૧૮૯૩માં કોલંબિયન પ્રદર્શનના સમયે શિકાગોમાં યોજાનારી વિશ્વધર્મ-પરિષદમાં વિભિન્ન ચર્ચના સભ્યો સ્વેચ્છાએ પોતાના પ્રતિનિધિઓને પોતપોતાના ઘરે રાખવા સહમત થયા. મારી નાની શ્રીમતી જ્હોન બી. લાયન પણ એમાંનાં એક હતાં. એમણે વિનંતી કરી કે એમના ઘરે અત્યંત ઉદાર દૃષ્ટિકોણવાળા પ્રતિનિધિને મોકલવા. એનું કારણ એ હતું કે મારા નાના દર્શનશાસ્ત્રમાં રસ તો ધરાવતા હતા પણ ધર્માંધોને પસંદ ન કરતા. મારાં નાના-નાની અતિથિપરાયણ હતાં એમને વિશ્વમેળાનું મોટું આકર્ષણ હતું. એટલે અમારા ઘરે સગાંસંબંધીઓ પણ આવતા. એટલે મારાં નાનીએ પોતાના વચેટ પુત્રને એક મિત્રના ઘેર ચાલ્યા જવા કહ્યું. સાંજના ખબર મળી કે ફર્સ્ટ પ્રેસબિટેરિયન ચર્ચના એક સભ્ય અડધી રાત પછી આવશે. બીજાં બધાં સૂઈ ગયાં અને નાની રાહ જોવા લાગ્યાં. ડોરબેલ વાગતાં નાનીએ બારણું ખોલ્યું તો લાંબા ભગવા રંગના ડગલા, લાલ કમરબંધ અને લાલ પાઘડી સાથે સ્વામી વિવેકાનંદ ઊભા હતા. એમનું આનંદપૂર્વક સ્વાગત કર્યું અને પછી તેમને સાથે લઈને એમનો ખંડ બતાવ્યો. પછીથી ખ્યાલ આવ્યો કે ત્યાં તો દક્ષિણ અમેરિકાના શ્વેત લોકો છે અને એ બધા શ્યામવર્ણના લોકોને હબસી જેવા જ ગણતા. પછી બન્ને પતિ-પત્નીએ આ સમસ્યાનો હલ કરવા નજીકમાં જ આવેલ ઓડિટોરિયમ હોટલમાં સ્વામીજીને રાખવાનું વિચાર્યું. નાસ્તા પહેલાં અડધો કલાક નાનાજી પુસ્તકાલય ખંડમાં છાપું વાંચવા ગયા. ત્યાં એમને સ્વામીજી સાથે ઘણી વાતચીત થઈ. જલપાનની વ્યવસ્થા પહેલાં નાનાજીએ નાનીને કહ્યું, ‘એમિલી, આપણા બધા અતિથિઓ ભલે ચાલ્યા જાય…. આપણે ત્યાં આવેલા લોકોમાં આ ભારતવાસી જ સર્વાધિક બુદ્ધિમાન અને રોચક છે એટલે તેઓ જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી અહીં રહેશે.’ એમની વચ્ચે ઘનિષ્ઠતા ઘણી વધી. પરિણામે સ્વામીજીએ શિકાગો ક્લબના એમના મિત્રોને એક વખત કહ્યું, ‘હું અત્યાર સુધી જેટલા લોકોને મળ્યો છું અને મને એવી ખાતરી થઈ છે કે એમાંથી લાયનનું જ ઈશુ સાથે સર્વાધિક સામ્ય છે.’ આ વાત સાંભળીને નાનાજીને ઘણો સંકોચ થયો હતો. સ્વામીજીને મારી નાની પ્રત્યે નિકટનો ભાવ હતો. એનું કારણ એ હતું કે એમને જોતાં જ સ્વામીજીને પોતાની માતાની યાદ આવી જતી. એમનાં શાંત સ્વાભિમાન, આત્મવિશ્વાસ, ઉત્તમ પ્રત્યુત્પન્નબુદ્ધિ અને વિશુદ્ધ હાસ્યનો ભાવ સ્વામીજીને ખૂબ ગમ્યો. છ વર્ષની હું અને મારાં વિધવા માતા નાની સાથે રહેતાં. તેઓ મારી માતા સાથે વાતો કરીને એમનું દુ :ખ દૂર કરવાનો પ્રયાસ કરતા. મારાં નાની અને માતા વિશ્વધર્મ-પરિષદ પછી પણ એમનાં બીજે થયેલાં વ્યાખ્યાનોમાં ઉપસ્થિત રહેતાં. હું જાણું છું કે પોતાના યુવાન પતિના મૃત્યુથી શોકગ્રસ્ત મારાં યુવાન માતાને સ્વામીજીએ ઘણી સહાયતા કરી હતી. પછીથી માએ સ્વામીજીનાં પુસ્તકો વાંચ્યાં, તેનું મનન કર્યું અને એમના ઉપદેશોનું પાલન કરવાનો પ્રયાસ પણ કર્યો.
એમની જ્વલંત આંખો, મધુર કંઠસ્વર, મધુર હાસ્ય વિશેની મારા બાળપણની સ્મૃતિઓ આજે પણ સજીવ છે. તેઓ મને ભારતની કથાઓ-વાંદરાં, મોર, લીલા રંગના પોપટ, વટવૃક્ષ, જાતજાતનાં ફૂલો અને રંગબેરંગી ફળનાં સજાવેલ બજારોની વાતો કરતા. આ બધી વાતો મને પરીકથા જેવી લાગતી. પરંતુ ભારતની સડકો પર માઈલોની યાત્રા કર્યા પછી મને એવો અનુભવ થાય છે કે તેઓ તો કેવળ પોતાના બાળપણની જ સ્મૃતિઓનાં દૃશ્યોનાં વર્ણન કરતા હતા. મારા નાનપણમાં મારા ઘરે સ્વામીજી જ્યારે પાછા આવતા ત્યારે હું દોડીને એમના ખોળામાં બેસીને હઠપૂર્વક કહેતી, ‘સ્વામીજી, એક બીજી વાર્તા કહોને !’ પોતાના ઘરથી આટલે સુદૂર એક વિચિત્ર દેશમાં કદાચ એક બાળકીનો આ પ્રેમ અને ઉત્સાહ એમને આનંદ આપતો હશે. તેઓ મને હંમેશાં અદ્ભુત લાગ્યા. એક બાળક લાગણીશીલ હોય છે અને મને એવા અવસરો યાદ આવે છે કે જ્યારે હું દોડીને એમના ઓરડામાં જતી અને જો તેઓ ધ્યાનમાં લીન હોય ત્યારે મને એકાએક એવું લાગતું કે હું એમાં વિઘ્ન ન નાખું, એવું તેઓ ન ઇચ્છતા.
હું શાળામાં ભણતી હતી. એ વિશે તેઓ મને પ્રશ્નો પૂછતા અને મારાં પાઠ્ય પુસ્તકો બતાવવાનું કહેતા. તેમણે મને પોતાના દેશ વિશે મને ઘણી વાતો કરી, ત્યારે મને એવું લાગ્યું કે ભારતની નાની બાલિકાઓને અમેરિકાની બાલિકાઓની જેમ ઉત્તમ શિક્ષણ મેળવવાની તક મળતી નથી, આવા વિચારે તેઓ દુ :ખી પણ થતા. જ્યારે બેલુર મઠના અધ્યક્ષ સ્વામી શંકરાનંદજીએ મને કહ્યું કે કોલકાતામાં બાલિકાઓ માટે એક વિદ્યાલય સ્થાપ્યું છે, આપ સૌ વિચારી શકો કે એ વાત સાંભળીને મને કેટલો આનંદ થયો હશે !
અમેરિકી ભોજનમાં મરીમસાલા નથી હોતા. સ્વામીજીને અમે આવું જે કાંઈ ભોજન આપતા તે સંતોષથી ખાઈ લેતા. નાની સલાડમાં તીખા સોસનો ઉપયોગ કરતાં. સ્વામીજીને બોટલ આપીને કહ્યું, ‘આપને ગમે તો એમાંથી એકાદબે ટીપાં ભોજનમાં નાખી શકો છો.’ સ્વામીજીએ બોટલ લઈને એટલો બધો સોસ છાંટ્યો કે અમે તો હેબતાઈ ગયાં અને બોલી ઊઠ્યાં, ‘આટલો બધો ન હોય, બહુ તીખો છે.’ તેઓ તો કેવળ હસ્યા અને ખૂબ આનંદથી ખાવા લાગ્યા. ત્યાર પછીથી નાની હંમેશાં ભોજનના સમયે સોસની એક બોટલ એમની પાસે રાખતાં.
શુક્રવારે પહેલીવાર યોજાયેલ ‘સિમ્ફની કોન્સર્ટ’ સંભળાવવા માતા લઈ ગઈ. સ્વામીજીએ મન દઈને બધું સાંભળ્યું. અંતે મારાં માતાએ પૂછ્યું, ‘સ્વામીજી, આપને ગમ્યું ને !’ એમણે કહ્યું, ‘હા, ઘણું સારું લાગ્યું.’ સ્વામીજી ખૂલે દિલે વાત કરતા નથી એમ માનીને માએ પૂછ્યું, ‘આપ શું વિચારો છો ?’ પછી સ્વામીજીએ કહ્યું, ‘શનિવારની સાંજે આ કાર્યક્રમ ફરીથી અપાશે એમ શા માટે કહ્યું ? જુઓ, ભારતમાં સવારે એક રાગ ગવાય છે, બપોરે વળી જુદો જ રાગ હોય છે અને સંધ્યા સમયનો સૂર સંપૂર્ણ પણે ભિન્ન હોય છે. એટલે રાત થયા પછી આપના સૂરો બેસૂરા બની જાય છે. મને બીજી વિચિત્ર વાત એ લાગી કે આપના સંગીતમાં મૂર્છનાનો અભાવ છે અને સૂરની વચ્ચે ઠીક ઠીક પ્રમાણમાં અંતરાલ હોય છે.’
સ્વામીજીનું વ્યક્તિત્વ પ્રભાવશાળી અને આકર્ષક હતું. કેટલીક સ્ત્રીઓ એમના પર મુગ્ધ થઈને એમને આકર્ષવાનો પ્રયત્ન પણ કરતી. ત્યારે તો તેઓ યુવાન હતા. પોતાની મહાન આધ્યાત્મિકતા અને કુશાગ્ર બુદ્ધિ સાથે અસાંસારિક પણ લાગતા હતા. મારાં નાનીને એવો ભય હતો કે ક્યાંક તેઓ કોઈ અનુચિત કે અસુવિધાજનક પરિસ્થિતિમાં આવી ન પડે. એટલે એમણે એમને ચેતવવાનો પ્રયત્ન પણ કર્યોે. આ વાત સ્વામીજીને સંવેદનાપૂર્ણ અને મનોરંજક લાગી. તેમણે નાનીને કહ્યું, ‘અમેરિકાનાં મારાં સ્નેહમયી મા ! મારી આપ જરાય ચિંતા ન કરો. મેં ક્યારેક તો કોઈ ખેડૂતે આપેલ રોટલી ખાઈને વૃક્ષ નીચે સૂઈને દિવસ વિતાવ્યા છે અને વળી ક્યારેક રાજા મહારાજાઓના મહેલોનું પણ આતિથ્ય માણ્યું છે ત્યાં દાસીઓ મોરનાં પીંછાંના પંખાથી મને આખી રાત હવા પણ નાખતી. હું પ્રલોભનો પરત્વે અભ્યસ્ત છું એટલે મારા માટે જરાય પરેશાન ન થતાં.’
Your Content Goes Here