આવા મહત્ત્વના પ્રસંગે ઉપસ્થિત રહી શકવા બદલ હું કેટલો ખુશ છું તેની આપને શી વાત કરું !

બંગાળ અને તેના મહાનગર કોલકાતાની મુલાકાત માટે હું કાયમ આતુર રહેતો હોઉં છું. અહીં ચોમેર બંગાળની ભવ્ય આધ્યાત્મિક અને બૌદ્ધિક પ્રણાલી, કળા, સાહિત્ય અને સંસ્કારનો વારસો, સામાજિક સુધારા માટેના જાગૃત પ્રયાસો, આપણી આઝાદી માટેની લડતમાં વીરતા અને બલિદાન તેમજ રાષ્ટ્ર-ઘડતરના વ્યવહારુ કાર્યમાં સમગ્ર માનવસમૂહની દૃઢ નિશ્ચય ભરી આગેકૂચ એ બધું જોવા મળે છે.

આ સંમેલનમાં મને નોતરવા બદલ હું રામકૃષ્ણ મિશનનો ઋણી છું.

છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા આ કાર્યક્રમમાં દેશવિદેશના વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા પંડિતો અને ચિંતકો દ્વારા સ્વામી વિવેકાનંદની દૃષ્ટિ વિશે ચર્ચા ચાલી રહી છે. આ સંમેલનમાં ભાગ લઈ રહેલા આપ સૌ તેમજ તેમાં પોતાની વિદ્વત્તાનો ફાળો આપનાર અન્ય સૌનું હું અભિવાદન કરું છું.

મિત્રો, હું વિદ્યાર્થી હતો ત્યારથી જ સ્વામી વિવેકાનંદનાં ભાષણો દ્વારા પ્રગટ થતી તેમની તેજસ્વિતાથી પ્રભાવિત થયો હતો. તદુપરાંત તેમનાં પ્રવચનો, પત્રો, લેખો અને સંવાદો વિશે આપણા મહાન રાષ્ટ્રીય નેતાઓ જે કંઈ કહેતા તેની પણ અસર મારા પર હતી. ૧૯૨૧ના ફેબ્રુઆરીની ૬ઠ્ઠી તારીખે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી પ્રસંગે મહાત્મા ગાંધીજીએ બેલુર મઠની મુલાકાત લીધી હતી. તેમની સાથે પંડિત મોતીલાલ નહેરુ અન મૌલાના મહંમદઅલી પણ હતા.બાપુએ કહ્યું : ‘સ્વામી વિવેકાનંદની પૂણ્ય સ્મૃતિને અંજલિ અને આદર અર્પણ કરવા માટે અહીં આવ્યો છું. તેમની કૃતિઓનો મેં પૂર્ણ અભ્યાસ કર્યો અને તેના પરિણામે મારો રાષ્ટ્રપ્રેમ હજાર ગણો વધી ગયો છે.’

લોકમાન્ય બાળ ગંગાધર તિલકની સાથે સ્વામી વિવેકાનંદ દસ દિવસ સુધી પૂનામાં રહ્યા હતા. આ યુવાન અતિથિનાં શાણપણ, વિદ્વત્તા, અને ગહન આધ્યાત્મિકતાએ તિલક મહારાજ ઉપર ભવ્ય પ્રભાવ પાડ્યો હતો.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે, ‘આપ ભારતને ઓળખવા ઇચ્છતા હો તો વિવેકાનંદનો અભ્યાસ કરો. એમની દરેક વાત વિધાયક છે. વિવેકાનંદના ઉપદેશોએ માનવની અખંડિતતાને સભાનતા આપી અને તેથી જ આપણા યુવક સમાજે બલિદાન અને સેવા દ્વારા મુક્તિ માટેના માર્ગની પ્રેરણા મેળવી.’

