જો કે હું આપના મહાન પૂર્વવર્તી સ્વામી વિવેકાનંદની સ્મૃતિસભામાં ઉપસ્થિત રહી શકીશ નહીં. છતાં પણ મને લાગે છે કે એમાં ભાગ લેનારા લોકો મારા જેવી એક વ્યક્તિ દ્વારા પ્રસ્તુત એમની એક રૂપરેખાને પસંદ કરશે, જે રૂપરેખા એમના જીવન સાથે અત્યંત ઘનિષ્ઠરૂપે જોડાયેલ રહી હોય.
સ્વામી વિવેકાનંદના આ દેશમાંથી વિદાય થયાને લગભગ ૪૦ વર્ષ વીતી ચૂક્યાં છે. પરંતુ, જેટલા એમની અહીંથી વિદાયવાળા દિવસો તરોતાજા હતા તેટલી મારા માનસપટલ પર તેઓ જે સ્મૃતિઓ છોડી ગયા છે અને તે આજે પણ તરોતાજા છે. મારી સ્મરણશક્તિ હવે ઘણી સારી નથી, પરંતુ એમની સ્મૃતિ સ્પષ્ટ હોવાને કારણે સ્વામીજીનો એ ગુણ હતો – જેને સંસ્કૃતમાં ‘ઓજસ્’ કહે છે. આ ગુણ શારીરિક બળ, પૌરુષ, પ્રાણશક્તિ તેમજ તેજનો દ્યોતક છે. વસ્તુત : એમના વ્યક્તિત્વમાં ચુંબક જેવા આકર્ષણની સાથે જ મહાન પ્રશાંતિનો સમાવેશ હતો. ભલે તેઓ સડક પર ચાલી રહ્યા હોય કે ઓરડામાં ઊભા હોય, એમનામાં સર્વદા એ જ ગરિમા પરિલક્ષિત થતી હતી.
તેઓ હસમુખ અને વિનોદી સ્વભાવના હતા. એની સાથે જ એમનામાં સહજભાવે દીનદુ :ખીઓ પ્રત્યે પરમ સહાનુભૂતિ તથા કરુણાનો ભાવ પણ હતો. મિત્રના રૂપે તેઓ મધુર તેમજ મોહક હતા અને કોઈ પણ પરિવેશમાં તેઓ સહજભાવે પ્રવેશી શકતા.
મેં જોયું કે એમના સંપર્કમાં આવનાર બધી શ્રેણીના શિક્ષિત લોકો એમની ભીતર રહેલી સજ્જનતા તરફ આકર્ષાતા અને એની પ્રશંસા પણ કરતા. એમની ઉપસ્થિતિમાં એવો બોધ થતો રહેતો કે તેઓ સર્વદા ઈશ્વરના સાન્નિધ્યનો અનુભવ કરી રહ્યા છે. ટહેલતી વખતે, યાત્રા કરતા સમયે તેમજ અવકાશની ક્ષણોમાં પણ એમના મુખમાંથી સ્વત :સ્ફૂર્તભાવથી પ્રાર્થના કે ભક્તિપૂર્ણ ઉદ્ગાર વ્યક્ત થતા રહેતા.
ધર્માચાર્યના રૂપે શિષ્ય કે છાત્રની મુશ્કેલી કે કઠિનતાને સમજવાની એનામાં મહાન ક્ષમતા હતી અને તેઓ ઘણા સહજ શબ્દોમાં એની વ્યાખ્યા તથા તેનું સમાધાન બતાવી દેતા. પરંતુ એની સાથે સૂક્ષ્મરાજ્યોના વિચારોમાં પણ તેઓ સ્વચ્છંદ વિચરણ કરતા હતા.
કીલ (Kiel) વિશ્વવિદ્યાલયના તત્કાલીન અધ્યક્ષ ડૉ. પોલ ડાૅયસન સાથેની એમની ચર્ચા મને અત્યારે પણ બરાબર યાદ છે. શાૅપેન હોવર તથા વાન હાર્ટમૈને અંધ-ઇચ્છા (blind will) તથા અચેતન (unconscious) ને પોતાનાં દર્શનની પાયાની ઈંટ બનાવીને જે ભૂલ કરી હતી, તેને દર્શાવતાં સ્વામીજીએ કહ્યું હતું કે એનાથી ઊલટું કોઈ કામના કે ઇચ્છાની પહેલાં સાર્વભૌમ આત્મા (universal thought) નું હોવું આવશ્યક છે. દુર્ભાગ્યવશ આ ભૂલ આજ સુધી ચાલુ રહી છે અને એક ખોટી શબ્દાવલીના પ્રયોગ દ્વારા પાશ્ચાત્ય મનોવિજ્ઞાનને ઠીક ઠીક પ્રમાણમાં વિકૃત બનાવી રહ્યો છે.
પોતાના વક્તવ્યોનો ઉપસંહાર કરતાં હું એ જ કહેવા ઇચ્છીશ કે જો જ્ઞાનનો ઉદય થતાં આપણે દરેક પ્રાણીમાં ઈશ્વરનાં દર્શન કરી શકીએ છીએ છતાં પણ એને કોઈ સજ્જન કે મહાત્માઓમાં અભિવ્યક્ત થયેલ જોવો એ મોટા સદ્ભાગ્યની વાત છે. સ્વામી વિવેકાનંદ એવી જ વ્યક્તિઓમાંના એક હતા.
Your Content Goes Here