આપણે ત્યાં તો ચોમાસુ અને શ્રાવણ મહિનો એટલે વ્રત-ઉપવાસનો મહિનો. એટલે આ મહિનામાં ચોમાસુ ફળોનો ઉપાડ પુષ્કળ થાય. ચોમાસાની શરૂઆતથી લઈને આપણે ત્યાં મુખ્યત્વે રાવણાં જાંબુ, સફેદ જાંબુ, બદામ, ફાલસા, નાસપતી, પીચ, જલદારુ (પ્લમ), ખારેક અને અમુક કેરી મળતી હોય છે. હવે તો લીચી અને ચેરી જેવાં ગુજરાતમાં ન થતાં ફળો પણ આપણે ત્યાં છૂટથી મળવા લાગ્યાં છે.

આમ તો કુદરત આપણા ઉપર પૂરેપૂરી મહેરબાન છે. જે ઋતુમાં સ્વાસ્થ્ય જાળવણી માટે જે જરૂરી હોય તેવાં ફળ-ફૂલ તે કુદરતી રીતે જ ઉગાડી દે છે. ચોમાસાની ઋતુમાં આવતાં ફળ સ્વાદે વધુ ગળ્યાં અને ખાટાં હોય છે. આ ખટાશ એસ્કોર્બિક અને સાઈટ્રીક એસિડયુક્ત હોય છે.

ચોમાસાનાં ફળોના ગુણ પણ વિશિષ્ટ હોય છે. ચોમાસામાં પાચનની અનિયમિતતા, કફજન્ય રોગો, તાવ-શરદી, ત્વચાના રોગો અને રોગપ્રતિકારકતામાં ઘટાડો મુખ્યત્વે જોવા મળે છે. અને ચોમાસુ ફળોમાં આ બધી તકલીફોના નિવારણ કરી દે તેવા ગુણો કુદરતે મૂકેલા છે. ચોમાસામાં આવતાં ખટ્ટમીઠાં ફળો સ્વાદે ખાટાં એટલે હોય છે કે તે વિપુલ માત્રામાં એસ્કોર્બિક એસિડ એટલે કે વિટામીન સી ધરાવે છે. વિટામીન સી આપણને પુષ્કળ પ્રમાણમાં રોગપ્રતિકારકતા આપે છે અને ચોમાસાના રોગોથી બચાવે છે.

વિટામીન સી આપણા શરીરને રોગોનાં કીટાણુઓ સામે લડવાની શક્તિ આપે છે. જ્યારે આપણે ખટ્ટ્મીઠાં ફળો ખાઈએ છીએ, ત્યારે વિટામીન સીનો મેગાડોઝ આપણાં શરીરમાં ઠલવાય છે. આને લીધે ચોમાસામાં ખૂબ સામાન્ય રીતે થતાં ચેપજ્ન્ય રોગો, શરદી, તાવ વગેરે સામે રક્ષણ મળે છે. વિટામીન સી આપણી ત્વચાના અધિચ્છદીય પડને મજબૂતી બક્ષે છે. એટલે ચોમાસામાં ત્વચા સુંવાળી રહે છે અને ત્વચાના રોગો સામે રક્ષણ મળે છે.

ચોમાસુ ફળોનો બીજો એક ફાયદો છે કે એ પાચન સુધારે છે. રસદાર અને ખાટાં ફળો એસિડિક હોય છે. ચોમાસામાં વરસાદી અને ગંદા પાણીની ભેળવણીથી આપણું  ભોજન પણ ક્યાંકને ક્યાંક તો પ્રદૂષિત થાય જ છે. પેટમાં પહોંચેલાં જીવાણુઓ ચોમાસામાં ઝાડા, અપચો, પેટમાં ચૂંક આવવી જેવી તકલીફો ઊભી કરે છે. ફળોની ખટાશ આપણા જઠરમાં એસિડિક માધ્યમ ઊભું કરે છે. રોગકારક બેક્ટેરિયા આવાં એસિડિક માધ્યમમાં જીવી શકતાં નથી. જઠરનો હાઈડ્રોક્લોરિક એસિડ ફળોનાં એસિડ સાથે મળીને રોગકારક જીવાણુઓનો ખાત્મો કરે છે. આમ જોઈએ તો ચોમાસાનાં ફળોનું સેવન આપણને પાચન સંબંધી સમસ્યાઓથી પણ બચાવે છે.

આપણે આ ફળોના સ્વાદની મજા તો ખૂબ માણતાં હોઈએ છીએ. પરંતુ કુદરતે આ ફળોને તેના વિશિષ્ટ સ્વાદની સાથે પોષક તત્ત્વોનું ફૂલફ્લેજ્ડપેકેજ પણ આપેલું છે. તો ચાલો, આજે એના મજેદાર ગુણોનો પણ આસ્વાદ માણીએ.

