પ્રલંબાસુરનો વધ

શ્રીકૃષ્ણ અને બલરામજી ગ્વાલબાલ સાથે વ્રજમાં ક્રીડા કરી રહ્યા હતા. ગ્રીષ્મઋતુના દિવસો હતા. બન્ને ભાઈઓ વનમાં વિહાર કરવાની ઇચ્છાથી નીકળી પડ્યા. આગળ આગળ ગાયો ચાલે છે ને પાછળ પાછળ ગ્વાલબાલ. વચ્ચે પોતાના મોટાભાઈ સાથે વાંસળી વગાડતાં વગાડતાં શ્રીકૃષ્ણ ચાલે છે. બધાં આનંદમગ્ન છે. કેટલાક ગોવાળિયા નાચે છે, કેટલાક વળી પડકાર ફેંકીને કુસ્તી લડે છે. કેટલાકે તો રાગનો આલાપ પણ છેડી દીધો છે. જ્યારે શ્રીકૃષ્ણ નાચવા લાગ્યા તો કેટલાક ગોવાળિયા ગીત ગાવા લાગ્યા અને કેટલાક તો વાંસળી અને તૂરી બજાવવા માંડ્યા. કેટલાક તાળી વગાડીને તાલ દેવા લાગ્યા. એમના પગના રણઝણ કરતા મધુર સ્વર દૂર સુધી સંભળાવા લાગ્યા. આ બધાંથી આકર્ષાઈને મોરલાઓ પણ નજીક આવીને પોતાનાં પીંછાની કળા કરીને શ્રીકૃષ્ણની સાથે નાચવા લાગ્યા. તે વખતે તો જાણે આ પૃથ્વી પર સ્વર્ગ ન ઊતરી આવ્યું હોય તેવું વાતાવરણ જામ્યું.

જ્યારે આ બધા ગ્વાલબાલ આવી રીતે આનંદ ઉત્સવ માણી રહ્યા હતા ત્યારે ગોવાળિયાના વેશમાં પ્રલંબ નામનો અસુર ત્યાં આવ્યો. એ તો શ્રીકૃષ્ણનું અપહરણ કરવાના ઇરાદે આવ્યો હતો. પણ આ બનાવટી ગોવાળિયો શ્રીકૃષ્ણની નજરે છુપાઈ ન શક્યો. જોતાં જ શ્રીકૃષ્ણ એને ઓળખી ગયા. જાણવા છતાંય શ્રીકૃષ્ણે તેના મિત્રતાના પ્રસ્તાવને સ્વીકારી લીધો. તેઓ મનમાં ને મનમાં વિચારતા હતા કે કેવી પ્રયુક્તિ અજમાવીને તેનો વધ કરવો જોઈએ. ગોવાળિયાઓમાં સૌથી શ્રેષ્ઠ ખેલાડી અને રમતગમતના આચાર્ય તો શ્રીકૃષ્ણ જ હતા. એમણે બધા ગોવાળિયાઓને તેમનાં ઉંમર અને શારીરિક શક્તિ પ્રમાણે બે વિભાગોમાં વહેંચી દીધા. એક ટોળીનું નેતૃત્વ દાઉ એટલે કે બલરામને સોંપી દીધું અને બીજાનું નેતૃત્વ શ્રીકૃષ્ણે પોતે સ્વીકાર્યું. પછી તો એ બધા ઘણી રમતો રમ્યા. આવી એક રમતમાં એક દળના ગોવાળિયા બીજા દળના ગોવાળિયાને પોતાની પીઠ ઉપર ઊંચકીને ચોક્કસ સ્થાને લઈ જતા હતા. એમાં વિજેતાદળ પીઠ પર સવાર થતું અને હારનાર દળ એને પીઠ પર ખેંચી જતું. આ રીતે એક બીજાની પીઠ પર ચડાવતાં ચડાવતાં શ્રીકૃષ્ણ અને બીજા બધા ગોવાળિયા ભાંડીર નામના એક મોટા વડલા પાસે પહોંચી ગયા.

એક વાર બલરામજીના દળના શ્રીદામા, વૃષભ વગેરે ગોવાળિયાઓએ રમતમાં બાજી મારી ત્યારે શ્રીકૃષ્ણ વગેરે ગોવાળિયા બલરામના દળના ગોવાળિયાઓને પોતાની પીઠ પર ઊંચકીને લઈ જવા લાગ્યા. શ્રીકૃષ્ણે શ્રીદામાને પોતાની પીઠ પર ઊંચક્યો અને પ્રલંબે બલરામજીને ઊંચકી લીધા. પ્રલંબ તો બલરામજીને ઊંચકીને નિરાંતે ચાલતો હતો. એ તો બલરામને ઊંચકીને ઉતારવાના નક્કી કરેલા સ્થાનથી આગળ નીકળી ગયો. આમ તો બલરામજી ભારે પર્વત સમાન વજનવાળા હતા. એટલે એને લઈને પ્રલંબ બહુ દૂર ન જઈ શક્યો. જ્યારે એક સ્થળે રોકાયો ત્યારે એણે પોતાનું મૂળ દૈત્યનું રૂપ ધારણ કર્યું. એનો દેહ કાળો હતો, આંખો તો જાણે અગનના તીખારા કાઢતી હોય એવી હતી. દાઢીયે ઘણી બિહામણી હતી.

પ્રલંબ તો બલરામજીને લઈને આકાશમાં ઊડવા લાગ્યો. હવે બલરામજીને સમજાણું કે આ દૈત્ય એને મારી નાખવા ઇચ્છે છે. જેવી રીતે ઇન્દ્ર પોતાનું વજ્ર ચલાવે છે, એવી જ રીતે ક્રોધે ભરાઈને એ દૈત્યના માથા પર તેમણે એક ધૂંબો માર્યો. પ્રલંબ આ ધૂંબાનો પ્રહારને સહન ન કરી શક્યો. એના મુખમાંથી લોહી વહેવા લાગ્યું, એની ચેતના જતી રહી અને તે રાડ પાડીને પ્રાણહીન થઈ ગયો અને ધરતી પર જઈ પડ્યો. પ્રલંબની રાડનો અવાજ સાંભળીને શ્રીકૃષ્ણ અને ગોપસખાઓ ત્યાં આવી પહોંચ્યા. જોયું તો બલરામે પ્રલંબાસુરને મારી નાખ્યો હતો. આ જોઈને એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેઓ પ્રેમભાવથી બલરામને ભેટી પડ્યા અને ‘વાહ બલરામ વાહ !’ કહીને એની પ્રશંસા કરવા લાગ્યા.

 

Total Views: 436

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.