સપ્ટેમ્બરથી આગળ…..

ખરું જોતાં મને ક્યારેય એ નથી સમજાયું કે શા કારણે રેલવેના પાટાઓની બાજુની જગ્યાઓ વહેલી સવારે ખુલ્લા શૌચાલયમાં ફેરવાઈ જાય છે અને ત્યાં ઘણા બધા લોકો શૌચ માટે આવે છે. હું જાણું છું કે અમારા રાજ્યમાં મોટા ભાગમાં હજી પણ સારાં શૌચાલયો નથી. તેમ છતાં રેલવેના પાટાઓની પાસે કુદરતી હાજતે જવાની ટેવથી મને હજી આશ્ચર્ય થાય છે. શક્ય છે કે ગ્રામીણ લોકો એમ માને છે કે એ સ્થળ પોતાના વ્યસ્ત ગામથી છેટે છે અને એ રીતે અંગત કાર્ય માટે સલામત છે. પણ એ વાત સાદી સમજથી વિપરીત છે, ઘણી વિસંગત છે. જાણીતા લોકો સમક્ષ પેન્ટ ઉતારવું ન ગમે તે સમજી શકાય છે પણ આ સાદા સીધા લોકો એ સમજતા નથી કે પાટા નજીક બેસીને તો તેઓ આખી દુનિયા સમક્ષ ખુલ્લા બને છે ! કોઈ કોઈ ટ્રેનો તો એક ગામની વસ્તીથીયે વધુ સંખ્યામાં પ્રવાસીઓને વહન કરતી હોય છે. જે લોકો એ ટ્રેનમાં હોય છે તેમણે જોયું પણ છે કે શરમથી ગ્રામવાસીઓ ટ્રેનથી પીઠ કરી લેતા હોય છે. ખેર, પરિસ્થિતિ સુધારા ઉપર છે તે સારું છે.

જો કે હું આ બાબતે એ ક્ષણે કંઈ ફરિયાદ કરતી ન હતી. રાજ્યના આ વિભાગમાં શૌચાલય ન હોવાં કે હોય તેની ગામ લોકોને જાણકારી ન હોવાની હકીકત મારા માટે અત્યારે તો એક વરદાનરૂપ બની. એક યુવાન કદાચ ‘યોગ્ય જગ્યા’ શોધતો મારી તરફ આવતો લાગ્યો અને તેની નજર મારા ઉપર પડી. હું તેનો પ્રતિભાવ જોઈ ન શકી, પણ તે વિશે અંદાજ જરૂર લગાવી શકી. બિચારો ! તે હજી શૌચ માટે બેસવાનો જ હતો ત્યાં લોહી નીંગળતી છોકરીને રેલવેના પાટા પાસે જોઈને ઘણો હેબતાઈ ગયેલો હોવો જોઈએ. જિજ્ઞાસાથી પ્રેરાઈને એ સહેજ મારી તરફ બેએક ડગલાં આગળ તો આવ્યો, પણ પછી અતિશય ભયનો માર્યો અને કદાચ તેના પેટના ભારણને લીધે તે દોડીને પાછો જ ફરી ગયો.

આટલું બધું લોહી વહી ગયું હતું છતાં હું જીવિત હતી, એ વાતનું મને પોતાને આશ્ચર્ય લાગતું હતું. પેલો છોકરો એક આશાનું કિરણ જણાતો હતો અને તે તો દેખાતાંની સાથે જ એટલી ઝડપથી આંખથી ઓઝલ થઈ ગયો હતો ! મને હવે શંકા થતી હતી કે હજી હું કેટલું કાઢી શકીશ ! પાટાની પાસે પડી રહીને, સતત લોહી ગુમાવતાં રહીને મારાં શક્તિ અને આશા સુધ્ધાં ક્ષીણ થતાં જતાં હતાં. મારા ભાગ્યને હું પ્રશ્ન કરતી હતી તેવામાં જ એ ગામના માણસોનું ચિંતિત ટોળું મારી તરફ આવતું જણાયું. જે છોકરાએ મને પહેલાં જોઈ હતી તેણે પોતાના સાથીઓને સતર્ક કર્યા અને એ બધા કુતૂહલભર્યા ભાવ સાથે આવ્યા હતા. થોડા જ વખતમાં સારી એવી સંખ્યામાં માણસો એકઠા થઈ ગયા અને જાણે હું ધરતી ઉપર આવેલ કોઈ પ્રથમ પરગ્રહવાસી હોઉં તેમ એક પછી એક આવીને મારું નિરીક્ષણ કરવા લાગ્યા. ‘જિંદા હૈ યા મર ગઈ ?’ મને જુદી જુદી રીતે જોઈને તપાસતાં તેઓ અંદરોઅંદર ધીમે અવાજે કહેવા લાગ્યા. પાછળના ભાગે ઊભેલી સ્ત્રીઓને સહાનુભૂતિના ડચકારા બોલાવતી મેં સાંભળી. પણ મને મોંની સહાનુભૂતિની જરૂર ન હતી. કોઈ મને હોસ્પિટલમાં લઈ જાય તે વધુ જરૂરી હતું અને મને ઠંડી પણ લાગતી હતી.

એક સ્ત્રીને મેં સુતરાઉ શાલ જેવું કપડું ઓઢેલી જોઈ. મહામહેનતે હું બોલી શકી અને ઇશારે સમજાવી શકી કે મને તે શાલ ઓઢાડૉ. મારો ઇશારો તે સ્ત્રી સમજી ગઈ, છતાં તેમ કરતાં થોડી અચકાઈ. હું સમજી શકતી હતી. તે ધનવાન ન હતી. તેના જેવા ખેડૂતો માંડ બે છેડા ભેગા કરી શકતા હોય છે. તેમાં એક શાલ કે ચાદર મોટી વસ્તુ લાગે જે આપી દેવી તે બહુ મોટું દાન જ લાગે. પણ કદાચ મારી સ્થિતિ જોઈને તેનું હૃદય પીગળી ગયું. તેણે પોતાનો ખચકાટ છોડી દીધો. મારે મન તો એ એક અદ્‌ભુત ક્રિયા હતી. તમે એ સ્ત્રીની આર્થિક સ્થિતિ જુઓ ત્યારે રોજેરોજ તેને કેટલું કષ્ટ ઉઠાવવું પડતું હશે તે સમજાય. આપણાં ગામડાં આવા નિ :સ્વાર્થ લોકોથી ભરેલાં છે. તેઓ અજાણ્યા લોકોને પણ કોઈ વિપદા આવે તે વખતે સહાય કરવા લાગે છે. અલબત્ત, તેમાં કેટલાક અપવાદો પણ હોય. પરંતુ મોટાભાગના લોકો સ્વચ્છ હૃદયના અને ભગવાનના ઘરના માણસો હોય છે. હું મારી વાત કરવા જીવિત છું, એ વાતનો નક્કર પુરાવો જ છે. જે માણસ મને જોઈને પાછો ફરી ગયો હતો તે મદદ લઈને આવ્યો. તેણે પૂછ્યું, ‘તમારો ફોન નંબર શો છે ? તમે ક્યાં રહો છો ?’

આ ગામવાસી પણ એવા સીધાસાદા માણસનું જીવંત ઉદાહરણ છે. એ કોઈ નૈતિક દ્વિધા વખતે અંતરાત્માની વાત સાંભળે. પાછળથી મને ખબર પડી કે તેનું નામ હતું પિન્ટુ કશ્યપ. તેણે મને પૂછ્યું, ‘તમારા પરિવારના કોઈ સભ્યનો ફોન નંબર યાદ છે ?’ મને યાદ તો હતો જ, પણ શક્તિ ગુમાવી દીધી અને હું ભાવુક બની ગઈ એને લીધે જવાબ આપવા માટે મારો અવાજ નીકળ્યો નહીં. અત્યાર સુધી કેવળ મારી ઇચ્છાશક્તિને કારણે હું ટકી રહી હતી. બધી વસ્તુની મર્યાદા હોય જ છે. હવે જાણે મારી મર્યાદા આવી ગઈ. મેં એને ઇશારાથી સમજાવ્યું કે તે પોતાનો કાન મારા હોઠની નજીક લાવે એટલે હું એ નંબર બોલી શકું. એણે એમ કર્યું. પહેલાં મેં મારી માતાનો નંબર આપ્યો, પણ તે પહોંચની બહાર હોય એમ લાગ્યું. મેં તેને ‘સાહેબ’નો નંબર કહ્યો. અને એ મારા બનેવી થાય એવી કશ્યપને ઓળખાણ આપી.

એણે એ નંબર ઉપર ‘મિસ્ડ કોલ’ કર્યો. આવી આપત્તિની ક્ષણે આવો ‘મિસ્ડ કોલ’ કરવો તે ન સમજાય એવું પગલું ન હતું. કદાચ એક રૂપિયો બચાવવા તેણે એમ કર્યું હશે એમ મને લાગ્યું. તેના ફોનમાં બહુ બેલેન્સ નહીં હોય. ગમે તે કારણ હોય, મને તેનો આઘાત લાગ્યો. જો કે મારે એ ભૂલવું ન જોઈએ કે એ લોકોએ જે કર્યું તે કાર્ય ન કર્યું હોત તો હું બચી શકી ન હોત. સદ્ભાગ્યે સાહેબ હંમેશાં બધા કોલના જવાબ આપવાનું વલણ રાખે છે, પછી ભલેને એ સાવ અજાણ્યો નંબર કેમ ન હોય.

જ્યારે તેમણે જવાબમાં કોલ કર્યો, ત્યારે તે યુવકે મારી પરિસ્થિતિની જાણ કરી. માહિતી બધી બરાબર હતી. એ ઉપરાંત તેણે એમ કહ્યું કે અકસ્માતમાં મેં મારા બન્ને પગ ગુમાવ્યા છે. આ સમાચાર મારા પરિવારમાં કેવી પ્રતિક્રિયા લાવશે તેનો હું વિચાર કરવા લાગી.

એની આવી સમજ કે ગેરસમજ માટે એ યુવકને દોષ દેવાય એવું ન હતું. એનું કારણ એ હતું કે એક પગ ઉપરથી તો ટ્રેન ચાલી ગયેલી એ સ્પષ્ટ દેખાતુ હતું. એ પગ મારાં ફાટેલાં અને અસ્તવ્યસ્ત કપડાંમાં અટવાયેલો હતો. બીજો પગ પણ માર ખાધેલો, ઉઝરડાવાળો, તૂટેલો અને લોહીથી લથબથ હતો. એ પગ જાણે ‘હવે તો ગયો’ જેવો જ લાગતો હતો.

વાત કર્યા પછી એ યુવકે મને કહ્યું કે સાહેબે વિનંતી કરી હતી કે મને પાસેની હોસ્પિટલમાં લઈ જવી અને પોતે અહીં આવવા તરત જ રવાના થશે. યુવકને ખાતરી અપાઈ હતી કે બધો ખર્ચ વ્યાજ સહિત ચૂકવી દેવાશે. પછીથી ગામ લોકોએ કરેલી મદદનો ખર્ચ લેવાની ના પાડી. આ કામને આગળ લઈ જવાના પ્રેરણા માટે આવું વચન જરૂરી હતું.

પૈસા એ પ્રેરણા તત્ત્વ છે…. કોઈ ઠેલો નજીક આવતો હોય એવા અવાજથી મારી વિભ્રાંતિમાં વિક્ષેપ પડ્યો. પાટા પરથી ઊંચકીને ઠેલા પર મૂકવા જતા હતા ત્યારે એક ટ્રેન આવી. ચાલતી ટ્રેનની ઊર્જા શક્તિથી હું પાટા પર ન પડી જાઉં એટલે લોકોએ મને બરાબર જકડી રાખી. પછી તેઓ મને ચનેટી સ્ટેશને લઈ ગયા અને ગાર્ડની કેબીનમાં બરેલીની ટ્રેનમાં રાખી. (ક્રમશ 🙂

Total Views: 68

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram