મને યાદ છે કે ચનેટી સ્ટશને મને જિજ્ઞાસાથી જોવા આવનારની સંખ્યા વધી ગયેલી. બધાની આંખોમાં મારે માટે દયાભાવ દેખાતો. પણ વિચત્રતા એ હતી કે મેં ઘણી વાર કહ્યું છતાં કોઈએ મને પાણી ન આપ્યું! મારી સામે આંખો ફાડીને જોતા હતા અને મોં ઉપર સહાનુભૂતિ હતી, છતાં તેમનાં ભાવ અને વર્તનમાં સુમેળ ન હતો. તેને બદલે ઘણી વાર ‘ચ-ચ-ચ ! બિચારી !’ જેવા ઘણા ડચકારા મેં સાંભળ્યા.

કદાચ કોઈ સમજી નહોતું શકતું કે મને શું જોઈએ છે. આમ પણ બોલતી વખતે હું સ્પષ્ટ નહોતી અને કદાચ સરખું સંભળાય તેમ પણ બોલાતું નહોતું. ખેર, બરેલી સ્ટેશને પહોંચવામાં બહુ વાર ન લાગી. અહીં ગાર્ડના ડબ્બામાંથી સ્ટ્રેચર વડે મને ઉતારી અને પ્લેટફોર્મ ઉપર ખૂબ લાંબા સમય માટે મૂકી રાખી. ફરી એક વખત ટોળાં મને જોવા એકઠાં થયાં. મને સ્થિતિ ઘણી વિચિત્ર અને શરમજનક જણાતી હતી અને તેમની ખાલી દયાવાળી નજરથી ગુસ્સો પણ આવતો હતો.

બહુ સમય પછી એક લેડી ડોક્ટર આવી અને મને ઝડપથી તપાસી. એક કાગળ ઉપર તેણે કશુંક લખ્યું અને મને બરેલીની જિલ્લા હોસ્પિટલ લઈ જવા કહ્યું. કોઈએ એ ધ્યાન ન આપ્યું કે મને પ્લેટફોર્મની બહાર લઈ જાય. લગભગ બીજા બે કલાક ત્યાં જ વીતી ગયા.

શું એ લોકો ભૂલી ગયા હતા કે હું હજી જીવિત હતી ? શું મારા મૃત શરીર સાથે પણ એ લોકો આ જ રીતે વર્ત્યાં હોત ? મને તો લાગ્યું કે જો હું મૃત્યુ પામી હોત તો એ નિષ્પ્રાણ શરીર સાથે વધુ સન્માનીય વર્તન તેમણે કર્યું હોત. આપણા દેશની આ વિચિત્રતા ઉપર હસવાનું હું ખાળી ન શકી કે એક મૃત શરીરને જીવંત શરીર કરતાં વધુ સન્માન અપાય છે ! પાસે જ એક પોલીસ ઊભો હતો. મેં એને પૂછ્યું કે મને શા માટે હોસ્પિટલ લઈ જવાતી નથી, તો તેણે જવાબ આપ્યો, ‘કાગઝી કાર્યવાહી’, એટલે કે એ માટે હજી કાગળિયાં તૈયાર થઈ રહ્યાં છે.

મને પ્રત્યક્ષ અનુભવ ન થયો હોત તો આ ‘પેપરવર્ક’ શબ્દની આડઅસરોનો અર્થ મને સમજાયો ન હોત. આ એક બહાનું છે, કોઈ કાગળો ભરીને પોતાને સુરક્ષિત રાખવા પ્રયત્નો કરે છે, ભલે પછી તેને માટે તત્કાળ સારવાર જરૂરી હોય તેવા અકસ્માતોના ભોગ બનેલા દર્દીઓની સારવાર શરૂ કરવામાં વિલંબ કેમ ન થતો હોય. ઘણે સમયે લોકો આવ્યા અને મને એક ટેમ્પોમાં મૂકીને બરેલી જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ફરી મારે હવે જાણીતી બનેલી દયાની ઘણી ખાલી નજરોનો અને સામાન્ય પૂછપરછનો સામનો કરવો પડ્યો.

થોડા સમય બાદ મેં હોસ્પિટલના કર્મચારીઓને કહેતા સાંભળ્યા કે મારી હાલત ગંભીર છે. તેના ડાબા પગ ઉપર ઘૂંટણની નીચે તાકીદે ઓપરેશન કરવું પડશે. જમણો પગ પણ ખૂબ ભાંગ્યો છે. એના ઉપર શસ્ત્રક્રિયા કરવી પડે તેમ છે. આ અત્યંત ગંભીર કેસ છે, એટલે ઝડપથી કામ કરી નાખવું પડશે… એક જણ બોલતો હતો. થોડી વાર ચૂપ રહીને તેણે આગળ કહ્યું, ‘એક સમસ્યા છે કે આપણી પાસે કોઈ એનેસ્થેટિસ્ટ નથી !’

જિલ્લા હોસ્પિટલોની મુસીબતોથી આઘાત લાગે છે. તેમની પાસે પૂરતા ડોક્ટરો અને તાલીમબદ્ધ પરિચારિકાઓ નથી હોતાં. તેમની પાસે ઓપરેશનો માટે યોગ્ય સાધનો નથી હોતાં કે મારા જેવા કટોકટીના કેસ માટે બ્લડબેન્ક પણ નથી હોતી. આપણા દેશની સ્વાસ્થ્યસેવાના માળખાને ધરમૂળથી સુધારવાની બહુ જરૂર છે, ખાસ કરીને યુ.પી. જેવાં રાજ્યોમાં.

મને એ સમજાઈ ગયું કે મારા ડાબા પગને મારે વિદાય કરવો જ પડશે. મેં ઠરાવ્યું કે કોઈ એનેસ્થેટિસ્ટ ભલે ન હોય, હું તેના વિના પણ ઓપરેશન કરાવવાની જ છું. ‘સર, કોઈ એનેસ્થેટિસ્ટ ન મળતો હોત તોપણ કશો વાંધો નથી. તમે મારું ઓપરેશન કરી જ લો,’ મેં તેમને કહ્યું. એમના મોં ઉપર અત્યંત આશ્ચર્યનો ભાવ આવ્યો કે એક મારા જેવો દર્દી એનેસ્થેસિયાની સલામત આડશ વિના જ છરીના કાપા મુકાવવા ધારે છે! એ હોસ્પિટલના ફાર્માસિસ્ટ હતા બી.સી.યાદવ અને તેમણે મને કહ્યું કે એમ એનેસ્થેસિયા વિના શસ્ત્રક્રિયા અસહ્ય બનશે. તેમણે મને સમજાવવા કહ્યું, ‘શસ્ત્રક્રિયા વખતે દર્દીને પીડા ન થાય એ નિશ્ચિત કરવું બહુ જરૂરી હોય છે.’

ફાર્માસિસ્ટની વાત બરોબર જ હતી. મારી સહનશક્તિ જાણે એક રાતમાં જ ખૂબ વધી ગઈ હતી. ‘યાદવજી, ગઈ રાતે મેં તેનાથીય વધુ પીડા સહન કરી છે અને હું હજી જીવિત રહી છું ને ! એ વખતે તો આનાથીય વધુ ભયાનક સ્થિતિ હતી ! એની સરખામણીએ હવે તો સ્થિતિ ઘણી વધુ સારી છે. તો ચિંતા ન કરશો. સર્જરીની ગોઠવણ કરોે. હું તૈયાર છું.’ હું એટલા આત્મવિશ્વાસ સાથે બોલી હતી કે તેનો પ્રભાવ તેમના ઉપર પડ્યો. મેં ફરીથી તેમની ચિંતા માટે કહ્યું, ‘સર, પ્લીઝ કોઈ અપરાધભાવ ન રાખશો. એ પીડા મારાથી ચોક્કસ સહન થઈ શકશે. અને આ વખતે તો મને એ આશ્વાસન રહેશે કે આ પીડા મારા સારા માટે મને મળી રહી છે.’ યાદવજી એક દયાળુ વ્યક્તિ હતા. હું તેઓને કદી ભૂલી નહીં શકું. મારી વિનંતીને ધ્યાનમાં લેવાની પહેલ તેમણે જ કરી. સાથેના કર્મચારીઓ અને ડોક્ટરો સાથે તેમણે મસલત કરી અને થોડી ચર્ચા કર્યા બાદ અને થોડી સમજાવટ પછી બધા ઊંચા મનથી એમ કરવા સંમત થયા.

એક અંતરાય તો આમ હું પાર કરી ગઈ; ત્યાં બીજો અંતરાય મારી સામે ઊભો થયો. મને હવે લોહી આપનારા લોકોની તત્કાળ જરૂરિયાત હતી. આમ તો મારે ખૂબ લોહી જોઈએ તેમ હતું. પરંતુ ડોક્ટરોને ઓપરેશન માટે ઓછામાં ઓછું એક યુનિટ તો જોઈએ તેમ જ હતું. પરિવારજનો અને મિત્રો સિવાય આવા રક્તદાન કરનારા મળવા મુશ્કેલ હતા. વ્યવસાયી રક્તદાતાઓ હોય છે ખરા, પણ તેને આપવા માટે મારી પાસે પૈસા તો હતા નહીં. મારાં પરિવારજનો અને મિત્રો આવી રીતે રક્તદાન કરતાં, પણ અત્રે તેઓ હાજર ન હતાં. અત્યાર સુધી બચી હોવાથી મને થયા કરતું હતું કે આ અંતરાય પણ કોઈ ને કોઈ રીતે પાર થઈ જશે. હું જાણતી હતી કે કોઈ અનપેક્ષિત દિશામાંથી પણ મદદ આવી પહોંચશે. અને એમ જ થયું.. (ક્રમશ 🙂

 

Total Views: 353

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram