બજારુ ખોરાક પ્રત્યે ઉત્પાદકો વિવિધ સ્કીમ દ્વારા ગ્રાહકોને લલચાવતા હોય છે. એકની સામે એક બર્ગર ફ્રી, એક હોટ ડોગ સામે એક હોટ ડોગ ફ્રી વગેરે. આવી સ્કીમથી ઘણા લોકો બમણું ખાવા માંડે છે. ઉત્પાદક કંપનીને દર્દીના આરોગ્ય કરતાં પોતાનો નફો વધારે વહાલો હોય છે. રેસ્ટોરાં ક્ષેત્રની વિશ્વવિખ્યાત ગણાતી કંપની મેકડોનાલ્ડ્સ આવી અનેક સ્કીમો ચલાવે છે. અમેરિકાની કોર્ટે આ કંપનીને મેનુકાર્ડમાં વિવિધ વાનગીઓમાંથી મળતી કેલરી લખવાનું ફરજિયાત બનાવ્યું. ભારતમાં પણ આ ક્ષેત્રે જાગૃતિ લાવવી અનિવાર્ય બની છે.

આપણે જે ખોરાક લઈએ છીએ એ અંગે સચેત રહેવું જોઈએ. ખોરાક લઈએ એ સામે શ્રમ કેટલો થાય છે, એ બાબત મહત્ત્વની બની જાય છે. સત્ત્વો શરીરમાં ગયા બાદ તે કેટલાં વપરાય છે, તે જોવું જોઈએ. વધારાનાં સત્ત્વો શરીરમાં જમા થતાં રહે, તો એ લાંબા ગાળે ઝેરી અસર પેદા કરી શકે છે અને રોગો પણ થઈ શકે છે. અમુક પ્રકારનો ખોરાક અમુક પ્રકારની સમસ્યા સર્જે છે. આ બાબતની જાણકારી રાખવી જોઈએ. અઠવાડિયે એકાદ ઉપવાસથી સામાન્ય રીતે શરીર સ્વસ્થ રહે છે. જૈનો માસખમણ કરતા હોય છે, એ કઈ રીતે શક્ય બને છે ? સામાન્ય દિવસોમાં ખોરાક વધારે પ્રમાણમાં લેવાય છે. એ સત્ત્વો સંગ્રહવાની વ્યવસ્થા કુદરતે શરીરમાં ગોઠવી છે. માસખમણ જેવાં વ્રતોમાં શરીરમાં સંગ્રહાયેલાં સત્ત્વો વપરાતાં રહે છે. આવાં વ્રતોથી મોટાભાગે તંદુરસ્તીમાં વધારો થાય છે. જરૂર ન હોય છતાં ભોજન લેવામાં આવે તો એ ભોજન ઝેરનું કામ કરે છે. જો કે ખોરાક વિશે વિશ્વભરમાં લોકો સભાન બનવા લાગ્યા છે. લોકો ખોરાકની પસંદગી કરતાં શીખ્યા છે. પણ આપણે ગુજરાતીઓ કોઈ પ્રસંગમાં ભોજન સમારંભમાં ગયા હોઈએ અને ત્યાં દશ-પંદર કાઉન્ટર હોય તો આપણે બધું જ ચાખીએ છીએ, જો એમ ન થાય તો યજમાનને ખોટું લાગી જાય ! લગ્નમાં આગ્રહ કરી કરીને જમાડવામાં આવે છે. હવે આવા રિવાજો ઘટતા જાય છે, એ સારી નિશાની ગણાય. એકવારના ભોજનમાં વિરુદ્ધ આહાર લેવાય જાય તો વિપરીત અસર થાય છે.

સામાન્ય રીતે ઓછામાં ઓછી પ્રક્રિયા પામેલો અને વધારેમાં વધારે કુદરતી આહાર લેવો જોઈએ. પણ આપણે મૂળ ખોરાકથી ઘણાં દૂર થતાં જઈએ છીએ. તવાને બદલે ઓવનમાં બનેલી રોટલી આવી ગઈ. બાફવાની સાદી પદ્ધતિને સ્થાને કૂકર આવી ગયાં. પદ્ધતિઓ સરળ બની, પણ આ પ્રક્રિયામાં સત્ત્વ જળવાઈ રહે છે કે નહીં તે અંગે સંશોધન થવું જોઈએ.

પણ માત્ર ખોરાક જ નહીં, રોજબરોજના જીવનમાં આપણે અનેક વસ્તુઓ વાપરીએ છીએ, જેના દ્વારા શરીરમાં ઝેરી તત્ત્વોની અસર થઈ શકે છે. શેમ્પુ, સાબુ, વસ્ત્રો, પાઉડર, સ્પ્રે, ટૂથપેસ્ટ, શેવીંગક્રીમ વગેરે વસ્તુઓની શરીર પર આડઅસર થઈ શકે છે. આવી વસ્તુઓના ઉત્પાદકો ઘણા પ્રકારનાં રસાયણો કે રંગ વાપરે છે. આ બાબતે ગંભીરતાથી વિચારવું જરૂરી છે. ચહેરાને ચમકાવતાં ક્રીમ લગાવવાથી ઘણાંની ચામડી તરડાઈ જાય છે. એ ખરેખર ઝેરી અસર થઈ છે એમ ગણી શકાય. ઘણા લોકો વાળ કાળા કરવા ‘ડાઈ’ વાપરે છે. એની પણ આડઅસર જોવા મળે છે. બને ત્યાં સુધી અકુદરતી રંગો તથા રસાયણોથી બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. ભવિષ્યમાં મોટી સમસ્યા ન સર્જાય તે માટે દરેક માણસે નાની નાની બાબતોમાં પણ સભાન રહેવું જોઈએ.

