रेवायां स्नानदानादि जपहोमार्चनादिकम् ।

यः कुर्यात् मनुजः श्रेष्ठः सोऽश्वमेधफलं लभेत्।।

રેવામાં સ્નાનદાનાદિ, જપ-હોમાદિ અર્ચના,

કરે જે જન પામે છે, સૌ ફલ અશ્વમેધનાં—.

નર્મદા પરિક્રમાવાસીઓમાં કહેવત છે, ‘એક નિરંજન, બે સુખી, ત્રણ ખટપટ અને ચાર દુ :ખી’ -પરિક્રમામાં એકલો ચાલનાર હંમેશાં સ્વાનંદમાં હોય છે. જો કે ક્યારેક ખતરનાક અને ભયજનક રસ્તાઓમાં એકલું ચાલવું જોખમ ભરેલું હોય છે. પરંતુ શ્રીશ્રીમા પરની શ્રદ્ધાથી બધી જ બાધાઓ અનાયાસે દૂર થાય છે. છતાં એક જ સ્વભાવવાળી બે વ્યક્તિઓ સાથે ચાલે તો રસ્તો સુખદ અને આનંદપ્રદ બની જાય. હું અને પી. સ્વામી ૧૭ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ સવારે શશાવડથી ચા પીઈને ‘નર્મદે હર’ના જયકાર સાથે નીકળ્યા. ગામને છેવાડે ટેકરી પર ભગવાન પરશુરામનાં માતુશ્રી રેણુકા દેવીનું મંદિર હતું. અમે દૂરથી ધજાનાં દર્શન કરીને આગળ વધ્યા. સવારના સૂર્યનારાયણનાં શીતળ કિરણો તથા ચારે તરફ આહ્લાદક વાતાવરણ હતું. રસ્તાઓની બાજુએ આવતી નૈસર્ગિક બોરડીઓ દ્વારા પ્રકૃતિ મૈયાએ અમારા પેટની ક્ષુધાને શાંત કરી દીધી. પાંચ-છ

કિ.મી. પછી લગભગ ૧૧ વાગ્યે લેપાઘાટ ગ્રામે પહોંચ્યા. ગ્રામમાં રામમંદિર હતું.

‘નર્મદા માર્ગદર્શિકા’ પુસ્તક પ્રમાણે નર્મદાતટે લાલબાબાનો આશ્રમ હતો એટલે અમે ત્યાં જવાનું નક્કી કર્યું. ગામના કેટલાક લોકોએ કહ્યું, ‘અહીં રામમંદિરમાં પણ પરિક્રમાવાસીઓની સેવા થાય છે.’ પરંતુ અમારે તો લાલબાબાના આશ્રમે જવું હતું. તેઓ અમારી તરફ આશંકાભરી દૃષ્ટિએ જોવા લાગ્યા. આગળ જેમને રસ્તો પૂછ્યો, તે બધા અમારી તરફ કુતૂહલ ભરી દૃષ્ટિએ જોવા લાગ્યા. કોઈએ અમારી સામે જોઈને કહ્યું, ‘તલવારવાળા બાબા!’ એમ કહીને રસ્તો બતાવ્યો. નર્મદાતટે આશ્રમમાં પહોંચ્યા. શાંત વાતાવરણ. મા રેવાનાં સુંદર દર્શન. ઘણી વાર ‘નર્મદે હર!’ ઉચ્ચાર્યું, પણ કોઈ આવ્યું નહીં. થોડીવાર પછી કમરે ગેરુઆ પહેરેલ મેલાઘેલા પરંતુ મજબૂત બાંધાના જટાધારીબાબાનો પ્રવેશ થયો. જાણે શિવધનુષના ભંગનો અવાજ સાંભળી સાક્ષાત્ પરશુરામ ન આવ્યા હોય! ‘નમો નારાયણ’ અને પ્રણામ કર્યા બાદ પરિચય આપ્યો. હું ગુજરાતથી અને બીજા મહારાજ મહારાષ્ટ્રથી આવ્યા છે, એમ જણાવ્યું. બસ વાત પતી ગઈ અને તેમને પહેલેથી જ મરાઠીઓ પર પૂર્વગ્રહ હશે એટલે મરાઠીઓની ચૌદ પેઢીનું શ્રાદ્ધ કરી નાખ્યું. એમની દરેક વાતોને ગાળોના ગળણામાં ગાળીને સાંભળી. અમને તો જાણે પુરાણપ્રસિદ્ધ દુર્વાસામુનિની ઝાંખી થઈ.