પંડિત જવાહરલાલ નહેરુએ સ્વામી વિવેકાનંદને જે રીતે પીછાણ્યા હતા તે અહીં તેમના શબ્દોમાં જોઈએ : ‘તેમનું અવસાન થયું ત્યારે હું બાળક નહોતો પરંતુ હું તેમને મળી શક્યો ન હતો, કારણ કે એ દિવસોમાં યુરોપમાં અભ્યાસ કરતો હતો. પણ તેઓએ જે કંઈ સંબોધન કર્યું છે કે લખ્યું છે તે બધું હું વાંચી ગયો છું. હું તમને કહું છું કે તમે તેમનાં લખાણો વગેરે વાંચી જાઓ પછી તમે તમારા મનમાં તેનું વિશ્લેષણ કરો… તેમનો દરેક શબ્દ એક ચિનગારી હતો. તેમના હૃદયમાં એક પ્રકારનો અગ્નિ પ્રજ્વલિત હતો. એક મહાન વિભૂતિનો એ અગ્નિ હતો. મારી પેઢીનાં અનેક યુવા ભાઈ-બહેનો તેમના આ ભવ્ય વ્યક્તિત્વથી પ્રભાવિત થયાં હતાં. ભારતની આધુનિક રાષ્ટ્રીય ચળવળના મહાન સ્થાપકોમાંના એક સ્વામી વિવેકાનંદ હતા અને અસંખ્ય યુવાનોએ આ ચળવળમાં ભાગ લીધો તેમાંના મોટા ભાગનાએ સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા મેળવી હતી.’

આજના ભારત ઉપર પણ તેમનો સીધો કે આડકતરો પ્રબળ પ્રભાવ રહ્યો જ છે અને સ્વામી વિવેકાનંદના જીવનમાંથી જે શાણપણ, જુસ્સો, તેજસ્વિતાનો ધોધ વહી રહ્યો છે તેનો લાભ યુવાન પેઢી પણ ઉઠાવશે તેમ હું માનું છું.

શિકાગોમાં, સપ્ટેમ્બર ૧૮૯૩માં વિશ્વધર્મ મહાસભાને સ્વામીજીએ કરેલા સંબોધનની એક સ્મૃતિરૂપે આપણી આ પરિષદનું આયોજન થયું છે. પોતાના જીવનનાં કાર્ય-આદર્શને મૂળ ભૂમિકારૂપે રાખીને જ સ્વામીજીએ વિશ્વધર્મ-મહાસભામાં ભાગ લીધો તેની મૂલવણી કરવી જોઈએ. માનવજાતના સમગ્ર ઉત્થાન માટે પરસ્પર સંકળાયેલ અનેક કાર્યો પરત્વે વિધાયક (રચનાત્મક) દૃષ્ટિકોણ કેળવીને સર્વગ્રાહી યોજનાથી પ્રયત્ન કરવો જોઈએ એવી તેમની ભાવના હતી. તેમનામાં અસાધારણ કાર્યશક્તિ અને દૃઢ નિશ્ચયભરી સભાનતા હતાં. તેમણે એકવાર કહ્યું, ‘મને લાગે છે કે મારામાં પ્રચંડ શક્તિ ભરેલી છે. અને એ શક્તિની સાથે રહીને સમગ્ર વિશ્વમાં હું મહાન પરિવર્તન લાવીશ.’ શિકાગોની વિશ્વધર્મ-મહાસભામાં સ્વામીજીની પ્રતિભા અને તેજસ્વિતા એટલાં પથરાયાં હતાં કે સમગ્ર શ્રોતાગણ તેનાથી મુગ્ધ બની ગયો હતો. તેમની આ અદ્‌ભુત સફળતાના સમાચાર વર્તમાનપત્રો અને તાર-ટપાલ દ્વારા સમગ્ર પાશ્ચાત્ય જગતમાં ફેલાઈ ગયા હતા. આ ઐતિહાસિક સંમેલનમાં ડૉ. એની બેસન્ટ હાજર હતાં અને તેમણે એક-ધ્યાનથી સ્વામી વિવેકાનંદની વાણી સાંભળી હતી. પોતાનો અનુભવ શ્રીમતી એની બેસન્ટે આ શબ્દોમાં વર્ણવ્યો છે :-

‘વિપુલ માનવ સમુદાય તેમનાં પ્રવચનથી એટલો આનંદિત અને હર્ષઘેલો બન્યો હતો કે સ્વામીજીના મુખેથી વહેતી વાણીમાંથી એકેય શબ્દ સાંભળવો રહી ન જાય તેની બધા કાળજી રાખતા.’ સભાખંડમાંથી બહાર આવેલા એક શ્રોતાના આ શબ્દો હતા. એમણે ઉમેર્યું કે ‘આપણે એના (વિવેકાનંદના) લોકો માટે અહીંથી મિશનરીઓને મોકલીએ છીએ. પરંતુ તેઓ તેમના મિશનરીઓને અહીં મોકલે એ વધુ યોગ્ય બનશે.’

શિકાગોના સંબોધનમાં સ્વામી વિવેકાનંદે પ્રાચીન ભારતનાં જ્ઞાન અને આંતરદૃષ્ટિ, વિવિધતામાં એકતાની ભાવના, સંપૂર્ણ શક્તિની પ્રાપ્તિ માટે તર્ક અને પ્રજ્ઞા દ્વારા સનાતન સત્યને પામવાનાં અનેક માર્ગાેની માન્યતા, આદર તથા સ્વીકાર, વગેરે મુદ્દાઓની અલગ અલગ રીતે અદ્‌ભુત છણાવટ કરી હતી. ઋગ્વેદનો પ્રસિદ્ધ મંત્ર ‘એકં સત્ વિપ્રા બહુધા વદન્તિ’ ટાંકીને સ્વામીજીએ કહ્યું હતું કે અમે વૈશ્વિક સહિષ્ણુતામાં માનીએ છીએ એટલું જ નહીં પણ ‘બધા જ ધર્મો સાચા છે’ એ સત્યોનો પણ અમે સ્વીકાર કરીએ છીએ. આ ભાવના આપણા ઋષિ-મુનિઓની ફિલસૂફીમાં અને આમજનતાનાં ભજન અને પ્રાર્થનામાં વ્યક્ત થતી જોવા મળે છે. ભારતના આ પ્રકારના દૃષ્ટિબિન્દુને કારણે જગતના મહાન ધર્મોનું એક આશ્રયસ્થાન અને પિતૃગૃહ હોય તેવું ભારત બની રહ્યું છે. ધર્માંધતા, ઝનૂન અને અંધશ્રદ્ધા ઉપર સ્વામી વિવેકાનંદે પ્રબળ પ્રહારો કર્યા હતા. તેઓ એવી આશા રાખતા હતા કે આવા સંકુચિત, નિરર્થક અને ક્ષતિપૂર્ણ વિચારો દૂર થવા જ જોઈએ. તેમના આ શબ્દો આજે આપણે યાદ કરીએ અને તેની ઉપર પુનર્વિચારણા કરીએ. ૧૫મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ સ્વામીજીએ સંકુચિતતાનાં કારણોની છણાવટ કરી હતી. ૧૯મી સપ્ટેમ્બરના રોજ તેમણે વેદાંતની વિશિષ્ટતાઓ સમજાવીને ધર્મની લાક્ષણિકતા શી હોય તે દર્શાવ્યું હતું, ‘માનવજાત પોતાની દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરે એ જ કોઈપણ ધર્મનો હેતુ હોવો જોઈએ અને ધર્મનું બળ પણ એ દિશામાં કામ કરવા માટે લગાડવું જોઈએ.’ ૨૬મી સપ્ટેમ્બરે તેમણે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો સમજાવ્યા અને તેમાં વેદાંત સાથેના સંબંધને પણ સ્પષ્ટ કર્યો. ૨૭મી સપ્ટેમ્બરે તેમણે નવા આદર્શાે આપ્યા જેમ કે ‘સહાય કરો, સંહાર નહીં’, ‘સંવાદિતા અને શાંતિ, નહીં કે વિરોધ’. તેમનાં આ સુવાક્યો દરેક ધર્મપ્રેમી પ્રજા માટે એક સરખાં ઉપયોગી છે.

દરેક ધર્મના હાર્દમાં સંવાદિતા રહેલી છે એવા સ્વામી વિવેકાનંદના શબ્દોને આપણે સંપૂર્ણપણે સમજવા જરૂરી છે. વિચારોની એકવાક્યતા અને બધા જ ધર્મોની નૈતિક એકસૂત્રતા સમજવી પડશે, સમજાવવી પડશે અને અંતરમાં ઉતારવી પડશે. ઉદાહરણ તરીકે દરેક ધર્મ સેવાના મહત્ત્વ ઉપર ખાસ ભાર મૂકે છે :

સર્વશાસ્ત્રપુરાણેષુ વ્યાસસ્ય વચનં ધ્રુવમ્ —।

પરોપકારસ્તુ પુણ્યાય પાપાય પરપીડનમ્ —।।

અર્થાત્ બધાં પુરાણો અને શાસ્ત્રોમાં વ્યાસ મુનિનું આ કથન સત્ય છે. પરોપકાર કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને પરપીડન પાપમાં પરિણમે છે.

આ ઉપદેશની સાથે આપણે ખ્રિસ્તી ધર્મનો આદેશ સરખાવીએ : ‘તારા જાતભાઈની સેવા કર, એને મારી સેવા જ માની લે.’ ઇસ્લામી ઉપદેશ પણ જોઈએ : ‘માત્ર ધર્મના પાલનની વાતો જ નહીં પરંતુ સત્કાર્યો અને પોતાનાં ભાઈભાંડુની સેવા એ જ સાચી પ્રાર્થના છે.’

બાહ્ય રીતે જુદા જુદા દેખાતા ધર્મોની અંદર પણ પરસ્પર સમજણ અને સ્નેહ સાધવા માટેનાં આવાં તો અનેક દૃષ્ટાંતો આપણને મળી રહે છે.

૧૮૯૩ના સપ્ટેમ્બરની ૪થી તારીખે શિકાગોની મહાસભાના એક સપ્તાહ પહેલાં સ્વામી વિવેકાનંદે એક કાવ્ય ટાંક્યું હતું જેનો ભાવ નીચે મુજબ છે :

‘બધા જ પયગંબરો કહે છે કે તું જ મારો પ્રભુ છે, બધા જ ધર્મો તારામાંથી ઉદ્ભવે છે. વેદો, બાઇબલ અને કુરાન સંવાદિતા દ્વારા તારું ગાન કરે છે.’

બધા જ ધર્મો એકતા અને સંવાદિતા ઉપર ભાર મૂકે છે એવું સર્વેને દર્શાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હતા. સ્વામીજીએ એક વાર કહ્યું હતું કે, ‘મારું પ્રથમ કાર્ય આપણા ધર્મગ્રંથોમાં છૂપાઈને પડેલાં અને કેટલાક ગણ્યાગાંઠ્યા માણસોના કબ્જામાં રહેલાં આધ્યાત્મિકતાનાં રત્નોને બહાર લાવવાનું અને લોકોને માટે યોગ્ય બનાવવાનું છે. આવાં બધાં વિચાર-રત્નોને મારે બહાર લાવવાં છે અને એને જનસામાન્યની સંપત્તિ બનાવવી છે.’

ધર્મના મૂળભૂત મુદ્દાઓ વિશે સ્વામીજી ખાસ ભાર મૂકતા. તેઓ કહેતા હતા, ‘ધર્મ શબ્દોમાં કે સિદ્ધાંતોમાં સમાયેલો નથી. ધર્મ એટલે તો પોતે હોવું અને બનવું. એણે તો આત્માનું એ પ્રકારે પરિવર્તન કરવું કે જે આદર્શાે તેને રાખ્યા હોય તેને પ્રાપ્ત કરે.’

