આસો મહિનો તહેવારોનો મહિનો છે. નવરાત્રી, દશેરા, શરદપૂર્ણિમા, વાઘબારસ – પોડાબારસ (આસો વદિ બારસ), ધનતેરસ, કાળીચૌદશ અને દીપાવલી.

અહીં આપણે નવરાત્રીના તહેવારમાં નવદુર્ગાની થતી પૂજાની વાત કરીશું. દુર્ગાદેવીનાં અસ્ત્રશસ્ત્ર :   ત્રિશૂલ, શંખ, તલવાર, ધનુષ-બાણ, ચક્ર, ગદા, કમળ અને અભય છે. તેમનાં વાહન : વાઘ, નંદી, બળદ, સિંહ, બિલાડી અને પુષ્પ છે. તેમના જીવનસાથી શિવ છે. હવે દુર્ગાસપ્તશતી ગ્રંથમાં દેવીકવચ સ્તોત્રમાં અહીં આપેલા શ્ર્લોકમાં નવદુર્ગાનાં નામ જોવા મળે છે.

प्रथमं शैलपुत्रीति द्वितीयं ब्रह्मचारिणी ।

तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकम् ॥

पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च ।

सप्तमं कालरात्रीति महागौरीति चाष्टकम् ॥

नवमं सिद्धिदात्री च नवदुर्गा: प्रकीर्तिता: ।

उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना ॥

 1. શૈલપુત્રી 2. બ્રહ્મચારિણી 3. ચંદ્રઘંટા
 2. કૂષ્માંડા 5. સ્કંદમાતા 6. કાત્યાયની
 3. કાલરાત્રી 8. મહાગૌરી 9. સિદ્ધિદાત્રી

આવી રીતે નવદુર્ગાનાં નવ નામ કે નવ રૂપ છે. હવે દરેક દુર્ગાનો મહિમા આપણે જોઈશું.

 1. શૈલપુત્રી : દુર્ગાનાં નવ સ્વરૂપ છે. તેમાંથી તેમના પ્રથમ સ્વરૂપને ‘શૈલપુત્રી’ના નામે આપણે સૌ જાણીએ છીએ. નવદુર્ગાઓમાં તેઓ પ્રથમ દુર્ગા છે. પર્વતરાજ હિમાલયના ઘેર પુત્રીરૂપે તેઓ અવતર્યાં હતાં. એટલે એમનું નામ શૈલપુત્રી પડ્યું. નવરાત્ર-પૂજનમાં પ્રથમ દિવસે એમની જ પૂજા-ઉપાસના થાય છે. મા દુર્ગાને સર્વપ્રથમ શૈલપુત્રીરૂપે પૂજવામાં આવે છે. તેમનું વાહન વૃષભ છે એટલે આ દેવી વૃષારૂઢાના નામે પણ ઓળખાય છે. શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમળ શોભે છે. તેઓ સતીના નામે પણ ઓળખાય છે. એમની એક માર્મિક કથા છે : એક વાર પ્રજાપતિએ યજ્ઞ કર્યો. આ યજ્ઞમાં બધા દેવતાઓને આમંત્રણ આપ્યું, પણ ભગવાન શિવને ન આપ્યું. સતી યજ્ઞમાં જવા વ્યાકુળ થયાં. શિવજીએ કહ્યું કે એમણે બધા દેવોને આમંત્રણ આપ્યું છે અને આપણને નથી આપ્યું એટલે ત્યાં જવું યોગ્ય નથી. સતીનો પ્રબળ આગ્રહ જોઈને શિવજીએ જવાની અનુમતિ આપી. સતી ગયાં પણ ત્યાં પોતાની માતા સિવાય તેમનાં બહેનો, પિતાએ તિરસ્કાર અને વ્યંગ કર્યા. શિવનું પણ અપમાન કર્યું. તેમને માટે આ અપમાન અસહ્ય બની ગયું, એટલે યોગાગ્નિ દ્વારા પોતાની જાતને બાળીને ભસ્મ કરી લીધી. આવા દારુણ દુ:ખથી વ્યથિત થઈને શિવજીએ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંશ કર્યો. પછીના જન્મમાં સતી શૈલરાજ હિમાલયની પુત્રીના રૂપે જન્મ્યાં. તેઓ શિવજીનાં અર્ધાંગિની બન્યાં. એમનાં મહત્ત્વ અને શક્તિ અનંત છે. પાર્વતી અને હેમવતી પણ એમનાં બીજાં નામ છે.

પ્રાર્થના :

વંદે વાંચ્છિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ્ ।

વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રીં યશસ્વિનીમ્ ॥

 1. બ્રહ્મચારિણી : નવરાત્રના બીજા દિવસે મા દુર્ગાના બીજા સ્વરૂપ ‘બ્રહ્મચારિણી’ની પૂજા-અર્ચના થાય છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનારાં – તપનું આચરણ કરનારાં. ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા તેમણે ઘોર તપસ્યા કરી હતી. આ કઠિન તપસ્યાને કારણે તેમને તપશ્ર્ચારિણી અથવા બ્રહ્મચારિણી કહે છે. મા દુર્ગાનું આ સ્વરૂપ ભક્તો અને સિદ્ધોને અનંતફળ આપે છે. તેમની ઉપાસનાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃદ્ધિ થાય છે. મા દુર્ગાનું આ સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે. એમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ રહે છે. તેમણે નારદજીના ઉપદેશથી ભગવાન શંકરને પતિરૂપે પામવા ઘોર તપ કર્યું હતું. 1000 વર્ષ સુધી તેઓ કેવળ ફળફૂલ ખાઈને તપ કરતાં રહ્યાં. 100 વર્ષ સુધી જમીન પર રહીને શાક પર પોતાનો નિર્વાહ કર્યો. કઠિન ઉપવાસ કર્યા, ખુલ્લા આકાશ નીચે સૂર્યનો તાપ અને વર્ષાનાં ઘોર કષ્ટ સહન કર્યાં. 3000 વર્ષ સુધી તોડેલાં બિલ્વપત્ર ખાઈને શિવની આરાધના કરી. પછી એમણે સૂકાં બિલ્વપત્ર ખાવાનું પણ છોડી દીધું. કેટલાંયે હજાર વર્ષો સુધી નિર્જળ અને નિરાહાર રહીને તપસ્યા કરતાં રહ્યાં. પાંદડાં પણ ખાવાનું છોડી દીધું એટલે એમનું નામ અપર્ણા પડ્યું. કઠિન તપસ્યાને લીધે દેવીનું શરીર સાવ ક્ષીણ થઈ ગયું. દેવતા, ઋષિ, સિદ્ધો, મુનિ બધાએ એમના તપની પ્રશંસા કરતાં કહ્યું, ‘હે દેવી, આજ સુધી કોઈએ આવી કઠોર તપસ્યા કરી નથી, એ તો તમારાથી જ સંભવ છે. તમારી મનોકામના પરિપૂર્ણ થશે અને ભગવાન ચંદ્રમૌલિ શિવજી તમને પતિરૂપે મળશે. હવે તપસ્યા ત્યજીને ઘરે પાછાં જાઓ. તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યા છે.’ બ્રહ્મચારિણી-દુર્ગાપૂજા નવરાત્ર પૂજાના બીજે દિવસે થાય છે. કથાનો સાર એટલો જ છે કે જીવનના કઠિન સંઘર્ષોમાં પણ મન વિચલિત ન થવું જોઈએ.

