પંદર વર્ષની ઉંમરે જ્ઞાનદાનાં લગ્ન થયાં તે પહેલાં પિતા મૃત્યુ પામ્યા. સાસરિયામાં સાર્વત્રિક અનાદર અને અપમાનને કારણે એનો સંસાર પણ બળી ગયો. એના પતિએ પણ ત્રણેક વર્ષ પછી બીજાં લગ્ન કર્યાં. એટલે સાસરિયું ન ઝીરવી શકવાથી વિધવા માતા સાથે પિયરમાં રહેવું પડ્યું.

વિધવા માતાની આબરૂ સારી ન હતી. ઘર ચલાવવું મુશ્કેલ. મોદીની દુકાનેથી માલ આવતો પણ દેવું ચૂકવવા મોદીના દીકરાએ જ્ઞાનદાના દેહની માગણી કરી. ઘરને નિભાવવા આ સન્નારીએ પોતાનો દેહ વેચ્યો. પછી તો મોદીના દીકરાના ચાર મિત્રો પણ એના દેહ દ્વારા વાસના સંતોષવા માગતા હતા. જ્ઞાનદાએ એ માટે હા પાડી, પણ ઓરડામાં ઘાસલેટ છાંટીને એ ચારેયને કાયમને માટે યમના ઘેર વિદાય કરી દીધા. આ જ્ઞાનદા જેલમાં જાય છે. જેલમાં એને એકાકી ઓરડીમાં રાખવામાં આવે છે. જેલર પાસે ચોપડીની માગણી કરે છે. પરંતુ વાંચવા માટે નબળી નવલકથાઓ આપવી એના કરતાં એમણે એમના હાથમાં શ્રી‘મ’ના કથામૃતનો ભાગ-1 મૂક્યો. પણ જ્ઞાનદાએ તો ફરીથી પેલી નવલકથાઓની જ માગણી કરી અને ‘આવાં બધાં ધર્મનાં વ્યાખ્યાન મારાથી સહન થતાં નથી,’ એમ કહીને અણગમો પણ વ્યક્ત કર્યો. એણે એ પુસ્તક ઉઘાડ્યું પણ ન હતું. પણ જેલરે કહ્યું, ‘નામ જોઈને શા માટે ભડકે છે ? એ પણ વાર્તાની જ ચોપડી છે. પુષ્કળ મજાની વાતો છે. વાંચી તો જો એકવાર.’ ચોપડી તો લીધી પણ મોઢાના હાવભાવ પરથી દલીલો નકામી ગઈ એવું લાગ્યું.

પંદર દિવસ પછી જ્યારે જ્ઞાનદા સાથે મુલાકાત થઈ, ત્યારે મેં(લેખક) જોયું તો કોઈ જાદુઈ લાકડીના સ્પર્શથી રાતોરાત તે બદલાઈ ગઈ હતી. તેનામાં ઉગ્રતા ન હતી, એને બદલે કોમળતા આવી ગઈ. તેનામાં લજ્જાહીન પ્રગલ્ભતાને બદલે લજ્જાનમ્ર મધુર સંકોચ જોવા મળ્યો… મૃદુ હસીને તેણે સ્નિગ્ધ કંઠે કહ્યું, ‘દરવાજો જરા ઉઘાડવાનું કહોને !’

પછી જાડા સળિયાવાળો ભારે દરવાજો ખોલ્યો. મેટ્રન અને ફિમેલવોર્ડર પણ અડોઅડ ઊભાં. એ ભલે સ્ત્રી હોય પણ ખૂની તો ખરી ને ! જ્ઞાનદા માથું નમાવીને બહાર આવી. ગળે છેડો લઈને મારા પગ પાસે પ્રણામ કર્યા. મૃદુ કંઠે જાણે કે મનમાં ને મનમાં બોલતી હોય તેમ કહ્યું, ‘આજે મનને ખૂબ સારું લાગે છે.’ મારા મોં તરફ પોતાની વિશાળ આંખો માંડીને તેણે પૂછ્યું, ‘વારુ, આ બધું શું સાચું છે ? ઠાકુર આવા હતા ? આવા ભોળા, સરળ, સદાશિવ જેવા ? આવી સુંદર વાતો તેઓ કહી ગયા છે ?’

કદાચ આ બધા પ્રશ્નો ન પણ હોય. પ્રશ્નો હોય તોયે એના જવાબ પોતાના જ મન પાસે માગ્યા હતા. હું તો નિમિત્તમાત્ર હતો. એટલે મૂંગો રહ્યો…. થોડો સમય વીત્યા પછી મેં કહ્યું, ‘તો તો આ ચોપડી તને ગમી લાગે છે, ખરું ને ?’

એનો કંઈ જવાબ ન મળ્યો. માત્ર તેની આંખો મિંચાઈ ગઈ, મુખ પર એક પ્રકારનું તૃપ્તિમય મૃદુ હાસ્ય છવાઈ ગયું. કેટલીક ક્ષણો સુધી જ્ઞાનદા એમ ને એમ તલ્લીનભાવે ઊભી રહી. અને પછી ધીરે ધીરે પોતાની ખોલીમાં ચાલી ગઈ.

થોડા દિવસ પછી એક રિપોર્ટ (ફરિયાદ) આવ્યો. ગિરિબાલાને બોલાવીને પૂછ્યું. તેણે કહ્યું, ‘પંદર દિવસ થયા એટલે કારકુન સાહેબે ચોપડી પાછી માગી. હુકમ સાંભળવાનું તો એક બાજુએ રહ્યું, ઊલટાના દસ બોલ સંભળાવીને કહ્યું કે ‘રિપોર્ટ કરવા દો, મારે જે કહેવું હશે તે હું મોટા સાહેબ આગળ જ કહીશ.’ બિચારી ગિરિબાલાને દુ:ખ થયું. પોતાના મોટા મેટ્રનને જીવનમાં આવું નંગ એકેય મળ્યું નહીં હોય. એટલે મેં નક્કી કર્યું કે કારકુનબાબુને બોલાવીને જ વાત કરીશ.

….જ્ઞાનદાની પણ ફરિયાદ હતી. પહેલે દિવસે ખોલીના દરવાજા પાસે મુલાકાત થઈ. ત્યાં જતાં જ બોલી ઊઠી, ‘તમારા પેલા કારકુનને જરા ધમકાવજો ને. જ્યારે ને ત્યારે કહેવડાવે છે કે આવડી અમથી ચોપડી વાંચતાં કેટલા દિવસ લાગે ? સાંભળો એની વાત ! આ ચોપડી કોઈ દહાડો પૂરી થાય એવી નથી, એ વાત મારે એને શી રીતે સમજાવવી ?’

આ જેલમાં મારી નોકરીની મુદત પૂરી થવા આવી. એકાએક એ અમોઘ આદેશ આવ્યો. છેલ્લીવાર જનાનાના ફાટક દરવાજામાં દાખલ થયો. તેની બહુ પહેલાં જ્ઞાનદાની અંધારીની મુદત પૂરી થઈ ગઈ. એકાંત નાની ઓરડીની માયા તેનાથી છૂટતી ન હતી. મેટ્રનને કહેવડાવીને પોતાની ઇચ્છાથી જ તેણે નિર્જનવાસ પસંદ કર્યો હતો. મને જોઈને બહાર આવીને પેલા દિવસની જેમ પ્રણામ કર્યા. ફક્ત ભોંયે માથું અડાડ્યું એમ નહીં, પણ કંપતા કોમળ હાથે મારા પગની રજ લીધી. ઊઠીને ઊભી થતાં જ મેં જોયું તો તેના મોં પર લોહી ધસી આવ્યું હતું. આંખો ફૂલી ગઈ હતી; તેના ખૂણામાં આંસુની રેખા સુકાયેલી હતી. લૂછવાનું ભૂલી ગઈ હોય એવું લાગ્યું. આંસુથી રુંધાયેલા કરુણ કંઠે તે એકાએક બોલી ઊઠી, ‘હવે એ લોકો મારું કથામૃત ખૂંચવી લેશે.’ એની સાથે આંખોમાં આંસુ વહેવા લાગ્યાં. સ્વાભાવિક અવાજે મેં કહ્યું, ‘ભલેને લઈ જતા. તેના બદલામાં તને બે નવી ચોપડી મળશે. એ તારી જ હશે. કોઈ દિવસ કોઈ પાછી નહીં માગે.’

