૪૦ વર્ષ પહેલાં ભારતની પ્રાચીન દુનિયામાંથી એક યુવાન, સાહસિક અને સુંદર વ્યક્તિનું આગમન થયું, એમનું મુખમંડળ આત્મવિજયના આલોકથી જાજ્વલ્યમાન હતું. એમણે કોઈ નિમંત્રણ વિના, કોઈ પૂર્વઘોષણા વિના અને અજાણ્યા જ અમેરિકાના અભિનવ જગતમાં પ્રવેશ કર્યો…

આજે પણ વર્તમાન પેઢી દ્વારા એ યાદ કરાય છે કે કેવી રીતે સ્વામી વિવેકાનંદ કેટલીયેવાર ભોજનવસ્ત્ર વિના રહીને પણ શાંતિપૂર્વક આ જોખમભરી યાત્રામાં આગળ વધ્યા હતા; કેવી રીતે તેઓ વિશ્વધર્મ-પરિષદના અધિવેશનમાં એક પ્રતિનિધિરૂપે સ્વીકૃત બન્યા હતા, કેવી રીતે એમણે પોતાના સંદેશની સરળતા અને સુંદરતાથી શ્રોતાઓને રોમાંચિત કરી દીધા હતા. સાથે ને સાથે કેવી રીતે આગલા દિવસની સવારે ત્રણ મહાદ્વીપોનાં મહાનગરોનાં અખબારોએ વિશ્વના મહાન આચાર્યો સમકક્ષ એમને મૂકીને એમના આધ્યાત્મિક મહિમાની ઘોષણા કરવામાં પોતાની બધી ઊર્જા વાપરી નાખી હતી.

સ્વામીજી વિશે અત્યાર સુધી અપ્રકાશિત મારી પોતાની કહાણી વિલક્ષણ લાગે છે. જયારે હું પહેલીવાર એમને મળી ત્યારે એમની ઉંમર ૨૭ વર્ષ (વાસ્તવિક રીતે ૩૧ વર્ષ) હતી. તેઓ એક પ્રાચીન ગ્રીક દેવમૂર્તિ સમા સુંદર લાગતા હતા. પરંતુ હા, એમનો વર્ણ શ્યામ હતો અને એમની મોટી મોટી આંખો મધ્યરાત્રીના નક્ષત્રથી ભરેલા આકાશની યાદ અપાવતી હતી. એમના દેશના લોકો શારીરિક રૂપે જેમ દૂબળા-પાતળા દેખાય છે એમાંથી મોટા ભાગનાની સરખામણીમાં સ્વામીજી બલિષઠ દેખાતા હતા. એમનું માથું નાના નાના ગૂંચળાવાળા વાળથી પરિપૂર્ણ હતું. પોતાની પહેલી મુલાકાતના સમયે અમારી વચ્ચે રહેલા પારસ્પરિક વર્ણવૈષમ્ય (વર્ણભેદ)ને જોઈને હું વિસ્મિત થઈ ગઈ હતી. હું ચોવીસ વર્ષની એક શ્વેત, ઊંચી દૂબળી, અને સોનેરી વાળ તથા ભૂરીનીલી આંખોવાળી હતી. સંભવત : આનાથી વધારે વિષમતા બીજી હોઈ ન શકે.

અમારી મુલાકાત થોડી અસામાન્ય પ્રકારની હતી. એમના શિકાગો વિજય પછી ન્યૂયોર્ક આવવા માટે એમના પર જાણે કે નિમંત્રણોનો વરસાદ થયો. આ ન્યૂયોર્કમાં સમગ્ર વિશ્વના મહાન લોકોનું સન્માન કરવામાં આવે છે. ત્યાં એ દિવસોમાં ડાૅક્ટર એગબર્ટ ગર્નસી નામના એક અત્યંત પ્રસિદ્ધ ચિકિત્સક રહેતા હતા. તેઓ અત્યંત ઉદાર, સાહિત્ય પ્રેમી તથા સાચા અતિથિપરાયણ વ્યક્તિ હતા. એમનું વિશાળ તથા સુંદર ભવન પાંચમા એવન્યૂની ૪૪મી શેરીમાં હતું. પોતાની આકર્ષક પત્ની તથા પુત્રીના સહસ્ર સહયોગથી ડાૅકટર ગર્નસી વિદેશથી આવેલા આગંતુકોનો અત્યંત આનંદપૂર્વક ન્યૂયોર્કના સમાજ સાથે પરિચય કરાવતા રહેતા. પ્રાચ્ય તથા પાશ્ચાત્યની વચ્ચે ઘનિષ્ઠતર સંબંંધથી જોડનારા સ્વામીજીનો આદર્શ ધર્મ અને વિશ્વશાંંતિમાં સહાયરૂપ સંદેશ ડાૅક્ટરના હૃદયને ઊંડાણથી સ્પર્શતો હતો. તે મહાન સ્વામીજીને વિશેષરૂપે સન્માનિત કરે એવી એમની અપેક્ષા હતી.