પી. સ્વામીના ધૈર્યને દાદ આપવી પડે. અમારી પાસે બીજો કોઈ ઉપાય પણ ન હતો. પછીથી સાંભળવા મળ્યું કે ગામ લોકો સાથે તેઓ વાતવાતમાં તલવાર કાઢતા. પ્રશાસન કે ગામના લોકો આ બાજુ ડોકાતા જ નહીં. ત્યારે અમને લેપાઘાટ ગામના લોકોની કુતૂહલભરી દૃષ્ટિનું સાચું ભાન થયું. બપોર થઈ ગયા હતા. જો કે અમે ભોજનની આશા છોડી દીધી હતી, પરંતુ મહારાજે અમને બંનેને ઘણાબધા સીંગચણા આપીને એ જ ખાઈને રવાના થવાનું સૂચન કર્યું. મહારાજ પોતાની કુટિયામાં અદૃશ્ય !

અમે પણ અલ્પાહાર કરી થોડીવાર વિશ્રામ કરી વેદાસંગમમાં પહોંચ્યા. વેદેશ્વર મહાદેવના પરિસરમાં જવાનાં દ્વાર ચાર વાગે ખૂલ્યાં. પથ્થરનું અતિસુંદર રમણીય મંદિર અને દૂર મા નર્મદા અને વેદા નદીના સંગમનાં દર્શન થતાં હતાં. સુંદર, સુમધુર અને નિર્જન સ્થાન હતું. આ સ્થાનને મર્કટતીર્થ પણ કહેવામાં આવે છે. ત્રેતાયુગની તેની પૌરાણિક કથા આ પ્રમાણે છે, ‘એક રાણી તેના આગલા જન્મમાં વાંદરી હતી. ત્યારે વેદા-નર્મદા સંગમ સ્થળે વૃક્ષોની ઝાડી હતી. એ ઝાડીના એક વૃક્ષમાં વાંદરીની ખોપરી ફસાઈ ગઈ હતી. શરીર સંગમમાં જઈ પડ્યું હતું. એના લીધે બીજે જન્મે એ સત્યસેન રાજાની શૃંગારવલ્લી નામે રાણી બની હતી. એનું મુખ તો વાંદરી એટલે મર્કટી જેવું હતું પણ, શરીર અતિસુંદર હતું. એક વાર એ રાણી વેદા-નર્મદા સંગમે આવી. વાંસમાં ફસાયેલ પૂર્વજન્મની ખોપરી પર ધ્યાન જતાં જ રાણીને પાછલા જન્મની સ્મૃતિ થઈ. એ સમયે અહીં સિદ્ધમહાત્માનો વાસ હતો. એમની સલાહથી રાણીએ પોતાની આગલા શરીરની પેલી ખોપરી સંગમમાં પધરાવી દીધી અને સ્નાન પણ કર્યું. એ સાથે જ રાણીને સુંદર રૂપ પ્રાપ્ત થયું.

આ સ્થળ કન્યાદાન કહેવાતું થયું. અહીં વેદાનો પ્રવાહ વેગથી વહેતો હતો. અહીં સ્નાન કરવાથી ચાંદરાયણ વ્રતનું ફળ મળે છે. વેદાકિનારે શ્રીમંકણક ઋષિએ દ્વાપરયુગમાં તપસ્યા કરી હતી. આસપાસના લોકોની વાત પરથી જાણવા મળે છે કે આ સંગમ સ્થળે કોઈ સિદ્ધમહાત્માનો આજે પણ ગુપ્ત વાસ છે. કોઈ કોઈને દર્શન પણ થયાની વાતો સાંભળવા મળે છે. આ તીર્થ સારસ્વતતીર્થ પણ કહેવાય છે.