જાંબુ:

રાવણાં જાંબુ દેખાવે ભલે કાળાં હોય, પણ ગુણોમાં બહુ રૂપાળાં છે. ઘણા લોકો જાંબુને ભૂલમાં બ્લેકબેરી કહી દેતાં હોય છે. પણ જાંબુને અંગ્રેજીમાં પણ જામુન અથવા જાંબુલ કહેવાય છે. ‘ભગવાનનું ફળ’ જાંબુનું મૂળ વતન તો ભારત જ છે. અહીંથી તે છેક અમેરિકા અને વિશ્વના બીજા દેશોમાં પહોંચ્યાં અને અત્યારે નાનાં-મોટાં બધાંને જાંબુ પ્રિય છે. આયુર્વેદમાં જાંબુને મધુપ્રમેહને કાબૂમાં રાખનાર અને પેટનાં દર્દોમાં ફાયદાકારક બતાવાયાં છે. જાંબુ ખાધા પછી બ્લડશ્યુગરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. જાંબુનાં પલ્પ અને ઠળિયામાંથી ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટેનાં ચૂર્ણ બનાવાય છે. યુનાની અને ચાઈનીઝ ચિકિત્સા પદ્ધતિમાં પણ જાંબુને વિવિધ રોગના ઉપચારમાં ઉપયોગી દર્શાવાયાં છે. જાંબુ બ્લડપ્રેશરને પણ કાબૂમાં રાખે છે અને જીંજીવાઈટીસ (પેઢાના રોગો) અને એસિડિટિ સામે રક્ષણ આપે છે.

જાંબુમાં સારી માત્રામાં વિટામીન સી, પોટેશિયમ, માઈક્રોન્યુટ્રિઅંટ્સ અને એન્ટીઓક્સીડંટ્સ રહેલાં હોય છે. જાંબુનો તુરાશ પડતો એંસ્ટ્રીંજંટ સ્વાદ તેમાં રહેલાં ફાયદાકારક ફ્લેવેનોઈડ્સ અને ફ્લેવોન જેવાં રસાયણોને લીધે હોય છે. જાંબુ ખૂબ લો કેલરી ફળ છે, જેથી ડાયેટીંગ કરનારાઓ પણ તેની મજા માણી શકે છે. જાંબુનાં સ્વાદ અને ગુણોથી ખુદ ભગવાન પણ મોહિત હશે અને કદાચ એટલે જ તો ભગવાન જગન્નાથજીને પણ રથયાત્રામાં જાંબુનો પ્રસાદ ચઢે છે!

ખારેક:

ગુજરાતમાં ખલેલાં તરીકે ઓળખાતી ખારેકનું કચ્છ અને મુંદ્રા ઘર ગણાય છે. કચ્છનો સૂકો-ખારો વિસ્તાર મધમીઠી ખારેક પકવી જાણે છે. ખારેક પીળા અને લાલ રંગમાં જોવા મળે છે. ખારેકની સ્વાદિષ્ટ વેરાઈટીઓમાં બરીહી, હાયાની, ખસ્તાવી, આમીર હજ્જ અને મીગ્રાફ જેવી વેરાઈટીઓ ખૂબ સ્વાદિષ્ટ ખારેકમાંની એક ગણાય છે.

તાજી ખારેક ભરપૂર માત્રામાં શર્કરા અને શક્તિ ધરાવે છે. દર સો ગ્રામે 696 મિ.ગ્રામ જેટલું ભરપૂર પોટેશિયમ ધરાવતી ખારેક પોટેશિયમનો શ્રેષ્ઠ સ્રોત છે  હૃદયરોગ અને બ્લડપ્રેશરમાં ફાયદાકારક છે. ઉપરાંત ખારેકમાં મેગ્નેશિયમ, કોપર, ઝીંક જેવાં સૂક્ષ્મમાત્રાનાં ખનીજો પણ ભરપૂર છે. એ બધાં હાડકાંની મજબૂતી તેમજ લાલ રક્તકણો બનાવવા માટે જરૂરી છે. ખારેક વિટામીન બી કોમ્પ્લેક્ષનો સારો સ્રોત તો છે જ, સાથોસાથ તેમાં વિટમીન બી5 અને બી6 પણ મોજૂદ છે. ખારેકમાં બીટા કેરોટીન પુષ્કળ માત્રામાં હોય છે. એ શરીરમાં જઈને વિટામીન ‘એ’માં રૂપાંતરિત થાય છે. સાથોસાથ તેમાં ફ્લેવેનોઈડ અને લ્યુટીન નામનાં એંટીઓક્સીડંટ પણ હાજર છે. ખારેક સસ્તું અને સૌને પરવડે એવું અને છતાંયે અત્યંત પોષક ફળ હોવાથી ઝડપી વિકાસ પામતાં બાળકોને તો અચૂક આપવું જ જોઈએ.

