ભારતીય નારીનાં ઉત્થાન અને જાગૃતિમાં ભગિની નિવેદિતાનું પ્રદાન :-

આજનો દિવસ આપણા માટે અત્યંત મહત્ત્વનો છે. જેમના ભાગ્યમાં આજના આપણા આ કાર્યક્રમમાં પ્રત્યક્ષરૂપે આવવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે તે બધાં પરમ ભાગ્યશાળી છે. ભગિની નિવેદિતા એટલે કે પૂર્વાશ્રમનાં માર્ગારેટ એલિઝાબેથ નોબલનો આજે જન્મદિવસ છે. અને આજે અહીં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં એમની સાર્ધશાતાબ્દી અર્થપૂર્ણ રીતે ઉજવાય છે.

ભગિની નિવેદિતાનો જન્મ ૨૮ ઓકટોબર, ૧૮૬૭માં આયર્લેન્ડના ડુંગાન્નોનમાં થયો હતો. તેમનાં માત-પિતા ખૂબ સુપ્રતિષ્ઠિત, સુખી અને ખૂબ સુશિક્ષિત હતાં. એમના પરિવારના બીજા સભ્યો પણ ઘણા સુશિક્ષિત અને સામાજિક રીતે પ્રતિષ્ઠિત હતા. ભગિની નિવેદિતાનાં માતાની એક પ્રતિજ્ઞાનો અહીં ખાસ ઉલ્લેખ કરવા જેવો છે. માતા મેરી નોબલનું માર્ગારેટ પ્રથમ સંતાન હતું. એમની એવી એક પ્રતિજ્ઞા કે સંકલ્પ હતો કે પોતાનું પ્રથમ સંતાન સલામત રીતે જન્મે તો તે સંતાનને તેઓ ઈશ્વરના શરણે સમર્પિત કરી દેશે.

સ્વામીજીના ‘માનવસેવા એ જ પ્રભુસેવા’ ના આદર્શને પોતાના જીવનમાં સંપૂર્ણપણે ચરિતાર્થ કરીને માર્ગારેટમાંથી ભગિની નિવેદિતા બનેલ આ પુત્રીએ પોતાનું સમગ્ર જીવન લોકસેવા, નારીસેવા, નારીજાગૃતિ, નારીકેળવણી અને દરિદ્રનારાયણની સેવા માટે સમર્પિત કરી દીધું. આ સમર્પણની ભાવના અને સંકલ્પશક્તિ ભગિની નિવેદિતાને પોતાનાં માતા મેરી નોબેલના ગર્ભમાંથી પ્રાપ્ત થયાં હતાં.

એક બીજો ઉલ્લેખ પણ અહીં કરવો મને યોગ્ય લાગે છે. ૧૮૯૩ની શિકાગો વિશ્વ-ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની વિજયપતાકા લહેરાવી દીધી. હિન્દુ ધર્મનાં ઉદાત્ત તત્ત્વોએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું. આ ઐતિહાસિક ઘટનાના ૧૨૫મા વર્ષમાં મળનારી એક વિશ્વ-ધર્મપરિષદમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ, આપણા સૌના આત્મીય, ચિંતક સંન્યાસી સ્વામી નિખિલેશ્વરાનંદજી આપણી સંસ્કૃતિના જ્યોતિર્ધર રૂપે અમેરિકા જઈ રહ્યા છે. તેમના પ્રસ્થાનની પૂર્વસંધ્યાએ આપણા સૌની શુભેચ્છાઓ એમની સાથે જ છે.

આજે દિવસભર પોતપોતાના ક્ષેત્રના તજ્જ્ઞો ભગિની નિવેદિતા – એક મહાન કેળવણીકાર, આદર્શ શિક્ષક, નારી-સશક્તીકરણ અને ભારતને તેમણે આપેલ પ્રદાન તેમજ અન્ય વિષયો વિશે પોતપોતાનાં વિચારમંથનો રજૂ કરશે. એમાંથી તમને એક મહત્ત્વનું દિશાસૂચન અને માર્ગદર્શન મળી રહેશે, એમ હું માનું છું.