આ પરમ-પવિત્ર સ્થળે વેદા અને નર્મદાના સ્ફટિક સમાન સુંદર કલકલ વહેતા જળમાં સ્નાન કરીને અમે પણ ધન્યતા અનુભવી. મંદિરના પ્રાંગણથી થોડે દૂર એકતરફ મકાનમાં એક સાધુબાબા રહેતા હતા. તેઓ વચ્ચે વચ્ચે બારીમાંથી અમને જોઈ રહ્યા હતા. પી. સ્વામી તેમની પાસે ગયા અને અમારા અહીંના રાત્રીવાસ માટે ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ તેમણે સ્પષ્ટ રીતે ચોખ્ખી ના પાડી દીધી. પી. સ્વામી એમની સાથે વિવાદમાં પડી ગયા. સેવા, ફિલોસોફીના તર્ક કરવા લાગ્યા. કોઈ અગમ્ય કારણને લીધે ત્યાં કોઈ રાત્રીવાસ કરી શકતું નહોતું. તેમણે અમને થોડે દૂર નવા સ્થપાયેલ આશ્રમ ‘વેદાંત વિલા’માં જવા માટે કહ્યું. જો કે તે મહારાજે અમને થોડાં ફળો અને એક મોટું પપૈયું ભિક્ષામાં આપ્યું. મંડળીમાં જ્યારે સાથે ચાલતા હોઈએ ત્યારે ઉપાડવાનું, સેવા કરવાનું નાનું મોટું કામ કરવાનું હોય છે. એ વખતે મંડળીના નરમ પ્રકૃતિના માણસ ઉપર જ આ બધું આવી પડતું હોય છે. એવી નરમ પ્રકૃતિનો તો હું પોેતે જ, એટલે પપૈયું ઉપાડવાનો ભાર મારી ઉપર જ આવી પડ્યો. આવે વખતે આપણી મનની પ્રકૃતિ અને વક્રતા સ્પષ્ટપણે બહાર આવીને ઊભી રહે છે અને ત્યારે મનની અણઘડ અવસ્થાને કારણે મારે એકલાએ આ પપૈયું ઉપાડવાનો ભાર જાણે પહાડ ઉપાડવા જેવો થઈ ગયો. અને આંતરિક બડબડાટ દ્વારા રોષ પ્રગટી ઊઠ્યો. વાસ્તવિક દૃષ્ટિએ આવી નાની મોટી સેવા કરવાનું કામ સદ્ભાગ્યે આવે. આપણું વેદાંત શીખવે છે કે દરેકની અંદર એ જ પરમાત્મા વિરાજી રહ્યા છે તથા નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરવી એ મા નર્મદાની જ સેવા કરવા સમાન છે. આવા ઉચ્ચ આદર્શાે એમ ને એમ રહી જતા હોય છે. જેને આ વિશ્વમાં કોઈપણ જાતનો સ્વાર્થ નથી એવા વિશ્વેશ્વર કરુણાપૂર્ણ ભગવાન આ વિશ્વબ્રહ્માંડનો ભાર સતત વહન કરે છે અને મારે માટે થોડા સમય માટે આ પપૈયાનો ભાર પણ ભારે થઈ પડ્યો! હાય રે મનની નબળાઈ! ત્યારે આપણને લાગે કે વાસ્તવિક ધર્મ અને આધ્યાત્મિકતાથી આપણે ઘણા માઈલ દૂર છીએ.

આખરે ‘વેદાંત વિલા’માં પહોંચી ગયા. અતિસુંદર સજાવેલો આશ્રમ. પણ ક્યાંય મંદિર નહોતું. ત્રણ-ચાર એકરમાં ફેલાયેલા આશ્રમમાં એક ખૂણા તરફ બે-મઝલાનું આધુનિક સજ્જતા સાથેનું ભવન હતું. ભવનની પાસે જ સિમેંટના પથરાથી બનેલા છાપરાવાળો વિશાળ હોલ હતો. હોલમાં અમે અમારાં આસન લગાવ્યાં. ઠાકુર-મા-સ્વામીજી અને મા નર્મદાને બેસાડી નિત્યક્રમ અને જપધ્યાન પૂરાં કર્યાં. ત્યાં સુધી ભોજનપ્રસાદ માટે તો કોઈ પૂછવા માટે આવ્યું જ ન હતું. વાતવાતમાં જાણવા મળ્યું કે અહીં તેજસ્વી અને પ્રભાવશાળી એવા સંજય ચૈતન્ય મહારાજ રહે છે. તેમણે ઘણા ભક્તોને લઈને સાઈકલ દ્વારા ભારતભ્રમણ કરેલ છે એવું જાણવા મળ્યું. તેઓ અવારનવાર પ્રવચન માટે બહાર જતા હોય છે. મોડી સાંજે અમને લોકોને ભોજનપ્રસાદ મળી ગયો. મહારાજ આશ્રમમાં જ હતા પરંતુ તેમનાં દર્શન કરવાની તક મળી નહીં. અહીં સામે જ મંડલેશ્વર પડે છે. સવારનો નિત્યક્રમ પતાવી નર્મદા-સ્નાન માટે ગયા. જ્યારે નર્મદા-સ્નાન કરીને પાછો આવતો હતો ત્યારે કેટલાંક નાનાં બાળકો બે-ત્રણ ગલુડિયાંને ખૂબ જ બેરહમીથી સતાવતાં હતાં. આ દૃશ્ય જોઈને ગંભીર બની તે બાળકોને સંબોધીને કહ્યું, ‘તમને કોઈ આવી રીતે પકડીને હેરાન કરે તો?’ આ શબ્દો સાંભળી બાળકો સ્તબ્ધ બની ઊભાં રહીને વિચારવા લાગ્યાં. એક બાળક બોલી ઊઠ્યું, ‘આ ગલુડિયાં અમારાં મરઘાં ખાઈ જાય છે.’ હવે હું વિચારમાં પડી ગયો. મેં નાનાં બાળકોને કહ્યું કે તમારે ગલુડિયાંને કહી દેવું જોઈએ કે અમારાં મરઘાં નહિ ખાઓ એટલે નહિ ખાય. એમ કરીને વાત વાળીને, વેદાંત વિલાએ આવી ત્યાંથી ‘નર્મદે હર!’ ના સાદ સાથે આગળ જવા માટે નીકળી પડ્યા.

આપણી અપેક્ષા જ આપણને ઘણું દુ :ખ આપતી હોય છે. આજે સવારના વેદાંત વિલામાં ચા મળ્યો ન હતો. આગળનું ગામ માંકડખેડા હતું. અમને એમ કે ત્યાં કંઈક ચાની વ્યવસ્થા થઈ જશે. કેટલા બધા લોકોએ અમને ત્યાંથી પસાર થતા જોયા! પરંતુ ચાની વાત તો દૂર રહી, કોઈ એ સામું જોયું પણ નહીં. અમે પણ બબડતા બબડતા ગામ પાર કરી આગળના ગામ કઠોરા પહોંચ્યા. અમારી ધારણા બંધાઈ કે માંકડખેડા અતિસ્વાર્થી અને ઉદાસીન ગામ છે. પરંતુ આગળ જતાં ઘણા પરિક્રમાવાસીઓના મોઢે માંકડખેડાના ગ્રામવાસીઓની સેવાનાં વખાણ સાંભળ્યાં હતાં. પણ જોયુંને આપણા મનનું! આપણને ચા ન મળી એટલે આ ગામ ખરાબ! આમ આપણે કોઈપણ વિષયવસ્તુ માટે નિર્ણય લેતાં પહેલાં ખૂબ સાવધાની રાખવી જોઈએ. (ક્રમશ 🙂

Total Views: 167

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram