કર્મના સંદર્ભમાં, તમારી અને મારી અંદર કર્મ કરે છે તે શું છે ? શ્રીકૃષ્ણ કહે છે કે આ ત્રણ ગુણો દ્વારા પ્રકૃતિ એ કરે છે. એટલે, ૨૭મો શ્લોક કહે છે :

प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः।

अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते।।27।।

‘પ્રકૃતિના ગુણો બધાં કર્મો કરે છે; અહંકારથી વિમૂઢ-મોહિત થયેલો માનવી માને છે : હું કર્તા છું.’

प्रकृतेः क्रियमाणानि गुणैः, આ બધાં કર્મો, પ્રવૃત્તિઓ ‘સત્ત્વ, રજસ અને તમસ એ પ્રકૃતિના ગુણોથી કરાય છે’, એમનો ક્રમચય અને સંધાન સમગ્ર બ્રહ્માંડનું સર્જન કરે છે. એ પ્રકૃતિએ જ બ્રહ્માંડના અને જૈવિક ઉત્ક્રાંતિના યોગ્ય ક્રમમાં આપણને ઉત્ક્રાંત કર્યા છે. યોગ્ય કાળે સૃષ્ટિના મંચ પર મનુષ્ય આવે છે. પ્રકૃતિની પ્રવૃત્તિઓ ચોમેર ચાલી રહી છે. એ શબ્દો છે, પણ આ બધી પ્રવૃત્તિઓ ઉપર મનુષ્ય પોતાનો હક્ક પ્રસ્થાપિત કરી દે છે. अहङ्कारविमूढात्मा , ‘અહંકારથી ઊભરાતો મૂરખ માનવી’, શું કહે છે ? कर्ताहमिति मन्यते, ‘એ માને છે, હું કર્તા છું.’ પ્રકૃતિએ આપણા સૌમાં થોડો અહંકાર મૂકયો છે અને અહંકાર બધાં કર્મો પર પોતાનો અધિકાર જમાવી દે છે. વાસ્તવમાં આપણી અંદર કે બહાર કર્મ કરનાર પ્રકૃતિ જ છે. આમ પ્રકૃતિ સૌથી વધારે પ્રભાવશાળી પરિબળ છે અને અર્વાચીન પાશ્ચાત્ય વિજ્ઞાન માને છે તેમ પ્રકૃતિ એટલે માત્ર બાહ્ય પ્રકૃતિ જ નહીં. વેદાંત માનવ-પ્રકૃતિનો પણ તેમાં સમાવેશ કરે છે; વેદાંતમાં માનવમાં પ્રકૃતિ એટલે બાહ્ય પ્રકૃતિ ને બુદ્ધિ દ્વારા પ્રગટતું પ્રકૃતિનું ઉચ્ચતર પરિણામ; નિમ્ન કક્ષાની અપરા પ્રકૃતિ અને ઊર્ધ્વતર કક્ષાની પરા પ્રકૃતિ વચ્ચેનો ભેદ ૭મા અધ્યાયના ૪, ૫ અને ૬ શ્લોકોમાં ગીતા ચર્ચશે. જગતનાં રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર મારામાં ને તમારામાં શરીરના જૈવિક રસાયણશાસ્ત્ર અને જૈવિક ભૌતિકશાસ્ત્ર તરીકે જોવા મળે છે. એને લઈને શરીરને કર્મનો પોતાનો તર્ક છે. એવું ઇન્દ્રિયતંત્રનું છે. પણ, ‘આપણે જ બધું કરીએ છીએ’, એમ આપણે માનીએ છીએ. ખરેખરી રીતે આપણે એ નથી કરતા. પ્રકૃતિ બધું કરવાને આપણને પ્રેરે છે. આ ગહન સત્યને આપણે સમજવું જોઈએ. તમારે ખાવું છે. તમે ખાવાનું પસંદ કરો છો એમ તમે માનો છો. પ્રકૃતિ તમને ખાવાની ફરજ પાડે છે. તમારાં અનેક કામનું પણ તેમ જ. એ સર્વ કરવા પ્રકૃતિ તમને પ્રેરે છે. આપણે લગ્ન કરીએ છીએ અને વંશવૃદ્ધિ કરીએ છીએ ત્યારે આપણે બાહ્ય પ્રકૃતિનાં સાધનમાત્ર છીએ એ કાર્લ યુંગનું કથન આપણે અગાઉ જોયું છે.

સમષ્ટિના ને વ્યષ્ટિના તંત્રમાં પ્રકૃતિ કેવું તો સમર્થ બળ છે તે આપણે સમજવું જોઈએ અને શ્રીકૃષ્ણ પછીથી કહેવાના છે, ‘પ્રકૃતિની આ શક્તિપ્રેરણાઓનો તમે સામનો ન કરી શકો.’ ઘણીવાર તમારે એને તાબે થવું પડે છે, એને ‘હા’ કહેવી પડે છે. પરંતુ સાથોસાથ પાશ્ચાત્ય વિજ્ઞાન જાણી લે કે માનવમુક્તિનું કેન્દ્ર બુદ્ધિ મનુષ્યમાં સ્થિત ઉચ્ચતર પરિમાણ છે. એનો આવિષ્કાર થાય છે ત્યારે આ બાહ્ય, ભૌતિક પ્રકૃતિની પાર આપણે જઈ શકીએ છીએ. બંને પ્રકૃતિ જ છે, એક અપરા, નીચલી કક્ષાની છે અને બીજી ઉચ્ચતર કક્ષાની તે પરા પ્રકૃતિ છે. બંને મળીને વિશ્વની સમગ્રતા થાય છે.

અહીં શ્રીકૃષ્ણ કહે છે, प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः, ‘સત્ત્વ, રજસ અને તમસ એ પ્રકૃતિના ગુણો બધાં કર્મો કરે છે.’ પરંતુ અહંભાવ, અભિમાન અને મગરુરીથી ભરેલો માનવી કહે છે, कर्ताहमिति मन्यते, ‘હું જ બધું કરું છું’, પ્રકૃતિ નિર્ધારિત અનેક પરિબળોથી માનવ-સ્વાતંત્ર્ય મર્યાદિત છે. ઉદાહરણ તરીકે આપણી જનીન રચના જ લો; એ પોતાની રીતે જ પ્રવૃત્તિ કરે છે; અહંના સ્વાતંત્ર્યને એ મર્યાદિત કરે છે. પ્રકૃતિમાં સ્થિત આ બધી શક્તિઓને અધીન મનુષ્યે રહેવું પડે છે.

આપણી અંદર કામ કરતાં પ્રાકૃતિક પરિબળોને આપણે જાણ્યાં સારાં. દા.ત. માનવચિત્તના અદ્યતન અભ્યાસો લો. અહંભાવની અધ્યક્ષતા હેઠળ જાગ્રત મન મુખ્યત્વે અવચેતન મન અને અજ્ઞાત મનની સેવામાં હોય છે ને એ સર્વ પ્રકૃતિ છે. જાગ્રત અહંભાવને એ પ્રકૃતિ આદેશ આપે છે પણ અહંભાવને લાગે છે કે ‘હું મુક્ત છું.’ આ જાણવું જરૂરી છે કારણ કે મુક્તિને માટે આશા હોય તો, આ સત્યને જાણ્યા પછી જ આપણે મુક્તિ મેળવી શકીએ અને બાહ્ય પ્રકૃતિથી મુક્ત થવાનાં જરૂરી પગલાં લઈ શકીએ અને આપણી પરા પ્રકૃતિનો સાક્ષાત્કાર પામી શકીએ.

આપણે અગાઉ જોયા પ્રમાણે દાખલો લો કે આપણે ખાઈએ છીએ, પીએ છીએ, આપણા દેહનો વિકાસ સાધીએ છીએ; આપણે નિશાળે પણ જઈએ છીએ, ગુણ મેળવીએ છીએ અને નોકરી મેળવીએ છીએ. પછી લગ્ન કરીએ છીએ, વંશવેલો વધારીએ છીએ, કુટુંબનું પાલન કરીએ છીએ; આમાનું ઘણું બધું પ્રકૃતિની લીલા જ જણાશે. પ્રકૃતિ તમને આ ને તે કરવાની ફરજ પાડે છે. માત્ર એમ જ બને છે. પણ તમારામાં આધ્યાત્મિક ચેતના પ્રકટે છે, ત્યારે પ્રકૃતિનાં આ કાર્યોને તમે નિયમમાં રાખી શકો છો અને તેમને નૈતિક તથા મૂલ્યલક્ષી બનાવી શકો છો. બધાં મૂલ્યોનો સ્રોત આત્મા છે, એમ વેદાંત કહે છે. તમારી પોતાની આધ્યાત્મિક જાગૃતિનો વિકાસ સાધી તમે આ કરી શકો છો. એમ ન બને ત્યાં સુધી બધું કેવળ પ્રકૃતિ છે. પ્રાણીઓમાં પ્રકૃતિ પૂર્ણ વર્ચસ્વ ભોગવે છે. મનુષ્યમાં આવી સ્થિતિ પ્રવર્તે ત્યારે એ પશુ છે. નરનારીઓમાં આ નાનો અહં, મુક્તિનું એક નાનું કેન્દ્ર ઉદ્ભવ્યું છે. પણ એ ઘણું નિર્બળ છે; એમાંનો મોટો ભાગ તો પ્રકૃતિ જ છે. (ક્રમશ 🙂

Total Views: 401

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.