શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની પર્વોત્સવ ઉજવણી
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી :
૨જી સપ્ટેમ્બર, ૨૦૧૮ને રવિવારે સવારે શ્રીમંદિરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના ઉપલક્ષ્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમૂહપાઠ આશ્રમના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ દ્વારા રજૂ થયો. તે જ દિવસે સંધ્યા આરતી પહેલાં શ્રીશ્યામનામ સંકીર્તનનું આયોજન થયું હતું અને સાંજે સંધ્યા આરતી પછી શ્રીમંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ભક્તજનોની ઉપસ્થિતિમાં થઈ હતી. ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણના જીવનસંદેશ વિશે આશ્રમના સંન્યાસીઓનાં પ્રવચનોનો લાભ ભક્તોએ લીધો હતો.
ધ્યાનશિબિર અને ભજનસંધ્યા :
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં ૭ ઓક્ટોબર, ૨૦૧૮ને રવિવારના રોજ સવારે ૯ :૦૦ થી ૧૨ :૩૦ સુધી અગાઉથી નોંધાયેલા ભક્તજનો માટે ધ્યાનશિબિરનું આયોજન થયું હતું. સાંજે ૭ :૪૫ થી ૮ :૪૫ સુધી ભજનસંધ્યાનું આયોજન થયું હતું. રામકૃષ્ણ મિશન, સેવાપ્રતિષ્ઠાન, કોલકાતાના સ્વામી કૃપાકરાનંદજી મહારાજના શાસ્ત્રીય સંગીતના સૂરોનું પાન ભક્તજનોએ મનભરીને માણ્યું હતું.
નવરાત્રી મહોત્સવ અને શ્રી શ્રીદુર્ગાપૂજા :
૯મી ઓક્ટોબરથી ૧૪મી ઓક્ટોબર સુધી દરરોજ સંધ્યા આરતી પછી ભક્તિગીતો-આગમની રજૂ થયાં હતાં. ૧૫મી ઓક્ટોબરથી ૧૮મી ઓક્ટોબર સુધી દરરોજ સંધ્યા આરતી પછી મહિસાસુરમર્દિની સ્તોત્રપાઠ થયા હતા. ૧૭મી ઓક્ટોબર, ૨૦૧૮ને બુધવારે દુર્ગાષ્ટમી નિમિત્તે શ્રીમંદિરમાં શ્રીશ્રીદુર્ગાપૂજાનું આયોજન થયું હતું. સવારે મંગળાઆરતી પછી સ્તોત્ર, વેદપાઠ, ધ્યાન, વિશેષ પૂજા, ચંડીપાઠ, ભજન, હવન, પુષ્પાંજલી અને ભોગઆરતીનો લાભ ભક્તજનોએ લીધો હતો. ભોગઆરતી પછી પ્રસાદનો લાભ બહોળી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. સંધ્યા આરતી પહેલાં શ્રીમાનામ સંકીર્તનનું આયોજન શ્રીમંદિરમાં થયું હતું. આરતી પછી સાંજે પ્રાસંગિક પ્રવચનનો લાભ ભક્તજનોએ લીધો હતો. ૧૯મી ઓક્ટોબર, ૨૦૧૮ને દશેરાના દિવસે સંધ્યા આરતી પછી શાંતિજળનો કાર્યક્રમ યોજાયો હતો.
ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મ જયંતીએ ૨૮મી ઓક્ટોબરે યોજાયેલ સમાપન સમારોહ :
કાર્યક્રમનો પ્રારંભ શ્રીરામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓનાં વૈદિક મંત્રોચ્ચાર અને ભજનથી થયો. વક્તાઓને સાથે રાખીને દીપપ્રાક્ટયનો કાર્યક્રમ યોજાયો. ત્યાર પછી વક્તાઓનું સન્માન થયું. સ્વાગત પ્રવચનમાં સ્વામી નિખિલેશ્વરાનંદે આશ્રમની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.
આ સમાપન સમારોહમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં કમિશ્નર અને મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ (આઈ.એ.એસ.) ના વરદ હસ્તે (૧) લોકમાતા ભગિની નિવેદિતા – લે. સુ. શ્રી જ્યોતિબહેન થાનકી, (૨) બહુમુખી વ્યક્તિત્વનો વિકાસ – લે. સ્વામી જગદાત્માનંદજી – આ બે પુસ્તકોનું વિમોચન થયું હતું.
