આધ્યાત્મિક જીવનની શરતો

આદર્શમાં શ્રદ્ધા

ઉચ્ચતમ આધ્યાત્મિક અનુભૂતિ મેળવતાં પહેલાં પણ આપણે પરમાત્મા પ્રત્યે અત્યંત સ્પષ્ટ અને દૃઢ શ્રદ્ધા સ્થાપિત કરી શકીએ છીએ. એનું કારણ એ છે કે એમનો ભાવ આપણી ભીતર બદ્ધમૂળ છે. આધ્યાત્મિક જીવનની પહેલી શરત આ વિશ્વાસનો ઉદય છે. આપણો આત્મા પરમાત્માનું એક પ્રતિબિંબ છે અને આપણે પ્રકાશને ભલે સ્પષ્ટરૂપે ન જોઈ શકીએ, પરંતુ પ્રતિબિંબ પ્રકાશના અસ્તિત્વને સિદ્ધ કરે છે. આપણે ચિરંતન બની રહેવા ઇચ્છીએ છીએ, એનું કારણ એ છે કે આપણું વાસ્તવિક સ્વરૂપ નિત્ય છે. દેહ, મન અને ઇન્દ્રિયો નિત્ય બની શકતાં નથી, કારણ કે તેઓ સદૈવ પરિવર્તનશીલ છે. આ બધાંથી ભિન્ન આપણો અહંબોધ છે, જે પરિવર્તિત થતો નથી. જ્યારે આપણે એ આત્મા કે અધ્યાત્મ ચેતના વિશે વિચારવાનો પ્રયત્ન કરીએ છીએ, જે કોઈ કારણથી આપણા વિચારો અને દેહબોધ સાથે જોડાઈ ગયા છે, ત્યારે આપણે વસ્તુત: ચરમ સત્યના સ્વરૂપ વિશે જ અનુસંધાન કરીએ છીએ.

જ્યાં સુધી આપણને પૂર્ણજ્ઞાન થઈ જતું નથી, ત્યાં સુધી આપણે ચરમ સત્ય વિશે કોઈ માન્યતા કે અવધારણાથી કામ ચલાવી લેવું પડશે. પરંતુ દરેક અવસ્થામાં પોતાનાં શ્રદ્ધા અને વિશ્વાસની પુષ્ટિ કરી લેવી જોઈએ. જો શ્રદ્ધા સત્ય પર આધારિત હશે, તો તે વધતી જશે. અને જો શ્રદ્ધા સત્ય પર આધારિત નહીં હોય, તો એ થોડો સમય એમ ને એમ જળવાઈ રહેશે, પરંતુ ત્યાર પછી નાશ પામશે.

જીવનનું લક્ષ્ય મુક્તિ છે, એટલે કે ભય, દુ:ખ, વારંવાર જન્મમૃત્યુનાં કષ્ટ અને શ્રમથી મુક્તિ તેમજ પરમ શાંતિની પ્રાપ્તિ છે. એને પામવાનો ઉપાય આત્મજ્ઞાન છે. ભારતમાં હજારો સંતોએ યુગોથી આ ઘોષણા કરી છે. આધ્યાત્મિક જીવનની પ્રથમ શરત આધ્યાત્મિક લક્ષ્ય અર્થાત્ આત્મસાક્ષાત્કારના લક્ષ્યમાં શ્રદ્ધા છે. પોતાની સાધનાનો પ્રારંભ કરતાં પહેલાં આ લક્ષ્ય સ્પષ્ટ અને સુનિશ્ર્ચિત હોવું જોઈએ. આપણને લક્ષ્ય અર્થાત્ જીવનના લક્ષ્ય તથા પથની ઘણી સ્પષ્ટ ધારણા હોવી જોઈએ. જ્યાં સુધી આપણા બધા વિચાર અને ભાવનાઓ અસ્પષ્ટ, ધૂંધળાં અને કાલ્પનિક બની રહેશે, ત્યાં સુધી આપણા જીવનમાં નિરંતર દ્વન્દ્વ-સંઘર્ષ થતો રહેશે. અને તે આપણામાંથી મોટા ભાગનાને લક્ષ્ય તરફ એક ડગલુંયે આગળ વધવા નહીં દે. આપણું ચિંતન ઘણું છીછરું હોય છે, આપણી ભાવનાઓ ગહનગંભીર હોતી નથી; આપણી ઇચ્છાઓ અને ક્રિયાઓની દિશાઓ અનિશ્ર્ચિત હોય છે. એમની પાછળ કોઈ વાસ્તવિક ઉત્કટ પ્રેરણા કે સ્પષ્ટ પ્રયોજન અથવા ગહન ચેતના હોતાં નથી.

