મા ! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ ‘મા’ ! કેવો મધુર ! કેટલો સુંદર ! ખલિલ જિબ્રાન કહે છે, ‘માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા; અને સૌથી સુંદર સાદ કોઈ હોય તો તે સાદ છે મારી મા, એ એક એવો શબ્દ છે કે જે આશા અને પ્રેમથી ભરેલો છે, અને એ મધુર અને માયાળુ શબ્દ હૃદયના ઊંડાણમાંથી આવે છે, મા સઘળું છે. શોકમાં તે આપણું આશ્વાસન છે, દુ :ખમાં તે આપણી આશા છે, દુર્બળતામાં તે આપણી શક્તિ છે. તે પ્રેમ, કરુણા, સહાનુભૂતિ છે અને ક્ષમાશીલતાનો ઝરો છે.’

વિશ્વની મહાન વિભૂતિઓમાં સંતો, સાહિત્યકારો, કલાકારો, સમ્રાટો, નેતાઓ પોતાની મહાનતાનું શ્રેય પોતાની જનેતાને આપે છે. જ્યોર્જ હર્બટ કહે છે, ‘દરેક જાતિમાં, દરેક ધર્મમાં, દરેક દેશમાં અને દરેક યુગમાં મનુષ્ય તેની માતા તેને જેવો બનાવે તેવો જ તે થાય છે.’ નેપોલિયન કહે છે, ‘કોઈપણ બાળકનાં ભાવિ ઉન્નતિ કે અવનતિનો આધાર તેની માતા ઉપર જ છે. હું કર્તવ્યનિષ્ઠા અને ધૈર્ય મારી માતાની ગોદમાંથી શીખ્યો છું.’ અબ્રાહમ લિંકન કહે છે, ‘હું જે કંઈ કરી શકું છું અને જે કંઈ થઈ શકું છું, તે મારી દિવ્ય માતાની પ્રસાદી છે.’

મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, શિવાજી, સર આશુતોષ મુખર્જી, શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ખાન અબ્દુલ ગફાર ખાન, વીર સાવરકર, કાકાસાહેબ કાલેલકર, વિનોબા ભાવે, હેલન કેલર, રવીન્દ્રનાથ ટાગોર, સ્વામી રામતીર્થ, આદિ શંકરાચાર્ય જેવાની માતૃભક્તિ અને તેમના પર પોતાની માતાનો પ્રભાવ સુપ્રસિદ્ધ છે.

શ્રીરામકૃષ્ણ પરમહંસ તીર્થયાત્રા કરવા વૃંદાવન ગયા. ત્યાં તેમને વૃંદાવન એટલું ગમી ગયું કે ત્યાં જ રહી જવાનો નિર્ણય કર્યો. પરંતુ પછી પોતાની જનેતા મા ચંદ્રામણિદેવીનો વિચાર આવ્યો, ‘મારા વગર કોલકાતામાં તેમને કોણ જોશે?’ બસ આ વિચાર આવ્યો અને તરત જ કોલકાતા તરફ જવા રવાના થયા. ત્યાગીઓનો બાદશાહ હોવા છતાં માની સેવાનું કર્તવ્ય તેઓ ભૂલી ન શક્યા.

અમેરિકામાં ભાષણ આપતી વખતે સ્વામી વિવેકાનંદજીએ પોતાનાં જનેતા ભુવનેશ્વરીદેવી વિશે કહ્યું હતું, ‘જગતમાં મને લાવનાર એક તપસ્વિની હતાં, મારા જન્મ માટે વર્ષો સુધી તેમણે પોતાનો દેહ પવિત્ર રાખ્યો, પોતાનું મન પવિત્ર રાખ્યું, પોતાનું ભોજન પવિત્ર રાખ્યું, પોતાનાં વસ્ત્રો પવિત્ર રાખ્યાં, પોતાની ભાવના પવિત્ર રાખી. તેમણે આ બધું કર્યું એટલે તેઓ પૂજવા યોગ્ય છે.’

એક યહૂદી કહેવત પ્રમાણે ‘ઈશ્વર સદેહે બધે પહોંચી શકે નહીં એટલા માટે એણે માતાનું સર્જન કર્યું.’ દુર્ગાસપ્તશતિમાં કહ્યું છે, ‘યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા – એ જગન્માતા બધા જીવોમાં માતૃરૂપે બિરાજે છે.’ હઝરત મોહમ્મદ પયગંબર કહે છે, ‘તારું સ્વર્ગ તારી માતાનાં ચરણોની નીચે છે.’ આપણાં શાસ્ત્રોમાં પણ કહ્યું છે : ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી – માતા અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.’ મનુસ્મૃતિ પ્રમાણે :

ઉપાધ્યાયાન્દશાચાર્ય આચાર્યાણાં શતં પિતા —।

સહસ્રં તુ પિતૃન્માતા ગૌરવેણતિરિચ્યતે —।।

દશ ઉપાધ્યાય-ગુરુ કરતાં એક આચાર્ય ચડિયાતા છે, સો આચાર્ય કરતાં એક પિતા ચડિયાતા છે અને હજાર પિતા કરતાં એક માતા ચડિયાતાં છે.

એટલે જ કવિ બાલમુકુન્દ દવે માને જગતનાં તીર્થાેત્તમ રૂપે પોતાના કાવ્યમાં આલેખે છે. શ્રી હરીન્દ્ર દવે એક લેખકને ટાંકીને લખે છે – ‘તારા એક સ્મિત માટે હું લાખ જોજનનું અંતર કાપીશ, મારી મા !’ શ્રી ગુલાબદાસ બ્રોકર કહે છે – ‘ચહું જન્મોજન્મે શિશુ તુજ હું, ને માત મુજ તું.’ એટલે જ તો પ્રેમાનંદના આખ્યાનમાં ‘ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર’ આ શબ્દો આવે છે.

સાંસારિક સંબંધોમાં સૌથી વધુ નિ :સ્વાર્થ પ્રેમ હોય છે – માતાનો શિશુ પ્રત્યેનો પ્રેમ. માના પ્રેમમાં ઈશ્વરના પ્રેમની છાયા અનુભવાય છે. તાજેતરમાં પાશ્ચાત્ય દેશોમાં નારી સ્વાતંત્ર્ય ચળવળની સાથે ઈશ્વરને ‘માતૃરૂપે’ ભજવાનો અધિકાર મેળવવાની ચળવળ ચાલુ થઈ છે. ખ્રિસ્તી ધર્મમાં અત્યાર સુધી ઈશ્વરને ‘પિતા-Father’ રૂપે જ સંબોધવાની છૂટ હતી. હવે ઈશ્વરને ‘માતા-Mother’ રૂપે સંબોધવાની પણ પરવાનગી મળી ગઈ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં તો વૈદિકકાળના પૂર્વ સમયથી ઈશ્વરને માતારૂપે ભજવાની પરંપરા છે.

આ યુગ નારી-સ્વાતંત્ર્યનો, નારી-જાગરણનો છે. નારીઓ-માતાઓ દ્વારા એક નવા યુગનો પ્રારંભ થવાનો છે. એટલે આ યુગના અવતાર શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં નારી સન્માનનું-માતૃપૂજાનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. શ્રીરામકૃષ્ણદેવે વિભિન્ન ધર્મોની, વિભિન્ન માર્ગાેની સાધના કરી, પણ સાધનાનો પ્રારંભ શ્રીમા કાલીની પૂજાથી કર્યો. એક નારી ભૈરવી બ્રાહ્મણીને ગુરુરૂપે સ્વીકારીને તેમની પાસેથી ૬૪ તંત્રોની સાધના તેઓ શીખ્યા. પોતાનાં ધર્મપત્ની શ્રીમા શારદાદેવીની જગન્માતારૂપે ષોડશીપૂજા કરી અને પોતાની સર્વ સાધનાનું ફળ તેમનાં ચરણોમાં સમર્પિત કર્યું. સાથે ને સાથે તેમને સમસ્ત જગતની માતાના ઉચ્ચતમ આસને બિરાજમાન કર્યાં. ૧૮૮૬માં શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી ૩૪ વર્ષ સુધી શ્રીમા શારદાદેવીએ વૈશ્વિક માતૃત્વની લીલા કરી.