પ્રાર્થના :

દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમંડલૂ ।

દેવી પ્રસીદતુમયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ॥

 1. ચંદ્રઘંટા : મા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રી ઉપાસનાના ત્રીજા દિવસે એમની પૂજા અત્યંત મહત્ત્વ ધરાવે છે. એ દિવસે મૂર્તિનું પૂજન-આરાધન થાય છે. આ દેવીની કૃપાથી સાધકને અલૌકિક વસ્તુઓનાં દર્શન થાય છે. દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે અને વિવિધ પ્રકારના ધ્વનિઓ સંભળાય છે. આ ક્ષણોએ સાધકે બહુ સાવધાન રહેવું જોઈએ. આ દેવીનું સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. એમનું ધ્યાન ઇહલોક અને પરલોક માટે કલ્યાણકારી તેમજ સદ્ગતિ આપનારું છે. આ દેવીના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંદ્ર હોય છે એટલે એમને ચંદ્રઘંટા પણ કહે છે. એમનો રંગ સુવર્ણ જેવો ચમકતો છે. આ દેવીને દશ હાથ છે. તેઓ ખડ્ગ અને અન્ય શસ્ત્રઅસ્ત્રથી વિભૂષિત છે. સિંહ પર સવાર ચંદ્રઘંટા દેવીની મુદ્રા યુદ્ધને માટે તત્પર રહેવાની છે. એમના ઘંટ જેવા ભયાનક ધ્વનિથી અત્યાચારી દાનવદૈત્ય અને રાક્ષસો કંપી ઊઠે છે. આ દેવીની આરાધનાથી સાધકમાં વીરતા અને નિર્ભયતાની સાથે સૌમ્યતા અને વિનમ્રતાનો વિકાસ થાય છે. એટલે મન, વચન અને કર્મ સાથે કાયાને જોડીને વિધિવિધાન પ્રમાણે દેહમનને પરિશુદ્ધ અને પવિત્ર કરીને ચંદ્રઘંટાના શરણાગત બનીને તેમની ઉપાસના કરવી જોઈએ.

પ્રાર્થના :

પિંડજપ્રવરારૂઢા ચંડકોપાસ્ત્રકેર્યુતા ।

પ્રસાદં તનુતે મહ્યં ચંદ્રઘંટેતિ વિશ્રુતા ॥

 1. કૂષ્માંડા : નવરાત્રપૂજનના ચોથા દિવસે કૂષ્માંડા દેવીનાં સ્વરૂપની એટલે કે મા દુર્ગાના ચોથા સ્વરૂપની ઉપાસના થાય છે. એ દિવસે સાધકનું મન ‘અનાહત ચક્ર’માં રહે છે. પોતાના મંદ, અલ્પ અને મધુર હાસ્ય દ્વારા અંડ એટલે કે બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે આ દેવીને કૂષ્માંડા નામ મળ્યું છે. જ્યારે સૃષ્ટિ ન હતી, ચારે તરફ અંધકાર અને અંધકાર જ હતો ત્યારે આ દેવીએ પોતાના ઇષત્ (અલ્પ અને મંદ) હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી, એટલે એમને સૃષ્ટિનાં ‘આદિસ્વરૂપા’ કે ‘આદિશક્તિ’ કહે છે. આ દેવીને આઠ ભુજાઓ છે. એટલે એમને અષ્ટભુજા પણ કહે છે. એમના સાત હાથમાં અનુક્રમે કમંડળ, ધનુષ, બાણ, કમલપુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર અને ગદા રહે છે. આઠમા હાથમાં બધી સિદ્ધિઓ-નિધિઓ દેનાર જપમાળા રહે છે. આ દેવીનું વાહન સિંહ છે. એમને કોળાનો બલિ પ્રિય છે. સંસ્કૃતમાં એને કૂષ્માંડ કહે છે એટલે આ દેવીને કૂષ્માંડા કહે છે. આ દેવીનો વાસ સૂર્યમંડળની ભીતર આવેલ લોકમાં છે. સૂર્યલોકમાં રહેવાની શક્તિ અને ક્ષમતા કેવળ એમનામાં જ છે. એને લીધે એમના દેહની કાંતિ અને પ્રભાવ સૂર્યની જેમ દેદીપ્યમાન છે. એમના તેજથી દશે દિશાઓ આલોકિત રહે છે. બ્રહ્માંડની બધી વસ્તુઓ અને બધાં પ્રાણીઓમાં એમનું તેજ વ્યાપ્ત છે. અચળ અને પવિત્ર મનથી નવરાત્રીના ચોથા દિવસે આ દેવીની પૂજા-આરાધના કરવી જોઈએ. એને લીધે ભક્તના રોગ અને શોક નાશ પામે છે. તેમની આરાધનાથી ભક્તને આયુ, યશ, બળ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. આ દેવી અતિ અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. સાચા મનથી પૂજા કરનાર ભક્તને સરળતાથી પરમપદની પ્રાપ્તિ થાય છે.

પ્રાર્થના :

સુરાસંપૂર્ણકલશં રુધિરાપ્લુતમેવ ચ ।

દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માંડા શુભદાસ્તુ મે ॥

 1. સ્કંદમાતા : નવરાત્રીના પાંચમા દિવસે મા દુર્ગાના પાંચમા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા-ઉપાસના થાય છે. દેવીને ચાર ભુજાઓ છે. જમણી તરફ ઉપરની ભુજાથી સ્કંદને ગોદમાં લીધેલા છે. ડાબી બાજુએ ઉપરની ભુજા વરદમુદ્રામાં છે અને નીચેની ભુજામાં કમળનું પુષ્પ છે. તેમનો વર્ણ એકદમ શુભ્ર છે. તેઓ કમળના આસન પર બિરાજે છે એટલે એમને પદ્માસના પણ કહે છે. એમનું વાહન સિંહ છે. સ્કંદમાતા પહાડો પર રહીને સંસારના જીવોમાં નવચેતના પૂરનારાં દેવી છે. એમની કૃપાથી મૂઢ પણ જ્ઞાની બની જાય છે. સ્કંદકુમાર કાર્તિકેયનાં માતા હોવાને લીધે તેમને સ્કંદમાતા કહેવામાં આવે છે. એમની મૂર્તિમાં ભગવાન સ્કંદ બાળરૂપે એમના ખોળામાં બિરાજિત છે. એમની ઉપાસનાથી ભક્તની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને મોક્ષ મળે છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને લીધે એમના ઉપાસકમાં અલૌકિક તેજ આવે છે અને એમનો દેહ કાંતિમય બની જાય છેે. મનને એકાગ્ર રાખીને એમની આરાધના કરનાર સરળતાથી ભવસાગર પાર કરી જાય છે. એમ કહેવાય છે કે કાલીદાસ રચિત ‘રઘુવંશમ’્ મહાકાવ્ય અને ‘મેઘદૂત’ જેવી રચનાઓ સ્કંદમાતાની કૃપાથી સંભવ બની છે.

પ્રાર્થના :

સિંહાસનગતા નિત્યં પદ્માશ્રિતકરદ્વયા ।

શુભદાસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની ॥

 1. કાત્યાયની : નવરાત્રીના છઠ્ઠા દિવસે મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ કાત્યાયનીની વિધિવિધાન પ્રમાણે પૂજા-ઉપાસના થાય છે. એમની આરાધનાથી સહજ સરળ રીતે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થો સિદ્ધ થાય છે. ભક્તના રોગ, શોક, સંતાપ, ભય નાશ પામે છે. જન્મોજન્મનાં બધાં પાપ નાશ પામે છે.

