શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદજીના પ્રેરણાદાયી તેમજ આધ્યાત્મિકતાથી છલકતા વાર્તાલાપનું સ્વામી રાઘવાનંદ દ્વારા લિપિબદ્ધ સંકલન પ્રસ્તુત છે.

૧૫ જૂન, ૧૯૧૫

સ્વામી તુરીયાનંદ : સેવા કર્યા કરવાથી શું વળે? ઈશ્વર પ્રત્યે પ્રેમ વગર એ તો મજૂરી માત્ર છે. સેવાને તમે ઈશ્વરીય પ્રેમ વડે આનંદથી ભરપૂર બનાવી દો. ઉપનિષદમાં છે : ‘स्तब्ध अनूस्यूत’ સંપૂર્ણપણે વિલીન થઈને રહ્યો છે.

૧૬ જૂન, ૧૯૧૫

શ્રીરામકૃષ્ણ કથામૃતનો પાઠ થઈ રહ્યો છે. એક જગ્યાએ ઠાકુર કહે છે : સેવા દ્વારા ઈશ્વરપ્રાપ્તિ ન થાય એ સાચું નથી. સેવાકર્મ કરતાં કરતાં ચિત્તશુદ્ધિ થાય, ઈશ્વરપ્રાપ્તિ માટે વ્યાકુળતા આવે. એ વ્યાકુળતા આવવાની સાથે સાથે જ ઈશ્વરની કૃપા થાય. ત્યારે તેમનાં દર્શન થાય.

સ્વામી તુરીયાનંદ : આમ થોડુંક ધાર્મિક પુસ્તક વાંચ્યું, થોડુંક ધ્યાન કર્યું, એનાથી શું ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય? તેમના માટે વ્યાકુળ થવું પડે, પ્રાણ જાય-જાય એવી અવસ્થા થવી જોઈએ. ઠાકુરે અમને કહ્યું હતું, ‘જો, મારામાં વ્યાકુળતા હતી એટલા માટે માએ (શ્રીજગદંબાએ) બધી વ્યવસ્થા કરી દીધી હતી. આ કાલીવાડી અને મથુરબાબુ ભેગા થઈ ગયા. અહીં (પોતાના હૃદય તરફ ઇશારો કરીને) વ્યાકુળતા હોવી એ જ અસલ વાત છે. એમ થવાથી બધું જ મળી જાય.’ ભક્તિ સિવાય શું કોઈ ઉપાય ખરો?

સ્વામી શિવાનંદ : બીજું જોઈએ શું? ઈશ્વરના પાદપદ્મ ઉપર ધ્યાન કરતાં કરતાં બધી ઇન્દ્રિયો અંતર્મુખી થઈ જાય, મન એમનામાં તન્મય થઈ જાય. રામપ્રસાદે (અઢારમી સદીના બંગાળના એક પ્રસિદ્ધ સાધક અને કવિ. શ્રીરામકૃષ્ણ એમના દ્વારા રચિત ભજનો ખૂબ પસંદ કરતા.) કહ્યું હતું, ‘ભક્તિ જ બધાનું મૂળ છે.’ રામપ્રસાદ ઠાકુરના આદર્શ હતા. ઠાકુરે કહ્યું હતું, ‘રામપ્રસાદને દર્શન આપ્યાં અને મને દર્શન નહીં આપે?’ ઠાકુરની આ વખતનો ઉપદેશ છે જ્ઞાન મિશ્રિત ભક્તિ.

૨૦ જૂન, ૧૯૧૫

સ્વામી તુરીયાનંદ (સ્વામી શિવાનંદને સંબોધીને) : ‘જ્યારે હરિ કહેતાં કહેતાં અશ્રુધારા વહે, એ દિન ક્યારે આવશે!’ તમને શું રોવું આવે છે? (ઈશ્વરવિરહના દુ :ખથી) તમારી શું અવસ્થા છે કહો તો, શું હરિનામ કરવાથી અશ્રુપાત થાય છે?

સ્વામી શિવાનંદ : ઠાકુર પાસે જ્યારે જતો ત્યારે ખૂબ રોવું આવતું. એક દિવસ રાત્રે દક્ષિણેશ્વરમાં ગંગાના કિનારા પર જઈ તીવ્ર વ્યાકુળતાથી ખૂબ રડ્યો. એ દરમિયાન ઠાકુર મારા વિશે પૂછપરછ કરતા હતા કે તારક (સ્વામી શિવાનંદ) ક્યાં ગયો? જ્યારે હું ઠાકુર પાસે પાછો ફર્યો ત્યારે ઠાકુરે મને કહ્યું, ‘આવ બેસ. જો, શ્રી ભગવાન પાસે રોવાથી તેમની ઘણી દયા થાય. અને જન્મજન્માંતરની મનની ગ્લાનિ અનુરાગ-અશ્રુ દ્વારા ધોવાઈ જાય. ઈશ્વર પાસે રોવું ખૂબ સારું.’

બીજા એક દિવસે પંચવટીમાં બેસીને ધ્યાન કરું છું, ખૂબ જામી ગયું છે. એ સમયે ઠાકુર ઝાઉતલા તરફથી પાછા ફરે છે. જેવું તેમણે મારી તરફ ફરીને જોયું, સાથે જ મને ડૂસકાં ભરીને ખૂબ રોવું આવ્યું. ઠાકુર શાંતિથી ઊભા છે. મારું હૃદય ધબકી ઊઠ્યું અને ધ્રુજારી થઈ જાણે કે રોકાશે નહીં. ઠાકુરે કોઈને કહ્યું હતંુ કે આ રુદન કારણ વગરનું નથી, તારકને ઈશ્વરીય ભાવ થયો છે. થોડા સમય પછી ઠાકુરના ઓરડામાં જઈ હું એમની પાસે બેઠો. તેમણે મને કશુંક ખાવાનું આપ્યું. કુંડલિની જાગૃત કરવી એ તેમના માટે હાથની રમત હતી, સ્પર્શ કર્યા વગર માત્ર સામે ઊભા રહીને કરી દેતા!

૨૧ જૂન, ૧૯૧૫

સ્વામી તુરીયાનંદ : સ્વામીજીએ જ્યાં ‘હું’ કહ્યું છે, ત્યાં તેઓ ઈશ્વર સાથે એકરૂપ થઈ બોલ્યા છે. મનુષ્ય પોતે સુખી થવા માટે કેટલો સંઘર્ષ કરે છે. પરંતુ ઈશ્વરની કૃપા સિવાય શું કશું થાય? Freedom નો (સ્વાધીનતાનો) એક પ્રકાર છે, ઈશ્વર સાથે એકરૂપ થઈ રહેવું. અને બીજો પ્રકાર છે, તેમના શરણાગત થઈ રહેવું. ઈશ્વરથી અલગ આપણું Freedom of will (સ્વતંત્ર ઇચ્છા) બિલકુલ નથી.

હું ‘અમુક’ એ વાત ઉપર વિશ્વાસ પોતાને ભ્રમિત કરવાનો એક ઉપાય માત્ર છે. હું બધું જ જાણું છું એ ભાવ ખૂબ ખરાબ. આત્મવિશ્વાસ, આત્મપ્રત્યય એનો અર્થ એ પરમાત્મા ઉપર વિશ્વાસ. ‘હું જેવો છું, તેવો છું. હું એકવાર જે સમજ્યો છું તે ભલે મને કાપી નાખો કે મારી નાખો તોપણ ફરીથી એ સમજ બદલીશ નહીં’ – પોતાને આવી રીતે Important (મહત્ત્વના વ્યક્તિ) માનવું એ ખૂબ ખરાબ.

(એક સાધુને કહે છે) પ્રશ્નનો ઠીક ઠીક ઉત્તર આપજે. એક વખત જ્યાં ‘હા’ કહે ત્યાં ‘હા’ જ રહે. વાતો વારંવાર બદલાવે શું કામ? સાધુમાં સરળતા રહે. સાધુ બાળકની જેમ થઈને રહે.

 

Total Views: 335

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.