‘સાચેસાચ ?’ જ્ઞાનદાની ભીની આંખોમાં તેજ આવ્યું. ત્યાર પછી તે બોલી, ‘તમે મારા પર ઘણી મહેરબાની કરી છે, તમારી પાસેથી મને ઘણો સ્નેહ મળ્યો છે. છેલ્લી વાર હજી એક વસ્તુ માગું છું…. આપશો?’ મેં કહ્યું, ‘કહે, કઈ વસ્તુ આપું?’ તેણે કહ્યું, ‘આ લોકોને જરા આઘા જવાનું કહો.’

હાથના ઇશારાથી અનુચરોને મેં આઘા કાઢ્યા. જ્ઞાનદા મારી પાસે આવી અને ગુસપુસ કરતી હોય તેમ બોલી, ‘શ્રીઠાકુરની એક છબી આપશો.’

એ વખતના જેલના કાયદામાં કેદીને કોઈપણ છબી કે ફોટોગ્રાફ રાખવાની મના હતી. કાયદા પળાવવાનો ભાર મારા માથે હતો, એટલે હું આવું ન કરી શકું. પરંતુ આ બાજુ જે બે સજ્જડ આંખો મારા ભણી જોઈને અધીરાઈથી ઉન્મુખ બનીને રાહ જોતી હતી. તેને આ બાબત સમજાવી શકાય તેમ ન હતી. સમજાવવાની જરૂર પણ ન પડી, અચાનક કોણ જાણે ક્યારે મારા મોઢામાંથી નીકળી પડ્યું, ‘આપીશ !’

બીજે દિવસે જ્ઞાનદાના કોઈ એક કલ્પિત સગા તરફથી કથામૃતના બે ભાગ એને ખાતે જમા કરાવવામાં આવ્યા. એમાં શ્રીઠાકુરની એક છબી સંતાડેલી હતી.

તે દિવસથી વરસે વરસે એક જેલથી બીજી જેલ ભટકું છું. મઠમાં, મંદિરમાં, ગૃહસ્થના ઘરમાં, કોઈપણ જગ્યાએ પણ શ્રીઠાકુરની કોઈ છબી મારી નજરે પડતી, ત્યારે તેની પાસે આંસુથી ખરડાયેલું એક સ્ત્રીનું મોં દેખાતું. લજ્જાથી, અપરાધથી, ક્ષોભથી, પશ્ર્ચાત્તાપથી મારું આખું અંતર ભરાઈ જતું. મને તે આ શું થયું છે ! પરમહંસની પાસે પાપિણી ! મારા આ અધ:પતનનો ઇતિહાસ કોને કહેવો ? એકાએક એક દિવસ મને એક જણને કહેવાનું સાંભર્યું. એટલે મેં કહ્યું, ‘હે ઠાકુર, ભુલાવી દો, એ સ્ત્રીનું મોં મને ભુલાવી દો !’

ત્યાર પછી એક દિવસ સાચે જ ભૂલી ગયો. આજે પણ બહુ પ્રયત્ન કરવા છતાં તે મુખ યાદ કરી શકતો નથી.

Total Views: 138
By Published On: October 1, 2018Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram