ્યાં. ધોતિયું, પાઘડી અને લાંબો કોટ પહેરીને સૌને મંત્રમુગ્ધ કરી દે તેવાં અંગ્રેજી ભાષામાં વ્યાખ્યાનો આપ્યાં. એ વખતના ‘ધ હિબર્ટ’ના સંપાદકે કહ્યું,‘ભારત બહાર સર્વપ્રથમ અમારે ત્યાં આપે વ્યાખ્યાનો આપ્યાં, તે અમારે માટે ગૌરવનો વિષય છે.’ એવી જ રીતે કેમ્બ્રિજમાં એમણે ‘બ્રેડલે અને શંકર’ વિશે વ્યાખ્યાનો આપ્યાં. બ્રિટીશ પત્રોએ એમની પ્રશંસા કરતાં કહ્યું, ‘ડૉ. રાધાકૃષ્ણનનું જ્ઞાન ઘણું ઊંડું અને વિસ્તૃત છે. પૂર્વ અને પશ્ચિમ એ બન્ને તત્ત્વજ્ઞાનના તેઓ મહાપંડીત છે. લંડન યુનિવર્સિટીમાં હિબર્ટ વ્યાખ્યાનમાળા આપી ત્યારે તેના કુલપતિએ એમના ભાષણને અદ્વિતીય ગણાવીને કહ્યું, ‘આપના જેવા મહાન ભારતીય શિક્ષકનું ભાષણ સાંભળીને અમને સાચું સુખ અને આનંદ મળ્યાં છે.

‘ઇન્ડિયન ફિલોસોફી’ પર લખેલા બે ગ્રંથો પર આખું વિશ્વ વારી ગયું. ‘આઇડિયાલિસ્ટ વ્યૂ ઓફ લાઈફ’ના પ્રકાશને પૂર્વ અને પશ્ચિમના વિચારોના સમન્વયકર્તા તરીકે એમને સ્થાપિત કર્યા. ઈસ્ટર્ન રિલિજિયન એન્ડ વેસ્ટર્ન થોટના પ્રકાશન દ્વારા અનેક દાર્શનિકો અને વિચારકોને નવો વિચાર કરતા કરી દીધા. ‘પ્રસ્થાનત્રયી’માં વેદાન્ત તત્ત્વજ્ઞાનના નવા અભિગમની ચર્ચા કરી. એમની પ્રખર બુદ્ધિ અને અનોખી રજૂઆતથી એક અગ્રગણ્ય દાર્શનિક બન્યા. એમના 25 જેટલા ગ્રંથો વિશ્વમાન્ય બન્યા. એમની વિદ્વતા, વ્યવહારકુશળતા, આગવી દાર્શનિક દૃષ્ટિ, મુત્સદ્દીપણુ અને વહીવટકારની આગવી શક્તિને કારણે એમનામાં કેટલાય સદ્ગુણોનો સંગમ થયોે છે. 1967માં નિવૃત્તિ લીધા પછી તેઓ મદ્રાસમાં રહીને અધ્યયન-અધ્યાપન કાર્ય કરતા રહ્યા. 16મી એપ્રિલ 1975ના રોજ આ મહાન વિભૂતિએ આપણી વચ્ચેથી વિદાય લીધી.

Total Views: 139
By Published On: September 1, 2018Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram