એક ઓગણીસેક વરસની ઉંમરના યુવાનને ઉદૃેશીને અને તેની સામે જોઈને ઠાકુર જાણે કે ખૂબ આનંદિત થઈને ઘણીયે વાતો કરી રહ્યા હતા. એ યુવાનનું નામ નરેન્દ્ર. કોલેજમાં ભણે અને સાધારણ – બ્રાહ્મોસમાજમાં આવ-જા કરે. તેની વાતો તેજસ્વી, આંખો ચમકતી, ચહેરો ભક્ત જેવો.

અનુમાને માસ્ટર સમજ્યા કે સંસાર વ્યવહારમાં રચ્યા પચ્યા રહેનાર સંસારી વ્યક્તિ સંબંધે વાત ચાલતી હતી. જેઓ ઈશ્વર ઈશ્વર અને ધર્મ ધર્મ કર્યા કરે તેમની એ લોકો નિંદા કરે. વળી સંસારમાં કેટલાય નઠારા લોકો હોય, તેમની સાથે કેવો વ્યવહાર રાખવો ઘટે, એ બધી વાતો ચાલે છે.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – નરેન્દ્ર ! તું શું કહે છે ? સંસારી લોકો તો કેટલુંય બોલે ! પણ જો, હાથી જ્યારે રસ્તામાં હોય, ત્યારે કેટલાંય પ્રાણીઓ તેની પાછળ પડે, પણ હાથી તેની સામું જુએ પણ નહિ. તારી જો કોઈ નિંદા કરે, તો તને કેવું લાગે ?

નરેન્દ્ર – હું માનું કે કૂતરાં હાઉ હાઉ કરે છે.

શ્રીરામકૃષ્ણ (હસીને) – ના રે ના, એટલું બધું નહિ. (સૌનું હાસ્ય) ઈશ્વર પ્રાણી માત્રમાં છે. પણ સારા માણસોની સાથે હળવું મળવું ચાલે; જ્યારે નરસા માણસોથી દૂર રહેવું જોઈએ. એમ તો વાઘની અંદર પણ નારાયણ છે; એટલે કંઈ વાઘને ભેટી પડાય નહિ ! (સૌનું હાસ્ય) જો એમ કહો કે વાઘ તો નારાયણ છે, તો પછી ભાગી શા માટે જવું? તેનો જવાબ એ કે જેઓ કહે છે કે ‘ભાગી જાઓ’ તેઓ પણ નારાયણ છે, તો તેમની વાત કેમ ન સાંભળવી ?

‘આ છોકરાને જુઓ છો ને ? એ અહીં એક પ્રકારનો. તોફાની છોકરો જ્યારે બાપની પાસે બેઠો હોય, ત્યારે જાણે કે ડાહ્યો ડમરો. પણ જ્યારે બહાર ચોકમાં રમે ત્યારે બીજી જ મૂર્તિ. એ બધા નિત્યસિદ્ધ – વર્ગના. એ લોકો સંસારમાં ક્યારેય બદ્ધ થાય નહિ. જરા ઉંમરલાયક થતાં જ જાગ્રત થઈ જાય; અને ભગવાન તરફ ચાલ્યા જાય. એ લોકો સંસારમાં આવે, પણ માત્ર લોકોને ઉપદેશ આપવા માટે. એમને સંસારની કોઈપણ વસ્તુ ગમે નહિ. એ લોકો કામ-કાંચનમાં ક્યારેય આસક્ત થાય નહિ.

વેદમાં હોમા પંખીની વાત છે. એ પંખી ઘણે ઊંચે આકાશમાં રહે. આકાશમાં જ એ ઈંડું મૂકે. એ ઈંડું નીચે આવતું જાય. પણ એટલે બધે ઊંચે હોય કે ઘણાય દિવસ સુધી તે નીચે ઊતર્યા કરે. એમ નીચે ઊતરતાં ઈંડું વચમાં જ સેવાઈને ફૂટી જાય. એટલે તેમાંથી નીકળેલું બચ્ચું નીચે જમીન પાસે આવતાં સુધીમાં તેની આંખો ઊઘડે અને પાંખો ફૂટે. આંખો ઊઘડતાં જ તેને દેખાય કે પોતે પડી જાય છે, જમીન પર પડશે તો એકદમ ચૂરેચૂરા થઈ જશે. એટલે તરત જ તે પંખી પોતાની મા તરફ સીધું દોટ મૂકે અને ઊંચે ચડી જાય.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત : ૧/૨૫,૩૦)

 

Total Views: 353

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.