ભગિની નિવેદિતાએ પોતાનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને લંડનની એક ઉત્તમ શાળામાં શિક્ષિકા તરીકેની પોતાની કારર્કિદી આરંભી. અને એમણે પોતાના આ ક્ષેત્રમાં ઘણી મોટી નામના મેળવી. તેઓ ક્રાંતિકારી સમાજ સુધારક પેસ્ટાલોજીની પ્રાથમિક શાળાના શિક્ષણની પદ્ધતિથી ખૂબ પ્રભાવિત થયાં. તેઓ દૃઢપણે માનતાં કે શિક્ષણનો પાયો બાલસંસ્કાર છે. બાળપણથી જ બાળકને શિક્ષક દીક્ષિત અને પ્રશિક્ષિત કરે તો તેનો ભાવિનો પાયો વધુ મજબૂત બની જાય છે. આ સંદર્ભમાં એમણે ત્યાં નાટક, નિરીક્ષણ અને પ્રયોગશીલતાના માધ્યમથી બાળકોનું ઘડતર કરવાનું કામ શરૂ કર્યું. આ રીતે એમને શૈક્ષણિક ક્ષેત્રના એક સારા વિચારક રૂપે નામના પ્રાપ્ત થઈ. પછીથી સ્વામી વિવેકાનંદના વિચારો અને આદર્શાેથી ખૂબ પ્રેરાયાં અને સમર્પણની ભાવના સાથે એમણે પોનાના જીવનને એક નવો જ વળાંક આપ્યો. એ સાથે જાણે કે તેમના જીવનની કાયાપલટ થઈ ગઈ.

લેડી ઈઝાબેલ માર્ગેસનના નિવાસસ્થાને સ્વામી વિવેકાનંદ સાથે એમની પહેલી મુલાકાત થઈ. સ્વામીજી સ્પષ્ટપણે માનતા કે પ્રત્યેક રાષ્ટ્રે એકબીજા સાથે વૈચારિક આદાનપ્રદાન કરવું જોઈએ. અહીં વ્યાખ્યાનોમાં સ્વામીજીએ જ્ઞાનશક્તિ, કાર્યશક્તિ અને સમર્પણનો સંદર્ભસંબંધ કેવો છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યોે. માર્ગારેટ આ બધું ધ્યાનપૂર્વક સાંભળતાં. પછીથી એ વિશે તેમણે લખ્યું છે કે, ‘તેમણે સ્વામીજીનાં ઘણાં પ્રવચનો સાંભળ્યાં. તેમનું તેજસ્વી પ્રભાવક વ્યક્તિત્વ, તેમની અદ્‌ભુત આભા અને તેમનાં ચિંતન, મનન, વિચારોમાં રહેલાં આધ્યાત્મિક ઊંડાણોથી હું એટલી બધી પ્રભાવિત થઈ ગઈ કે મેં તેમનામાં પોતાના આધ્યાત્મિક ગુરુનાં દર્શન કર્યાં.’

સ્વામી વિવેકાનંદે ભારતની નારીના સંદર્ભમાં નિરૂપણ કરતાં કહ્યું કે ‘ભારતમાં એવી સંખ્યાબંધ સ્ત્રીઓ છે કે જે શાળાનાં પગથિયાં ચડી નથી. પણ, જીવન વિશેનાં એમનાં આંતરસૂઝ, આવડત અદ્‌ભુત છે. તેઓ પરમ સંતુષ્ટ જીવન જીવે છે.’ સ્વામીજીએ ભગિની નિવેદિતાને એ વિશે અભ્યાસ કરવાનું સૂચન કર્યું. તેમણે એમ પણ કહ્યું કે, ‘મારા દેશની મહિલાઓના ઉત્થાન માટેની મારી પાસે કાર્યયોજના છે. જો તમે એમાં પ્રવૃત્ત થાઓ તો સોનામાં સુગંધ ભળ્યા જેવું બની શકે.’

