મેક્સિકો, કોસ્ટારિકાનું વતની પપૈયું સ્પેનીશ લોકો દ્વારા ફિલિપાઇન્સ પહોંચ્યું. ત્યાંથી પોર્ટુગીઝ લોકોએ મલાકાના ટાપુ પર પહોંચાડ્યું. ત્યાંથી ઈ.સ. ૧૬૦૦માં ભારત પહોંચ્યું. પપૈયાનું ૪૨% જેટલું ઉત્પાદન ભારતમાં થાય છે. પપૈયાના વૃક્ષને સૌ ઓળખે છે. ભારતમાં ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેનું વાવેતર થાય છે. મેરઠનાં પપૈયાં સુગંધ, સ્વાદ અને મીઠાશ માટે જાણીતાં છે. વોશિંગ્ટન પપૈયાં વધુ મીઠાં, લાંબાં અને મોટાં હોય છે. મધુબિંદુ કદમાં નાનાં હોય છે. મધ્યપ્રદેશનાં બડવાની પપૈયાં સ્વાદિષ્ટ, વધુ લાંબાં અને ચમકતી લીલી છાલવાળાં હોય છે. રાંચી પપૈયાંમાં બી ઓછાં અને માવો વધારે હોય છે. સીંગાપુરી પપૈયામાં બી ઓછાં, મીઠાશ વધારે હોય છે. પણ આપણે સૌએ કુદરતી રીતે ઝાડ પર પાકેલ અને સજીવ ખેતીથી તૈયાર થયેલ પપૈયાં ખાવાનો આગ્રહ રાખવો જોઈએ.

કાચાં પપૈયાનાં પોષક ઘટકો :

ભેજ-૯૨%, પ્રોટીન-૦.૭%, ચરબી-૦.૨%, ખનીજક્ષાર-૦.૫%, આહારરેષા-૦.૯%, કાર્બાેહાઇડ્રેટ્સ-૫.૭%, કેલ્શિયમ-૨૮ મિ.ગ્રા., ફોસ્ફરસ-૪૦ મિ.ગ્રા., લોહતત્ત્વ-૦.૯ મિ.ગ્રા., વિટામિન સી-૧૨ મિ.ગ્રા., સોડિયમ-૨૩ મિ.ગ્રા., પોટેશિયમ-૨૧૬ મિ.ગ્રા., વિટામિન બી કોમ્પલેક્ષ.

પાકાં પપૈયાનાં પોષક ઘટકો :

ભેજ-૯૦.૮%, પ્રોટીન-૦.૬%, ચરબી-૦.૧%, ખનીજક્ષાર-૦.૫%, આહારરેષા-૦.૮%, કાર્બાેહાઇડ્રેટ્સ-૭.૨%, કેલ્શિયમ-૧૭ મિ.ગ્રા., ફોસ્ફરસ-૧૩ મિ.ગ્રા., લોહતત્ત્વ- ૦.૫ મિ.ગ્રા., વિટામિન સી- ૫૭ મિ.ગ્રા., સોડિયમ- ૬ મિ.ગ્રા., પોટેશિયમ-૬૯ મિ.ગ્રા., વિટામિન એ – કુલ – ૨૦૦૦ થી ૩૦૦૦ આઈ.યુ., બીટા કેરોટિન – ૮૦૦ થી ૯૦૦ આઈ.યુ., મેગ્નેશિયમ-૧૧ મિ.ગ્રા., તાંબુ -૦.૨૦ મિ.ગ્રા., સલ્ફર -૧૩ મિ.ગ્રા., ક્લોરિન-૧૧ મિ.ગ્રા. ઉપરાંત એમિનો એસીડ- લાઈસિન, ટ્રિપ્ટોફેન-મેથીઓનાઈન. પપૈયાંનાં ક્ષીરમાંથી કુદરતી એન્જાઈમ ‘પેપેઈન’ મળે છે. આ ઉપરાંત એમાંથી બીજાં ઘણાં ઉપયોગી રસાયણો મળે છે.

કાચું પપૈયું પચવામાં હળવું, રૂક્ષ,તીક્ષ્ણ અને પચ્યા પછી તીખું થાય છે. એની તાસીર ગરમ છે. કાચંુ પપૈયું પિત્ત-વાયુનું શમન કરે છે અને થોડું કફ કર છે. ઔષધ તરીકે તેનાં ફળ, પાંદડાં-બીજ અને પાનનાં ડીંટમાંથી નીકળતું છીર-સફેદ પ્રવાહી-લેટેક્ષ દવામાં વપરાય છે.

કાચું પપૈયું પાચનક્રિયા તેમજ પ્રોટીનના પાચન માટે ઉપયોગી છે. ભૂખ લગાડે, છૂટથી પેશાબ લાવે, કબજિયાતને દૂર કરે છે. બીજ અને કાચું પપૈયું બહેનોના માસિકસ્ત્રાવને સાફ અને નિયમિત બનાવે છે. કૃમિકરમિયાંનો નાશ કરે છે. તેના બીજનો રસ વધેલ યકૃત અને બરોળની સારવારમાં ઉપયોગી બને છે. કાચું પપૈયું ગાઉટ નામના સાંધાના વાના દર્દમાં ઉપયોગી છે.

ડેન્ગ્યુ નામની માંદગીમાં પ્લેટલેટ્સ અને સફેદ કણો ઘટી જાય છે. પ્રયોગો દ્વારા પપૈયાનાં પાંદડાંનો રસ આ પ્લેટલેટ્સ અને સફેદ કણ વધારવામાં મદદરૂપ થાય છે. પપૈયાંનાં પાનની સારવાર ચિકિત્સકની દેખરેખ અને સલાહ પ્રમાણે લેવી. પેપેઈન નામનું તત્ત્વ પ્રોટીનને સરળતાથી પચાવે છે. તેનો પાઉડર આંતરડાં, હોજરીના રોગો, દાહ, અમ્લપિત્ત, હોજરીનો સોજો કે ચાંદાં, હોજરીનું કેન્સર, દૂધના અપચાની સારવારમાં પણ વપરાય છે. પાચનના વિકાર વિનાનું પપૈયું સર્વોત્તમ શાક કે ફળ તરીકે ઉપયોગી છે.

પપૈયાના પાનનો રસ મલેરિયા, ચિકનગુનિયા, વાઈરલ તાવ, સાંધાના દુખાવામાં ફાયદાકારક છે. સ્તન, ફેફસાં, યકૃત, સ્વાદુપિંડ, ગર્ભાશયના કેન્સરમાં પણ તે ઉપયોગી થાય છે. એક સંશોધન પ્રમાણે પપૈયાંમાંથી વિટામીન એ, ઈ અને સી ઉપરાંત અન્ય પચાસ જેટલાં અસરકારક કુદરતી કાર્યશીલ તત્ત્વો મળી આવ્યાં છે. આ બધાં ફૂગ, બેક્ટેરિયા અને કેન્સરના કોષોને નાથવાની ક્ષમતા ધરાવે છે. આ તત્ત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને જાળવી રાખે છે.

પપૈયાંમાં રહેલ કાર્પેનનો ઉપયોગ ‘ડિઝિટેલિસ’ તરીકે વિશ્વભરમાં ઓળખાતી અને સંસ્કૃતમાં ‘હત્પત્રી’ના નામે જાણીતી વનસ્પતિના સત્ત્વ ‘ડિગોક્સિન’ સમાન છે. એ લેવાથી ‘કેજેસ્ટિવ કાર્ડિયાક ફેલ્યોર’ અથવા ‘લેફટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર’ જેવી સ્થિતિમાં હૃદયના અનિમિયત અને અનિયંત્રિત ધબકારા નિયમિત અને નિયંત્રિત બને છે. હૃદયનાં ચારેય ખાનાંમાં વિશેષ કરીને ‘ડાબા ક્ષેપક’ પરનું દબાણ હળવું બને છે અને હૃદય ‘ફ્રેશ’ થઈ જાય છે.

પપૈયાનું છીર-ચીડ ચામડી પર સીધું લગાડતાં ખરજવું, દાદર, કણી, કપાસી, મસા, ઘા કે વ્રણ, દાઝ્યા પછીના ડાઘ પર ઉપયોગી થાય છે. કાચું કે પાકું પપૈયું ચહેરાના સૌંદર્યને નીખારે છે. લીંબુ મધ સાથે મેળવીને ફેશપેકની જેમ લગાવીને કે ઘસીને સારો અને ઝડપથી ફાયદો મેળવી શકાય છે.

પપૈયાના રસ અને મધના મિશ્રણને ગળામાં કોગળાની જેમ ફેરવી લેવાથી ગળાનો, સ્વરપેટીનો કે સાદો કાકડાનો સોજો કાબૂમાં લાવી શકાય છે. ગંભીર પ્રકારના ‘ડિપ્થેરિયા’માં આવતી ગળાની શ્લેષ્મકલાનો સોજો કાબૂમાં લાવી શકાય છે.

પપૈયાના ક્ષીરમાંથી મળતું ‘પેપેઈન’ લોહીમાં ગઠ્ઠો જામવાની ક્રિયાને રોકે છે. એને લીધે હૃદયરોગ કે લકવાની સ્થિતિ આવતી નથી. પણ જે લોકો લોહી પાતળું રાખવાની કે પ્લેટલેટનો ગઠ્ઠો ન જામે એની દવા લેતા હોય તો તેમણે પેપેઈન ન લેવું.

પપૈયામાંથી મળતાં વિવિધ દ્રવ્યોને કારણે તે સોફ્ટ ડ્રિંક્સ, જામ-આઈસ્ક્રીમ ફ્લેવરીંગ, ચ્યૂઈંગમ, સૌંદર્ય પ્રસાધન અને એલોપથીની પાચન માટેની ‘એન્જાઈમ’ ધરાવતી દવામાં પણ તેનો ઉપયોગ થાય છે.

કાચા પપૈયામાંથી તેના વતન વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓમાં હલવો કે શીરો બનાવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં પાકા પપૈયાનો શીરો બનાવવામાં આવે છે. પાકા પપૈયામાં સહેજ લીંબુનો રસ અને મધ ઉમેરતાં તે ગરીબ માણસો માટે ‘કેરીના રસ’ની ગરજ સારે છે.

પપૈયાનાં ઝાડ ૪ ફૂટથી માંડીને ૨૫-૩૦ ફૂટ સુધીની ઊંચાઈનાં જોવા મળે છે. તેનું થડ સીધું વધે છે. તેનાં પાન એરંડાના પાનને મળતાં આવે છે પણ સહેજ ઘેરા લીલા રંગનાં હોય છે. પપૈયાનું ફળ આકારમાં ગોળ, લંબગોળ કે લાંબા નળાકાર જેવું હોય છે. વજનમાં ૨૫૦ ગ્રામથી માંડીને ૩-૪ કિલો સુધીનાં હોય છે. કાચા ફળની છાલ ઘેરી લીલી હોય છે અને જેમ જેમ પાકે તેમ એ પીળા કે કેસરી રંગની થતી જાય છે. કાચા ફળમાં કે થડની છાલ પર ચીરો કરવાથી દૂધ જેવું ક્ષીર નીકળે છે. પપૈયામાં મરીના દાણા જેવાં સફેદ ચમકતાં પોચાં અને પુષ્કળ માત્રામાં બી હોય છે. વર્ષમાં બે વાર ફળ આપે છે. ફેબ્રુઆરી માર્ચ, પોષ કે મહા મહિનો એની મુખ્ય મોસમ છે. કેટલાંક ઓક્ટોબરમાં પણ પાકે છે. કેટલાંક પપૈયાં બારેમાસ ફળ આપે છે. પપૈયાની મીઠાશને તડકા સાથે સંબંધ છે એટલે જેટલો સૂર્યતાપ વધારે એટલી મીઠાસ વધારે.

 

Total Views: 338

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.