ઝેન બૌદ્ધ સાહિત્યમાં એક બોધપ્રદ વાર્તા છે : ‘એક સાધુએ એક ઝેન આચાર્યને પૂછ્યું, ‘હું એ સમજું છું કે જ્યારે એક સિંહ પોતાના શિકારને – પછી ભલે એ સસલું હોય કે હાથી-પકડે છે, ત્યારે પોતાની બધી શક્તિ પૂરેપૂરી કેન્દ્રિત કરીને એક જ પ્રહારમાં પૂર્ણ કરે છે. આ શક્તિનું કયું સ્વરૂપ છે ?’ આચાર્યે ઉત્તર આપ્યો, ‘પૂરેપૂરી ઈમાનદારીનો ભાવ, પોતાની જાતને ન છેતરવાની શક્તિ.’ (આ સંક્ષિપ્ત ઉત્તરની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે.)

ન છેતરવાનો અર્થ છે, પોતાની પૂરેપૂરી શક્તિ કામે લગાડી દેવી. આને પોતાની સમગ્ર સત્તાને કાર્યમાં લગાડી દેવાનું કહે છે. એમાં કંઈ બચાવી લેવાતું નથી અથવા બાહ્ય આવરણમાં કોઈ છળકપટ નથી હોતાં, થોડી ઘણી શક્તિ પણ વ્યર્થ જતી નથી. જ્યારે મનુષ્ય આવું જીવન જીવે છે, ત્યારે તે ‘નરકેસરી’ કહેવાય છે અને તે પૌરુષ, ઈમાનદારી, પૂર્ણનિષ્ઠાનું પ્રતીક બને છે.’

બીજા શબ્દોમાં કહીએ તો આધ્યાત્મિક જીવનમાં જે વાતની આવશ્યકતા છે તે આ છે કે આત્માના વાસ્તવિક સ્વરૂપની પ્રાપ્તિ કરવાની પોતાની ક્ષમતામાં શ્રદ્ધા. આ શ્રદ્ધા સમસ્ત રુંધાયેલી શક્તિને સાચી દિશામાં પ્રવાહિત કરી દે છે.

સંશય એક ઘણી મોટી બાધા છે. એ આધ્યાત્મિક જીવનમાં બધી પ્રગતિને અવરુદ્ધ કરી શકે છે. આ બધી બાધા પ્રારંભિક અવસ્થાના સાધકો સમક્ષ ક્યારેક ને ક્યારેક ઊભી થાય છે. સંશયનો અર્થ છે, સ્વયં તથા પરમાત્મામાં શ્રદ્ધાનો અભાવ. અને પરમાત્માનો સાક્ષાત્કાર કર્યા વિના તે સંપૂર્ણ રીતે દૂર થતો નથી. વળી આપણે સંશયને અભિભૂત થવા દેવો ન જોઈએ તથા આધ્યાત્મિક જીવનમાં પ્રગતિના પોતાના સંકલ્પથી વિચલિત થવું ન જોઈએ.

આપણે પોતાના મનમાં આ દૃઢ નિશ્ર્ચય કરી લેવો જોઈએ કે ઇહલૌકિક કે પારલૌકિક સુખભોગ આપણા જીવનનું લક્ષ્ય નથી. આધ્યાત્મિક અનુભૂતિ જ આપણું એક માત્ર લક્ષ્ય હોવું જોઈએ. વાસ્તવમાં સ્વર્ગસુખ પણ પાર્થિવસુખથી શ્રેષ્ઠતર નથી. જ્યાં સુધી આપણામાં સ્વર્ગ-સુખભોગની લાલસા છે, ત્યાં સુધી આપણે આધ્યાત્મિક લક્ષ્ય પ્રાપ્ત કરી શકતા નથી. અંતે તો સ્વર્ગ પણ એક ઘણી તુચ્છ વસ્તુ છેે.

સ્વર્ગારોહણ વિશે એક કથા છે : ‘એક ગોલ્ફ પ્રેમી મૃત્યુ પામીને સ્વર્ગમાં ગયો. ત્યાં પહોંચતાં જ એણે પૂછ્યું, ‘શું અહીં ગોલ્ફ રમવાનું મેદાન છે ?’ તેને આવો જવાબ મળ્યો, ‘ગોલ્ફનું મેદાન અને તે વળી સ્વર્ગમાં ? આવું તો ક્યારેય ન બને.’ આ સાંભળીને પેલાએ કહ્યું, ‘તો પછી મારે આવું સ્વર્ગ નથી જોઈતું. હું બીજી જગ્યાએ જાઉં છું.’ એટલે એને બીજે સ્થળે લઈ જવામાં આવ્યો. ત્યાં પ્રવેશ કરતાંવેંત તેના પથદર્શકે ગોલ્ફનું ઘણું સારું મેદાન બતાવ્યું. એ જોઈને તેણે પૂછ્યું, ‘ભલા ભાઈ, પરંતુ ગોલ્ફ રમવા માટેની લાકડી છે ?’ પેલા પથદર્શકે કહ્યું, ‘ભાઈ અહીં કેવળ ગોલ્ફનું મેદાન જ છે, ગોલ્ફ રમવાની લાકડી નથી અને એ જ નરકનું દુર્ભાગ્ય છે.’

આપણે સંપૂર્ણ સાંસારિક જીવન અને ઉચ્ચતર જીવન એકી સાથે ન જીવી શકીએ. આપણે સાંસારિક પ્રેમ તરફ ભાગતા રહીએ છીએ અને સાથે ને સાથે ઉચ્ચતર ભગવત્-પ્રેમ પણ પ્રાપ્ત કરી લઈએ, એ ન બની શકે. ભગવાન અને સંસારનો પ્રેમ, ભગવાન અને સંસારની વાસનાઓ તેમજ સુખ એકી સાથે ન રહી શકે. જેમ મહાન સંત તુલસીદાસે કહ્યું છે, ‘जहाँ काम तहाँ राम नहीं, जहाँ राम तहाँ नहीं काम ।’ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે, ‘તમે ઈશ્વર અને શેતાનની એકી સાથે સેવા ન કરી શકો.’

આપણે પોતાના મનને ઢંઢોળીએ અને પૂછીએ, શું આપણે ખરેખર ઈશ્વરને ચાહીએ છીએ ? જો આપણે સંસારના લોકોનો પ્રેમ ઇચ્છીએ છીએ અથવા દુનિયાની ચીજવસ્તુઓ મેળવવા ઇચ્છીએ છીએ, તો આપણને ઈશ્વરની આવશ્યકતા નથી. જો આપણે સંસારની ચીજવસ્તુઓમાં સંતોષ અને તૃપ્તિનો અનુભવ કરીએ, તો એટલું સમજી લેવું જોઈએ કે આપણને ઈશ્વરની જરૂર નથી. આવી પરિસ્થિતિમાં જો ઈશ્વર આપણને ન મળે તો ફરિયાદની કોઈ વાત જ રહેતી નથી. એટલે સાધકે પોતાની જાતને વચ્ચે વચ્ચે પૂછતાં રહેવું જોઈએ કે શું ખરેખર તે ઈશ્વરને ચાહે છે અથવા કોઈ બીજી ચીજવસ્તુની ઇચ્છા રાખે છે. જો તે વાસ્તવમાં ઈશ્વરને ચાહે છે તો તેને ઈશ્વર ચોક્કસ મળશે જ, કારણ કે ઈશ્વર એવા જ ભક્તની પાસે આવે છે કે જે કેવળ એમને જ ચાહે છે. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘જો સાધક ઈશ્વર તરફ એક કદમ આગળ વધે છે, તો ઈશ્વર તેની તરફ દશ કદમ આગળ આવે છે.’     (ક્રમશ:)

Total Views: 286

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.