બદામ:

દેશી તાજી બદામ ખૂબ જ સ્વાદિષ્ટ અને ખનીજક્ષારોથી ભરપૂર ફળ છે. ગુજરાતના કાંઠાળ વિસ્તારો ઓખા, જામનગર વગેરે જગ્યાએ બદામનાં ઝાડ પુષ્કળ માત્રામાં ઘર-ઘરાઉ ઊગેલાં જોવાં મળે છે. કમનસીબે પરદેશી નકામાં વૃક્ષોનાં વૃક્ષારોપણમાં આપણે આ દેશી, પરંતુ અતિ-ઉપયોગી ફળાઉ વૃક્ષને વાવવાનું વિસરી રહ્યાં છીએ. ટચૂકડી બદામમાં સરસ માત્રામાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને ડાયેટરી ફાઈબર્સ રહેલાં હોય છે. વળી કાર્બોદિત અને કેલેરીને નામે લગભગ મીંડું હોય છે. એટલે ડાયાબિટીસ કે મેદમયતાનાં દર્દીઓ પણ આ મજેદાર ફળની જયાફત ઉડાવી શકે છે. બદામમાં એંથ્રોસાયનીન નામનાં પીગ્મેંટ્સ આવેલાં હોય છે. એ તેને પાક્યા બાદ ફાલસા-બદામી-મરુન રંગ આપે છે. સાથે એંટીઓક્સીડ્ન્ટ્સ પણ આપે છે. આ ચોમાસે ઘર આંગણે બદામનું ઝાડ વાવવા જેવું ખરું.

નાસપતી:

નાસપતીને અંગ્રેજીમાં પેર કહેવાય છે. નાસપતી મૂળ ચીન, કોરિયા જેવા મોંગોલ દેશનું ફળ છે. જાપાનમાં તેને ‘નાશી’ કહેવાય છે. જાપાનીઝ ‘નાશી’ અને અંગ્રેજી ‘પીયર કે પેર’ પરથી એશિયનોએ આ ફળને ‘નાસપતી’ નામે અપનાવ્યું છે. આ ફળ સોલ્યૂબલ અને નોનસોલ્યૂબલ બંને પ્રકારનાં ડાયેટરી ફાઈબર્સ ધરાવે છે. જો છાલ સાથે ખવાય તો નાસપતીનાં ફાઈબર્સનો ભરપૂર લાભ મળે છે. નાસપતીમાં સારી માત્રામાં ફ્રૂક્ટોઝ, વિટામીન સી, પોટેશિયમ, ફોસ્ફરસ અને બીજાં ખનીજ તત્ત્વો આવેલાં છે. વિદેશોમાં તો નાસપતીને ઓવનમાં રાંધીને તેમાંથી અનેકવિધ વાનગીઓ પણ બનાવાય છે.

પીચ:

જોતાં જ ખાવા માટે લોભાઈ જઈએ એટલાં સુંદર આ ફળ છે. તેની છાલ એકદમ વેલવેટી-મખમલી હોય છે. એના પીળાશ પડતા રંગ પર ફળ પાકે તેમ લાલ ચૂમકીઓ બેસતી જાય છે. પીચ બદામ કુળનું ફળ ગણાય છે, જેનો લાલચટ્ટાક ઠળિયો તોડતાં અંદરથી નાની બદામ પણ નીકળી આવે છે. પીચ અનેક વિટામિન્સથી ભરપૂર છે, જે નાનાં મોટાં સહુને ભાવે છે. ભારતનાં ઉત્તરનાં રાજ્યો જેવાં કે હિમાચલ પ્રદેશ વગેરેમાં પીચની ફસલ વિપુલ માત્રામાં લેવાય છે. પીચ નિમ્ન માત્રામાં કેલેરી અને કાર્બોદિત ધરાવે છે. એથી ડાયાબિટીસ અને વધુ વજનવાળા લોકો પણ બેહીચક તેની મજા માણી શકે છે.

ચેરી અને લીચી:

ટચૂકડાં બોર જેવી ખૂબ સ્વાદિષ્ટ ચેરી અને સ્ટ્રોબેરી તરીકે ઓળખાતું આ ફળ અને મસ્ત મજાની લીચી હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં પુષ્ક્ળ થાય છે. આ ફળો રજવાડી ફળ ગણાય છે. એ અનેક શાહી પકવાનો, ડીઝર્ટ, કેક અને બેકરી પ્રોડક્ટ્સ બનાવવામાં વપરાય છે. ચેરી અને લીચી વિટામીન એ, વિટામીન સી અને ખનિજક્ષારો સારી માત્રામાં ધરાવે છે. પરંતુ આપણે ત્યાં મળતી ચેરી અને લીચી દિવસો સુધી ટ્રાન્સપોર્ટેશન કરીને રેફ્રીજરેટેડ ગોડાઉનોમાં રહીને આવેલી હોય છે. એટલે વાસ્તવમાં તેમાં કેટલાં પોષકતત્ત્વો જળવાઈ રહ્યાં હશે, એ નક્કી કરવું મુશ્કેલ બને છે.

રસબસતાં ચોમાસુ ફળોના મજેદાર સ્વાદ અને ગુણોને જાણ્યા-માણ્યા પછી સાચો ‘ફળાહાર’ કરીને ઉપવાસ કરવા આકરા નહીં, પરંતુ આનંદદાયક લાગે, ખરું કે નહીં ?

Total Views: 1,869

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.