એ પ્રમાણે ડૉ. ગર્નસીએ એક દિવસ બપોરે ડિનરનું આયોજન કર્યું. સાથે ને સાથે એવું નક્કી કર્યું કે એમાં આવનાર પ્રત્યેક અતિથિ એક એક વિશિષ્ટ ધર્મના પ્રવક્તા રહેશે. એ સમયે અજ્ઞેયવાદી રોબર્ટ ઈન્ગરસોલ નગરમાં અનુપસ્થિત હતા. એટલે ડાૅક્ટર પોતે એમનું પ્રતિનિધિત્વ કરવાના હતા. રેવરન્ડ કાર્ડિનલને એમાં રુચિ તો હતી, પરંતુ એમણે પોતે આ ભોજનમાંં હાજર રહેવા કે પોતાના કોઈ પાદરીને એમાં મોકલવાની ના પાડી દીધી. હું એક કેથોલિક ખ્રિસ્તી હતી અને સુપ્રસિદ્ધ જેસુઈટ પાદરી વિલિયમ ઓ’ બ્રાએન પાર્ડાે દ્વારા પ્રશિક્ષિત થઈ હતી. એને લીધે મને પણ આ સ્મરણીય ડિનર પાર્ટીમાં ઉપસ્થિત રહેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. ડૉ. ગર્નસી અમારા પારિવારિક ચિકિત્સક હતા. એટલે એમણે કેથોલિક મતનું પ્રતિનિધિત્વ કરવા મને આમંત્રણ આપ્યું હતું. આ ભોજનમાં ડૉ. પાર્કહર્સ્ટ તથા એ દિવસો દરમિયાન ગર્નસી પરિવાર સાથે રોકાયેલ અમેરિકાની સુપ્રસિદ્ધ અભિનેત્રી મિની મૈડર્ન ફિસ્કે પણ આવ્યાં હતાં.

જો કે અમારા લોકોની વચ્ચે પરસ્પર એક ચોક્કસ મૌન સમજૂતી થઈ હતી કે બધા એક-બીજા પ્રત્યે અને વિશેષ કરીને સ્વામીજીના તથાકથિત ગેરઈસાઈ (મૂર્તિપૂજક) મતવાદ પ્રત્યે ભદ્ર આચરણ કરીશું. આમ છતાં પણ ખેદની વાત એ છે કે ભોજન જેમ જેમ આગળ વધ્યું તેમ તેમ ચર્ચામાંં ગરમી આવતી ગઈ. આમ છતાં પણ સર્વાધિક ગરમનરમ ચર્ચા સ્વામીજી સાથે ન થઈ. બધા મતભેદ બાઇબલને માનનારા ભાઈઓની વચ્ચે જ કેન્દ્રિત રહ્યા.

મારી ખુરશી સ્વામીજીની પાસે જ હતી. અમે બન્ને મજાની રીતે ચુપચાપ આ હાસ્યાસ્પદ સાંપ્રદાયિક અસહિષ્ણુતાને જોતાં રહ્યાં. અમારા યજમાન વચ્ચે વચ્ચે ઘણી કુશળતા સાથે બુદ્ધિમત્તા એવમ્ વિનોદયુક્ત ટિપ્પણીઓ દ્વારા અતિથિઓના પાચનતંત્રને હાનિકારક ન થાય એ સ્તરે વાર્તાલાપને જાળવી રાખતા. સ્વામીજી વચ્ચે વચ્ચે સંંક્ષિપ્ત વક્તવ્યોની મદદથી અમારા લોકોની પરંપરાથી પૂર્ણતયા ભિન્ન, પોતાના દેશ તથા ત્યાંના રીતિ રીવાજોને મોટે ભાગે સમજાવવાના પ્રયત્નો કરતા. પરંતુ સર્વદા એમનો મૂળ ઉદ્દેશ્ય હતો, પોતાના ધર્મ તથા દર્શનને અમારી સમક્ષ પ્રતિપાદિત કરવો. અમેરિકામાં વેદાન્ત કેન્દ્રોની સ્થાપનાનું કાર્ય સંપન્ન કરવા માટે એમનાથી વધારે સહિષ્ણુ અને ઉદાર દૃષ્ટિકોણ રાખવાવાળી બીજી કોઈ વ્યક્તિ નિશ્ચિત રૂપે ભારતમાં ક્યાંય મળી શકે તેમ ન હતી.

