સવા સો વરસ પહેલાંની આ વાત છે. બહુ સૂકલકડો નહિ તેમજ બહુ સ્થૂળકાય નહિ, મધ્યમ કદના બાંધાનો એક માનવી માથે જાડો ને ઘેરો એવો વીંટીયો વીંટી, લાંબો ડગલો પહેરી, કેડે ખેસની કસ બાંધી, ને પુરાણા ભારતની યાદ આપી જતાં બેઘાટ જોડાં પહેરી અને કપાળમાં મોટો પીળો ચાંલ્લો કરી, વિદેશની સફરે ઊપડ્યો. દૂરથી જોનારને પહેલી નજરે ગામડિયો લાગતો એ માનવી સાત સમંદર પાર કરીને અમેરિકા પહોંચ્યો.

અહીં એ પોતાના તેમજ તેમના રાષ્ટ્રના મહાન ધર્મની ઓળખ આપવા આવ્યો હતો. અમેરિકાનું સારું શિકાગો શહેર ત્યારે જગતના વિવિધ ધર્મોના તત્ત્વચિંતકોથી ઊભરાઈ રહ્યું હતું. દૂરદૂરના દેશોમાંથી તે તે દેશના ધર્મધુરંધરો શિકાગોમાં આવી બેઠા હતા.

ઇતિહાસની એ યાદગાર તારીખો હતી ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ થી ૨૭ સપ્ટેમ્બર, ૧૮૯૩ !

જગત ઇતિહાસની એ એક અમર પરિષદ હતી સર્વધર્મ પરિષદ ! આ પરિષદે દુનિયાના તમામ ધર્મોને નોતરું દીધું હતું. જૈન ધર્મને પણ તેનું નિમંત્રણ હતું.

આ પરિષદ એ જોવા આતુર હતી કે જૈન ધર્મના ત્યારના વિદ્યમાન જ્યોતિર્ધર પૂજ્ય આત્મારામજી મહારાજ આ પરિષદને જૈનધર્મ વિશે સમજાવે, પરંતુ શ્રમણ જીવનના નિયમોને લીધે એમ ન બની શક્યું. પૂજ્ય મહારાજશ્રી ત્યાં ન જઈ શક્યા. અને તેમણે પેલા ગામડિયા જેવા દેખાતા માનવીને ત્યાં મોકલ્યો-જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરવા માટે.

પશ્ચિમની દુનિયા તો આ માનવીને સાંભળ્યા પહેલાં એમ જ માનતી હતી કે ભારત એ તો જાદુગરોનો દેશ છે. એ ભૂમિ એટલે વાઘ-ચિત્તા અને જંગલી સાપોની ભૂમિ. ત્યાંના લોકો બરછટ અને રોંચા હોય છે, પણ જ્યારે પશ્ચિમની દુનિયાએ આ માનવીને સડસડાટ બહી જતી એવી અંગ્રેજી જબાનમાં સાંભળ્યો, અને હિંદુસ્તાનની સંસ્કૃતિ વિશે તેમજ જૈન ધર્મ વિશે તેને બેધડક બોલતાં સાંભળ્યો ત્યારે પશ્ચિમની દુનિયાનો હિંદુસ્તાની ધરતી વિશેનો તેમજ તેના લોકજીવનનો ભ્રમ ભાંગી ગયો. અને જેઓએ તેને દૂરથી ગામડિયો ધારી લીધો હતો તેઓને તેના હિંદુ પોશાકમાં એક મેધાવી અને પ્રતિભાશાળી, પ્રખર વિદ્વાન અને મહાન ધર્મના મહાન પ્રતિનિધિનાં દર્શન થયાં.

પરિષદમાં તેને બોલવાની ગણતરીની જ મિનિટો મળી હતી અને એ થોડી મિનિટોમાં તેને સમગ્ર જૈન ધર્મની ઝાંખી કરાવવાની હતી અને તે પણ પરદેશી આંગ્લ ભાષામાં ! સમય થયો અને એ બોલવા ઊભો થયો. પોતાના પૂજ્ય ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજને તેણે પ્રથમ વંદન કર્યાં અને એક જ પળમાં જૈનધર્મના અગાધ સાગરમાં એ ડૂબી ગયો.