સ્વામી વિવેકાનંદજીની પ્રેરણાથી વિદેશથી ભારત આવીને નારીશિક્ષણ અને સ્વાધીનતા આંદોલનમાં પોતાનું સમગ્ર જીવન અર્પણ કરનારાં ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મ જયંતીનો સમાપન કાર્યક્રમ તારીખ ૨૮મી ઓક્ટોબરના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં સવારના ૯.૦૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી આયોજિત કરવામાં આવ્યો હતો. તેમાં ડૉ. જયંતી રવિએ કહ્યું હતું ‘આશા એક ચેતના’ સરકારનો પ્રકલ્પ છે. વિદેશી મહિલાએ ભારતમાં કામ કરવું સરળ ન હતું. પણ મક્કમ નિર્ધાર હોય તો કોઈ કાર્ય અશક્ય નથી. મેધાવીપણું અને ક્ષમતા હોય પણ આવડતને સીમાઓ બાંધવાની જરૂર રહેતી નથી, એ વાત નિવેદિતાએ આપણને શીખવી છે. રાજકોટનાં પ્રથમ મહિલા મેયર ડૉ. ભાવનાબેન જોશીપુરાએ ભારતમાં નારીશિક્ષણ અને નારીસશક્તીકરણનું કાર્ય સ્વામીજીનાં આ નિષ્ઠાવાન શિષ્યા ભગિની નિવેદિતાએ કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, એમ કહ્યું હતું. સિસ્ટર નિવેદિતા સ્કૂલના સ્થાપક શ્રી ગુલાબભાઈ જાનીએ પોતાના વક્તવ્યમાં પોતાની શાળાની સ્થાપના, નિવેદિતાને પગલે પગલે ચાલીને કરેલું શિક્ષણકાર્ય અને ભગિની નિવેદિતાના જીવનના કેટલાક પ્રસંગો કહ્યા હતા. જાણીતા શિક્ષણવિદ્ ડૉ. ભદ્રાયુ વછરાજાનીએ પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદનાં આધ્યાત્મિક પુત્રી માત્ર ૪૪ વર્ષ જીવ્યાં. પોતાના જીવનમાં નિવેદિતાએ ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો, પ્રકૃતિ વિજ્ઞાન અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો કેવી રીતે ભારતીય પ્રણાલીને જાળવી રાખીને જીવી બતાવ્યા તેની પ્રસંગો સાથે વાત કરી હતી. વિદેશી હોવા છતાં ભારત અને ભારતના લોકોને અપાર પ્રેમ કરનાર પ્રથમ હિન્દુ બ્રહ્મચારિણી ભગિની નિવેદિતા હતાં.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર ડૉ. નીલામ્બરીબહેન દવેએ કહ્યું કે મોગલકાળથી પડદા પાછળ રહેલી ભારતીય નારીના ઉત્થાન માટે સ્વામી વિવેકાનંદે પ્રથમ વાર વિચાર્યું અને સ્વામીજીના આશીર્વાદથી ભગિની નિવેદિતાએ એ કાર્ય સુપેરે પાર પાડ્યું. પંડિત રવિશંકર શુક્લ યુનિવર્સિટી, રાયપુરના સ્વામી વિવેકાનંદ ચેરના પ્રોફેસર ડૉ. ઓમપ્રકાશ વર્માએ પોતાની અધ્યયનશીલતાના પાસા સાથે કહ્યું હતું કે અંગ્રેજ શાસન દરમિયાન શિક્ષણ, ભારતીય સંસ્કૃતિમાં ધરમૂળથી ફેરફાર થયો. ભારતીય સંસ્કૃતિના પુન :જાગરણ અને પુન :સ્થાપન માટે સ્વામી વિવેકાનંદના માર્ગદર્શન હેઠળ ભગિની નિવેદિતાએ ભારતીય નારીના સર્વાંગી કલ્યાણ માટે ભવ્યોદાત્ત કાર્ય કર્યું હતું. નિવેદિતાના જીવનઘડતરમાં સ્વામીજીના મૂલ્યવાન પ્રદાનની વિગતે વાત કરી હતી.
પૂણેનાં ડૉ. સુરુચિ પાંડેએ ‘ભગિની નિવેદિતા અને ભારતીય પુરાતત્ત્વ વિદ્યા’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. સુખ્યાત કેળવણીકાર શ્રી જ્યોતિબેન થાનકીએ આજે વિમોચિત થયેલ પુસ્તક વિશે વિગતે વાત કરી હતી. સ્વામીજીનો નારી ઉત્થાન માટેનો અથાક પરિશ્રમ અને એમનાં શિષ્યા ભગિની નિવેદિતાએ સ્વામીજીના સ્વપ્નને સાકાર કરવા કરેલી અનુપમ સાધના તેમજ તેમના ગુરુ પ્રત્યેના પ્રેમભાવની ઉદાહરણો સાથે વાત કરી હતી. રાજકોટની સિસ્ટર નિવેદિતા સ્કૂલનાં બાળકો દ્વારા ભગિની નિવેદિતાના જીવન પરનું લઘુ-નાટક અને તેમના જીવન પરની એક ફિલ્મ શિબિરાર્થીઓએ માણ્યાં હતાં.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આશીર્વચન સહ ભગિની નિવેદિતાનો આદર્શ આપણા જીવનમાં ચરિતાર્થ કરી બતાવવા માટે મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો, પ્રબુદ્ધ નાગરિકો તેમજ આશ્રમના ભક્તવૃંદે ભાગ લીધો હતો.
શ્રી શ્રીકાલીપૂજા :
૬ઠ્ઠી નવેમ્બર, ૨૦૧૮ને મંગળવારે રાત્રે ૯ :૦૦ થી સવારના ૪ :૩૦ સુધી ષોડશોપચાર વિધિથી શ્રીમા કાલીની મૃણ્મયી પ્રતિમાની પૂજા થઈ હતી. આખી રાત પૂજા, ભજનકીર્તન અને અંતમાં હવનનો લાભ ભક્તજનોએ લીધો હતો. સવારે ભક્તજનોમાં પ્રસાદ વિતરણ થયું હતું. ૭મી નવેમ્બર, બુધવારે સાંજે ૪ :૦૦ કલાકે પ્રતિમા વિસર્જન અને સંધ્યા આરતી પછી શાંતિજળનો કાર્યક્રમ યોજાયો હતો.
Your Content Goes Here