એ અવસર પર એમણે ઘેરા, ગુલાબી-લાલ રેશમનો ભગવા રંગનો લાંબો ડગલો પહેર્યો હતો. એમની સફેદ ધૂપછાંંવ પાઘડી પર સોનેરી દોરાની હાર હતી. પગમાં મોજાં ન હતાંં, પરંતુ એમણે હળવા ભૂરા રંગનાં પગરખાં પહેર્યાં હતાં. આ ભોજન સમયે જ અમારી વચ્ચે મિત્રતા બંધાણી. પછીથી બેઠકખંડમાં એમણે કહ્યું, ‘કુમારી ગિબન્સ, આપનો તથા મારો દાર્શનિક મત એક જ છે. આપણી ધાર્મિક શ્રદ્ધાની મૂળ વાતો પણ સમાન છે.’

એ દિવસોમાં હું મારાં માતા સાથે સેન્ટ્રલ પાર્કની સામે ૧ નંબર ઈસ્ટ, ૫૧મી શેરી પર આવેલ બેરેસ્ફોર્ડ એપાર્ટમેન્ટ્સમાં રહેતી હતી. મારાં માતા દક્ષિણ અંચલની, દક્ષિણી કૈરોલિનાના ચાર્લેસ્ટનના રાજકીય ફ્રાન્સિસી કુળનાં હતાં અને કાળાં નેત્રો તથા કેશવાળી સુંદરીના રૂપે પ્રસિદ્ધ હતાં. તેઓ એક બુદ્ધિમાન મહિલા હતાં અને ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ સાથે સંલગ્ન સામાજિક ઉત્સવ અનુષ્ઠાનોમાં આનંદપૂર્વક ભાગ લેતાં. દુનિયાના બધા કુલીન લોકો આ સંપ્રદાય સાથે જોડાયેલા છે, એવો એમનો વિશ્વાસ હતો. આ પ્રકારે સ્વામીજી તથા હું, બન્ને એમની પરિધિની બહાર હતાં.

ડૉ. ગર્નસીની ડિનર પાર્ટીમાંથી ઘરે પાછા ફરીને મેં મારાં માતાને સ્વામીજી અને એમના અદ્‌ભુત વિચારો વિશે કહ્યું; અમારી વચ્ચે આવિર્ભૂત એ મહાન ‘શક્તિ’ વિશે પણ કહ્યું. એ સાંભળીને તેમણે કહ્યું, ‘કેવી એ ભયાનક ડિનર-પાર્ટી હતી જેમાં મેથાૅડિસ્ટ, બેપ્ટિસ્ટ, પ્રેસબિટેરિયન બધા હતા અને સાથે હતા ભગવાં વસ્ત્રધારી એ શ્યામ મૂર્તિપૂજક પણ !’

પરંતુ ધીરે ધીરે માએ સ્વામી વિવેકાનંદને પસંદ કરવાનું તથા એમના વિચારો પ્રત્યે આદર દેખાડવાનું શીખી લીધું. પછીથી તેઓ એક વેદાંત સમિતિનાં સભ્ય પણ બન્યાં. સ્વામીજીને મારાં માતા ઘણાં રોચક લાગ્યાં. અને આજે એટલાં વર્ષો પછી પણ જ્યારે તેઓ પોતાના વિશે માની ટીકાટિપ્પણીઓ સાંભળીને હસીને લોટપોટ થઈ જતા હતા, એ દૃશ્ય મારાં નેત્રો સમક્ષ તરવા લાગે છે.
એક સોમવારની રાત્રે ‘મેટ્રોપાૅલિટન ઓ
પેરા’ થિયેટરમાં નવયૌવના મેલ્બા

, ડી રેજ્કે અને બૈરમિસ્ટર જેવા સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ‘ફાઉસ્ટ’ નાટક મંચ પર ભજવાયું હતું. એ અવસરે સમાજના બધા પ્રતિષ્ઠિત લોકો જાણે કે પોતપોતાનાં આભૂષણોનું પ્રદર્શન કરવા, ગપ્પાં મારવા, લોકોની સાથે હળવા-મળવા, મોડેથી આવીને બધાની નજર આકર્ષવા અને નાટક જોવા ઉપરાંત બાકીનું બીજું બધું કરવા ત્યાં ઉપસ્થિત હતા.

સ્વામીજીએ આ પહેલાં ક્યારેય ઓપેરા (સંગીત નાટક) જોયું ન હતું. અમારી બેઠકો ઓર્કેસ્ટ્રાની પાસે બધાની નજરે ચડે એવા ભાગમાં હતી. મેં એવી સલાહ આપી કે સ્વામીજીને પણ અમારી સાથે જવાનું નિમંત્રણ અપાય. માએ એમને કહ્યું, ‘પરંતુ આપ તો શ્યામ વર્ણના છો, લોકો શું કહેશે ?’ આ સાંભળીને તેઓ હસવા લાગ્યા અને કહ્યું, ‘હું મારી બહેન સાથે બેસીશ, હું જાણું છું કે તેમને ખરાબ નહીં લાગે.’ એ દિવસે તેઓ જેટલા સુંદર દેખાતા હતા તેવા આ પહેલાં ક્યારેય જોયા નથી. અમારી આસપાસ બેઠેલા લોકોનું ધ્યાન એ રીતે એમના તરફ એટલું ખેંચાઈ રહ્યું હતું કે મારા માનવા પ્રમાણે એ રાત્રે તે લોકો ઓપેરા જરાય સાંભળી શક્યા ન હતા.

મેં સ્વામીજીને ‘ફાઉસ્ટ’ની કથા સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ સાંભળીને મા બોલી ઊઠી, ‘હે ભગવાન, તારા જેવી યુવાન છોકરીએ આવી ભયાનક કથા એક પુરુષને સંભળાવવી ન જોઈએ.

સ્વામીજીએ પૂછ્યું, ‘જો એ સારું ન હોય તો આપ એને અહીં આવવા શા માટે કહ્યું ?’

માએ કહ્યું, ‘જુઓ, ઓપેરા જોવા જવું એક સામાજિક પ્રથા છે. બધાનાં કથાનક ખરાબ છે પરંતુ એના પર ચર્ચા કરવી આવશ્યક નથી.’

ધન્ય હો, બીચારી નિષ્પ્રાણ માનવતા અને તમારી આ મુર્ખતા ! પછીથી નાટક ભજવાતું હતું ત્યારે સ્વામીજીએ પૂછ્યું, ‘વારુ બહેન, આ વ્યક્તિ જે ગાઈ ગાઈને તે સુંદર મહિલા પ્રત્યે પ્રેમ બતાવી રહી છે, તે ખરેખર તેને ચાહે છે ખરી ?’

મેં કહ્યંુ, ‘હા સ્વામીજી.’ સ્વામીજીએ કહ્યું, ‘પરંતુ એ વ્યક્તિએ તો આ નારી પ્રત્યે અન્યાય કર્યો છે અને એને દુ :ખી દુ :ખી કરી દીધી છેે.’
મેં વિનયપૂર્વક કહ્યું, ‘હા.’

આ સાંભળીને સ્વામીજીએ કહ્યું, ‘અરે, હવે મને સમજાણું. એ વ્યક્તિ પેલી સુંદર મહિલાને ચાહતી નથી, પરંતુ તે લાલ પૂંછડાવાળી વ્યક્તિના પ્રેમમાં પડ્યો છે – એને શું કહે છે – શેતાન !’ આ રીતે સ્વામીજીના પવિત્ર મને વિચાર દ્વારા બધું માપી-તોળીને સમજી લીધું કે ઓપેરા અને એના શ્રોતા બધાં ખોખલાં છે.

નાટકના અંતરાલ દરમિયાન એક નાની વયની લોકપ્રિય સામાજિક યુવતીએ મા પાસે આવીને કહ્યું, ‘મારાં મા પેલી નારંગી વસ્ત્ર પહેરેલ ભવ્ય વ્યક્તિનો પરિચય મેળવવા ખૂબ ઉતાવળાં થઈ રહ્યાં છે.’