ભગિની નિવેદિતાએ સ્વામીજીના આ મહાન કાર્યમાં જોડાવાનો મક્કમ નિર્ધાર કર્યો. પણ એમને આ દેશની આબોહવા અનુકૂળ આવશે કે કેમ તે એક સમસ્યા હતી. વળી ભારતીય નારીની રહેણીકરણી, એમના ગમાઅણગમા, એમને કેળવણીના પંથે કેવી રીતે લઈ જવી એ ભગિની નિવેદિતા માટે એક મોટી સમસ્યા હતી. આમ છતાં પણ તેઓ સ્વામીજીના ભગીરથ કાર્યની પાછળ એક અડગ હિમાલયની જેમ પોતે ઊભાં રહે એવો મક્કમ નિર્ધાર કર્યો અને એમાં કયાંય થોડી ઘણી પણ પાછીપાની કે બાંધછોડ ન કરી, એ એમના સમર્પિત જીવનનું એક અદ્‌ભુત પાસું ગણી શકાય.

ભગિની નિવેદિતાએ ભારતમાં કરેલાં કાર્યોને આપણે ચાર વિભાગોમાં વહેંચી શકીએ : નારી- સશક્તીકરણ, દરિદ્રનારાયણની સેવા, રાષ્ટ્રિય કેળવણીની એમની આગવી સંકલ્પના અને ભારતમાં રાષ્ટ્રિય જાગરણની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવો. પશ્ચિમના સુવિધાવાળા વાતાવરણમાં ઊછરેલ અને એમની રહેણીકરણીથી ટેવાયેલાં ભગિની નિવેદિતાએ કોલકાતાના સામાજિક રીતે ગરીબ અને પછાત કહી શકાય એવા બાગબાઝાર વિસ્તારમાં રહેવાનું શરૂ કર્યું અને ત્યાં જ એમણે શાળાનો પ્રારંભ કર્યો. કોલકાતામાં ૧૮૯૯માં ફાટી નીકળેલા પ્લેગમાં પણ સ્વામી વિવેકાનંદની પ્રેરણાથી રામકૃષ્ણ મિશને રાહતસેવાકાર્ય શરૂ કર્યું અને તેમાં તેમણે મહત્ત્વની જવાબદારી વહન કરી.

તેમણે ભારતીય નારીઓના સશક્તીકરણ માટે નારીશિક્ષણને માધ્યમ બનાવ્યું અને ટાંચાં સાધનો સાથે મૌલિક પદ્ધતિએ પ્રયોગશીલ શિક્ષણ આપ્યું. પરિવ્રાજકરૂપે એમણે સ્વામીજી સાથે ભારતમાં વ્યાપક પરિભ્રમણ કર્યું. એનાથી પ્રજાજીવન, તેના રીતરિવાજો અને ભાવપ્રેમથી માહિતગાર થયાં. રાજનૈતિક ક્ષેત્રે સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, મહર્ષિ અરવિંદ જેવા ક્રાંતિકારીઓ સાથે સંપર્કમાં રહીને લોકોમાં રાષ્ટ્રિય ભાવનાને જગાડવાનો પરમ પુરુષાર્થ પણ કર્યો. ભારતીય કલા અને સંસ્કૃતિને સૂક્ષ્મ દૃષ્ટિએ નીરખીને તેના સાર્વત્રિક વિકાસ અને ઉત્થાન માટે પણ કાર્યો કર્યાં. ભારતમાં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્ષેત્રે સારો વિકાસ થાય એ માટે વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ સાથે ઘનિષ્ઠ સંપર્કમાં રહ્યાં અને એમને યોગ્ય સ્થાન મળે તેવા સક્રિય પ્રયાસો પણ કર્યા. પત્રકાર અને સિદ્ધહસ્ત સાહિત્યકાર તરીકે પણ તેમણે પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરી.

૧૩ ઓક્ટોબર, ૧૯૧૧ના રોજ દાર્જિલિંગમાં જન્મે આયરીશ અને કર્મે ભારતીય એવાં ભગિની નિવેદિતાનું નિધન થયું. ત્યાં એમના રચાયેલ સ્મારક પર આ પંક્તિઓ આપણને વાંચવા મળે છે.

…અહીં વિસામો છે…

રામકૃષ્ણ-વિવેકાનંદની

ભગિની નિવેદિતાના અવશેષોનો,

જેણે પોતાનું સર્વસ્વ ભારતને

સમર્પણ કરી દીધું.

…૧૩ ઓક્ટોબર, ૧૯૧૧…

 

Total Views: 877

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.