એકવાર શ્રીમા શારદાદેવીને એક ભક્તે પૂછ્યું, ‘મા, અન્ય અવતારોમાં તો જોવા મળે છે કે પહેલાં શક્તિનો તિરોભાવ-દેહાંત થાય છે, પરંતુ આ વખતે તો શ્રીઠાકુર પહેલાં ચાલ્યા ગયા, આમ કેમ થયું ?’ શ્રીમાએ ઉત્તર આપતાં કહ્યું, ‘દીકરા, શ્રીઠાકુર ઈશ્વરના માતૃત્વનો પ્રચાર કરવા મને પાછળ મૂકી ગયા છે.’

કેવી અદ્‌ભુત હતી આ માતૃત્વલીલા ! અમીરગરીબ, ઉચ્ચનીચ, પુરુષસ્ત્રી, આબાલવૃદ્ધ, સજ્જનદુર્જન, સંન્યાસીગૃહસ્થ, પાપીપુણ્યશાળી બધા પર નાતજાતના કે ધર્મના ભેદભાવ વિના કરુણારૂપી શ્રીમા શારદાદેવીએ અહેતુક કૃપા વરસાવી હતી. એમણે માતૃસ્નેહનું અમીવર્ષણ કર્યું હતું અને આજે પણ સૂક્ષ્મરૂપે એ અમીવર્ષણ તેઓ કરી રહ્યાં છે. એટલે જ તો અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાંસ, રશિયા, જપાન, હોલેન્ડ, બાંગ્લાદેશ જેવા દેશોમાંથી હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, યહૂદી, બૌદ્ધ, જૈન વગેરે ધર્મનાં લાખો નરનારીઓ શ્રીમા શારદાદેવીના સ્નેહપાશમાં બંધાઈ રહ્યાં છે.

ઘણાની એવી માન્યતા છે કે અમેરિકામાં સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણમાં જ વધારે શ્રદ્ધા ધરાવતા હશે. પણ થોડાં વર્ષો પૂર્વે અમેરિકાના હોલીવૂડની વેદાંત સોસાયટીના અધ્યક્ષ સ્વામીજીએ એક વાતચીતના પ્રસંગે જણાવ્યું હતું કે ત્યાં (અમેરિકામાં) ભક્તો શ્રીમા શારદાદેવીને વધુ ચાહે છે. એનું કારણ એ છે કે ત્યાંનો સમાજ Permissive – સ્વચ્છંદી છે. તેઓ એવું શરણ શોધે છે કે જ્યાં તેમને- પાપી, તાપીઓને આશરો અને સમાશ્વાસન મળી રહે. ‘હું સજ્જનોની પણ મા છું, દુર્જનોની પણ મા છું. બાળક જો કાદવથી ખરડાઈ જાય તો માતાએ જ તેને સાફ કરીને ખોળામાં લેવું પડે ને ?’ શ્રીમા શારદાદેવીની આ વાણી તેમને આકર્ષે છે. શ્રીમા શારદાદેવી ખોળો પાથરીને બેઠાં છે. સાથે ને સાથે જાણે કે સૌને આમંત્રણ આપી રહ્યાં છે, ‘આવો, આવો; પાપીતાપી, દુ :ખિયારાં બધાં આવો. હું તમારી મા છું, કહેવા ખાતરની મા નહીં, ફક્ત ગુરુપત્ની નહીં પણ હું તમારી સાચુકલી મા છું.’

આદિ શંકરાચાર્ય ‘અપરાધક્ષમાપન સ્તોત્ર’માં કહે છે, ‘કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ – પુત્ર કુપુત્ર ભલે થાય, પણ માતા કુમાતા ન થાય.’ શ્રીમા શારદાદેવીનું જીવન જાણે કે આ ઉક્તિનું સાક્ષાત્ પ્રમાણ છે.

એકવાર બેલુર મઠમાં સાધુબ્રહ્મચારીઓ ગંગામાં સ્નાન કરી રહ્યા હતા. બ્રહ્મચારી નગેનને એ લોકોએ કહ્યું, ‘આજે તો મહાપુરુષ મહારાજ તને બે પૈસા આપવાના છે.’ બ્રહ્મચારી નગેન ગભરાઈ ગયો. મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદજી)એ વખતે બેલુર મઠનો વહીવટ સંભાળતા હતા. કોઈ સાધુ બ્રહ્મચારી મઠના નિયમનું બરાબર પાલન ન કરે તો તેને બે પૈસા પકડાવી દેવામાં આવતા. ગંગા પાર કરવા માટે નાવમાં જવાનું ભાડું ત્યારે બે પૈસા હતું. અર્થાત્ મઠમાંથી તેમને કાઢી મૂકવામાં આવતા. બ્રહ્મચારી નગેન એટલો ડરી ગયો કે કોઈને કહ્યા વગર કપડાંલત્તા લીધાં વગર પગે ચાલીને શ્રીમા શારદાદેવી પાસે જવા જયરામવાટી રવાના થયો. લગભગ સીત્તેર માઈલનું અંતર કાપીને થાકથી લોથપોથ થઈ ગયો. જ્યારે જયરામવાટી પહોંચ્યો ત્યારે એનાં મેલાં કપડાં અને છૂટા વાળ જોઈને પહેલાં તો કોઈ સમજી પણ ન શક્યું કે એ બેલુર મઠથી આવ્યો હશે. પરિચય થતાં શ્રી શ્રીમાએ એને બે ધોતિયાં અને એક ઉપરણું અપાવ્યાં. સારી રીતે જમાડ્યો અને સ્વામી શિવાનંદજીને પત્ર લખાવ્યો, ‘ચિરંજીવી તારક, નાના નગેને કંઈ અપરાધ કર્યો છે, તેથી તું એને કાઢી મૂકીશ એ બીકે એ આખો રસ્તો પગે ચાલીને મારી પાસે આવ્યો છે. તો દીકરા, મા કોઈ દિવસ કંઈ દીકરાનો દોષ જુએ ખરી! એને કંઈ કહેતો નહીં.’ જવાબ મળતા સુધી એમણે નગેનને પોતાની પાસે સારી રીતે રાખ્યો. વળતી ટપાલે જવાબ આવ્યો, ‘નાનો નગેન આપની પાસે આવ્યો છે, એ જાણીને અમારી ચિંતા દૂર થઈ છે. અમે એને શોધતા હતા કે એ ક્યાં ગયો. એને મોકલી આપો. અહીં પૂજા કરનારનો અભાવ છે. એને હું નહીં વઢું.’ પત્ર મળતાં જ શ્રી શ્રીમાએ નગેનને બેલુર મઠ મોકલી આપ્યો. મઠમાં પહોંચતા જ સ્વામી શિવાનંદજી એને ભેટી પડ્યા અને કહ્યું, ‘બેટા, તું મારી વિરુદ્ધ ફરિયાદ કરવા હાઈકોર્ટ સુધી પહોંચી ગયો !’

જયરામવાટી પાસેના ગામના સેવક પૈસાદાર કુટુંબના એક ભણેલા યુવકે શ્રીમા પાસેથી દીક્ષા લીધી. તે એમની પાસે હંમેશાં આવતો. એની મદદથી ગામડામાં એક આશ્રમ પણ ખોલવામાં આવ્યો હતો. કમનશીબે એ પોતાની નજીકના સંબંધીની બાળવિધવાના પ્રેમમાં પડ્યો. બદનામીની વાતો હવામાં ઊડતી થઈ. થોડા વખતમાં જયરામવાટીના ભક્તોએ એ વિશે સાંભળ્યું. ગુસ્સે થઈને તેમણે શ્રીમા પાસે આવીને કહ્યું કે એને તેમની પાસે ન આવવા દેવો જોઈએ. સંતાનના કલંકની વાત સાંભળીને શ્રીમાને ઘણું દુ :ખ થયું. પણ એમણે કહ્યું, ‘મા થઈને એને હું આવતો કેવી રીતે રોકી શકું ! કઠોર શબ્દો મારે મોઢેથી નીકળશે જ નહીં.’ એટલે એ યુવકની અવરજવર પહેલાંની માફક ચાલુ રહી. મા તે મા !

શ્રીમા ‘ઉદ્‌બોધન’ ભવનમાં એક વખત પૂજાના ઓરડામાં હતાં ત્યારે તેમણે રુદનનો અવાજ સાંભળ્યો. બહાર જોયું તો એક યુવતી રડે છે. શ્રીમાએ પૂછ્યું, ‘તું કેમ રડે છે દીકરી, અંદર આવ.’ યુવતી વધુ જોરથી રડવા લાગી, રડતાં રડતાં કહ્યું, ‘મા, હું ચારિત્ર્યભ્રષ્ટ થઈ ગઈ છું. આપના પવિત્ર ઓરડામાં પ્રવેશ કરવાનો મને અધિકાર નથી.’ શ્રીમાએ તેને બાથમાં લીધી અને તેનો હાથ પકડીને પ્રેમથી ઓરડામાં લઈ આવ્યાં. તેમણે યુવતીનાં આંસુ લૂછતાં કહ્યું, ‘દીકરી, તને પસ્તાવો થયો છે, માટે ચિંતા ન કરીશ. ગઈગુજરી ભૂલી જા, આજથી તારો નવો જન્મ થયો છે.’ મા તે મા !

મઠનો ત્યાગ કરીને જતા એક સંન્યાસી શ્રીમાની વિદાય લેતાં રડી પડ્યા. શ્રીમાએ પોતાના પાલવથી એનું મોઢું લૂછીને મોં ધોઈ આવવા કહ્યું. પછી હેતથી બોલ્યાં, ‘મને ભૂલી ન જતો. તું ભૂલીશ નહીં એ હું જાણું છું છતાં કહું છું.’ સંન્યાસીએ કહ્યું, ‘મા, તમે મને ભૂલી જશો ?’ શ્રીમાએ કહ્યું, ‘મા તે કોઈ દિવસ સંતાનને ભૂલી શકે ? હું હંમેશાં તારી પાસે જ હોઈશ એ જાણજે. કંઈ ભય નથી.’ મા તે મા !

શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્ત સાધુ નાગમહાશય કહેતા, ‘બાપ કરતાં માની દયા વધુ છે.’ એટલે કે શ્રીઠાકુર કરતાં શ્રીમા શારદાદેવી વધુ દયાળુ છે.

સ્વામી વિવેકાનંદે સ્વામી શિવાનંદજીને પત્રમાં લખ્યું હતું, ‘મારે મન તો માતાજીની કૃપા પિતાની કૃપા કરતાં લાખોગણી કિંમતી છે. માતાની કૃપા, માતાના આશીર્વાદ મારે મન સાર્વભૌમ બાબત છે. મને માફ કરજો, પણ માતાજીની બાબતમાં હું જરાક અંધશ્રદ્ધાળુ છું.’

શ્રીમા શારદાદેવીએ એક વખત કહ્યું હતું, ‘જ્યારે તમે મુસીબતમાં હો ત્યારે યાદ રાખજો કે તમારી એક મા છે.’ શ્રીમા શારદાદેવીની જન્મતિથિ વિશ્વભરમાં આ વર્ષે ૨૮ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ ઉજવાશે. આ પ્રસંગે શ્રીમાનાં ચરણોમાં પ્રાર્થના કરીએ, ‘હે મા ! તમારી અમ પાસે એક જ અપેક્ષા છે કે અમે તમને યાદ કરતાં રહીએ. પણ અમે સંસારનાં રમકડાં રમવામાં એવાં ખોવાઈ જઈએ છીએ કે તમને સાવ ભૂલી જઈએ છીએ. તેમ છતાંયે તમે અમને ભૂલતાં નહીં અને અમારો હાથ પકડીને સન્માર્ગે લઈ જજો, જેથી ચિરકાળ તમારી ગોદમાં આશ્રય મળે.’

Total Views: 471

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.