પરિષદ તો તેની આ ડૂબકીને જોઈ જ રહી અને એવી સરળ અને વેધક તેમજ પ્રવાહી શૈલીમાં તેણે જૈનધર્મને સમજાવ્યો કે પરિષદ તેના ચિંતન અને મનન પર, તેની અંગ્રેજી ભાષાની પ્રભુતા પર તેમજ તેની પ્રાસાદિક એવી પ્રવચનશૈલી પર વારી ગઈ !

એને સાંભળીને પશ્ચિમની દુનિયાએ જાણ્યું કે જૈનધર્મ એ સ્વતંત્ર ધર્મ છે. એકાંતે કોઈ જ તત્ત્વ સત્ય નથી તેમજ અસત્ય પણ નથી. દરેક તત્ત્વને હંમેશ બે બાજુ રહેલી છે. અને પશ્ચિમની દુનિયાએ પહેલી વાર જ જાણ્યું કે અહિંસા એક અમોઘ શસ્ત્ર છે, ક્ષમા એ વેરની રામબાણ દવા છે. પશ્ચિમની બુદ્ધિ માટે આ બધું નવું હતું. કર્મની ફિલસૂફી, યોગની સાધના, આત્માની અનંત તાકાત, અનેકાંતની દૃષ્ટિ, સાત નયોની નક્કર ફૂલગૂંથણી, વીતરાગી જીવન વગેરે. એ દુનિયાએ આ ધરતીના (હિંદુસ્તાનના) માનવીને ‘કાળા માનવી’ તરીકે ઓળખતી હતી. તેવા એક Black Indian ને અંતરના લાખલાખ ઉમંગોથી વધાવી લીધો.

એને જોવા, સાંભળવા, એના ચરણે બેસવા હજારોની મેદની એ જ્યાં ગયો ત્યાં ગઈ. અને એણે પણ પોતાના જ્ઞાનનો મહાસાગર એ જ્ઞાનતરસી જનતાને માટે ખુલ્લો મૂકી દીધો! જ્ઞાનનો એ અગાધ સાગર કોણ હતો? પારકી ધરતીના માનવીઓને ઘેલા કરનાર એ ક્યાંનો હતો? દેશ અને પરદેશના લાખો માનવીઓનું આકર્ષણ બનાનાર એ શું હતો?

એ હતો હિંદુસ્તાનના એક નાના ગામડાનો એક અદનો માનવી, બ્રિટિશરોના ગુલામ રાષ્ટ્ર હિંદુસ્તાનનો એક નાગરિક. એણે પરદેશની ધરતી પર પગ મૂક્યો ત્યારે તો માત્ર જવાનીનો પ્રથમ જ શ્વાસ ખેંચતો હતો.

માત્ર ૨૯ વરસનો નવયુવાન પશ્ચિમની રીઢી અને બુદ્ધિવાદી દુનિયાને પોતાની સંસ્કૃતિ અને નિજના ધર્મના સંદેશ સંભળાવવા ઊભો થયો હતો. ખરે! અજબ એવી એ શ્રદ્ધા હતી. ગજબનું એવું તેનું એ સાહસ હતું.

એ સાહસિકનો જન્મ ભારતની ધરતી પર થયો હતો. સૌરાષ્ટ્રમાં આવેલું મહુવા તેનું માદરે વતન હતું.

નાના ગામડામાં, નાના પાયા પર ઝવેરાતનો ધંધો કરતા, એક માયાળુ, ધર્મપ્રેમી ને પ્રીતિ, ચારિત્ર્ય તેમજ પ્રમાણિકતામાં દૃઢ એવા એક સામાન્ય પિતાને ત્યાં એનો જન્મ થયો હતો.

શ્રીયુત્ રાઘવજી એના પિતા હતા. જીવનની પ્રેરણા હતા. જૈન ધર્મના સારા અભ્યાસી હતા. શ્રાવક ધર્મના ચુસ્ત અનુયાયી હતા. ધર્મ અને ચારિત્ર્યના આ સંસ્કાર તેમના સંતાનને પણ મળ્યા હતા.

એ સંતાન તે શ્રી વીરચંદભાઈ. ૨૫ ઓગસ્ટ, ૧૮૬૪ના રોજ એમનો જન્મ થયો. યોગ્ય ઉંમર થતાં તેમને મહુવાની પ્રાથમિક શાળામાં મૂકવામાં આવ્યા. તે બાદ તેમને ભાવનગર લઈ જવામાં આવ્યા. તેમના પિતા વીરચંદભાઈને અંગ્રેજી શિક્ષણ અપાવવા ઇચ્છતા હતા. પિતાની એ શુભેચ્છાને સંતાને સફળતાથી પાર પાડી. ૧૮૮૦માં એમણે મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશન પરીક્ષા ઝળહળતી કારકિર્દીએ પાસ કરી, પરંતુ શિક્ષણપ્રેમી પિતાને આથી સંતોષ ન હતો. તે તો તેના સંતાનને સ્નાતક જોવા આતુર હતા. આથી વીરચંદભાઈને મુંબઈ મોકલ્યા.

મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં તેઓ દાખલ થઈ ગયા અને માત્ર ૨૦ વરસની ઉંમરે ૧૮૮૪માં તેઓ જૈન સમાજના પ્રથમ સ્નાતક બન્યા. હવે શું? પરંતુ આજની જેમ એ સવાલથી તેમને બહુ મૂંઝાવું ન પડ્યું. જૈન એસોશિયેસન ઓફ ઇન્ડિયાએ વીરચંદભાઈને આમંત્રણ આપ્યું : ‘તમે આ સંસ્થામાં કામ કરો.’ અને વીરચંદભાઈ આ સંસ્થાના મંત્રી બન્યા.

આ સંસ્થાના નેજા હેઠળ તેમણે ઇતિહાસ સદાય યાદ રાખે તેવાં રચનાત્મક કાર્યો કર્યાં. તેમની કારકિર્દીનું પહેલું યશસ્વી કામ પાલિતાણાના ખટલામાં બન્યું. પાલિતાણા ઠાકોરસાહેબ સુરસિંગજીએ આણંદજી કલ્યાણજીની પેઢીના એક કારકુનને કેદ કર્યો. ને વધુમાં શત્રુંજય તીર્થની યાત્રાએ આવતા યાત્રાળુઓ ઉપર મુંડકાવેરો નાખ્યો.

આ મુંડકાવેરો ગરીબ એવા ધર્મશ્રદ્ધાળુઓ પર આફત સમાન હતો. આ વેરાથી સમગ્ર જૈન સમાજે ભારે આંચકો અનુભવ્યો હતો. વીરચંદભાઈનું દિલ પણ આ વેરાથી કકળી ઊઠ્યું. તેમણે તરત જ આ વેરાને દૂર કરાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી. તેઓ આ માટે મુંબઈના ગવર્નર લાૅર્ડ રે તેમજ કર્નલ વાૅટ્સનને મળ્યા.

‘આ વેરો એ જૈનોની ધર્મની લાગણી ઉપર વીંઝાયેલો એક કારમો કોરડો છે. રાજને ધર્મની આવી લાગણીઓ પર અવરોધ મૂકવાનો કોઈ જ હક્ક નથી.’ આવી અનેક દલીલોથી તેમજ તેમના પ્રતિભાશાળી વ્યક્તિત્વથી કર્નલ અને ગવર્નરને સમજાવી દીધા. તેઓએ ઠાકોરને આ વેરો રદ કરવા માટે દબાણ કર્યું. અંતે અમુક રકમની બાંધછોડ પછી ઠાકોરે વેરો રદ કર્યો.

ત્યારે નહિ ઓળખતા એવા અનેક જૈન-જૈનેતરે વીરચંદભાઈને એક પ્રતિભાશાળી, ધર્મપ્રેમી કાર્યકર તરીકે ઓળખ્યા.

આ સંસ્થાનું કામ તો ચાલુ જ હતું, પરંતુ જ્ઞાનભૂખ્યા આ માનવીને ધરવ ન હતો. ૧૮૮૫માં મેસર્સ લિટલ અૅન્ડ કું. સાથે કાયદાના કામકાજ માટે કરાર કર્યો. અને ત્યાંના એ અનુભવે તેમજ તેમની નિજી પ્રતિભાએ એક બીજું યશસ્વી કાર્ય તેમની પાસે કરાવ્યું. ૧૮૯૧માં મી. બેડમને શું ધૂન ભરાઈ કે તેણે કતલખાના માટે સમેતશિખર પસંદ કર્યું. સમેતશિખર એટલે અનેક તીર્થંકર અને શ્રમણ ભગવંતોની પુણ્યભૂમિ! અનેકો અહીં છેલ્લો શ્વાસ છોડી મોક્ષે ગયાં છે.

ધર્મની ભૂમિ ઉપર નિર્દાેષ જીવોનાં લોહી રેડાય, તેમનાં જીવન રહેંસાય એ કયો ધર્મરોગી સહન કરી શકે? મુંડકાવેરાથી માંડ ઠરીઠામ થયેલું જનતાનું લોહી આ પ્રસંગે ફરીથી ઊકળી ઊઠ્યું! આ પ્રસંગે પણ વીરચંદભાઈ તૈયાર થઈ ગયા. પ્રથમ શ્રીરાયબદ્રીદાસે એ યુરોપિયન સામે કેસ માંડ્યો. પરંતુ કોલકાતાની નાની કોર્ટમાં એ કેસ ઊડી ગયો.

હવે? પણ એમ નિષ્ફળતાથી પાછા પડે તો વીરચંદભાઈ શાના? એ પોતે જ કોલકાતા દોડી ગયા. ત્યાંની હાઈકોર્ટમાં અપીલ કરી. અને અહીં રહી બંગાળી ભાષા શીખ્યા ને બધાં જ ડાૅક્યુમેન્ટોનો અભ્યાસ કરી એક લાંબો મુસદ્દો તૈયાર કર્યો, પુરાવા ઊભા કર્યા, સાક્ષીઓ તૈયાર કર્યા અને એવી જોશીલી જબાનમાં તેમજ વેધક દાખલા-દલીલોથી એ કાૅર્ટમાં લડ્યા કે ન્યાયાધીશે નીચલી કાૅર્ટનો ચુકાદો રદ કર્યો અને ન્યાય વીરચંદભાઈની તરફેણમાં આપ્યો.

ફરી એક વાર જૈન સમાજે વીરચંદભાઈનો જયનાદ કર્યો. ત્યાર બાદ એમના જીવનની તેમજ જૈન ઇતિહાસની યાદગાર સાલ આવી ૧૮૯૩!

વિશ્વધર્મ-પરિષદે (શિકાગો) જૈન ધર્મને નોતરું મોકલ્યું. આત્મારામજી મહારાજને આ પરિષદમાં હાજર રહેવા આગ્રહ કર્યો. પરંતુ શ્રમણ ધર્મના નિયમોને લીધે તે શક્ય ન હતું અને તેમણે આ કાર્ય માટે વીરચંદભાઈને પસંદ કર્યા. હજારો શુભેચ્છકોની શુભેચ્છાઓ અને આશીર્વાદ લઈ એ શિકાગો ઊપડી ગયા.

ત્યારે તેમની ઉંમર માત્ર ૨૯ વર્ષની જ હતી. પરંતુ એ નાની ઉંમરમાં જ્ઞાન, ઉત્સાહ, ધગશ, ધર્મપ્રેમનો મહાસાગર ઊભરાતો હતો.

અહીં પણ તેમણે પોતાનું હીર બતાવ્યું. સેંકડોની સંખ્યામાં તેમણે અંગ્રેજીમાં જૈન ધર્મ તેમજ ભારતીય સંસ્કૃતિ પર ભાષણો આપ્યાં. વીરચંદ ગાંધીએ ઇંગ્લૅન્ડમાં ફિલાૅસાૅફિકલ સોસાયટી સ્થાપી. અભ્યાસવર્ગાે શરૂ કર્યા. ખાનગી ટ્યુશન આપ્યાં. અનેકને શાકાહારી બનાવ્યા. અમેરિકાથી ઇંગ્લૅન્ડ પણ ગયા. ત્યાં પણ પોતાની મેધાથી ત્યાંની જનતાને ઘેલી કરી અને ભારોભાર આદર પામ્યા.

૧૮૯૫માં તેમને કંઈ કારણોસર પાછા ફરવું પડ્યું અને હિંદુસ્તાન આવ્યા. અહીં આવીને પણ તેઓ જંપીને બેસી ન રહ્યા. ‘હેમચંદ્રાચાર્ય વર્ગ’ શરૂ કર્યો અને ભાષણો આપવા લાગ્યા.

‘બુદ્ધિવર્ધક સભા’, ‘આર્યસમાજ’, ‘થિયાૅસાૅફિકલ સોસાયટી’ જેવી માતબર સંસ્થાઓએ પણ તેમનાં અનેક ભાષણો ગોઠવ્યાં.

ત્યાં તો અમેરિકાના તેમના રાગીઓએ ફરી તેમને અમેરિકા બોલાવ્યા અને ૧૮૯૬માં ફરી પાછા એ વિદેશ ગયા. આ વરસો દરમિયાન તેમણે લંડનથી વાૅશિંગ્ટન સુધી પ્રચાર પ્રવાસ કર્યો. લંડનમાં આખું વરસ રોકાયા, બારિસ્ટરીનો અભ્યાસ કર્યો અને બાર-એટ લાૅ બન્યા.

ત્યાં તો જૈન સમાજે તેમને પાછા બોલાવી લીધા. શત્રુંજય તીર્થ પર કંઈક આફત ઊતરી હતી અને તેનો કેસ લડવાનો હતો. વીરચંદભાઈ તુરત જ તે કામમાં લાગી ગયા અને ફરી લંડન ઊપડી ગયા. અને ત્યાં અપીલ કરી, ફરી એક વધુ વાર તેમણે શત્રુંજયને બચાવી લીધો.
આ અરસામાં તે ફ્રાન્સ, જર્મની તેમજ યુરોપના કંઈક મોટાં શહેરોમાં માન મેળવી આવ્યા. એ જ્યાં જ્યાં ગયા ત્યાં જનતાએ તેમને ઉમળકાથી વધાવી લીધા. એકચિત્તે હજારોની મેદનીએ તેમના બુલંદ અવાજ અને અહિંસાના સંદેશને સાંભળ્યો.
૧૯૦૧માં તેઓ પાછા ફર્યા, કારણ કે તબિયત હવે તેમને સાથ દેવાની ના પાડતી હતી અને એ મુંબઈ પાછા ફર્યા.
પાછા ફર્યા ત્યારે તેમના દિલમાં અરમાન તો એ હતાં કે હિંદુસ્તાનના ખૂણેખૂણે જૈન ધર્મનો પ્રચાર કરીશ, મારું સારુંય જીવન એ શાસનની સેવામાં સમાવી દઈશ.
પરંતુ તબિયત તેમના અરમાનને તાકીને જ બેઠી હતી. કાળ ક્રૂર બની એમની જિંદગી સાથે ખેલ ખેલી રહ્યો હતો. જો કે અમેરિકાની ધરતી પરથી જ કાળે તેમનું લોહી ચૂસવાનું શરૂ કરી દીધું હતું.
અને કાળની હરીફાઈમાં કઈ જિંદગી વિજયી પામી છે? તા. ૭ આૅગસ્ટ ૧૯૦૧ના રોજ તેમની જિંદગી હારી ગઈ! કાળનો વિજય થયો. જિંદગી પર મૃત્યુની કાળી ચાદર પથરાઈ ગઈ. પરંતુ એ મૃત્યુને શી ખબર કે જિંદગી તો હારીને પણ વિજેતા બની ગઈ હતી!
મૃત્યએ તો માત્ર તેમના દેહને જ ખાખ કરી નાખ્યો હતો. પરંતુ જિંદગીએ તો એમને સદા માટે અમર બનાવી દીધા.
ઇતિહાસ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી વીરચંદભાઈ યાદ રહેશે. પ્રલયમાં કદાચ દુનિયા આખી ખાખ થઈ જશે તો પણ સાતેય સમંદરનાં મોજાં એના નામનાં ગીત ગાશે.

Total Views: 294

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.