કોઈપણ ધર્મશાસ્ત્રોમાં વર્ણવેલા ધાર્મિક નેતા અને આદર્શ આર્ષદ્રષ્ટા કરતાં પણ સ્વામી વિવેકાનંદ અનેક ગણા ચડિયાતા હતા. નવા વિશ્વની રચનામાં સમર્પિત થયેલા એ મહાન પુરુષ અત્યંત અટપટી સમસ્યાઓના ઉકેલમાં ગુંથાયા હતા અને અત્યંત ગહન પ્રશ્નોને પણ સરળ બનાવીને તેનો વ્યવહારુ ઉકેલ તેઓ લાવતા હતા. ભારતની ગરીબી, પછાતપણું, રોગચાળો, પ્રજાની લઘુતાગ્રંથિની ભાવના, બહેનોનો અત્યંત દયનીય, શરમજનક સામાજિક દરજ્જો અને આ બધી જ સમસ્યાઓ વિશે તેઓ સંપૂર્ણપણે વાકેફ હતા. એક વાર તેમણ કહ્યું હતું કે, ‘ભૂખ્યા માણસ પાસે ધર્મોપદેશની વાતો કરવી એ તેના અપમાન સમાન છે. આપણે એવો ધર્મ જોઈએ છે કે જે આપણા પોતાનામાં આત્મશ્રદ્ધા પ્રગટાવે, રાષ્ટ્રનું આત્મસન્માન જાળવે, કંગાલોને ભોજન અને શિક્ષણ પૂરાં પાડવાની શક્તિ ધરાવે તેમજ બધા જ પ્રકારનાં દુ :ખોને દૂર કરે.’ તેમણે કહ્યું, ‘આપણે આપણા રાષ્ટ્રને તેની ખોવાયેલી અસ્મિતા પાછી આપવી છે અને માનવસમુદાયનું ઉત્થાન કરવું છે.’

તેમના પ્રેરણાદાયી અવિસ્મરણીય શબ્દો છે, ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ થાય નહીં ત્યાં સુધી મંડ્યા રહો. તમારા દરેકમાં એટલી શક્તિ પડી છે કે જે બધાં જ દુ :ખદર્દાેને દૂર કરવા સમર્થ છે. આ વાતમાં શ્રદ્ધા રાખો અને એક દિવસે એ શક્તિ અવશ્ય પ્રગટશે.’

\તેઓ અવારનવાર શીખ-બંધુઓનું આ લોકપ્રિય સુવાક્ય ઉચ્ચારતા : ‘સવા લાખ પર એક ચઢાઉં, જય ગુરુ ગોવિન્દ નામ સુનાઉં.’

સાચું શિક્ષણ આજના જમાનામાં કેવું હોવું જોઈએ અને આધુનિક ભારતમાં તેને કઈ રીતે પહોંચાડી શકાય એ બાબત તેઓ સતત ચિંતન કરતા રહેતા. ‘શિક્ષણ આપો, શિક્ષણ આપો એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. કોઈ પણ દેશની પ્રગતિનું માપ ત્યાંની પ્રજામાં શિક્ષણનો પ્રસાર અને તેના બૌદ્ધિક વિકાસ પર આધાર રાખે છે.’ તેમણે શિક્ષણની અત્યંત સ્પષ્ટ અને અર્થપૂર્ણ વ્યાખ્યા કરી આપી છે.
તેઓ કહે છે, ‘શિક્ષણ એટલે શું ? શું પોથીમાંનું જ્ઞાન જ ? ના, અથવા વિવિધ વિષયોની જાણકારી ? એ પણ નહીં. પરંતુ જેનાથી ઇચ્છાશક્તિનો પ્રવાહ તથા તેની અભિવ્યક્તિ અંકુશમાં આવી શકે અને તે ફળદાયી નીવડે તે જ સાચું શિક્ષણ કહેવાય.’ એક અન્ય પ્રસંગે તેમણે સમજાવ્યું, ‘જેનાથી ચારિત્ર્યનું ઘડતર થાય, મનોબળ વધે, બુદ્ધિપ્રતિભા વિસ્તરે અને માણસ આત્મનિર્ભર બને તેવું શિક્ષણ આપણને ખપે છે.’