આ દેવી કાત્યાયનીની કૃપાથી બધાં કાર્યો પૂર્ણ થાય છે. તેઓ અમોઘ ફળ આપે છે. આ દેવી વૈદ્યનાથ નામના સ્થળે પ્રગટ થયાં અને ત્યાં પૂજાયાં. ભગવાન કૃષ્ણને પતિરૂપે પામવા વ્રજની ગોપીઓએ યમુનાના કિનારે મા કાત્યાયનીની પૂજા કરી હતી. તેઓ વ્રજમંડળનાં અધિષ્ઠાત્રી દેવીરૂપે પ્રતિષ્ઠિત છે. તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેઓ સુવર્ણની જેમ ચળકતાં અને ભાસ્વર છે. તેમને ચાર ભુજાઓ છે. જમણી બાજુનો ઉપરનો હાથ અભયમુદ્રામાં છે અને નીચેનો હાથ વરમુદ્રામાં છે. તેમના ડાબી બાજુના હાથમાં તલવાર છે અને નીચેના હાથમાં કમળપુષ્પ શોભે છે. તેમનું વાહન સિંહ છે. એમની ઉપાસનાથી પરમપદની પ્રાપ્તિ થાય છે.

કાત્યગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયને ભગવતી પરામ્બાની ઉપાસના કરી હતી. એ માટે એમણે કઠિન તપ કર્યું હતું. તેમની ઇચ્છાથી એમને એક પુત્રી પ્રાપ્ત થઈ એટલે કે મા ભગવતીએ એમના ઘરે પુત્રીરૂપે જન્મ ધારણ કર્યોે, તેથી તેને કાત્યાયની કહેવાય છે.

પ્રાર્થના :

ચંદ્રહાસોજ્જ્વલકરા શાર્દૂલવરવાહના ।

કાત્યાયની શુભં દદ્યાન્દેવી દાનવઘાતિની ॥

 1. કાલરાત્રી : નવરાત્રીના સાતમા દિવસે મા દુર્ગાના સાતમા સ્વરૂપ કાલરાત્રી દેવીની પૂજા-અર્ચના થાય છે. એ દિવસે સાધકનું મન ‘સહસ્રાર’ ચક્રમાં રહે છે. ભક્ત માટે બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓનાં દ્વાર ખૂલવા લાગે છે. એમના નામના ઉચ્ચારણોથી ભયભીત થઈને આસુરીશક્તિઓ દૂર ભાગે છે. તેઓ સદૈવ શુભ ફળ આપનારાં છે. એટલે એમને શુભંકરી પણ કહે છે. એમનું રૂપ અતિભયંકર છે. તેમને ત્રણ નેત્ર છે. આ ત્રણેય નેત્ર બ્રહ્માંડની જેમ ગોળ છે. એમના શ્ર્વાસમાંથી અગ્નિ નીકળે છે. તેઓ ગર્દભની સવારી કરે છે. તેમનો દેહ અત્યંત ઘેરા અંધકાર જેવો અતિ કાળો છે. એટલે તે રૂપે ભયાનક છે. તેમના માથાના વાળ વિખરાયેલા છે. એમના ગળામાં વિદ્યુતની જેમ ચમકતી માળા છે. તે અંધકારમય સ્થિતિઓનો વિનાશ કરનારી શક્તિ છે.

તેમની ઉપર ઊઠેલ જમણી ભુજાની વરમુદ્રા ભક્તોને વરદાન આપે છે અને નીચેની ભુજા અભયમુદ્રામાં છે. ડાબી તરફના નીચેના હાથમાં લોઢાના કાંટા તથા ઉપરના હાથમાં ખડ્ગ છે. આમ જુઓ તો તેઓ ભયંકર લાગે છે, પણ તેઓ સદૈવ શુભફળ આપનારાં દેવી છે. ગ્રહબાધાઓ, અગ્નિ, જળ, શત્રુ અને રાત્રીના ભયને દૂર કરે છે.

