દુર્ગાપૂજાના સમયે એક ભક્ત પત્નીવિયોગથી અત્યંત વ્યાકુળ થઈને પોતાનાં પુત્રપુત્રીઓને સાથે લઈને આશ્રમમાં આવ્યા. બાબાએ (સ્વામી અખંડાનંદજી) એની સાથે ઘણા આનંદમાં લગભગ બે મહિના વિતાવ્યા. એની સાથે ક્યારેક ઠાકુરની વાતો થતી, તો વળી ક્યારેક સ્મૃતિકથા કહેતા, ક્યારેક વળી હાસ્યવિનોદ કરતા. સૌથી મોટી વાત, એક પછી એક ઉત્સવ થતા રહેતા. દુર્ગાપૂજા પછી કાલીપૂજા અને ત્યાર પછી જગદ્ધાત્રીપૂજા. આ બધાથી એવું લાગતું હતું કે જાણે આશ્રમ મૃત્યુલોકની બહારની કોઈ દેવભૂમિ છે, જાણે કે સાક્ષાત્ કૈલાસ જ હોય !
દુર્ગાપૂજાના થોડાક દિવસ બાબા ભાવમાં વિભોર હતા. એમાંય વિશેષ કરીને દશમીના પાવનકારી દિવસે આખી રાત કાલીપૂજા થઈ; બીજે દિવસે બાબાએ જગદ્ધાત્રીપૂજા કરવાની ઇચ્છા પ્રગટ કરી. ત્રણેય પૂજા માટે ત્રણ રંગનાં કપડાંની આવશ્યકતા હતી. બાબા પોતે કુમારીપૂજા કરશે.
‘આટલો ખર્ચ કોણ આપશે ?’ એવું પૂછતાં બાબાએ એ ભક્તની તરફ ઇશારો કરીને બતાવી દીધું. આયોજન ઘણું સુંદર થયું. બાબા પણ નાના બાળકની જેમ માતૃપૂજાના ઉલ્લાસમાં મતવાલા બની ગયા. પૂજાના દિવસે દશ-અગિયાર વાગ્યે આ જ ભક્તની આઠ વર્ષની ક્ધયાની ફળ, ફૂલ, મીઠાઈ સાથે એમણે કુમારીપૂજા કરી.
એક બીજી ઉલ્લેખનીય ઘટના છે. એ દિવસોમાં બાબા સંધ્યા સમયે પ્રત્યેક દિવસે ભિન્ન ભિન્ન પ્રકારે સજ્જ થતા. ક્યારેક મોટા મોટા રુદ્રાક્ષની માળા ગળામાં પહેરીને, હાથમાં દંડ અને કમંડળ લઈને નેપાળી બાબાની જેમ સજ્જ થતા. વળી ક્યારેક આસમાની રંગની કફની પહેરીને, હાથમાં નાળચાવાળો લોટો લઈને મુસલમાન ફકીર બનતા. વળી ક્યારેક બર્માથી મોકલેલ પોશાક અને છત્રી સાથે બૌદ્ધ ફુંગી સાધુ બની જતા. એક દિવસ સાડી (કદાચ કડાં) પહેરીને મા યશોદા બની ગયા.
આ બધી ઘટનાઓ એમના કોઈ ગૂઢ રહસ્ય સાથે જોડાયેલી હોઈ શકે છે, આ વાત કોઈ જાણતું ન હતું. એવું લાગતું હતું કે વિશેષ કરીને તે ભક્તનાં પેલાં માતૃહીન પુત્રપુત્રીઓ અને કદાચ સૌના મનોવિનોદ માટે પણ તેઓ આવું કરી રહ્યા હતા. આ બધું જોઈને બધાં હસી હસીને બેવડા વળી જતાં. નેપાળી બાબા બનીને તેઓ ગંભીરભાવે કહેતા, ‘હિમાલયથી આવ્યો છું,’ અને મસ્તકથી રુદ્રાક્ષને સ્પર્શ કરાવીને બધાંને આશીર્વાદ પણ આપતા.
ભક્તનાં સાતઆઠ પુત્રપુત્રીઓ અને આશ્રમના સાતઆઠ અનાથ બાળકો સંધ્યા સમયે બાબાને (સ્વામી અખંડાનંદજી) ઘેરીને બેઠાં છે. બાબા હસીમજાક કરતાં કરતાં ભક્તને કહેવા લાગ્યા, ‘તમારાં પણ આઠ અને મારાય આઠ. શું કહો છો ? એક છોકરો મને આપી દો.’ ભક્ત તો બાણથી વિંધાયેલ હરણની જેમ પોતાનાં બાળકો તરફ જોવા લાગ્યો. મહારાજ બોલી ઊઠ્યા, ‘રહેવા દો, ભાઈ રહેવા દો. તમારાં જ રહો.’ ત્યાર પછી આશ્રમના છોકરાઓ તરફ તાકીને બોલ્યા, ‘અરે ભાઈ, તમારામાંથી કોણ સાધુ બનશે ?’ બધા નીરવ રહ્યા.
ભક્તનો મોટો છોકરો અંધારામાં જવાથી ડરે છે. એટલે બાબા કહે છે, ‘જો ઠાકુરનું નામ સાંભળ્યું છે, તો પછી ભય કઈ વાતનો ?’ એક દિવસ બાબાએ આશ્રમનાં બાળકો અને ભક્તનાં બાળકોની સાથે એક ફોટો ખેંચાવ્યો, આ જ એમની અંતિમ તસવીર હતી.
Your Content Goes Here