ભારતની શૈક્ષણિક જરૂરિયાતો કેવી હોવી જોઈએ તેવા પ્રશ્નના જવાબમાં સ્વામીજીનો અભિગમ ખૂબ જ વ્યવહારુ અને વાસ્તવિક હતો. તેમણે કહ્યું કે, ‘વિદેશી અંકુશરહિત અને સ્વતંત્ર હોય તેવી તેમજ જુદી જુદી વિદ્યાશાખાઓવાળી તેમજ અંગ્રેજી ભાષા અને પાશ્ચાત્ય વિજ્ઞાનના સંયોજનવાળી એવી કેળવણીની પદ્ધતિ આપણે અપનાવવી છે. એવું ટેકનિકલ જ્ઞાન પ્રાપ્ત કરીએ કે જેથી આપણા ઉદ્યોગો વિકસે અને પરિણામે માણસ નોકરી ન શોધતાં આર્થિક રીતે પગભર બને.’

નવાઈની વાત તો એ છે શિક્ષણ વિશેનાં આવાં અધિકૃત અને વ્યવસ્થિત વિચારોનાં લેખબદ્ધ નિવેદન કોઈ શિક્ષણશાસ્ત્રીનાં નથી પણ એક સંન્યાસીનાં છે !

સમાજ અને મહિલાઓના ઉત્કર્ષ માટે કામે વળગવા તેઓ ભારપૂર્વક અપીલ કરતા હતા, ‘નારીઓનો ઉદ્ધાર અને જનસમાજની જાગૃતિ એ જ આપણું સર્વપ્રથમ કર્તવ્ય છે અને એ સિદ્ધ થયા પછી જ ભારતનું સાચું કલ્યાણ થઈ શકશે.’ મનુ (ભગવાન)ને ટાંકીને તેઓ કહે છે : યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા…. અર્થાત્ જયાં નારીઓ પૂજાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે.

સ્વામી વિવેકાનંદના આધ્યાત્મિક, બૌદ્ધિક અને પ્રગતિશીલ ચિંતનનું આપણે વાસ્તવિક નિરીક્ષણ કરીએ તો જણાશે કે આપણા આજના પ્રશ્નો, આપણી સમસ્યાઓ તેમજ વર્તમાન પરિસ્થિતિની સાથે તેમણે (૧૦૦ વર્ષ પહેલાં) કરેલું ભવિષ્યકથન આજે પણ એટલું જ વાસ્તવલક્ષી છે અને આપણને નડતા અનેક પ્રશ્નોનો ઉકેલ પણ સ્વામીજીએ દર્શાવ્યો છે.

આપણે આપણા દેશની અંદર અને બહાર શું જોઈએ છીએ ? જગત આગળ ધપી રહ્યું છે. દેશ-દેશ અને પ્રજા-પ્રજા વચ્ચેના સંબંધોની દિશામાં ખૂબ જ મહત્ત્વનું છતાં ગુપ્ત લાગે એવું સક્રિય સંચાલન થઈ રહ્યું છે. વિકાસ, પુનર્રચના અને પરિવર્તનનાં પરિબળો આજે સ્પષ્ટ દેખાતાં થયાં છે. એશિયામાં નવજાગૃતિ આવી છે અને પશ્ચિમના દેશો તેમજ યુરોપ, એશિયા તેમજ આફ્રિકા ખંડો વચ્ચેનું સંતુલન પણ નવેસરથી ગોઠવાઈ રહેલું જણાય છે. ભારતે પણ વ્યવસ્થિત બનીને પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિને જાગ્રત કરીને સંપૂર્ણપણે બહાર આવવું પડશે. સંકુચિત વિચારોને કારણે ઊભા થતા નાના-મોટા વાદવિવાદોમાં ફસાવું અને એકતા તથા સંવાદિતાના લાભથી વંચિત રહેવું એ આપણને આજની ઘડીએ પરવડે તેમ નથી.

આપણી અનેકવિક સમસ્યાઓમાંની એક મોટી સમસ્યા એ કોમવાદ છે. તે એક પ્રબળ હળાહળ ઝેર છે કે જે સમગ્ર વાતાવરણને દૂષિત કરે છે, પ્રગતિને રોકે છે, તેમજ કેટલાંય અન્ય દૂષણોને પોષે છે અને એને ટકાવી રાખે છે.

કોઈપણ ધર્મના ગ્રંથો કે સિદ્ધાંતો કોમવાદને ટેકો આપવા નથી. હકીકતમાં તો દરેક ધર્મ જો તે અધર્મથી દૂષિત ન હોય તો એ એટલું જ શીખવે છે કે સર્વત્ર એકતા, સંવાદિતા, સમજણ હોવાં જોઈએ. કોમી દૃષ્ટિબિંદુ કોઈને લાભકર્તા નથી. કેટલાક ગેરમાર્ગે દોરાયેલા લોકો તેમાંથી સ્વાર્થી હેતુ માટે કામ કરે તોપણ તેમને કોમવાદ લાભદાયી થતો નથી. ભારત માટે કોમવાદ એ કલંક છે. ભારતદ્વેષી અને માનવપ્રગતિનાં વિરોધી પરિબળોને જ કોમવાદ લાભ કરે છે. આપણે સમજવું જોઈએ કે આ પ્રશ્નનો ઉકેલ દેશની પ્રજાએ સાથે બેસીને જ ઉકેલવો જોઈએ. કોમવાદનો નાશ કરવો હશે તો આપણે કોમવાદી વિચાર, વાણી અને વર્તનની સામે આપણા મનની મજબૂત કિલ્લેબંધી કરવી પડશે તથા આપણી ઉપર કોમવાદી વિચારો લાદતાં પરિબળો અને તત્ત્વોને આપણે નાથવાં જોઈએ.

જો ભારતે પોતાની સંપૂર્ણ શક્તિ અનુસાર વિકાસ સાધવો હોય, એક સંયુક્ત, સબળ અને સમૃદ્ધ વારસાને અનુરૂપ તેમજ સર્વોચ્ચ નૈતિક મૂલ્યો અનુસાર બહાર આવવું હોય તો આપણે સૌએ સતત પરિશ્રમ કરીને એવું વાતાવરણ પેદા કરવું પડશે કે જેમાં સંવાદિતા, ન્યાય, પૂર્ણતા અને રચનાત્મક પુરુષાર્થ હોય. ખરેખર, આ દિશામાં આપણે સૌએ ખૂબ જ કામ કરવું તે આપણી ફરજ છે.

આવા મહાન રાષ્ટ્રનિર્માણના કાર્યમાં યુવાનોએ મોખરે ચાલવું પડશે. આત્માને ઢંઢોળી નાખે તેવા પ્રેરણાદાયી શબ્દો સ્વામી વિવેકાનંદે અમેરિકાથી આવીને ઉચ્ચાર્યા હતા તે આ રહ્યા, ‘બળવાન બનો, બાકી બધું જ આપમેળે અનુસરશે. આવતી કાલે મારું મૃત્યુ થાય તો કામ અટકશે નહીં. એ કામને ઉપાડી લેવા માટે હજારો માણસો આગળ આવશે તથા તેને વધુ ને વધુ આગળ ધપાવશે. મને મારા રાષ્ટ્રમાં અને ખાસ કરીને તેની યૌવન-પ્રતિભામાં વિશ્વાસ છે….. યુવાનોમાંથી એવી શક્તિ જાગૃત થશે કે જે ભારતને ફરી એકવાર તેના યોગ્ય આધ્યાત્મિક ઉન્નતિભર્યા સ્થાને પહોંચાડી દેશે.’

મિત્રો, આપ સર્વની સાથે રહેવા માટે આજે મને આપે નોતર્યો તે બદલ આપનો આભાર માનું છું. સ્વામી વિવેકાનંદની અમર સ્મૃતિને હું મારી અતિ નમ્ર અંજલિ અર્પું છું. તેમના શબ્દો માનવજાતને હંમેશાં માર્ગદર્શન આપતા રહે. જય હિન્દ.

Total Views: 248

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.