પ્રાર્થના :

‘એકવેણી જપાકર્ણપૂરા નગ્ના ખરાસ્થિતા ।

લંબોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્તશરીરિણી॥ વામપાદોલ્લસલ્લોહલતાકંટકભૂષણા ।

વર્ધનમૂર્ધધ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયંકરી ॥

 1. મહાગૌરી : નવરાત્ર ઉપાસનાના આઠમા દિવસે મા દુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરીની પૂજા-ઉપાસના થાય છે. આ દેવી અમોઘ ફળદાયિની છે. તેઓ ભક્તોનાં તમામ કલ્મષ(પાપ) દૂર કરે છે. પૂર્વજન્મસંચિત પાપનો નાશ કરે છે. તેમનાં પૂજનઅર્ચન, ઉપાસાના-આરાધના કલ્યાણકારી છે અને અલૌકિક સિદ્ધિઓ આપે છે. તેઓ પૂર્ણત: ગૌરવર્ણા છે. એમને શંખ, ચંદ્ર અને કુંદના પુષ્પની ઉપમા આપવામાં આવી છે. અષ્ટવર્ષા ભવેદ્ ગૌરી – તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવી છે. તેમનાં બધાં આભૂષણો અને વસ્ત્રો ધવલવર્ણાં છે, એટલે એમને શ્ર્વેતાંબરધરા પણ કહે છે. એમને ચાર ભુજાઓ છે. નીચેનો જમણો હાથ અભયમુદ્રામાં છે, ઉપરના હાથમાં ત્રિશૂલ ધારણ કર્યું છે. નીચેના ડાબા હાથમાં ડમરુ ધારણ કર્યું છે અને ઉપરનો હાથ વરમુદ્રામાં છે. તેમની પૂરી મુદ્રા સંપૂર્ણ શાંત છે. પતિરૂપે શિવને પામવા તેમણે કઠોર તપ કર્યું હતું. એને લીધે એમનું શરીર કાળું પડી ગયું. પરંતુ એમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે એમના શરીરને ગંગાના પવિત્ર જળ દ્વારા ફરીથી કાંતિમય બનાવ્યું. આમ એમનું રૂપ ગૌરવર્ણું બની ગયું. એટલે એમને મહાગૌરી કહેવાય છે. એમનું વાહન વૃષભ છે. એટલે એમને વૃષારૂઢા પણ કહે છે.

પ્રાર્થના :

શ્ર્વેતે વૃષે સમારૂઢા શ્ર્વેતાંબરધરા શુચિ: ।

મહાગૌરી શુભં દદ્યાન્મમહાદેવપ્રમોદદા ॥

 1. સિદ્ધિદાત્રી : નવરાત્ર આરાધનાના નવમા દિવસે મા દુર્ગાના નવમા સ્વરૂપ મા સિદ્ધિદાત્રીની પૂજા-ઉપાસના થાય છે. ભગવાન શિવે પણ આ દેવીની કૃપાથી બધી સિદ્ધિઓ મેળવી હતી. એ દેવીની કૃપાથી શિવજીનું અડધું શરીર નારીનું થયું. એટલે શિવને અર્ધનારીશ્ર્વર પણ કહે છે. આ દેવીની સાચા અને નિર્મળ મનની પૂજા-અર્ચના અને આરાધનાથી ઉપાસકને અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ જેવી આઠ મહાન સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. કઠિનમાં કઠિન કાર્ય પણ ચપટી વગાડતાં સંભવ બને છે. આ દેવીના જમણી તરફના ઉપરના હાથમાં ચક્ર, નીચેના હાથમાં ગદા; ડાબી બાજુના ઉપરના હાથમાં શંખ અને નીચેના હાથમાં કમળ પુષ્પ છે. એમનું વાહન સિંહ છે. તેઓ કમળપુષ્પ પર પણ વિરાજે છે. એમની સાધનાથી લૌકિક, પારલૌકિક કામનાઓની પૂર્તિ થાય છે.

પ્રાર્થના :

સિદ્ધ ગંધર્વ યક્ષાદ્યૈરસુરૈરમરૈરપિ ।

સેવ્યમાના સદા ભૂયાત્ સિદ્ધિદા સિદ્ધિદાયિની ॥

નવાર્ણ મંત્ર : ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ ॥

Total Views: 64
By Published On: October 1, 2018Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram