હરિને ભજતાં હજી કોઈની

લાજ જતાં નથી જાણી રે…ના રચયિતા

સંત કવિ ગેમલજી પ્રેમલક્ષણા ભક્તિમાં એક પ્રવાહ ગોપીભાવે ઈશ્વરને ભજવાનો રહ્યો છે. તેમાં નરસિંહ, મીરાં, દયારામ, દાસીજીવણ મુખ્ય છે. આ પ્રવાહનો પ્રભાવ અનેક સંતકવિઓમાં પડયો છે. ગેમલજી આ ધારાના ભક્તકવિ હતા.

ગેમલજી ગરબી કવિ દયારામના સમકાલીન હતા. ગેમલજીની મોટાભાગની કાવ્યરચનાઓ ગરબી પ્રકારની છે. આ ગરબીઓમાં પ્રેમલક્ષણા ભક્તિનો મૂખ્ય સૂર સંભળાય છે. ‘હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે,’ એ એમનું લોકકંઠે ગવાતું અતિ લોકપ્રિય ભજન રહ્યું છે.

ગેમલજી ભાવનગર પાસેના તણસા ગામના રેલવે સ્ટેશનથી બે માઈલ દૂર નાનકડા ગામ કૂકડના રહેવાસી હતા. જ્ઞાતિએ ગોહિલ અટકના રાજપૂત હતા.

ગેમલજીના જીવનપ્રસંગો સાથે ભાવનગરના ઠાકોર વજેસિંહનું નામ જોડાયેલું છે. વજેસિંહ ઈ.સ.૧૮૧૬ થી ઈ.સ. ૧૮પર વચ્ચે થઈ ગયા તેથી ગેમલજીનો સમય પણ તેની આસપાસનો ગણાવી શકાય.

ગેમલજી શિકારના જબરા શોખીન હતા. ઊડતા પંખીને પાડે એવા નિશાનબાજ હતા. એક વખત ગેમલજી ખદપરની સીમમાં આવેલ કાંધી નામની ધારમાં શિકાર કરવા ગયા. ત્યાં એક સુંદર હરણી ચારો ચરતી હતી. તેના ઉપર દૃષ્ટિ પડતાં તત્કાળ ગોળી છોડી, હરણી મરણચીસ પાડી તરફડવા લાગી. ખદડપરના શિવમંદિરના પૂજારી મહંત હરિદાસજીએ જોયું, તેમનું હૃદય દ્રવી ઊઠ્યું, અંતરમાંથી હાયકારો નીકળી ગયો, ‘અરે પાપિયા, એક સાથે ત્રણ જીવ મારી નાખ્યા ? ’

ગેમલજી યુવાની, રાજપૂતી તોર અને શિકારના નશામાં કહે : ‘જા… જા… લંગોટા તને કોણ હડકારે છે?’ હરિદાસજી સમસમી ચાલ્યા ગયા. ગેમલજી હરણીને ઉખેળે છે. તો તેના ગર્ભમાંથી મરેલાં બે બચ્ચાં નીકળ્યાં, ગેમલજીને થયું કે બાવો દૂરથી હરણીને જોઈ ત્રણ જીવની વાત કરી શક્યો. એટલે તે સામાન્ય બાવો નથી. થઈ, થાવાની જાણતલ ભેદુ છે. હું જ અભાગ્યો મહાપાપી પેટને ખાતર શું કરી બેઠો ?

ગેમલજીનું હૃદયપરિવર્તન એક જ ઝાટકે થઈ ગયું. બંદૂકને ભાંગી કટકા કરી નાખ્યા, જાણે કે નિજી અહમ્ના ચૂરેચૂરા કરી નાખ્યા. હરિદાસ મહારાજ પાસે દોડતા ગયા. પણ હરિદાસે તેનું મોઢું જોવાની પણ ના પાડી દીધી.

હૃદયની ચોટ જ્યારે કરવટ બદલે, એક બહારવટિયો જ્યારે ભક્તિના માર્ગે ખાંડાના ખેલ ખેલવા તૈયાર થાય ત્યારે તેનો રંગ અજબ હોય છે. ગેમલજી ત્રણ દિવસ ને ત્રણ રાત ખાધા- પીધા સિવાય લાકડીની જેમ ઊભા રહ્યા, આંખમાંથી પસ્તાવાનાં ચોધાર આંસુડાં ને મુખમાં હરિનામનું સ્મરણ ચાલે છે.

હરિદાસજીને લાગ્યું કે ગેમલજીનો માંહ્યલો વિંધાઈ ગયો છે. લોઢું તપી ગયું છે. હવે ગુરુબોધનો ‘ઘા’ મારવા જેવો છે. ગેમલજીને મંદિરમાં બોલાવી ગુરુએ બોધ આપ્યો. ગેમલજીનો જીવ જમીન, ગરાસ અને સંસારની માયામાંથી છૂટીને ભક્તિના રંગમાં રંગાઈ ગયો. ગોપીભાવે પગમાં ઘૂંઘરું બાંધી ગોપાલની મૂર્તિ સામે નાચવા લાગ્યા. સમાજમાં અનેક જાતની મશ્કરી ને નિંદા થઈ, પણ આ હરિની દાસીને કોઈની પરવા ન હતી.

ગરાસની જમીનની વિઘોટી પંદર વષર્્ાથી સરકારને ભરવાની બાકી હતી. આથી દંડરૂપે ઘોઘાની જેલમાં જવું પડ્યું. ભક્તે જેલમાં પણ હરિભજન ચાલુ રાખ્યું. ત્યાં પથ્થરના બનાવેલા વાટકામાં ત્રણસો રૂપિયા મળી આવતાં તે સરકારમાં ભરી જેલમાંથી મુક્ત થયા.

ગેમલજીની એક દીકરી સોરઠમાં કેવદરા ગામે સાસરે હતી. ત્યાં તેઓ ગયેલા. આ કેવદરા ગામે જીવંત સમાધિ લઈ ગેમલજી હરિના ધામમાં ગયા.

ઓચિંતાના વૈરાગ જેને આવિયા રે, જેણે માયાનાં બંંધન છોડાવિયાં રે… ઓચિંતાના વૈરાગ …
વૈરાગ આવ્યો તે સવરી બાઈને રે, એઠાં બોર આરોગ્યાં પ્રભુ જઈને રે…ઓચિંતાના વૈરાગ …
ગુરુ પરતાપે ગેમલજી બોલિયા રે,મારા અંતરના પડદા ખોલિયા રે…ઓચિંતાના વૈરાગ …

તેમણે રચેલાં પદોના કેન્દ્રમાં ગોપીનો વિરહભાવ છે. ગેમલજીએ કેટલીક ઉપદેશાત્મક વાણીમાં નામસ્મરણનો મહિમા પણ ગાયો છે. પ્રભુને પ્રાપ્ત કરવાનો સરળ ઉપાય હરિભજન છે. જે કોઈ હરિભજન કરશે તે અવશ્ય હરિને પામશે, તેવી પરમ શ્રદ્ધા સંતોએ આપી છે. ગેમલજીનું અતિ લોકપ્રિય ભજન ‘હરિને ભજતાં હજુ કોઈની લાજ, જતાં નથી જાણી રે..’ ગામડાંની રાસ/કીર્તન અને ભજનમંડળીઓમાં ખૂબ જ પ્રિય રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હસ્તપ્રતભંડારમાંની હસ્તપ્રત નં.૩૪માંથી મળતી ગેમલજીની બે ગરબીઓ આજે પણ લોકહૈયામાં ગૂંજે છે :

હાં રે દાણ માગે કાનુડો દાણ માગે,
હાં રે તારી મોરલીમાં વેણા રસ વાગે…
કાનુડો દાણ માગે રે…

*****

હાં રે દાણ દેને મૈયારી દાણ દેને,
હાં રે તારા કંસ રાજાને જૈને કેને…
મૈયારી દાણ દેને…

 

Total Views: 468

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.