ઘણા પરિવારોમાં બધા સભ્યોની ખાવાપીવા તથા રહેવાની તેમજ જીવવાની પદ્ધતિ સમાન હોય છે. આવા પરિવારોમાં કેટલાક રોગો પૂરા પરિવાર સાથે સંકળાયેલા હોય છે. આવા પરિવારોમાં થયેલાં સંશોધનોના તારણ મુજબ સમાન પદ્ધતિથી જીવતા સમાન પરિવારોમાં મૃત્યુનું કારણ પણ સમાન હોઈ શકે છે. માનો કે એકાદ સભ્યનું મૃત્યુ પચાસ વર્ષની નાની વયે હૃદયરોગના હુમલાથી થયું હોય તો તબીબી પરિભાષામાં તેને ‘સડન કાર્ડિયોવાસ્ક્યુલર ડેથ’ કહેવામાં આવે છે. આવા પરિવારના સભ્યોનાં હૃદયની તપાસ પણ કરાવી લેવી હિતાવહ છે. આવા આખા પરિવારનો સર્વે કરીને તેમના રોગનું કારણ જાણીને તેમની જીવનશૈલીમાં ફેરફાર કરાવવા જોઈએ. આ સમસ્યા ઝેરી અસર સાથે જોડાયેલી ગણાય, તેને વંશપરંપરાગત બાબત સાથે ન ગણી શકાય. આવા પરિવારમાં જીવનશૈલીને કારણે સમસ્યા ઊભી થાય છે. આપણે ત્યાં અમુક જ્ઞાતિમાં એક જ થાળમાં ઘણા લોકો સાથે જમવા બેસે, તેવી પરંપરા હજુ પ્રચલિત છે. સમૂહભોજનની ભાવના સારી ગણાય, પણ આરોગ્યની દૃષ્ટિએ આ પદ્ધતિ યોગ્ય ગણાય ? આ પદ્ધતિમાં સામાન્ય રીતે પસંદગીનો ખોરાક લેવાનો અવકાશ રહેતો નથી. ડાયાબિટીસના દર્દીને મીઠાઈ આગ્રહ કરીને ખવડાવવામાં આવે છે. તબિયતને અનુકૂળ ન હોય તેવી વાનગી લગભગ ફરજિયાતપણે ખાવી પડે છે. આવી પરંપરાને કારણે શરીરમાં ઝેરી અસર કરે તેવો ખોરાક લેવાઈ જાય છે.

દિવસ દરમિયાન આપણે જે ખાઈએ છીએ, તેમાંથી અમુક વસ્તુની ઝેરી અસર થતી હોય છે. શ્રેષ્ઠ બાબત એ છે કે દરેક માણસે પોતાની ‘ફૂડ બૂક’ રાખવી જોઈએ. દિવસ દરમિયાન કેટલું અને શું ખાધું તેની નોંધ ખૂબ જ અગત્યની બની જાય છે. આવી પંદર દિવસની નોંધથી શું ખાવું અને કેટલું ખાવું, તેનો ખ્યાલ આવી જાય છે. તેનાથી ટોક્સિન્સ-ઝેરી તત્ત્વો વિશે ઝડપથી ખ્યાલ આવી જાય છે. સૌથી વધારે ઝેરી તત્ત્વો ખોરાક દ્વારા શરીરમાં જાય છે. ખોરાક અંગે ઊંડાણથી વિચાર કરવો જરૂરી છે.

ડાયાબિટીક કોન્ફરન્સમાં ‘એઈમ્સ’માંથી આવેલાં એક લેડી ડોક્ટરે પોતાના વક્તવ્યમાં ત્યાં સુધી કહ્યું હતું કે ખોરાકમાં શું ખાઈએ છીએ, એ બાબત કરતાં ખોરાક ક્યાંથી આવે છે અને કેવી રીતે બને છે એ બાબત વધુ અગત્યની છે. રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓની અસરથી નિપજેલાં અનાજ, શાકભાજી ખતરનાક હોય છે. તેમાં રહેલાં ઝેરી તત્ત્વો શરીરમાં પ્રવેશે છે. એ અંગે સામાન્ય માણસ સાવ અજાણ હોય છે. ઓર્ગેનિક કૃષિ દ્વારા નિપજતાં અનાજ, શાકભાજી ઉત્તમ ગણાય છે. એ ડોક્ટરે તો ત્યાં સુધી જણાવ્યું હતું કે તમે રોટલી બનાવો છો એ ઘઉં ક્યાંથી આવ્યા, કેવી રીતે દળાયા, એનો લોટ કેવી રીતે બંધાયો અને એને કઈ રીતે પકવવામાં આવી, આ બધી બાબતો અંગે જાણકારી રાખવી જરૂરી છે. ડાયેટિશ્યન પાસે જાઓ તો આવું બધું પૂછે છે. ઝીણી ઝીણી વિગતો જાણ્યા પછી જે તે વ્યક્તિને શેની એલર્જી છે, તેનો ખ્યાલ આવી શકે છે.

લગભગ દરેક ઘરમાં ફ્રિજનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. પ્લાસ્ટિકમાં પેક કરીને ફ્રિજમાં મૂકેલો ખોરાક, ફ્રિજમાં રહેલાં ટીનફૂડ, આઠ દિવસ પહેલાં મૂકેલ શાક વગેરેનો ઉપયોગ કરવામાં આવે તો તે શરીર માટે ખતરનાક બની શકે છે. પણ આપણે આવી બાબતોને ગંભીરતાથી લેતા નથી અને રોગ થાય ત્યારે દવા લેવા દોડીએ છીએ.

Total Views: 272

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.