અમારી વચ્ચે એક ગહન મિત્રતા હતી અને મારુંં વિચારવું એવું છે કે તે જગતને માટે હજુ પણ અપ્રકાશિત રહી ગઈ છે. એ ભૌતિક રાગદ્વેષથી પર પૂર્ણત : એક આત્મિક સંબંધ હતો. તેઓ સર્વદા એ દર્શાવ્યા કરતા કે આપણા આત્માઓ અંતે એ પરલોકમાં ક્યારે, કેવી રીતે અને ક્યાં પરમગતિને પામશે. એમણે ક્યારેય કોઈને પણ મારા વિશે કહ્યું ન હતું અને ન તો મારા નામનો ઉલ્લેખ કર્યો. આ આત્માની મિત્રતા હતી અને અત્યારે પણ છે.

તેઓ જે દર્શન પર ઉપદેશ આપતા હતા અને લેખન કરતા હતા તેમાંંથી થોડું ઘણું મને શીખવ્યું હતું. તેમણે મને ધ્યાન ધરતાં શીખવ્યું અને એ મારા જીવનના કઠિન સમયમાં એક મહાન શક્તિ રૂપ સાબિત થયું. એમણે મને દર્શાવ્યું કે કેવી રીતે ધ્યાનની શક્તિ યુક્તિપૂર્ણ વિચારો, આત્મસંયમ, ભાવસમાધિ, બીજા લોકોને આકર્ષવા, સત્કર્મ, બીજાની તથા એમની આવશ્યકતાઓને સમજવા માટે તેમ જ વ્યક્તિત્વને બુઠ્ઠું બનતા અટકાવવામાં ઉપયોગી થાય છે. ભોજન વિશે સંયમ રાખવો, પોતાના શરીરને સ્વસ્થ રાખવા તેની આવશ્યકતાઓને સમજવી; બ્રહ્મચર્ય, સહનશીલતા, વૈચારિક પવિત્રતા અને જગત પ્રત્યે પ્રેમ-કેવળ કોઈ વિશેષ વ્યક્તિ માટે જ નહીં પરંતુ પ્રત્યેક વ્યક્તિ તથા બધી સર્જન પામેલી બધી વસ્તુઓ પ્રત્યે પ્રેમ- આ બધાંમાં ધ્યાનથી અદ્‌ભુત શક્તિ પ્રાપ્ત થશે !

હવે ચાલીશ વર્ષો પછી એમણે મને સુદીર્ઘ મૌનથી મુક્ત કરી દીધી છે અને કેટલીયે એવી ચીજો માટે આદેશ-નિર્દેશ દીધો છે અને તેઓ ઇચ્છે છે કે હું એ કરું.

બીજાના દૃષ્ટિકોણ વિશે તેમનામાં કેટલી સમજ અને કેટલી ઉદારતા હતી ! તેઓ મારી સાથે ૨૮મા રસ્તા પર સ્થિત નાના એવા સેન્ટ લિયો ચર્ચમાં સમૂહપ્રાર્થના જોવા ગયા હતા, ત્યાં બધું અત્યંત સુંદર હતું અને વૃદ્ધ પાદરી ફાધર ડૂસી એક સારા કલાકાર પણ હતા. ત્યાં બપોરના સમયે તેઓ સામુદાયિક પ્રાર્થનાના નિર્દેશ પ્રમાણે ઘૂંટણભર થઈને શ્રદ્ધા વ્યક્ત કરતા હતા. રંગબેરંંગી કાચવાળી બારીમાંથી છંટાઈને નીલ, લાલ અને સોનેરી પ્રકાશ ભીતર આવી રહ્યો હતો અને એમની સફેદ પાઘડી પર પડ્યા પછી આરસની દીવાલોની પૃષ્ઠભૂમિ પર એમના સુંદર વ્યક્તિત્વની રૂપરેખા રચી રહ્યો હતો. આરસની ફર્શ પર એમનાં ગેરુઆ રંગનાં વસ્ત્ર એક મહાન તથા ભવ્ય જ્વલંત અગ્નિકુંડ જેવાં દેખાતાંં હતાંં અને એમનું એ મનમોહક મુખમંડળ પ્રાર્થનામાં ડૂબેલું હતું. જેવી ભોગની ઘંટડી વાગી અને વેદી પર ઈશુની ઉપસ્થિતિના આભાસથી શ્રદ્ધાપૂર્વક બધાંના શિર ઝૂકી ગયાં, તેવો જ એમણે મારા હાથનો સ્પર્શ કર્યો અને તેમણે અત્યંંત હળવે અવાજે કાનમાં કહ્યું, ‘આપણે બન્ને એક જ પરમેશ્વરની ઉપાસના કરીએ છીએ.’

Total Views: 263

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.