એક વિદ્યાર્થીનો પ્રશ્ન : યુવાન શબ્દ જ થનગનાટ લાવવા માટે પૂરતો છે તેમ છતાં આજે યુવાન ઠંડો પડી ગયેલો કેમ જણાય છે? જન્મ અને મૃત્યુ વચ્ચેના સો વર્ષના સમયગાળામાં ક્યો સમયગાળો યુવાનીનો ગણાય?

ઉત્તર : યુવાન એટલે શક્તિનો ધસમસતો પ્રવાહ. પરંતુ સાંપ્રત સમયમાં એ પ્રવાહ મંદ પડી ગયેલો જણાય છે. અસંખ્ય પ્રલોભનોની જાળ, મહેનત વગર અપાર ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત કરવાની દોટ, વોટ્સએપ, ઇન્ટરનેટ, ફેસબુક પાછળ ગુમાવાતો અમૂલ્ય સમય, જીવનમૂલ્યોનો હ્રાસ અને ધ્યેયવિહિન જીવન – આ બધું યુવાનની શક્તિને કુંઠિત કરી દે છે, એથી જ યુવાન પછી હતાશા, નિરાશા, શિથિલતા, પ્રમાદ, આળસ અને તમસનો ભોગ બનીને પોતાની અંદર રહેલી અનંત શક્તિને કુંઠિત કરી નાખે છે. આમાંથી બહાર નીકળવા માટે સદ્વાંચન, મનન, ચિંતન જરૂરી છે. સ્વામી વિવેકાનંદના શક્તિદાયી વિચારોનું રોજ સેવન કરવું જોઈએ. ફ્રેન્ચ મનીષી રોમારોલાં કહે છે કે હું જ્યારે જ્યારે સ્વામીજીનાં પુસ્તકો વાચું છું, ત્યારે ત્યારે મારી અંદર વિદ્યુતના ઝાટકા લાગે છે. ભીતરના અગ્નિને જગાડવા માટે, પ્રચંડ શક્તિના પ્રવાહને પુન : વહેવડાવવા માટે સ્વામી વિવેકાનંદના અગ્નિમંત્ર જેવાં વાકયોને જીવનમાં ઉતારવાં જોઈએ.

સામાન્ય રીતે સો વર્ષના આયુષ્ય કાળમાં યુવાનીનો સમય ૧૮ થી ૪૦ વર્ષનો ગણાવી શકાય. પરંતુ આ તો શારીરિક ઉંમર પ્રમાણેનું વિભાજન છે પણ માનસિક ઉંમર પ્રમાણે તો એંસી વર્ષની વયે પણ મનુષ્ય યુવાન હોઈ શકે છે. માનસિક રીતે સ્વસ્થ, સક્રિય અને સશક્ત એવા અનેક વયસ્ક લોકો વૃદ્ધાવસ્થામાં પણ યુવાનો જેવી સ્ફૂર્તિ ધરાવતા જોવા મળે છે. મહાત્મા ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, ઘનશ્યામદાસ બિરલા, જે. આર. ડી. તાતા વગેરે અનેક મહાનુભાવોના દૃષ્ટાંતો આપી શકાય.

એક શિક્ષકનો પ્રશ્ન : વિદ્યાર્થીને સારા સંસ્કાર આપવાનો ઉપાય બતાવો.

ઉત્તર : સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે મનુષ્યના અંતરમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. પ્રત્યેક મનુષ્યની અંદર દિવ્યતા રહેલી છે. એ દિવ્યતાને પ્રગટ કરવાનું કાર્ય શિક્ષણનું છે. વિદ્યાર્થીઓમાં આ સારા સંસ્કારો તો રહેલા જ છે. પરંતુ પારિવારિક-સામાજિક વાતાવરણ, મિત્રોની સંગત અને વર્તમાન સમયમાં ફેસબુક, વોટ્સએપ, યુ ટ્યુબ અને મોબાઈલ ગેઈમ્સ વગેરેને લઈને એની અંદર રહેલા સારા સંસ્કારો એટલા બધા દટાઈ ગયેલા છે કે ખબર જ નથી પડતી કે આવા કોઈ સારા સંસ્કારો અંદર હોઈ શકે ! પરંતુ સાચા શિક્ષકનું એ જ તો કામ છે કે આ સંસ્કારોને જાગૃત કરવા. એ માટેનો સરળ ઉપાય-શાળામાં દરરોજ નિયમિત પ્રાર્થના, પ્રણવમંત્ર (ૐકાર) નું ઉચ્ચારણ અને પાંચ મિનિટ ધ્યાન કરાવવામાં આવે. પ્રાર્થના પછી વિદ્યાર્થી દ્વારા જ સુવિચાર અને તેનું ચિંતન રજૂ કરવામાં આવે. શરૂઆતની પ્રાર્થનાનો પ્રભાવ વિદ્યાર્થીઓના માનસ પર જાણ્યે અજાણ્યે પણ આખો દિવસ રહેવાથી વિદ્યાર્થીઓના આવેગો અને આક્રોશ ધીમે ધીમે ઓછા થશે. બીજું, શાળામાં રચનાત્મક પ્રવૃત્તિઓનો એક તાસ ફરજિયાત રાખવો જોઈએ – ચિત્રકલા, સંગીત, અભિનય, માટીકામ, ઓરીગામી વગેરે. આથી છાત્રોની એકાગ્રતા વધશે અને અંતર્નિહિત શક્તિઓ જાગૃત થશે. ત્રીજું, વિદ્યાર્થીઓની વાંચનવૃત્તિ વધે તે માટે પુસ્તક વાંચન હરિફાઈઓ યોજવી જોઈએ. એક મહિના દરમિયાન જેમણે વધારે પુસ્તકો વાંચ્યાં હોય, તેનું સન્માન થવું જોઈએ. ઉત્તમ પુસ્તકોના વાંચન દ્વારા સારા સંસ્કારો આપોઆપ જાગૃત થાય છે. ચોથું, વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે આત્મીય સંબંધ બંધાવો જોઈએ. વિદ્યાર્થીઓને શિક્ષક શ્રદ્ધેય લાગવા જોઈએ. તો જ શિક્ષક વિદ્યાર્થીઓમાં સારાં સંસ્કારોનું સિંચન કરી શકે.

 

Total Views: 318

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.